Hu raahi tu raah mari - 23 books and stories free download online pdf in Gujarati

હું રાહી તું રાહ મારી.. - 23

“એક માહિતી મળી છે.” શિવમના ફોનમાં મેસેજ આવ્યો. આ મેસેજ જોઈ શિવમના હાવભાવ બદલાઈ ગયા.આ વાત દિવ્યાબહેને નોંધી. દિવ્યાબહેને શિવમને આ વિષે પૂછ્યું ત્યારે ‘ઓફિસનો મેસેજ છે’ આમ કહી વાત વાળી લીધી પણ દિવ્યાબહેનને સમજાય ગયું કે નક્કી કઈક તો વાત છે.અત્યારે તેમને શિવમને વધારે કઈ ન પૂછવાનું રાખ્યું.પણ ઊંડે ઊંડે મનમાં જે શંકા હતી તે માટે તપાસ કરવાની ઈચ્છા થઈ.જોકે અત્યારે તો કઈ થઈ શકે તેમ ન હતું.
રાત્રે શિવમને વહેલી ટ્રેન હતી માટે ચેતનભાઈ ઓફિસેથી વહેલા આવી ગયા.બધા સાથે બેસીને જમ્યા પછી શિવમને છોડવા માટે સ્ટેશન તરફ ગયા.થોડીવારમા શિવમની ટ્રેન પણ આવી ગઈ.શિવમ પોતાની શીટ પર ગોઠવાય ગયો.
“મે કહ્યું તે વાત પર વિચાર કરજે.” ચેતનભાઈએ શિવમને સૂચના આપી.
“બેટા સંભાળીને જજે.પહોચીને ફોન કરજે અને જલ્દીથી પાછો આવજે.” દિવ્યાબહેને શિવમને કહ્યું.
આ સાથે શિવમની ટ્રેન રવાના થઈ.
*************************
“ હેપ્પી બર્થ ડે.” ના ફોન અને મેસેજ ૧૨ વાગવાની સાથે રાહીના ફોનમાં શરૂ થઈ ગયા.રાહીના મામી-પપ્પા અને ભાઈ પણ કેક લઈને રાહીના રૂમમાં આવી ગયા.રાહીનો બર્થ ડે હતો.રાહીનો ભાઈ સ્પેશિયલ રાહીના ફોટો પ્રિન્ટવાળી કેક રાહી માટે લાવ્યો હતો.રાહીએ કેક કાપી તેના પરિવારને ખવડાવી. ૧ વાગતા સુધીમાં બધા મિત્રોના ફોન મેસેજ આવી ગયા અને હવે તેના પરિવારના સભ્યો પણ પોતાના રૂમમાં સુવા માટે ચાલ્યા ગયા.રાહી હજુ કોઈ ખાસ વ્યક્તિના મેસેજની કે ફોનની રાહ જોતી હતી.પણ જ્યારથી તે ઘરે ગયો પછી તેની કોઈ ખબર જ નહોતી.રાહી મનોમન વિચારવા લાગી.
“માન્યું કે ઘરે છે પણ આવો તે શું વ્યસ્ત કે મને એક ફોન ન કરી શકે.ભલે વાત ન કરે કઈ પણ માત્ર બર્થ ડે ની તો શુભેચ્છા આપી શકે ને??” રાહી મનોમન ચિડાય ગઈ.પછી તેને જ યાદ આવ્યું કે તેની અને શિવમ વચ્ચે તેનો જન્મદિવસ છે તે કોઈ વાત જ નથી થઈ. રાહી મનોમન જંખવાય ગઈ.તેને શિવમની યાદ આવી રહી હતી. જો કે શિવમને યાદ કરવો તે રાહીનું રોજનું કામ બની ગયું હતું.રાહીએ વોટ્સએપ ખોલી શિવમનું એકાઉન્ટ જોયું.શિવમ ઓફલાઇન હતો.પછી તેને શિવમનો પ્રોફાઇલ ફોટો જોયો.મનોમન તેની સાથે વાતો કરી.
“ તારી ખૂબ જ યાદ આવે છે.પણ શું કરું? તને ફોન પણ થઈ શકે તેમ નથી.રાજકોટ હોત તો હજુ પણ હિંમત કરી તને ફોન કરી લેત પણ અત્યારે તું ઘરે છો.તે પણ નથી ખબર કે ક્યારે પાછો ફરીશ? સાચે જ ખૂબ યાદ આવે છે તારી.જ્યારથી તું ઘરે ગયો ત્યારથી તો ખૂબ જ. સારું થયું ને કે તું ઘરે ગયો.બાકી મને ક્યારેય ન ખબર થાત કે હું તને ચાહવા લાગી છું. હા જો કે આ પ્રેમને હજુ ઘણો સમય પણ નથી થયો.મને પણ હમણાં જ બે દિવસ પહેલા ખબર પડી.પણ તને કેમ કહું? કેમ કહું કે..હું તને ચાહવા લાગી છું. બધા મિત્રોની અને પરિવારની શુભેચ્છા છતાં હું તારા એક મેસેજની રાહમાં સૂઈ પણ નથી શક્તી.પણ હું ખૂબ પાગલ છું.તને જણાવ્યા વગર જ તારી પાસે શુભેચ્છાની આશા રાખું છું.પણ તને સામે ચાલીને કેમ જણાવવું હવે તું જ મને જણાવ.” રાહીએ શિવમના ફોટો પર હાથ ફેરવતા કહ્યું.
રાહીએ ફોન બંધ કરી બાજુએ મૂક્યો અને સુવાની કોશિશ કરી. પછી તેને કઈક વિચાર આવ્યો અને તરત જ પોતાના બર્થડે કેકના ફોટો સ્ટેટસમાં મૂક્યા.
“હું ન કહી શકું તો શુ થયું? મારા સ્ટેટસ તો તારી તને જણાવી જ દેશે.”રાહીએ મનોમન વિચાર્યું.
રાતના ૨:૦૦ વાગી રહ્યા હતા.રાહી ફોન બાજુએ રાખીને સૂઈ ગઈ. વહેલી સવારે ૫:૦૦ વાગ્યે ટ્રેન રાજકોટ સ્ટેશન પર આવીને ઊભી રહી.રાતનો આરામ થઈ ગયો હતો.આથી શિવમ ખૂબ થાક્યો ન હતો.શિવમ પોતાના ઘરે પહોચ્યો.ત્યાં જ સિક્યુરિટીએ તેને એક કારની ચાવી આપી.શિવમ થોડો મુંજાયો.આથી સિક્યુરિટીએ એક નવી નકોર હમણાં જ શો રૂમમાંથી ખરીદેલી કાર તરફ ઈશારો કર્યો અને કહ્યું કે તમારા પપ્પાએ તમને ફોન કરવા કહ્યું છે.શિવમે તરત જ તેના પપ્પાને ફોન કર્યો.
“જય શ્રી કૃષ્ણ પપ્પા. હું રાજકોટ પહોચી ગયો.સિક્યુરિટીએ મને એક નવી જ કારની ચાવી આપી.” શિવમ.
“જય શ્રી કૃષ્ણ બેટા,તે નવી કાર તારા માટે મારા અને તારા મમ્મી તરફથી ભેટ છે.જોઈને કહે કે કેવી લાગી ભેટ?” ચેતનભાઈ.
શિવમ કાર પાસે ગયો અને જોયું.
“પપ્પા આ કાર તો મને ગમતા મોડલની છે.અને કલર પણ ખૂબ સરસ છે.મને ખૂબ જ ગમી તમારી અને મમ્મી તરફથી આપેલી ભેટ. આભાર.” શિવમે ખુશી અને આશ્ચર્યની લાગણીથી કહ્યું.
“ચાલ હવે આભાર વાળા. દીકરા તે કોઈ દિવસ આભાર ન કહે.” ચેતનભાઈ.
“ પપ્પા ખરેખર આ ભેટ ખૂબ જ સરસ છે. પણ આમ અચાનક આ કાર ભેટમાં ..?” શિવમ.
“હા તારા મમ્મી કહેતા હતા કે તું ત્યાં બાઇકનો ઉપયોગ કરે છે.મને થયું વાતાવરણના લીધે તારે નોકરી પર જવામાં કોઈ મુશ્કેલી ન થાય માટે મને થયું કે તારા માટે એક કાર ખરીદી લઉં.જો હવે આ બાબતે મને કોઈ આનાકાની ન જોઈએ.”ચેતનભાઈ.
“ઠીક છે પપ્પા.” શિવમ ખુશ થતાં બોલ્યો.
“ તો જા હવે એક ચક્કર લગાવીને જો તો ખરો કે કાર કેવી લાગી?” ચેતનભાઈ.
“ઠીક છે પપ્પા.હું એક ચક્કર લગાવી આવું.પછી વાત કરું.બાય.” શિવમે ફોન મૂકી દીધો.
પછી એક ચક્કર લગાવી આવ્યો.પછી થયું નવી કાર સાથેના ફોટા સ્ટેટસમાં રાખું.પપ્પા પણ ખુશ થશે.આથી તેને થોડા કાર સાથેના ફોટા સ્ટેટસમાં લગાવ્યા.ફોનમાં જોયું તો રાહીએ પણ કઈક સ્ટેટસ લગાવ્યું હતું.ઓહહ ..રાહીને તો કહેવાનું જ રહી ગયું કે હું રાજકોટ આવવાનો હતો.ત્યારપછી મે તેને એક ફોન પણ કર્યો નથી.શિવમને તરત જ રાહીને ફોન કરવાનો વિચાર કર્યો.પણ સમય હજુ વહેલી સવારનો હતો તો ફોન પણ કેમ કરવો?થોડો મોડેથી કરીશ અને આમ પણ મારુ સ્ટેટસ જોઈ તે પોતે જ મને ફોન કરશે.આમ વિચારી શિવમે ફોન બંધ કરી દીધો.
રાહી ઉઠી.તરત જ તેણે ફોન જોયો.ઘણા બધા મિત્રોના વહેલી સવારે જ મેસેજ અને ફોન પણ આવેલા. સવારના 6:00 વાગી રહ્યા હતા.બરાબર 6:00 વાગ્યે રાહીની આંખ ખૂલી ગઈ.તરત જ તેણે તેનું સ્ટેટસ જોયું. સ્ટેટસ ઘણા લોકો જોઈ ચૂક્યા હતા પણ શિવમનું નામ તેમાં ક્યાય નહોતું.રાહી થોડી ઉદાસ થઈ ગઈ. પણ પછી તેણે વિચાર્યું કે હજુ વહેલી સવાર જ છે.દિવસ આખો બાકી છે જોઈ લેશે. ઘરે છે તો કદાચ પરિવાર સાથે છે તો ફોન હાથમાં લેવાનો સમય નહીં મળતો હોય.મન મનાવી રાહીએ પથારીમાં જ બેસી પ્રાર્થના કરી અને ફ્રેશ થવા માટે ગઈ.
શિવમને આજ ઓફિસે હાજર થવાનું હતું.તે તૈયાર થઈ ગયો.તેણે ફરી ફોન જોયો.રાહીનો હજુ ક્યાય પતો નહોતો.તે થોડો ઉદાસ થઈ ગયો.8:00 વાગી રહ્યા હતા.9:00 વાગ્યે રાહી ઓફિસે જતી હતી અને તેને પણ ત્યારે જ જવાનું હતું. બાકી તો રાહીની ઓફિસે જ પહોચી જાત.પણ અત્યારે તે કરવું અશક્ય હતું.પણ તેને રાહીને મળવા માટે આટલી બેચેની કેમ થઈ રહી હતી? કદાચ મમ્મી – પપ્પા સામે સ્વીકારેલી વાત સાચી હતી.!! તરત જ તેણે પોતાના ફોનમાં રહેલો રાહીનો ફોટો જોયો.તેનો ફોટો જોતાં જ શિવમનું હદય શાંત થઈ ગયું અને બધા પ્રશ્નો થતાં બંધ થઈ ગયા જે તેને થોડીવાર પહેલા થઈ રહ્યા હતા. ......હા આ સાચી વાત છે. રાહી હું તારા પ્રેમમાં છું..સાચે જ હું તારા પ્રેમમાં છું.રાહી આઈ લવ યૂ...શિવમે જોરથી ચીસ નાખી.તરત જ શિવમના ફોનમાં મેસેજ આવ્યો...ફેસબૂક પરથી મેસેજ આવેલો હતો.મેસેજ જોતાં જ શિવમ ચોંકી ગયો અને થોડો ગભરાય ગયો...
રાહી તૈયાર થઈ નાસ્તો કરવા માટે આવી.બધા ડાઈનિંગ ટેબલ પર હતા.બધાએ રાહીને ફરીથી બર્થ ડે વિશ કર્યું.રાહીએ ફરી એક વખત ફોનમાં જોયું..શિવમનો કોઈ મેસેજ નહોતો.તેની કોઈ ખબર પણ નહોતી.દિવસ તો હવે ઊગી ગયો હતો.હવે તો ફોન એક્ વખત જોઈ લેવો જોઈએને? એવો તે વળી શું વ્યસ્ત? ઘરે હોય તો વધારે ફ્રી હોય પણ આ રાજકુમારનો તો કોઈ પતો જ નહોતો.રાહીને મનોમન થોડો ગુસ્સો આવ્યો.પછી વિચાર આવ્યો કે કઈક મોરબી વિષે ખબર મળી હશે? શું થયું હશે? જો 11:00 વાગ્યા સુધીમાં શિવમનો ફોન નહીં આવે તો ફોન કરીશ..રાહીએ મનોમન વિચાર્યું...
******************
હું ખાસ વાંચક મિત્રોનો આભાર માનું છું જે રેગ્યુલર મારી વાર્તાના દરેક ભાગ વાંચતાં રહે છે અને મને સારા અભિપ્રાય આપતા રહે છે. તમારા આદર અને સહકારથી હું લેખન સારી રીતે કરી શકું છું. આગળ પણ વાંચક મિત્રો અને માતૃભારતીનો આવો જ સહકાર મળતો રહે તેવી આશા રાખું છું..આભાર.