Reiki Therapy - 12 - reiki na panch mudbhut siddhanto books and stories free download online pdf in Gujarati

રેકી ચિકિત્સા - 12 - રેઈકી ના પાંચ મૂળભૂત સિદ્ધાંતો

રેઈકી ના પાંચ મૂળભૂત સિદ્ધાંતો

ડૉ. મિકાઓ ઉસુઈએ તેમના જીવનના સાત કીમતી વર્ષો ભિક્ષુક ગૃહમાં ભિક્ષુકોને રેઈકી સારવાર આપી. તેઓને તંદુરસ્ત કરવામાં આવ્યા કે જેથી તેઓ ફરી પાછા સમાજના પ્રવાહમાં ફરીથી ભળી જઈ સમાજને ઉપયોગી બને. પરંતુ તેમાંના કેટલાક દૈનિક જીવનમાં પોતાની જવાબદારી નિભાવવામાં ઉણા ઉતર્યા અને ભિક્ષુક ગૃહમાં ફરી પાછા આવવા લાગ્યા. ત્યારે તેમણે આત્મખોજ કરીકે તેમાંના પોતાનામાં અથવા રેઈકી શક્તિ લેનાર ભિક્ષુકોમાં ખામી ક્યાં હતી કે તેમને આ કાર્યમાં સફળતા ના મળી. આખરે આત્મખોજ દ્વારા તેમણે રેઈકીના બે ખાસ સિદ્ધાંત બનાવ્યા.

1. રેઈકી શક્તિ કોઈ પણ વ્યક્તિ સામેથી માંગે ત્યાં સુધી આપવી નહીં કારણકે વગર માંગે મળેલ વસ્તુનું જીવનમાં કોઈ મહત્વ અથવા કિંમત રહેતી નથી.

2. શક્તિનું આદાન પ્રદાન હોવું જરૂરી છે પછી તે નાણાં કે કોઈ સેવા રૂપે પણ થઇ શકે કે જેથી રેઈકી લેનાર વ્યક્તિ આપનાર વ્યક્તિના ઋણાનુબંધ માંથી મુક્ત થઇ શકે.

આમ, રેઈકી શીખનાર દરેક માટે ડૉ. મિકાઓ ઉસુઈએ પાંચ નિયમો બનાવ્યા.

ફક્ત આજના દિવસ માટે હું...


1. કુદરત કૃપાનો આભારી રહીશ.
2. ચિંતા નહીં કરું.
3. ક્રોધ અથવા ગુસ્સો નહીં કરું.
4. મારૂ કામ પ્રામાણિકપણે કરીશ.
5. જીવ માત્રને પ્રેમ અને આદર આપીશ.

1. ફક્ત આજના દિવસ માટે હું કુદરત કૃપાનો આભારી રહીશ. (કારણ કે તે આપણા વિશુદ્ધ ચક્રને અસર કરે છે.)

જીવનને ચલાવવા માટે કુદરતે માણસને જ સર્વશ્રેષ્ઠ સાધનના રૂપમાં વાણી આપી છે. વાણી દ્વારા જીવનની મોટા ભાગની સફળતા-નિષ્ફળતા નક્કી થતી હોય છે. જેની વાણી નો પ્રયોગ કરીએ છીએ તેવોજ પ્રભાવ આપણી વાણી ઉપર પડે છે. નકારાત્મક બનાવી દે છે. આ વાણી દ્વારા આપણા વિચારો પ્રદર્શિત થાય છે તથા આપણા કાર્યની શરૂઆત થાય છે. વાણી જેટલી શુદ્ધ અને શુભ હશે તેટલાંજ શુદ્ધ અને શુભ કાર્યો થશે.

આપણા વિશુદ્ધ ચક્ર દ્વારા જ આપણા જીવનમાં સ્વીકારની ભાવના, પ્રશંસા, કૃતજ્ઞતા અને જ્ઞાન સંચાર જેવા ગુણોનો વિકાસ થાય છે. તેનાથી વિરુદ્ધ જયારે આ ચક્ર અસંતુલિત થાય છે ત્યારે નિંદા, ટીકા, લઘુતાગ્રંથિ તથા સંકુચિત ભાવ જન્મે છે. મનુષ્યની અંદર કફ, પિત્ત, વાયુની તકલીફો પેદા થાય છે અને પછી ખાંસી, દમ અને ગળાને લગતી તકલીફો ઉભી થાય છે.

જીવનની દરેક ક્ષણે કુદરત કોઈ ને કોઈ સ્વરૂપે કશું ને કશું આપતી રહે છે. આજે આપણે જે પ્રાણ શક્તિ પ્રાપ્ત કરી રહ્યાં છીએ તે શ્વાસ જે આપણે વિશુદ્ધ ચક્ર દ્વારા જ પ્રાપ્ત કરી રહ્યા છીએ તે કુદરતની જ અમૂલ્ય ભેટ છે. કુદરત આપણા માટે અગણિત કાર્યો કરે છે તેનો આભાર માનવા માટેનો સરળ ઉપાય પૂજા- પ્રાર્થના છે. તેમાં આપણી વાણીનો જ પ્રયોગ થતો હોય છે. આપણે પૂજા અથવા પ્રાર્થનાના માધ્યમથી હમેશાં કુદરત દ્વારા માગતા રહીએ છીએ. જયારે આપણે નિષ્ફળ થઈએ ત્યારે આપણે કુદરતને દોષ દઈએ છીએ. આપણે કુદરત, નસીબ કે ભગવાન ઉપર ઢોળી દઈએ છીએ.

આજે આ આભાર, કૃતજ્ઞતા, અને ગુણગાનની ખામી ને લીધે જીવનની વિશાળતા ખોવાઈ ગઈ છે. પરિણામે વિશુદ્ધ ચક્રની તકલીફો પણ વધી રહી છે. ખાંસી, કફ, અસ્થમા વગેરે રોગો સામાન્ય બનતા જાય છે. શુદ્ધ અને સ્પષ્ટ રીતે પોતાના વિચારો રજુ કરવામાં તકલીફ તથા ગળાને લગતા વિકારો વધી રહ્યા છે.

માણસ કુદરતની કૃપા માગતો રહે છે ત્યારે તે ભરપૂર મેળવે છે. પ્રભુ પાસેથી જે પણ કઈ મેળવેછે તેના માટે તેણે તેમનો આભાર માનવો જોઈએ. જે કઈ પ્રાપ્ત નથી થતું તેના માટે પણ તેનો પહેલાથી આભાર માનવો જોઈએ. પહેલાથી આભાર માનવાથી ઈચ્છિત મુરાદ લોહચુમ્બકની જેમ ખેંચાઇને મળે છે.

પોતાની જાતને સમજવી એ ઈશ્વરને સમજવા બરાબર છે. પોતાની અંદર ઊંડા ઉતરવાથી આપણે ભયને પ્રેમમાં, અજ્ઞાનને જ્ઞાનમાં અને અભાવને ભરપૂરતામાં ફેરવી શકીએ છીએ. માણસને જે પણ કંઈ પ્રભુએ આપ્યું છે તેમાં સંતોષ માને અને પ્રભુનો આભારી રહેતો એનું જીવન સુખી અને આનંદમય રહે. આપણે માણસોનો આભાર તો વારંવાર માનીએ છીએ પરંતુ પ્રભુનો આભાર કેટલી વખત માનીએ છીએ?
જો આપણે નિયમિત રૂપે કુદરતનો આભાર માનતા રહીએ, ગુણગાન ગાતા રહીએ તો આપણા જીવનમાં કુદરત બધુંજ આપશે જે આપણી પાસે નથી. આવીજ રીતે જીવનમાં આપણે કોઈ વ્યક્તિ દ્વારા આપણા માટે કરવામાં આવેલાં કાર્યો માટે આભાર પ્રગટ કરીશું તો તે બીજા કાર્યોમાં પણ આપણને મદદ કરશે.
આજે કુદરતનો આભાર માનતાં કુદરતના એ જીવો પ્રત્યે પોતાનો ટીકાત્મક અને નિંદા વાળા ભાવો બદલીએ અને તેનાં ગુણોની પ્રશંસા કરીએ. કોઈના ગુણોની પ્રશંસા કરવાથી તે ગુણો સ્વયંની અંદર વિકાસ પામે છે.

જીવનને સફળ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપણું વિશુદ્ધ ચક્ર જ આપી શકે છે. તો પછી શો વિચાર કરી રહ્યા છો? એક વખત કૃતનિશ્ચયી બનીને બોલોકે કેવળ આજના દિવસ માટે હું કુદરત કૃપાનો આભારી રહીશ.

2. હું ફક્ત આજના દિવસ માટે હું ચિંતા નહીં કરું. (કારણ કે તે આપણા સ્વાધિષ્ઠાન ચક્રને અસર કરે છે.)

આપણા જીવનમાં ચેતના શક્તિનો સંપૂર્ણ વિકાસ નાભિ અથવા સ્વાધિષ્ઠાન ચક્ર દ્વારા થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન બાળક પોતાની માતા દ્વારા પોષણ અને નાભિ દ્વારા ઓક્સિજન પ્રાપ્ત કરે છે. એટલે ચેતના શક્તિનું મૂળ સ્થાન નાભિ જ છે. આ ચેતનાની ગેરહાજરીમાં જ ચિંતાનો જન્મ થાય છે. આપણા જીવનમાં ચેતના શક્તિ જ વાસ્તવિક્તા છે નહીં કે અવાસ્તવિક કલ્પનાઓ. જયારે આપણે ચિંતાઓને છોડીને પોતાના જીવનમાં આવેલા અથવા કરવાના કાર્યોને પૂર્ણ કરીએ છીએ ત્યારે આપણી અંદર ચેતનાનો વિકાસ થાય છે. જેનાથી આપણા મસ્તકમાં આવેલા બિનજરૂરી વિચારો દૂર થાય છે અને બિનજરૂરી વિચારોની અસર ઓછી થાય છે અને મસ્તકમાં આવેલા બિનજરૂરી વિચારોની ગતિમાં ઓટ આવે છે પરિણામે આપણું મસ્તક શરીરના પોતાના નિયંત્રિત ભાગને અચેતન મન દ્વારા યોગ્ય રીતે સૂચનાઓ આપી શકે છે તથા જીવનના અનેક પ્રશ્નોનો ઉકેલ પણ થઇ જાય છે.

મગજની ચિંતાઓ વધવાથી બ્લડ પ્રેશર વધે છે અને તેની સીધી અસર કિડનીઓ ઉપર પણ પડે છે. કિડનીનું કાર્ય લોહી શુદ્ધિકરણનું તથા તેમાંથી વધારાના પાણીને બહાર કાઢવાનું છે. જયારે આ કામમાં અવરોધ આવે છે ત્યારે જળ તત્વમાં અવરોધ આવે છે. જેની સીધી અસર સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર પડે છે. સ્વાધિષ્ઠાન ચક્રની ગરબડથી જળતત્વને લગતી તકલીફો જેવીકે, શરદી, તાવ, સેક્સ સબંધી વિકાર, સંતાન પેદા કરવામાં તકલીફ પડવી અને સેક્સ ના અવયવો ને લગતી તકલીફો ઉત્પન્ન થાય છે. તેથી આપણું જીવન નીરસ અને વેરવિખેર થતું જતું હોય એવું લાગે છે. જીવનમાં નીરસતા અને ઉદાસીનતા છવાઈ જાય છે. સેક્સ માણવાની ઈચ્છા પ્રબળ થાય છે અને તે ન સંતોષાતાં સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. ચિંતાની અસરથી ડાબા મગજ ઉપર કામનો બોજ ઘણો વધી જાય છે. પરિણામે મસ્તક તેની નીચે આવેલી નાડીઓ ઉપર નિયંત્રણ કરી શકતું નથી અને તેથી નર્વસ સિસ્ટમમાં અસંતુલન ઉત્પન્ન થાય છે. તેથી લકવો, પાર્કિન્સન, અંગ શૂન્ય બની જવું વગેરે તકલીફો ઉત્પન્ન થાય છે.
જે કઈ પણ આપણા માટે થાય છે તે પ્રભુની ઇચ્છાશક્તિ થી થાય છે. આને જો અનુસરીએ તો ચિંતા કરવાનો કોઈ અર્થ રહેતો નથી. ચિંતા કરવામાં આપણે ભૂલી જઈએ છીએ કે જીવનમાં જે પણ કઈ થઇ રહ્યું છે તેમાં પ્રભુનો કોઈ સંકેત છે પ્રભુમાં આપનો વિશ્વાસ ડગી જાય છે ત્યારે આપણે ખરેખર ભૂલી જઈએ છીએ કે તે ખરેખર આપણી સંભાળ લે છે. ભૂતકાળમાં જે પણ કઈ થઇ ગયું છે તેણે યાદ કરવું નકામું છે. દરેક માણસ જીવનમાં દરેક વખતે પોતાના જ્ઞાન અને બુદ્ધિ પ્રમાણે તેનાથી શક્ય હોય એટલું સર્વોત્તમ રીતે કાર્ય કરે છે.

આપણે પ્રભુના શરણમાં જઈ ચિંતા મુક્ત થવું જોઈએ. પ્રભુના શરણમાં જવું એ એક મહાન સાધના છે.

આવો, આજના દિવસ માટે ચિંતાઓથી મુક્ત થઈને પ્રશ્નોના ઉકેલ શોધવાનું પ્લાનિંગ કરીએ. રેઈકી આ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપે છે. તો આજનો આજીવન સંકલ્પ છે: ફક્ત આજના દિવસ માટે હું ચિંતા નહીં કરું કારણકે મારે મારું સ્વાધિષ્ઠાન ચક્ર હમેશાં સંતુલિત રાખવું છે.

3. ફક્ત આજના દિવસ માટે હું ક્રોધ અથવા ગુસ્સો નહીં કરું (કારણ કે તે આપણા મૂલાધાર ચક્રને અસર કરે છે.)

ગુસ્સામાં આપણી ઉર્જાનો સૌથી વધુ બગાડ થાય છે પ્રાણશરીરમાં ઊર્જાનું સર્જન ચેતના શક્તિ કરે છે. આ શક્તિ શ્વાસોચ્છવાસ દ્વારા થાય છે. જયારે પણ આપણને ગુસ્સો આવે ત્યારે આપણી શ્વસન ક્રિયા તીવ્ર બની જાય છે. એટલેકે આપણા શરીરમાં શ્વાસ ઓછો જાય છે અને બહાર વધારે નીકળે છે. તેનાથી આપણું શરીર કાર્બન ડાયોક્સાઇડ વધારે બનાવે છે. આપણે જયારે ગુસ્સો કરીએ ત્યારે એની અસર આપણી પીટ્યુટરી ગ્લેન્ડ ઉપર પડે છે અને તે હોર્મોન્સ સમગ્ર શરીરમાં પ્રસરીને બીજી ગ્લેન્ડ ઉપર પણ નકારાત્મક અસર પાડે છે.
ગુસ્સો કરવાથી તણાવ પેદા થાય છે ત્યારે તેની અસર એકી સાથે ઓછામાં ઓછી એંશી માંસપેશીઓ ઉપર પડે છે અને તેમાં એસિડનું પ્રમાણ વધવા લાગે છે. તેનાથી શરીરનાં હાડકાં અને સાંધાઓમાં ખેંચાણ પેદા થાય છે.

ગુસ્સો એ નકારાત્મક લાગણી છે જેને કારણે લઈને મનુષ્યના શરીરમાં રોગો ઊભા થાય છે. માણસના ગુસ્સાનું મૂળ કારણ બીજી વ્યક્તિ ઉપર કંટ્રોલ રાખવાની ઇચ્છાથી થાય છે. અહમને સંતોષવા માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર ગુસ્સો કરતો હોય છે અને દુઃખી થાય છે. ઘણી વખતે કોઈ વ્યક્તિ આપણી ઈચ્છા વિરુદ્ધ ચાલે છે ત્યારે આપણે ક્રોધિત થઈએ છીએ.

જયારે કોઈ વ્યક્તિ ગુસ્સો કરે ત્યારે સમો પ્રત્યાઘાત ન આપતાં પ્રેમ પ્રગટ કરો અથવા એ જગ્યા છોડીને જતા રહેવામાં ડહાપણ છે. આનાથી સામેની વ્યક્તિનો ગુસ્સો તરત ઓગળી જશે કારણ કે પ્રેમ ગુસ્સાને ઓગાળી નાખે છે.
આપણે પ્રમાણિકતાથી સદા સુખી અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. આજના જમાનામાં સત્યની રાહે ચાલવું એ અત્યંત મુશ્કેલ છે પરંતુ એટલું જરૂરી પણ છે. આપણે અપ્રમાણિકતાથી બીજાઓને છેતરી શકીએ છીએ પરંતુ પોતાની જાતને છેતરી શકતા નથી. સત્યમાં રહેવું ઘણુંજ સરળ છે કારણકે આપણે ગૂંચવાડાભર્યું જીવન જીવતા નથી. સત્ય સ્પષ્ટતા લાવે છે. અપ્રમાણિકતા અને ગૂંચવડિયું જીવન આપણા મન ઉપર માનસિક તણાવ આપે છે જેને કારણે પેદા થયેલ દુઃખ, દર્દ, લાચારી તથા બીમારીઓનો સામનો કરવો પડે છે.

તો પછી શું વિચાર કરો છો? ક્રોધ કરીને મૂલાધાર ચક્રને દુઃખો દ્વારા પ્રભાવિત કરવું છે કે જીવનના મૂળ આધાર દ્વારા વધારેમાં વધારે કાર્ય કરીને જીવનને સફળ બનાવવું છે?

તો ચાલો, આજે જ સંકલ્પ કરીએ કે માત્ર આજના દિવસ માટે ક્રોધ કે ગુસ્સો કરીશું નહીં કારણકે આપણે આપણું મૂલાધાર ચક્ર હમેશાં સમતોલ રાખવું છે.

4. ફક્ત આજના દિવસ માટે હું મારૂ કામ પ્રામાણિકપણે કરીશ. (કારણ કે તે આપણા મણિપુર ચક્રને અસર કરે છે.)

પોતાનું કાર્ય પ્રામાણિકપણે કરવું એટલે પોતાના દરેક કાર્યમાં શરીરની સાથે મનને પણ જોડીને કામ કરવું. આપણે મોટા ભાગના કામો આરંભમાં તો ઉત્સાહથી કરીએ છીએ પરંતુ આગળ જતાં ઉત્સાહ ઓસરી જાય છે અથવા ઓછો થતો જાય છે અને આપણે બીજી બાબતો તરફ ધ્યાન લગાવીએ છીએ. આજે આપણે આપણું ભોજન પણ મન લગાવીને જમતાં નથી તો પછી બીજી બાબતોનું તો શું કહેવું? ભોજન કરતી વખતે પણ આપણું ધ્યાન ટી.વી., ટેલિફોન, મોબાઈલ ફોન, દુકાન અને ઓફીસના વિચારોમાં અટવાયેલું રહે છે. પરિણામે પેટથી માંડીને જીવનના દરેક કાર્યો ઉપર તેની ખરાબ અસર પડે છે. ઉદાહરણ તરીકે, આજે પેટને લગતી સમસ્યાઓ ઘણી વધી ગઈ છે. જયારે આપણું શરીર ગરબડ વાળું થઇ જાય છે ત્યારે શરીરમાંથી 60% તકલીફો બહાર આવે છે. આપણા જીવનમાં મણિપુર ચક્ર એન્જીનનું કાર્ય કરે છે, જીવનની ગાડીમાં બળતણ કે અમીરી ગમે તેટલી હોય તો પણ એન્જીન એટલેકે જીવન કે સૃષ્ટિ પ્રત્યેનો સ્વીકાર ભાવ નહીં હોય તો જીવન ચાલશેજ નહીં. આપણે જીવનનું કોઈ પણ કાર્ય મજબૂરી, લાચારી અથવા ધ્યાન આપ્યા વગર કરીશું તો આપણને નિષ્ફળતા, અકસ્માત અથવા તો નહીંવત પરિણામ મળશે. આપણે જ્યારે કાર્યનો અસ્વીકાર કરીએ છીએ ત્યારે અજાણતાં પણ તેની સાથે કુદરતનો પણ અસ્વીકાર કરીએ છીએ અને તેનાથી જીવનમાં તકલીફો ઉત્પન્ન થાય છે.

મણિપુર ચક્ર આપણો વર્તમાન છે. જયારે આપણે વર્તમાન સ્વીકારતા નથી અથવા વર્તમાનમાં જે કાર્યો કરવાનાં છે તે સારી રીતે કરતા નથી ત્યારે આપણો વર્તમાન સમય બગાડે છે. મન લગાવ્યા વગર કરેલા કામમાં ભૂલ થાય છે અને નકારાત્મક પરિણામ મળે છે તેનાથી આપણું ભવિષ્ય બગડતું દેખાય છે. પોતાના દરેક કાર્યમાં મન લગાવીને હૃદયના ભાવોને જોડીને કરવામાં આવે તો કાર્યની સાથે આપણે જીવનનો પણ સ્વીકાર કરી લઈએ છીએ.

જો આપણી પાસે આવેલા દરેક કાર્યને એવું માનીને કરીએ કે મારા જીવનમાં આવેલું પ્રત્યેક કાર્ય કુદરતની ભેટ છે તથા એ કાર્ય કરવાની શક્તિ કુદરત દ્વારા મળી છે તો જીવન પ્રત્યે અથવા કાર્ય પ્રત્યે ક્યારેય અરુચિ પેદા થશે નહીં. હું તો ફક્ત નિમિત્ત માત્ર છું.

જીવન પ્રત્યેની અરુચિથી મણિપુર ચક્ર ઉપર અસર થાય છે. મણિપુર ચક્ર લીવર, જઠર, પેન્ક્રીયાસ, આંતરડાં જેવા અંગો સાથે જોડાયેલું છે. જીવન પ્રત્યેના કાર્યોના સ્વીકાર કર્યા વગર ચાલવાનું નથી. શરીરથી મનથી ચાહવા લાગો તથા કાર્યને મનથી કરો તો જીવનની દરેક સફળતા આપણા પગમાં પડશે. નહીં તો આપણે કોઈ પણ સફળતાના પગનો સ્પર્શ કરતા રહીશું તો પણ તે પ્રાપ્ત થશે નહીં.

“આજે જીવનનો શ્રેષ્ઠ દિવસ છે તથા આજે જે કાર્ય હું કરી રહ્યો છું તે કાર્ય સૃષ્ટિનું સર્વશ્રેષ્ઠ કાર્ય છે.” આ વાક્યને વારંવાર દોહરાવતાં રહો અને વિચારતાં રહો. આ ભાવનાઓને લઈને આગળ વધો તથા આજ આ કહેવું અને વિચારવાનું ના ભૂલો કે ફક્ત આજના દિવસ માટે હું મારૂ કામ પ્રામાણિકપણે કરીશ.


5. ફક્ત આજના દિવસ માટે હું જીવ માત્રને પ્રેમ અને આદર આપીશ. (કારણ કે તે આપણા અનાહત ચક્રને અસર કરે છે.)

આજના એકવીસમી સદીના ભૌતિક સમૃદ્ધિ ના યુગમાં માણસ પાસે દરેક સુખ સગવડનાં સાધનો ઉપલબ્ધ છે. છતાં તે સંપૂર્ણ સુખ પામી શકતો નથી. વધુ ધન કમાવાની લાલસામાં પોતાનું જીવન યાંત્રિક બનાવી દે છે અને પરિવાર અને સમાજથી સતત દૂર થતો જાય છે. અને એકલતા અનુભવે છે. આવા સમયે વ્યક્તિને પ્રેમ ની ઉણપ વર્તાય છે અને તે પામવા જ્યાં ત્યાં ભટકે છે. જેમ સમંદરમાં માછલી રહેતી હોવા છતાં પાણી માટે તરસે છે તેમ માણસ પણ પરિવારમાં રહેતો હોવા છતાં પ્રેમ માટે તરસે છે. માણસનું હૃદય એટલો મોટો પ્રેમનો સમંદર છે કે તેને ગમે તેટલો વહેંચો તો પણ ખૂટે નહીં. તેમ છતાં પણ આજના આ યુગમાં તે પ્રેમની અતૃપ્તિમાં જીવતો રહે છે.

પ્રેમ લેવાનો નહીં પણ આપવાનો હોય છે. જેટલો પ્રેમ આપશો તેના કરતાં અનેક ગણો પ્રેમ મેળવશો. આજે આપણે પ્રેમ આપવામાં કંજૂસ બની ગયા છીએ પરિણામે પ્રેમના મૂળભૂત સ્થાનને લગતી અથવા હૃદયને લગતી તકલીફો જેવીકે અસ્થમા, હાર્ટ એટેક, હીનતાનો ભાવ, પ્રેમની અતૃપ્તિ, નિરાશા અને હતાશા સિવાય જીવનમાં કશુંજ હાથમાં આવતું નથી.

આજે આપણને જરૂર છે પ્રેમને વહેંચવાની જેનાથી જીવન અને શરીરની હૃદય સંબંધી તકલીફોથી મુક્ત થવાનો રસ્તો મળશે. હૃદયનું સંતુલન થવાથી આનંદની અનુભૂતિ થાય છે. તો પછી ચાલો, આજથી જ પ્રેમ વહેંચવાની શરૂઆત કરી દઈએ. તેને વહેંચવાથી ગુણાકાર થઈને મળતી જશે. આજથી આત્માના અવાજમાં હૃદયના ભાવોને જોડીને બોલો કે ફક્ત આજના દિવસ માટે હું જીવ માત્રને પ્રેમ અને આદર આપીશ.
ઉપરના પાંચેય નિયમોને જીવનનો આધાર બનાવશો તો પાંચેય ચક્રો સંતુલિત રહેશે તથા પાંચેય ચક્રોને પૂરું પોષણ મળશે. જયારે પાંચેય તત્વોનું સંપૂર્ણ સંતુલન થાય છે ત્યારે કોઈ કાર્ય અધૂરું રહેતું નથી અને આપણે કુદરતની તમામ શક્તિઓને સાર્થક બનાવી દઈએ છીએ તથા જીવનમાં સમાવી લઈએ છીએ.