Tamaraj gunone tamari safadtana pagathiya banavo books and stories free download online pdf in Gujarati

તમારા જ ગુણોને તમારી સફળતાના પગથીયા બનાવો

તમારા જ ગુણોને તમારી સફળતાના પગથીયા બનાવો

“સફળતા” એક એવો શબ્દ જે આજે દરેકના મોઢે સાંભળવા મળે જ. ટીનેજરથી લઈને યુવા દિલોમાં સતત રમતો શબ્દ એટલે “સફળતા”. દરેક વ્યક્તિને સફળ થવું છે પણ તેમને એ ખબર નથી કે શેમાં સફળ થવું છે ? વર્ષોથી લોકો કાર, બંગલો અને બેંક બેલેન્સથી પોતાની સફળતાને માપી રહ્યા છે અને જેમની પાસે આમાંથી કઈ નથી તેમને નિષ્ફળ ગણી રહ્યા છે. સફળતા એટલે શું? તેની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોઈ શકે પરંતુ સફળતા મેળવવા માટે વ્યક્તિમાં જે ગુણો હોવા જોઈએ તે એકસરખા જ હોય છે અથવા એમ પણ કહી શકાય કે જો તમે અમુક ગુણો કેળવી લ્યો તો તમને સફળતા ચોક્કસ મળે જ છે. હવે તમને વિચાર આવતો હશે કે દરેક વ્યક્તિ કેવી રીતે એક જ પ્રકારના ગુણોથી સફળ થઇ શકે? જી હા! આ સરળ અને શક્ય છે. જો તમે તમારા જીવનમાં કરિયરની શરૂઆત કરતા હો અથવા વ્યવસાયની શરૂઆત હોય તો લખી રાખો આરસની તકતી પર કે તમે આ ગુણોને તમારા વ્યક્તિત્વમાં વણી લેશો તો ચોક્કસ સફળતા તમારા કદમ ચૂમશે. ગુણ એટલે તમારી આવડત જે ડીગ્રીથી નહી પરંતુ સજાગતાથી કેળવી શકાય છે. વ્યક્તિના કામ કરવાના ગુણોની સુવાસ દુર સુધી તેમની નામના પહોચાડવાનું કામ કરે છે. તમને ખબર ન હોય અને તમારા ગુણો તમને ફાયદો કરાવી આપે છે. તમારા વર્તન પરથી તમે કેવા ગુણો કેળવ્યા છે તેનો ખ્યાલ આવતો હોય છે. તો થઇ જાઓ તૈયાર તમારા જ વ્યક્તિત્વને નિખાર આપવા માટે.

સૌથી પહેલા આજે દરેક જગ્યાએ હોશિયાર વ્યક્તિની ખુબ માંગ છે અને હોશિયાર વ્યક્તિ એટલે માત્ર સારી યુનિવર્સીટીમાંથી લીધેલી ડીગ્રી જ નહી પરંતુ થોડી નાની નાની બાબતોની સમજણ અને પ્રેક્ટીકલ કરી શકે તે. જે કહેવાયું ન હોવા છતાં શીખી લે તે. જેમકે કોમ્પ્યુટર તો શીખ્યું પણ પ્રિન્ટર ઓપરેટ કરી શકો છો? ઈંગ્લીશ તો આવડે છે પણ શું સારામાં સારો ઈમેઈલ ડ્રાફ્ટ કરતા આવડે છે? મિટિંગમાં તો ગયા પણ જરૂરી માહિતીની નોધ માટે ડાયરી સાથે રાખો છો? નેટવર્ક તો ઘણું મોટું બનાવ્યું પણ દરેક વ્યક્તિના નામ યાદ રાખો છો? તમને મદદરૂપ થનાર વ્યક્તિને મળ્યા બાદ થેંક્યું કહો છો? આ લીસ્ટ ઘણું લાંબુ છે પણ કહેવાનો તાત્પર્ય એ છે કે જે તમે ક્યાય સ્કુલ કે કોલેજમાં શીખ્યા નથી અથવા શિક્ષકોએ જણાવ્યું નથી કે કોઈ પાઠ્યપુસ્તકમાં છપાયું નથી તે ઝીણી બાબતોનું નિરીક્ષણ કરીને કેટલું શીખો છો તેના આધારે તમારી સફળતાની સ્પીડ નક્કી થાય છે. બધા પાસે એક સરખી આવડત નથી હોતી કારણકે આપણે અમુક ગુણો કેળવ્યા જ નથી હોતા. ઘણી બાબતો અન્યની જોઇને શીખવાની હોય અને ઘણી આપણી જરૂરિયાત મુજબ, પરંતુ અમુક બાબતો ગુણો તરીકે તમારા વ્યક્તિત્વ સાથે વણાઈ જાય ત્યારે વ્યક્તિ સફળ થાય છે.

સફળતાની રાહ પર આગળ વધવા બીજો એવો જ મહત્વનો ગુણ છે તમારા સમયનું સંચાલન અથવા યોગ્ય આયોજન. આજે મોબાઈલ અને સોશિયલ મીડિયાને લીધે આપણી ૩૦ મિનીટ ક્યાં જતી રહે છે એ ખબર જ નથી પડતી. તમે કૈક જાણવા માટે ગુગલમાં સર્ચ કરતા હો અને વચ્ચે ગમતું કઈ મળી જાય અને તમે કામ એક બાજુ મુકીને તે વીડિઓ કે ફોટો જોવા લાગો તો તમારી એક કલાક નહી પણ અનેક કલાકો ક્યાં જશે તેની નોંધ તમને પણ નહી મળે. ટુકમાં આજે દરેક વ્યક્તિએ પોતાના સમયમાં વધુમાં વધુ પ્રોડક્ટીવ કામ કરવાનો ગુણ કેળવવો જ પડશે. આજે દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ પણ તમે કઈ દુનિયા આંગળીના ટેરવે ફેરવી રહ્યા છો તે વાત વધુ મહત્વની છે. આજે તમારે જ તમારા પોતાના ચોકીદાર બનવું પડે તે સમય આવી ગયો છે. આપણને રોકવાવાળા આપણા વાલીઓ મોબાઈલમાં જોઈ શકતા નથી કે તમે શું કરી રહ્યા છો?

ત્યારબાદ વાતચીતની કળા એટલે કે જેમની પણ સાથે વાત કરો તે હમેશા સોહાર્દ્તાથી કરો. તમારી ભાષા અને વર્તન હકારાત્મક રહે તેનું ધ્યાન રાખો. તમે કોઈ પણ ભાષામાં અભ્યાસ કર્યો હોય પણ તમારું અંગ્રેજી સારું હોય તેવા પ્રયત્નો કરો. હવે તો તમે અનેક વિડીયો અને ગાઈડ ઓનલાઈન જોઇને શીખી શકો તેટલું સરળ થઇ ગયું છે. અંગ્રેજી આવડે નહી તો કામ ન થાય તેવું નથી પણ જો થોડું પણ આવડે તો કામ વધુ સારું થાય એ વાત નક્કી છે. આજે ભાષા કોઈ નડતર નથી પણ અંગ્રજી આવડે તો આગળ વધવાની તકોમાં વધારો ચોક્કસ થાય છે.

કોઈ કામ કરવાની ના પાડવી નહી જેથી તમે વધુમાં વધુ શીખી શકો. તમે જે ક્ષેત્ર પસંદ કર્યું છે તેમાં સમ્પૂર્ણ માહિતી મેળવો અને સતત શીખતા રહો. દરેક રસ્તો ક્યાંક તો પહોચાડે જ છે પણ કયો રસ્તો વધુ ઝડપથી પહોચાડી શકે તે જાણવું વધુ અગત્યનું છે અને તેના માટે પહેલા કોઈ એક ગોલ નક્કી કરવો પડે છે. કોઈ ધ્યેય નક્કી કરો તો તેના સુધી પહોચાડતા દરેક રસ્તાની માહિતી મળી શકે અને પછી નક્કી થાય કે ક્યાં માર્ગથી જવું. આપણી પાસે સમય ઓછો અને કામ ઝાઝા હોય ત્યારે યોગ્ય રસ્તાને પસંદ કરવો અનિવાર્ય હોય છે માટે હમેશા એક રોડમેપ બનાવો અને તેને વળગી રહો.

સલમાનખાનની એક જાહેરાતમાં તે કહે છે”થોડા ઓર હો જાયે” તેવી જ રીતે જીવનમાં દરેક કામ તેની જરૂરિયાત કરતા થોડું વધુ કરશો તો તમે ફાયદામાં રહેશો. તમને જે કામ સોપવામાં આવે છે અથવા તમે જે પસંદ કરો છો તેમાં હમેશા તમારી કુશળતા તમને એક નવા મુકામ પર લઇ જઈ શકે છે. જેવી રીતે અકબરના દરબારમાં બીરબલ તેના ગુણોને લીધે સ્થાન પામ્યો હતો તેવી જ રીતે તમે તમારા વ્યવસાય કે જોબમાં તમારા ગુણો થકી યાદ રહેશો. જે તે ક્ષેત્રની અમુક જરૂરિયાતો હોય છે જે તે ક્ષેત્રમાં કામ શરુ કરતા પહેલા જાણી લ્યો અને શીખી લ્યો જેથી તમે અન્યથી એક કદમ આગળ રહેશો. જેમ તમે તમારા ગુણોમાં વધારો કરશો તેમ તમારા અવગુણ ઓછા દેખાશે. તમારી અમુક આદતો જે અવગુણ બની ગઈ હોય અને તમને તેનાથી નુકસાન થતું હોય છતાં તમે બદલી શકતા નથી ત્યારે તમારામાં ગુણોનો વધારો કરી દ્યો એટલે આપોઆપ તમે અવગુણોને પાછળ છોડતા જશો. દરેક વ્યક્તિ પોતાની આસપાસના વાતાવરણ અને લોકો પાસેથી કૈક તો જનતા કે અજાણતા શીખે જ છે અને જયારે તમે તમારા જ ગુણો અને અવગુણોને ઓળખવા લાગો છો ત્યારે તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન લાવી શકો છો. સફળતાનો માર્ગ મુશ્કેલ છે અને લાંબો પણ હોય શકે, છતાં જે પોતાની જાતને ઢાળી શકે છે તે સફળ થઇ શકે છે. “તું જ તારો ભાગ્યવિધાતા છો” એવું કહેવાય છે કારણકે તમે જ તમારા ગુણોથી પ્રકાશિત થઇ શકો છો જેનાથી ભાગ્યનું નિર્માણ થતું હોય છે. બાકી હાથની રેખાઓ કર્મ પાસે નબળી સાબિત થાય જો તમે કર્મ કરવાનું છોડો નહી તો અને જે કર્મ કરો તેમાં તમારા ગુણોનું પ્રતિબિબ તો દેખાશે જ. બસ એક પછી એક ગુણોને વિકસાવો એટલે એ જ તમારી સફળતાની સીડી માટેના પગથીયા બની જશે.

***