GHUGHA MALDHARI NI LUCHHI in Gujarati Love Stories by bharat chaklashiya books and stories PDF | ઘુઘા માલધારીની લૂછી

Featured Books
Categories
Share

ઘુઘા માલધારીની લૂછી

ઘુઘા માલધારીની 'લૂછી'
પરાણે પ્લેનમાં બેઠેલી લ્યુસીના જીવને ક્યાંય ચેન નહોતું..
"વ્હાય મોમ..વ્યાહ..? વ્હાય આઈ કાંટ મેરી હિમ..? આઈ લાઈક ઇન્ડિયા..આઈ લાઈક સાસન.....
આઈ લાઈક ઘુઘો...!
એની મોમ જેનીને આ બિલકુલ પસંદ આવ્યું નહોતું. દરેક માં બાપની જેમ લ્યુસીના માબાપ પણ બિલકુલ ખોટા નહોતા.ન્યુજર્સીમાં વિલિયમનો મોટો બિઝનેસ હતો..એકની એક દીકરીને ખૂબ જ લાડ કોડથી ઉછેરી હતી..સુખની છોળોમાં ઉછરેલી પોતાની વ્હાલસોઈ દીકરીને, કઈ માં દૂર દેશના જંગલમાં વસતા કોઈ શેફર્ડ સાથે પરણવા દે..?
જેનીની માંને મન ઘૂઘાની કોઈ વિસાત નહોતી. વિલિયમ તો સ્વભાવનો ખૂબ જ ટાઈટ હતો. જેનીને,લ્યુસીના મગજમાંથી ઘૂઘાનું ભૂત કાઢવાનું કહીને એણે તરત જ સિંહ સદનમાંથી અરજન્ટ ટીકીટ બુક કરાવી હતી.
અમેરિકાનું વ્યક્તિસ્વાતંત્રય લ્યુસીને પોતાની મરજીથી જીવવા ની છૂટ આપતું હતું.પણ માં બાપ તો દુનિયા આખીમાં સરખા જ હોય ને ! જેમ હાસ્ય અને રુદનની કોઈ ભાષા નથી હોતી એમ પ્રેમની કોઈ ભાષા નથી હોતી. પ્રેમ અને લાગણીઓ દુનિયાના દરેક પ્રદેશમાં એક જ ભાષામાં બોલાય છે, વ્યક્ત કરાય છે.પ્રેમ અને લાગણી ની ભાષા તો જનાવર પણ સમજી શકે એટલી કદાચ સરળ છે......
જીભ વડે બોલાતી ભાષા ભલે બાર ગાઉ પર બદલાઈ જતી હોય પણ આંખ વડે બોલાતી ભાષા આખી દુનિયામાં કયાંય બદલાતી નથી...
જેની અને વિલિયમ પોતાની પ્રાણ પ્યારી દીકરીનું સુખ વિચારે તો એક માં બાપ તરીકે એમનો શું વાંક ? નાદાન છોકરી જંગલના એક ગાઈડને,એક ઢોર ચરાવનારને દિલ દઈ બેઠી હતી..
લ્યુસીને સમજાવવાના અનેક પ્રયત્નો નીષ્ફળ ગયા.ગીરના જંગલની જિંદગીને જીવવી કેટલી દુષ્કર હોય છે એના ચિતાર એની સમક્ષ વર્ણવવામાં આવ્યા.. ડેડની દોલતમાંથી કશું'ય નહી આપવાની ધમકીઓ પણ બે અસર રહી..
આખો દિવસ એ પોતાના રૂમમાં ભરાઈ રહેવા લાગી.ઘૂઘાના ફોટા કે જે એણે પોતાના કેમેરામાં ક્લિક કર્યા હતા તે જોઈ જોઈને એ ઘૂઘાના વિરહમાં ઝુરવા લાગી..રડી રડીને એણે એણે પણ આંખો સુઝાડી દીધી..ન કોલેજ જવું..ન ક્યાંય બહાર નીકળવું..ન કોઈની સાથે વાત કરવી..બસ માય ઘુઘો..માય ઘુઘો..કરતાં કરતાં એના રૂમની ચાર દીવાલોમાં એની જાતને કેદ કરી લીધી..જીવતી લાશ જેવી બની ગયેલી પોતાની નાસમજ દીકરીનું હવે શું કરવું એ જ જેની અને વિલિયમને સમજાતું નહોતું.
દિવસો અને મહિનાઓ વીત્યા..ઇન્ડિયાથી આવતા મેસેજમાં ઘૂઘાની હાલતનું વર્ણન કરીને વારંવાર રિકવેસ્ટ કરવામાં આવતી હતી કે એકવાર આપ લ્યુસીને લઈને સાસણ આવો.. નહિતર અમારો લાડીલો ઘુઘો, એની પ્યારી "લૂછી"ના વિરહમાં એના પ્રાણ ત્યાગી દેશે..
આખરે સંતાન અને મા બાપની લડાઈમાં સંતાનની જીદ જ જીતે છે..સંતાનનું સુખ એ જ આખરે માં બાપને મન સુખ સમજવું પડે છે..લ્યુસીની બગડતી હાલતની દવા "ઘુઘો" જ છે એ વિલિયમ અને જેનીને આખરે સમજવું પડ્યું.
જ્યારે વિલિયમે પોતાની પ્યારી બેબીડોલના માથે હાથ મૂકીને કહ્યું
કે, "યુ વિન માય સ્વીટહાર્ટ..આઈ એમ સોરી...વેરી વેરી સોરી..આઈ એક્સેપ્ટ યોર લવ "ઘુઘો"..!
એ શબ્દો સાંભળીને લ્યુસીને જાણે કરંટ લાગ્યો.એ ઉછળીને એના ડેડના ગળે ચોંટી.ઉછેરીને આવડી કરી ત્યાં સુધીમાં ક્યારેય લ્યુસી આટલા જોરથી એના ડેડીને ગળે નહોતી વળગી..
"યુ આર ગ્રેટ ડેડી..આઈ લવ યુ...
મોમ..ડેડી ઇસ એગ્રી વિથ મી.."
ડેડીને છોડીને એ દોડીને મોમને પણ એટલા જ જોરથી વળગી પડી. એની ખુશી જોઈને બન્નેની આંખમાં આંસુ આવી ગયા.અને આટલા દિવસ સુધી પોતાની વ્હાલી દીકરી ઉપર સિતમ ગુજારવા બદલ પસ્તાઈ રહ્યાં..
લ્યુસીએ પણ પોતના રૂમમાં જઈને પોલીસને લખેલો લેટર ફાડી નાખ્યો..."માય પેરેન્ટ્સ હેવ પુટ મી ઇન ઘેર કસ્ટડી..આઈ વોન્ટ ટુ ગો ઇન્ડિયા..પ્લીઝ હેલ્પ મી.."
સિંહ સદનમાં જીપ આવીને ઉભી રહી..કિટલીવાળાએ લ્યુસીને જીપમાંથી ઊતરતી જોઈ અને એના તપેલાનો ચમચો ઉછળ્યો.
"એ..એ..ઘૂઘલાની લુછી આવી... ઇ..ઇ.."કહીને એ દોડ્યો..લખુભા અને અન્ય સફારીના ડ્રાઇવરો જીપને ઘેરી વળ્યાં,સિંહ સદનમાંથી ફોરેસ્ટ ઓફિસરો બહાર દોડી આવ્યા..જેણે પણ સાંભળ્યું એ તમામ લોકો દોડીને લ્યુસીને જોવા ટોળે વળ્યાં..ઘુઘાની દીવાનગી ગીરના નેસડે નેસડે..ગામડે ગામડે અને જંગલના એક એક ઝાડવે પહોંચી હતી..અને આખી ગીર ઘૂઘાની 'લૂછી' ની વાટ જોઈ રહી હતી.
ફોરેસ્ટ ઓફિસરોએ વિલિયમનો ખુબ ખુબ આભાર માન્યો.અને લ્યુસીના વિરહમાં ઘુઘાની જે દશા થઈ હતી એ ફરીવાર વર્ણવી..
વિલિયમ અને જેનીએ તરત જ લ્યુસીને ઘુઘા પાસે લઈ જવાની હા કહી..અને લખુભાએ સફારીનું સ્ટિયરિંગ સંભાળ્યું.. આજ આ સફારી જીપ હવામાં ઊડતી હોય, એવું લખુભા અનુભવી રહ્યો..
હિરણના પુલ પાસે ગાડી મૂકીને જંગલમાં જઈને દૂરથી ઘેઘુર વડલા નીચે આંખ બંધ કરીને પાવો વગાડતા ઘુઘાને જોઈને લ્યુસીએ દોટ મૂકી..સાથે ગયેલા બધા જ દૂર ઉભા રહી ગયા..એક બીજા વગર ઝુરી રહેલા બે યુવાન હૈયાઓનું મિલન જોવાનું સદનસીબ એ લોકોને થોડી જ વારમાં પ્રાપ્ત થવાનું હતું. એ બધાં આ અલૌકિક મિલનની એ ક્ષણો જોવા આતુર હતા.
ઘૂઘાની બંધ આંખોમાંથી આસું વહેતા હતા..એના પાવામાંથી પ્રેમના વિરહની હૃદયદ્રાવક સરવાણીઓ એ આંસુને વહેવામાં સાથ આપતી હતી..
"ઘુઘો...માય..ઘુઘો...." લ્યુસીએ ઘુઘા પાસે જઈને હળવેથી સાદ પાડ્યો.. એ સાદ સાંભળીને પાવા ના સુર અટક્યા..ધીરેથી ઘૂઘાએ આંખો ખોલી..આંસુના આવરણ
આડે હવામાં લ્યુસીની આકૃતિ દેખાઈ..ઘુઘાના રૂંવે રૂંવે આનંદની સેર ફૂટી..ઝાટકા સાથે એ ઉભો થઇ ગયો.."લૂછી...તું આવી....?" ઘુઘાએ આંખો ચોળી.."હાચો હાચ તું આવી..?"
લ્યુસી કૂદકો મારીને ઘુઘાના ગળે ચોંટી. ઘુઘાએ બેઉ હાથે એને ભીંસી નાખી..વધેલી દાઢી અને મૂછો પર હાથ ફેરવીને ઘૂઘાના હોઠ પર લ્યુસીએ તે દિવસની જેમ જ પોતાના હોઠ મૂકી દીધા..
લખુભા સહિત સાથે આવેલ સૌએ તાળીઓના ગડગડાટથી બન્ને પ્રેમીઓના મિલનની એ ક્ષણોને વધાવી લીધી..