Prem ke Pratishodh - 48 (Last part) books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 48 (અંતિમ)

પ્રેમ કે પ્રતિશોધ-48(અંતિમ)

(આગળના ભાગમાં જોયું કે અર્જુનની ચાલ કામયાબ થતા, તે વિકાસ એટલે કે પ્રેમ સુધી પહોંચી જાય છે. અને તેમની બંનેની લોકઅપમાં પુછપરછ કરી રહ્યો હતો.)

હવે આગળ...

રાજેશભાઈએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું,“બદલાની ભાવનાએ પ્રેમને ગાંડો કરી મુક્યો હતો. એને તો બસ રાધી અને તેના મિત્રો સાથે તેના અપમાનનો બદલો લેવા સિવાય કંઈ દેખાતું જ નહોતું. અને એ દરમિયાન જ એને દારૂ અને ડ્રગ્સની લત લાગી ગઈ. મેં તમને પહેલા કહ્યું તેમ તે જે દિવસે તેના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયો અને પછી નશાની હાલતમાં જ ત્યાંથી નીકળ્યો. અને હોટલ ગ્રીનવિલાથી લગભગ થોડોક જ આગળ વધ્યો ત્યાં રોડ પર સાઈડમાં એક યુવાન ઉભો હતો. એ પણ કદાચ કોઈ કામથી અમદાવાદ વાળા હાઇવે તરફ જવા માટે જ ઉભો હશે પણ પ્રેમ નશામાં ચકચૂર થઈને ગાડી ચલાવતો હોવાથી તેની નજર એ છોકરા પર ત્યારે પડી જ્યારે એકદમ લગોલગ આવી ગયો. પ્રેમે પણ તેને બચાવવા માટે સ્ટિયરિંગ ઘુમાવ્યું પણ ગાડીની ઝડપ જ એટલી હતી કે પ્રેમની કારની ઝપેટમાં એ છોકરાના માથામાં જ ટક્કર વાગીને ત્યાં જ તેનું મૃત્યુ થયું...
પ્રેમે શું કરવું કે શું નહીં? એવું કંઈ ન સૂઝતા મને ફોન કર્યો એટલે હું પણ ત્યાં દોડી ગયો.
પ્રેમે તો ત્યાંથી નીકળી જવાનું કહ્યું પણ મેં જ એને કહ્યું કે ઘણા લોકોને ખબર હશે કે તું આ રસ્તા પર ગાડી લઈને નીકળ્યો હતો. હું હજી આગળ વાત કરું એ પહેલાં તો પ્રેમે એ યુવાનનો બેગ તપાસવા લાગ્યો. બેગમાં થોડા કપડાં અને ડોક્યુમેન્ટની એક ફાઈલ હજી. પ્રેમે ફાઇલ ખોલી તેમાં ઘણા બધા પત્રકો અને અન્ય વિધાર્થી વિષયક ડોક્યુમેન્ટ હતા. પણ તેમાંથી એક અરજીની વિગતો વાળું ડોક્યુમેન્ટ તે ધ્યાનથી વાંચવા લાગ્યો. અને એની આંખોમાં ચમક ઉતરી આવી. અત્યાર સુધી ડરી ગયેલ પ્રેમના મગજમાં એક ખતરનાક ષડયંત્ર રચાયું હતું. એણે કહ્યું,“પપ્પા, આ છોકરાનું નામ વિકાસ છે. આગળ પાછળ કોઈ નથી એટલે અનાથ આશ્રમમાં જ તેનું ભરણ-પોષણ થયું હતું. અને અમુક માર્કશીટ જોતાં હોશિયાર લાગે છે. એટલે એ લોકોએ જ આને આગળ અભ્યાસ માટે સહાય આપી હશે. અને એનું એડમિશન પણ હું જે કોલેજમાં હતો ત્યાં જ થયું છે. તો હવે તો હું મારો બદલો લઈને જ જંપીશ"

“એટલે ત્યારે મેં પપ્પાને કહ્યું કે આપણે આ એક્સિડન્ટ બીજી વખત કરવો પડશે, અને એ એક્સિડન્ટમાં વિકાસની લાશને આગળ બેસાડીને એ રીતે અકસ્માત કરવો કે જેથી ઓળખાય નહીં કે પ્રેમ જ છે કે અન્ય કોઈ...."પ્રેમે રાજેશભાઈની વાત આગળ વધારતાં કહ્યું.

“પછી પ્રેમના કહ્યા પ્રમાણે એણે હોટલથી બે કિલોમીટર જેટલી આગળ કાર લઈ જઈને વિકાસને દ્રાઇવિંગ સીટ પર બેસાડી પ્લાન મુજબ અકસ્માત કરાવ્યો. પછી અમે બંને સાથે જ ઘરે ગયા. જ્યારે અકસ્માત સ્થળે મને બોલાવ્યો ત્યારે પણ મેં જ પ્રેમની ઓળખ આપી પણ પોલીસ ઓફિસર પી.એમ. માટે જ્યારે લાશ લઈ ગયા ત્યારે મને એમ લાગ્યું કે અમારો ભાંડો ફૂટી જશે પણ રીપોર્ટ બનાવનારને મોટી કિંમત આપી એનું મોઢું બંધ કરીને ખોટા રિપોર્ટ તૈયાર કરાવ્યા."

“લગભગ 3 મહિના માટે પ્રેમને ઘરેથી બહાર નહોતો નીકળવા દીધો, પછી વિકાસનું બેગ અમારી પાસે હતો એટલે એક સર્જન પાસે પ્રેમની સર્જરી કરાવી હૂબહૂ વિકાસ જ બનાવી દીધો.... આગળ તો તમે જાણો જ છો કે, ગિરધરે સેન્ડલ ચેન્જ કર્યા અને અજયને કોલ કરીને મેઈન ગેટ ખોલાવી એને પણ એના કર્મોની સજા મળી..."

“રાજેશભાઈ, તમે પુત્રપ્રેમમાં આંધળા થઈ ગયા, એ લોકો એ એવડી મોટી ભૂલ નહોતી કરી કે તમે એને કોઈ સજા આપો... અને આમ પણ કોઈને સજા આપવાનો અધિકાર નથી તમને, તમે કદાચ પ્રેમને રોક્યો હોત તો આજે અહીં મારી સામે લાચાર થઈને બેસવું ન પડત..., ખેર હવે બંને બાપ-દીકરાને અને ગિરધરને હત્યાના આરોપસર આકરામાં આકરી સજા થશે.."અર્જુને ખુરશી પરથી ઉભા થતા કહ્યું.

“ઓફિસર એ તો હું રાધીને પ્રેમ કરતો હતો...અને એણે મારુ જે અપમાન કર્યું તેની સજા...."પ્રેમ આટલું બોલી અટકી ગયો.

“એમ, તને શું લાગે છે તે પ્રેમ કર્યો કહેવાય, તું વિચાર આ શું હતું પ્રેમ કે પ્રતિશોધ?"અર્જુન આટલું કહી લોકઅપની બહાર ચાલ્યો ગયો.

થોડા દિવસો બાદ અદાલતમાં કેસ ચાલ્યો. પૂરતાં પ્રમાણિત પુરાવા અને ગિરધરની ગવાહી તેમજ રાજેશભાઈ અને પ્રેમે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો એટલે અદાલતને ન્યાય આપવામાં વધારે સમય લાગ્યો નહીં. ગિરધરને 14 વર્ષની સજા, રાજેશભાઈ અને પ્રેમને ઉમરકેદની સજા ફટકારવામાં આવી....
કેસના ચુકાદા પછી બીજા દિવસે રમેશ અર્જુન માટે ચાનો કપ લઈને કેબિનમાં પ્રવેશ્યો અને પછી કેસ સંબંધી થોડી ચર્ચાઓ કરી અને વિદાય લીધી. અર્જુનના ચહેરા પર કેસ સોલ્વ કર્યાની પ્રશંસા પણ હતી અને થોડું એ વાતનું દુઃખ પણ હતું કે અત્યારે નાની-નાની બાબતોથી પણ આટલા વિકરાળ અને ભયાનક પરિણામ આવી રહ્યા છે.....

આ બાજુ વિનય પણ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવીને ઘરે પહોંચી ગયો હતો. વિનયની ફેમીલી અને બધા મિત્રો તેના ઘરે હાજર હતા. તેમના માટે તો આ સૌથી આનંદદાયક ક્ષણ હતી. વિનયના રૂમમાં જ બધા વિનયની ફરતે ગોઠવાયને બેઠા હતા. હજી રાધી આવી નહોતી અચાનક ડોરબેલ વાગવાનો અવાજ સંભળાયો. માહીએ ઉત્સુકતાથી કહ્યું,“ ચલો ભાઈ આટલા વખતથી જેમની રાહ જોઈ રહ્યા હતા એ પણ આવી ગયા...." પોતાની વાત પૂર્ણ કરી એ દરવાજો ખોલવા માટે ઉભી થઈ બધા વિનયના ચહેરા સામે જોઈ રહ્યા હતા.
“આ માહી પણ....એવું કંઈ નથી.."વિનયે પોતાનો જુઠ્ઠો બચાવ કરતાં કહ્યું.
“વિનય તું આરામ કર, ચાલો આંટી આપણે બહાર બેસીએ.."દિવ્યાએ વિનયના મમ્મીને કહ્યું.
માહી અને રાધી વિનયના રૂમ સુધી નહોતા પહોંચ્યા ત્યાં તો બાકીના બધા જ બહાર હોલમાં આવીને બેઠા, એટલે પહેલાં રાધીને ત્યાં જવું ઉચિત લાગ્યું. એણે વિનયની મમ્મી પાસે જઈને વિનય વિશે પૂછ્યું એટલે એમણે જવાબ આપ્યો કે વિનય રૂમમાં આરામ કરે છે. અમે લોકો હમણાં જ ત્યાંથી આવ્યા છીએ.
દિવ્યાને તો જાણે જોતું હતું એવું બોલવાનો મોકો મળ્યો એટલે એણે પણ કહ્યું,“તું જા એને તબિયત પાણી પૂછવા હોય તો.."
માહીએ દિવ્યાની વાતનો જવાબ આપતાં કહ્યું,“તમે આમ હેરાન ન કરો હો...રાધી તું ચાલ આપણે બંને જઈએ..."
માહીએ રાધીને પહેલાં જ કહી દીધું હતું કે મારા પછી તું રૂમમાં અંદર પ્રવેશજે...
માહી અંદર આવી એટલે વિનયે અધિરાઈથી પૂછ્યું,“ક્યાં રાધી?"
“રાધી નથી આવી ભાઈ."માહીએ પણ ઉદાસ ચહેરે જવાબ આપ્યો.
વિનયના ચહેરા પર જાણે નિરાશા ફરી વળી.
“વિનય...."રાધી દરવાજે ઉભી હતી.
બંનેની મીટ મળીને રાધી ત્યાંથી દોડતી વિનય પાસે જઈને બાઝી પડી....માહીની ઉપસ્થિતિની પણ એને જાણ નહોતી રહી. અને માહીએ પણ બંનેના મિલનમાં ખલેલ ન પહોંચે એટલા માટે કઈ કહ્યા વગર જ ત્યાંથી બહાર આવી અને હોલમાં બધાની સાથે વાતો વગોળવા લાગી...

“મને તો એવું લાગ્યું કે હવે આપણે...." વિનય આગળ બોલવા જતો હતો ત્યાં રાધીએ તેના મુખ પર આંગળી રાખી... અને કહ્યું,“કઈ કહેવું જ નથી....બસ"
અને પછી એ રૂમમાં જાણે પ્રણય રૂપી પુષ્પો ખીલી ઉઠ્યા...


******
સાત વર્ષ પછી

“વિનય, હવે ઉઠો....આજના તો આઠ વાગી ગયા છે."રાધીએ વિનયે ઓઢેલું બ્લેન્કેટ ખેંચતા કહ્યું.
“અરે યાર તમારી સ્ત્રીઓની પ્રોબ્લેમ શુ છે. પુરુષ બિચારો થોડીવાર પણ શાંતિથી સુઈ ન શકે?"વિનયે આંખો ચોળતાં કહ્યું.
હજી બંનેની વાતચીત શરૂ જ થઈ હતી ત્યાં વિનયની બાજુમાં જ સુતેલી નાનકડી બે વર્ષની રુહીએ રુદન શરૂ કર્યું.
રાધીએ એને હેતપૂર્વક પંપાળીને કહ્યું,“ આ પણ બિલકુલ એના પપ્પા જેવી જ છે...સુવામાં થોડોક પણ ખલેલ પહોંચે તો જાણે મોટી ખોટ!"
ત્યાં તો વિનયે નજીક આવીને કહ્યું,“ઓય, મને જે કહેવું હોય તે કહી દે હો, બાકી મારી રુહીને તો કંઈ કહેવું જ નહીં...."
“હવે એ બધું છોડો આજે આપણે દિવ્યાને ત્યાં જવાનું છે. યાદ છે ને....."
“હા... મને ખયાલ જ છે."વિનય આટલું કહી અને બાથરૂમમાં પ્રવેશ્યો અને રાધી રુહી સાથે કાલી ઘેલી ભાષામાં વાતો અને સાથે સાથે પોતાનું ગૃહકાર્ય પણ જારી રાખ્યું.

લગભગ સવારના દસેક વાગ્યાની આજુબાજુ વિનયે પોતાની કાર મંદિરના પાર્કિંગમાં પાર્ક કરી અને પછી રાધી અને રુહી સાથે સીડીઓ ચડીને મંદિરે નતમસ્તક થઈ, મંદિરના પટરાંગણમાં પહોંચ્યા જ્યાં દિવ્યા બેઠી હતી. બંનેએ દિવ્યાની બાજુમાં જઈને બેસી ગયા. અંતે વિનયે મૌન તોડતાં કહ્યું,“દિવ્યા, આજે અજયની પુણ્યતિથી છે. અને ખરેખર મારા મિત્ર પર અને તારા એમ તમારા બંનેના પ્રેમ પર ગર્વ છે મને."
“કેવું ચાલે છે તમારું વૈવાહિક જીવન...?"રાધીની ઈચ્છાતો નહોતી પણ અનાયાસે જ મુખમાંથી પ્રશ્ન સરી પડ્યો.
“તમે જ વિચારોને, તે એ વ્યક્તિની પુણ્યતિથિનું કાર્ય કરે છે જે એની પત્નીને અનહદ ચાહતો હતો. તો મારે એનાથી વિશેષ કઈ ન જોઈએ...એ મારી ઈજ્જત પણ એટલી કરે છે. અને મને પ્રેમ પણ ખૂબ જ કરે છે."
તેમની વાતો પુરી થઈ ત્યાંતો નિખિલે નજીક આવીને કહ્યું,“મારા વખાણ નહોતા કરતાં ને?"
“અમે કઈ નથી કરતાં પણ તમારા પત્નીશ્રી ખુદ કરે છે ભાઈ, તું સુખી છો કે દિવ્યા આટલી શાંત છે... બાકી અમુક તો...."વિનયે જાણી જોઈને વાત અધૂરી મૂકી.
રાધીએ મોઢું મચકોડતાં કહ્યું,“હા આખી દુનિયાનું દુઃખ તો તમારા માથે જ તૂટી પડ્યું છે નહીં?"

ચારમાંથી એક પણ કઈ બોલે તે પહેલાં પાછળથી ચીતપરિચિત અવાજ સંભળાયો,“સુખી છો બંને, બંનેની પત્ની તો છે....અહીં તો એ પણ નથી...."
“આવો સુનિલભાઈ"દિવ્યાએ પાછળ ફર્યા વગર જ કહ્યું.
“હા બેન, હું જ દુઃખી છું. આંખી દુનિયામાં....."
“કેમ સુનિલભાઈ કોઈ મળી જ નથી આવડી દુનિયામાં?"રાધીએ પણ થોડાક હળવાશ ભર્યા સ્વરે કહ્યું.
“મળી હતી ચાર દિવસ પહેલા એક છોકરી...."
“પછી??"દિવ્યાએ ઉત્સાહથી પૂછ્યું.
“અરે થયું એવું કે એક છોકરીની એક્ટિવા સ્લીપ થઈ ગઈ તો, હું એને દવાખાને લઈ ગયો હતો..."
“એતો સારું કામ કર્યું ભાઈ, પણ કઈ ફાયદો થયો?"રાધીએ ફરી પ્રશ્ન કર્યો.

“એ તો એને દવાખાને લઈ ગયો, પછી એનો પતિ એને તેડવા આવ્યો એટલે આપણે તો માનવતા પરથી વિશ્વાસ ઉઠી ગયો....છોકરીઓએ આ મંગળસૂત્ર અને સિંદૂર કંપલસરી રાખવા જ જોઈએ"

બધા એકસાથે ખડખડાટ હસી પડ્યા...

(સમાપ્ત)

*******

નમસ્કાર મિત્રો,

આ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે મને સ્વપ્નમાં પણ એવી કલ્પના તો નહોતી જ કે આપ સર્વે દ્વારા આ નવલકથાને આટલો પ્રેમ અને સહકાર મળી રહેશે.

ખરેખર તમે લોકોએ જે વિશ્વાસ જતાવ્યો અને મને લખવામાટેનું મુખ્ય પ્રેરકબળ પૂરું કરનાર, અને માર્ગદર્શક લોકોનો ખુબ જ ધન્યવાદ....

બસ આમ જ તમારો સાથ-સહકાર હશે તો આનાથી પણ સારી સમજ કેળવી અને તમારી સમક્ષ સારું એવું સાહિત્ય પીરસતો રહું....

આભાર....