mrutyu pachhinu jivan - 14 books and stories free download online pdf in Gujarati

મૃત્યુ પછીનું જીવન - ૧૪

મૃત્યુ પછીનું જીવન—૧૪

આપણે ગયાં એપિસોડમાં જોયું કે રાઘવે ઘરમાં પ્રવેશતાં જ એક ધાબળાવાળો માણસને એનાં ઓફિસરૂમમાંથી કોઈ કાગળ ચોરી કરતાં જુએ છે. પણ એને પકડી શકતો નથી . દેવદૂતો એને માત્ર ૫ દિવસનો સમય આપીને જતા રહે છે. હવે એની પાસે માત્ર ૫ દિવસનો સમય છે. અને ઘણાં બધાં કામ છે , જે એને શરીર વિના પતાવવાનાં છે. હવે આગળ વાંચો.

બંને રૂમમાં ધાબળાવાળાના કોઈ અણસાર મળ્યાં નહીં. રાઘવ નિરાશ થઇ ગયો. કંઈ જ ન કરી શકવાની આ અનુભૂતિ રાઘવને કોરી ખાતી હતી . જીવનમાં એને જે કરવું હતું , હંમેશા એણે કર્યું .એને કોઈ અટકાવી શકતું નહીં , સમય પણ નહીં , સંજોગ પણ નહીં કે માણસો પણ નહીં ...જયારે જયારે રાઘવ અટકતો , કોઈ ને કોઈ રીતે એનો રસ્તો કાઢી જ લેતો . પણ આજે ..હવે... ચારેય તરફ અંધારું જ અંધારું...!

એ રાતનાં અંધકારમાં ઉપરનાં માળની લોબીમાં આમથી તેમ ભટકતો રહ્યો, શૂન્યની અંદર ગોળ ફરતાં સૂનકારની જેમ જ ..નિરર્થક, દિશાવિહીન, શક્તિવિહીન ...અચાનક એને ગેસ્ટ રૂમનું બારણું હલતું લાગ્યું. અરે , આ રૂમ તો જોયો જ નહીં ..રાઘવ ગેસ્ટ રૂમ પાસે ગયો. બધુંય સ્થિર હતું. ખબર નહીં એ એનો વહેમ હતો કે હકીકત ? પણ એની ચકાસણી કરવાં રાઘવ રૂમમાં ગયો. ગેસ્ટ રૂમ ઘણો જ મોટો હતો.. ગેસ્ટ રૂમમાં બેડ પર ત્રણેક જણ ઘસઘસાટ ઊંઘતાં હતાં. અને બે જણ નીચે પલંગની બાજુમાં પાથરેલી પથારીમાં પડ્યાં હતાં. બેડની બીજી બાજુ સામસામે બે ચેર પડેલી હતી. એની પેલી તરફ બાથરૂમ જવાનાં પેસેજ પાસે ડીમ લાઈટ ચાલતી હતી. એકદમ એનું ધ્યાન ત્યાં ચેર પર પડેલાં ધાબળા પર ગયું. અને આશાનું એક કિરણ એનાં મનોમય શરીરમાં આંદોલિત થઇ ગયું. તો જનાબ અહીં છુપાયેલાં છે. પરંતુ શિયાળાની ઠંડીમાં સૌ રજાઈ માથે તાણીને સુતેલાં હતાં. એટલે કોઈ જ ઓળખાતું નહોતું. આ બધામાંથી પેલો ધાબળાવાળો કોણ? એ જીવતો હોત , ઓ બધાય ને હલાવી મુક્તે! પણ હમણાં તો એની પાસે એટલીય શક્તિ નથી કે કોઈની રજાઈ હટાવી શકે.

ચોર કોઈને કોઈ નિશાન તો છોડીને જ જાય છે, એમ વિચારી રાઘવ જોતો રહ્યો શાંતિથી ; ઉપર સુતેલાં, નીચે સુતેલાં બધાંયને ! થોડી વાર રહીને કોઈ હલચલનો અહેસાસ થયો , નીચેની પથારીમાંથી ..એકદમ ખૂણામાં સુતેલ તરફથી ! એ રજાઈની અંદર પાસા ફરતો હતો

‘હમમમ...જનાબ ! આટલું મોટું કાંડ કર્યા પછી ઊંઘ ક્યાંથી આવવાની?’

મૃત્યુ પછી આ પહેલી ઘટના છે , જ્યાં શરીર વિના , પાવર વિના પણ માત્ર એનાં બુદ્ધિ બળથી સ્પીરીટ શરીર દ્વારા શરું થયેલી ૫ દિવસની નવી જંગમાં એને પહેલી જીત મળી .

સુર્યદેવની પહેલી કિરણ રૂમમાં પ્રવેશી. રૂમમાં ઘણું બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું . રાઘવને લાગ્યું કે જાણે ઘણાં દિવસોની રાત પછી આજે સૂર્યોદય થયો. અને રાઘવની હિંમત બમણી થઇ ગઈ.

રાઘવ એનાં જ ઘરમાં રજાઈ તાણીને સુતેલાં એ ચોરની રજાઈમાં ઘુસી ગયો. અને એનાં શરીરની ફરતે ફરતો રહ્યો , કદાચ જાણવા ,કે એ કોણ છે? એકદમ જ પેલા ભેદીને રજાઈમાં કંઈ ગુંગળામણ થઇ અને શ્વાસ લેવાની કોશિષમાં પેલો ગભરાઈને બેઠો થઇ ગયો. અને જોર જોર થી હાંફવા માંડ્યો. એ હાંફતો રહ્યો, રાઘવ એને જોતો રહ્યો અને વિશ્વાસ નામનાં શબ્દનાં ટુકડે ટુકડાં ચારે તરફ વિખરાતા રહ્યાં...એનું મનોમય શરીર આઘાતથી તંગ થઇ ગયું. ..બે ઘડી એ માનવા તેયાર નહોતો , પણ સામે ઊભેલાં સત્યને કઈ રીતે નકારી શકાય? જેને ઘરની ચાવી આપી , એ જ ઘરભેદી નીકળ્યો ? કે પછી મેં જ અતિવિશ્વાસમાં ચોરના હાથમાં ચાવી સોંપી દીધેલી?

રાઘવ કશુંક વિચારતો વિચારતો અંશનાં રુમ તરફ ગયો.

-અમીષા રાવલ

---------------------------------------------------------------------------------

પેલો ધાબળાવાળો કોણ છે? રાઘવ ફરી અંશનાં રુમ તરફ કેમ ગયો ? ૫ દિવસનાં સમયમાં રાઘવ શરીર વિના કેટલાં કામ પુરા કરી શકશે? આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવાં આગળ વાંચતાં રહો અને આપનાં રેટીંગ આપતાં રહો , આભાર .