Brief History of Indian Flags books and stories free download online pdf in Gujarati

આઝાદીની ચળવળ વખતે નિર્માણ પામેલા અને ત્રિરંગાના પૂર્વજ ધ્વજ કેવા હતા? - ટૂંકો ઈતિહાસ

નોલેજ સ્ટેશન

આઝાદીની ચળવળ વખતે નિર્માણ પામેલા અને ત્રિરંગાના પૂર્વજ ધ્વજ કેવા હતા ? ટૂંકો ને ટચ ઇતિહાસ

● પરમ દેસાઈ

ભા
રતનો છેલ્લો નિર્માણ પામેલો ધ્વજ, એટલે કે ત્રિરંગો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ થી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ સુધી બ્રિટિશ આધિપત્ય હેઠળના semi-independent/અર્ધ સ્વતંત્ર ભારતનો ધ્વજ અને ત્યાર બાદ, ૨૭મી જાન્યુઆરી, ૧૯૫૦ થી આજ સુધી fully-independent/સંપૂર્ણ સ્વતંત્ર અને લોકતાંત્રિક ભારતનો રાષ્ટ્રધ્વજ રહ્યો છે. કોઈ પણ સ્વતંત્ર દેશને પોતાની સ્વતંત્રતા રજૂ કરતો પોતાનો એક અલગ ધ્વજ હોય છે, એ અનુસાર આપણે પણ કેસરી, સફેદ અને લીલા પટ્ટાની વચ્ચે ૨૪ આરા ધરાવતા અશોકચક્રવાળા ધ્વજને આપણા રાષ્ટ્રધ્વજ તરીકે અર્ધ-સ્વતંત્રતા મળ્યાના ૨૪ દિવસ પહેલાં, ૨૨ જુલાઈ, ૧૯૪૭ના દિવસે યોજાયેલી કોંગ્રેસની Constituent Assembly/બંધારણ સભાની મિટિંગ વખતે સૌપ્રથમ વખત રજૂ કરાયો અને તેને ભારે બહુમતિ મળી ગઈ.

ત્રિરંગો આમ રાષ્ટ્રધ્વજ બન્યો એ પહેલાં ૨૦મી સદીની શરૂઆતથી ત્રિરંગા પહેલાંના અન્ય ધ્વજ કે જેમનો આઝાદીની લડત માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ કેવા હતા અને તેમના નિર્માણ પાછળના ટૂંકા ઇતિહાસની વાત વર્ષ અનુસાર હવે વાંચો.

· વર્ષ – ૧૯૦૪ :

સિસ્ટર નિવેદિતા

૨૦મી સદીના શરૂઆતી વર્ષોમાં પરાધીન ભારત પર બ્રિટિશ હકૂમતનું જોર ધીમે અંશે ઓછું થઈ રહ્યું હતું, કારણ કે દેશમાં આઝાદીની વિવિધ ચળવળો ખાસ્સી માત્રામાં વધી ગઈ હતી. એક તરફ હિંસાત્મક અને બીજી તરફ અહિંસાત્મક લડતોનો જુવાળ ફાટ્યો હતો. દરેક જણ આઝાદ ભારતના નિર્માણમાં વત્તેઓછે અંશે સાથ આપી રહ્યો હતો ત્યારે સિસ્ટર નિવેદિતાએ ૧૯૦૪માં સૌપ્રથમ વખત ‘ભારતનો પણ એક અલાયદો ધ્વજ હોય’ એવો મનસૂબો રાખ્યો હતો અને તેનો પ્રસ્તાવ મૂક્યો હતો. સિસ્ટર નિવેદિતાનું મૂળ નામ માર્ગારેટ નોબેલ હતું. તેનું વતન આયર્લેન્ડ છોડીને તે ભારતમાં સ્વામિ વિવેકાનંદની શિષ્ય બની હતી. (નીચેનો ફોટો) જો કે બ્રિટિશ ઇન્ડિયાનો ૧૮૫૭ના વિપ્લવ બાદ તરત અમલમાં મૂકાયેલો first flag અને બ્રિટિશ હકૂમતના ભારત પરનું પ્રભુત્વ દર્શાવતા અન્ય colonial flags/વસાહતી ધ્વજનું અસ્તિત્વ છેક ૧૯૪૭ સુધી રહ્યું.

સિસ્ટર નિવેદિતાએ જ ગુલામ ભારતના સર્વપ્રથમ ધ્વજની ડીઝાઇન તૈયાર કરી હતી. (ઉપરનો ફોટો) ભપકાદાર લાલ રંગના ચોરસ ધ્વજની ડીઝાઇન તેણે તૈયાર કરી જેમાં ચોરસની ચારે તરફ કુલ ૧૦૮ અગ્નિ જેવા પીળા રંગનાં નાનાં-નાનાં એકસરખાં પતાકાં હતાં અને વચ્ચે ઇન્દ્રના વજ્રનું નિશાન હતું. એની ડાબી તરફ ‘વંદે’ અને જમણી તરફ ‘માતરમ્’ બંગાળી ભાષામાં લખેલું હતું. બંગાળી ભાષામાં ‘વંદે માતરમ્’નું ઉચ્ચારણ થાય ‘બોન્દે માતોરમ.’ લાલ અને પીળો રંગ પસંદ કરવાનું કારણ એ હતું કે એ બંને રંગો freedom/આઝાદી અને victory/વિજયના સૂચક હતા જ્યારે ભગવાન ઇન્દ્રનું વજ્ર strength/શક્તિનું પ્રતીક ગણાય. આમ, આઝાદીની લડત માટે આ ધ્વજ ખાસ્સો મહત્વનો લેખાય.

સિસ્ટર નિવેદિતા રચિત ધ્વજ જો કે સ્વીકૃતિ ન પામ્યો, પણ તેણે દેશમાં ‘એક અલાયદો ધ્વજ હોવો જોઈએ’ એવી માન્યતા પ્રચલિત કરી અને લોકોને ધ્વજ બાબતે જાગૃત કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો.

સિસ્ટર નિવેદિતાને ઇન્દ્રના વજ્રની ડીઝાઇનવાળા ધ્વજની પ્રેરણા આત્મબલિદાની મહાન ઋષિ દધીચિના આદર્શો થકી મળી હતી. નિવેદિતાનો ધ્વજ હાથબનાવટનો હતો અને તેની અંદરના વજ્રની ભાત નિવેદિતાના વિધાર્થીઓએ જાતે ભરતગૂંથણ કરીને બનાવી હતી. બે વર્ષ પછી ૧૯૦૬માં ધ્વજને કોંગ્રેસે આયોજિત કરેલા એક્ઝીબિશનમાં રજૂ કરવામાં આવ્યો હતો. બાદમાં નિવેદિતાએ વજ્રની સાથે સાથે અંદર કમળનું ચિહ્ન પણ મૂકવાની રજૂઆત કરી. (જુઓ ઉપર ડાબો ફોટો)

· વર્ષ – ૧૯૦૬ :

સિસ્ટર નિવેદિતાએ દેશ માટે પ્રથમ ધ્વજ રજૂ કર્યો એના બીજા જ વર્ષે, ઈ.સ. ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પડાવી નાખ્યા ત્યારે ક્રાંતિકારી લડતનો જુવાળ ઓર ઊઠ્યો. તરતના બીજા વર્ષે, ૧૯૦૬માં ધ્વજની અન્ય ડીઝાઇન તૈયાર કરવામાં આવી. આ ડીઝાઇન નિવેદિતાના ધ્વજની ડીઝાઇન કરતાં સાવ જ જુદી હતી. આજની ત્રણ પટ્ટાવાળી ડીઝાઇનનું મૂળ એ ધ્વજમાં હતું. અલબત્ત, રંગો જુદા હતા. આ ધ્વજમાં ઉપર લીલો, વચ્ચે પીળો અને નીચે લાલ રંગ હતો. લીલા પટ્ટામાં આઠ સાદી ફૂલની (અર્ધ ખીલેલાં કમળની) ડીઝાઇન હતી. પીળા રંગમાં સંસ્કૃતમાં લખેલું ‘વન્દે માતરમ્’ અને લાલ પટ્ટામાં ડાબી તરફ સૂર્ય અને જમણી તરફ ચાંદની છાપ હતી. સૂર્યની છાપ હિન્દુઓનું પ્રતીક ગણાય અને ચાંદની છાપ મુસ્લિમોનું.

આ ધ્વજ બંગાળના સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુકુમાર મિત્રએ તૈયાર કર્યો હતો. જો કે આ ધ્વજના હોવાપણા અંગે પણ થોડા જ લોકો જાણતા હતા, જેમાં ખાસ કરીને રાષ્ટ્રવાદી નેતાઓ મુખ્ય હતા. એનું કારણ એ હતું કે ધ્વજને વગર કશા શોરગુલે જાહેર કરવામાં આવ્યો હતો અને અખબારોમાં નોંધ પણ (જાણીજોઈને) પાંખી લેવાઈ હતી. અલબત્ત, આ ધ્વજ ભારતીય ઇતિહાસનો સૌથી પહેલવહેલો ધ્વજ હતો જેને બંગાળના ભાગલાના વિરોધમાં રાખવામાં આવેલા ‘બહિષ્કાર દિવસે’ ગ્રિન પાર્ક, કલકત્તા ખાતે ૧૯૦૬માં લહેરાવવામાં આવ્યો હતો. એ ઉપરાંત તેને કલકત્તા ખાતેના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશન વખતે પણ ફરી પાછો જાહેરમાં ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજ ત્યારે ‘કલકત્તા ફ્લેગ’ કે ‘લોટસ ફ્લેગ’ તરીકે ઓળખાતો હતો.

· વર્ષ – ૧૯૦૭ :

સંદર્ભ: storypick.com

એક વર્ષ વીત્યું ત્યાં વળી ‘કલકત્તા ફ્લેગ’ની ડીઝાઇનમાં જ નજીવો ફેરફાર કરીને મેડમ ભીકાઈજી કામાએ નવા ધ્વજની રચના કરી. ‘કલકત્તા ફ્લેગ’ના માત્ર રંગો બદલાયા હતા. મેડમ ભીકાઈજીના ધ્વજમાં ઉપર લીલો અને નીચે લાલ રંગ યથાવત્ હતા, માત્ર વચ્ચેના પટ્ટાના પીળા રંગને કેસરિયો કરવામાં આવ્યો હતો. ઉપરના લીલા પટ્ટામાં આઠ ખીલેલાં કમળની ભાત, વચ્ચે પીળા પટ્ટામાં હિન્દીમાં ‘વન્દે માતરં’ એવી વ્યાકરણ ભૂલવાળું લખાણ અને નીચેના લાલ પટ્ટામાં ડાબી તરફ સૂર્ય અને જમણી તરફ ચાંદ. આઠેય કમળ દેશના આઠ જુદા પ્રાંતો દર્શાવતાં હતાં.

આટલા ફેરફારો સાથે ભીકાઈજી કામાએ (બાજુનો ફોટો) ધ્વજ તૈયાર કર્યો અને તેને ૨૨ ઓગસ્ટ, ૧૯૦૭ના દિવસે જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં બીજા International Socialist Congress સમક્ષ રજૂ કર્યો. આ દિવસ તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ હતો અને સમગ્ર ભારતીય ઇતિહાસનાં પાને સુવર્ણ અક્ષરે લખાયો હતો. તેમણે જર્મનીમાં ધ્વજારોહણ કરીને ભારતનું ગૌરવ ઓર વધારી દીધું હતું.

ધ્વજ બનાવવામાં તેમની સાથે શ્યામજી કૃષ્ણ વર્મા અને વીર સાવરકરનો પણ અદમ્ય સાથ તેમને સાંપડ્યો હતો. ભીકાઈજી કામાના આ ધ્વજને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગાઉના તમામ ધ્વજ કરતાં બહોળો પ્રતિસાદ મળ્યો. અલબત્ત, ઘરઆંગણે ભારતમાં જોઈએ એવો પ્રતિસાદ ન મળી શક્યો, કારણ કે ધ્વજ ભારતીયોમાં પ્રચલિત બને એ પહેલાં જ બ્રિટિશ સરકારે તેને પ્રતિબંધિત કરી દીધો હતો. ‘કલકત્તા ફ્લેગ’ની પ્રતિકૃતિ સમાન આ ધ્વજમાં પણ અનુક્રમે સૂર્ય અને ચાંદની છાપ હતી જે હિન્દુ અને મુસ્લિમની ધાર્મિક એકતા પ્રદર્શિત કરતી હતી. મેડમ કામાએ તેમના જર્નલ ‘ધ તાઈવાન’ના મુખપૃષ્ઠ પર પણ તેમના ધ્વજને સ્થાન આપ્યું હતું.

અગાઉનો ઓછો પ્રચલિત ‘કલકત્તા ફ્લેગ’ જરાતરા બદલાયેલા સ્વરૂપે મેડમ કામા દ્વારા જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે એ વાતનો જબરો શ્રેય મેડમ ભીકાઈજી કામાને જાય.

· વર્ષ – ૧૯૧૬ :

મેડમ ભીકાઈજી કામાએ ૧૯૦૭માં રજૂ કરેલા ભારતીય સ્વદેશી ધ્વજ પછી દસ વર્ષ સુધી કોઈ નવા-જૂની બની નહીં. જો કે આ દરમિયાન બીજા અન્ય ધ્વજ બનાવવાની નેમ ઉપડી, બન્યા પણ ખરા, પરંતુ એક પણ ધ્વજ લોકપ્રિયતા ન પામ્યો.

દસ વર્ષ પછી, ૧૯૧૬માં લોકમાન્ય બાળગંગાધર તિલકે બ્રિટિશ શાસનના વિરોધ માટે ‘હોમ રુલ લીગ’ની સ્થાપના કરી હતી. આ લીગની સ્થપનામાં તેમને શ્રીમતિ ડૉ. એની બેસન્ટનો સહયોગ સાંપડ્યો હતો. ‘હોમ રુલ લીગ’ની લડત ૧૯૧૬થી ૧૯૧૮ એમ બે વર્ષ ચાલી હતી. આ દરમિયાન જ લોકમાન્ય તિલક અને એની બેસન્ટે નવા સ્વદેશી ધ્વજની ડીઝાઇન તૈયાર કરી. આ નવો ધ્વજ પાછલા બધા ધ્વજ કરતાં જુદો પડ્યો. આ ધ્વજમાં પાંચ આડી લાલ પટ્ટીઓ અને ચાર આડી લીલી પટ્ટીઓ હતી. જમણી તરફ ઉપરના ભાગે બ્રિટનનો યુનિયન જેક હતો, લાલ અને લીલી પટ્ટીઓવાળા ક્ષેત્રમાં સાત સફેદ તારા અને ઉપરની તરફ ડાબી બાજુ ચાંદ-તારાની છાપ. સાત તારાની ડીઝાઇન ‘સપ્તર્ષિ’ના સાત તારા પરથી રાખવામાં આવી હતી જે હિન્દુઓ માટેનું પ્રતીક હતી, જ્યારે ચાંદ-તારાની ડીઝાઇન મુસ્લિમોનું પ્રતીક હતી. આથી કહી શકાય કે આ ધ્વજમાં પણ કોમી એકતાના મુદ્દે ધ્વજની રચના કરવામાં આવી હતી.

એક વર્ષ બાદ, ૧૯૧૭માં એની બેસન્ટે ‘હોમ રુલ’ના આ ધ્વજને કલકત્તા ખાતે યોજાયેલા કોંગ્રેસના અધિવેશન વખતે ફરકાવ્યો હતો. બધું જ બરાબર હતું, પરંતુ ધ્વજના ઉપર તરફના ડાબા ભાગમાં આવેલો, બ્રિટિશ શાસનને હળાહળ પ્રદર્શિત કરતો બ્રિટિશ ફ્લેગ (યુનિયન જેક) નડતરરૂપ બન્યો. સ્વદેશી ધ્વજ હોય ત્યારે તેમાં યુનિયન જેકને સ્થાન આપવામાં આવે એ ભારતીયોને સદંતર ન ગમ્યું, વિરોધ થયો એટલે ‘હોમ રુલ’નો આ ધ્વજ લોકસ્વીકૃતિ અને શાસકીય બહુમતિ ન પામ્યો.

· વર્ષ – ૧૯૨૧ :

‘હોમ રુલ લીગ’ના બિનઅસરકારક અને વાંધાજનક ધ્વજ બાદ નવા ધ્વજની ડીઝાઇન ૧૯૨૧માં સામે આવી. ‘હોમ રુલ’ની લડત ચાલી રહી હતી ત્યારે, ૧૯૧૬થી જ મચ્છ્લીપટ્ટનમમાં રહેતા સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વૈંકૈયાએ એક બુકલેટમાં ભારતીય ધ્વજની જુદી જુદી ત્રીસેક જાતની ડીઝાઇનો તૈયાર કરી હતી. તેમને નવા ધ્વજની રચના કરવાનો વિચાર ‘કલકત્તા ફ્લેગ’ દ્વારા આવ્યો. ‘કલકત્તા ફ્લેગ’ તેમના વિચારનું બીજ હતો.

પિંગલી વૈંકૈયા

૧૯૨૧માં મહાત્મા ગાંધીજીએ તેમના જર્નાલ ‘યંગ ઇન્ડિયા’માં ઘણા સમયથી ધ્વજ વિહોણા દેશ માટે એક નવા ધ્વજની જરૂરત વર્તાવતો લેખ લખ્યો. લેખમાં તેમણે ત્રિરંગાની વચ્ચેના પટ્ટામાં અંબર ચરખો દર્શાવતા ચિત્રની માગણી કરી હતી. તેમની આ માગણીને લાલા હંસરાજનું સમર્થન મળ્યું. હંસરાજના મતે અંબર ચરખાનું સિમ્બોલ રાખવાથી તે ‘સ્વદેશી અંદોલન’નું પ્રતીક બનશે. ગાંધીજીએ વિચાર માન્ય રાખ્યો અને પિંગલી વૈંકૈયાને ત્રણ પટ્ટાવાળો ધ્વજ બનાવવા જણાવ્યું અને વચ્ચેના પટ્ટામાં ચરખાનો સિમ્બોલ રાખવાનું સૂચવ્યું. પિંગલી વૈંકૈયાએ પ્રથમ જે ધ્વજ બનાવ્યો હતો એમાં ફક્ત બે જ પટ્ટીઓ હતી. લાલ રંગની પટ્ટી હિન્દુઓની સૂચક અને લીલી પટ્ટી મુસ્લિમોની. પરંતુ ગાંધીજીના સૂચનથી એક વધુ સફેદ પટ્ટી તેમાં ઉમેરવામાં આવી અને તે પટ્ટીને ગાંધીજીએ લઘુમતી કોમના પ્રતીક કરીકે વર્ણવી. આ ધ્વજને ૧૯૨૧ની કોંગ્રેસની મિટિંગ વખતે પ્રસ્તુત કરવામાં આવનાર હતો, પરંતુ અમુક કારણોસર મિટિંગમાં ધ્વજ સમયસર પહોંચી શક્યો નહીં. ગાંધીજીએ આ ધ્વજને ‘સ્વરાજ’ ધ્વજ નામ આપ્યું હતું.

સમય જતાં રાજકીય ચોક્કસાઈને પગલે ગાંધીજીએ ત્રિરંગાને રંગોના જુદી જુદી કોમના સૂચક તરીકે દર્શાવવાને બદલે જુદા દૃષ્ટિકોણે રજૂ કર્યો. આ દૃષ્ટિકોણ મુજબ લાલ રંગ બલિદાનનો રંગ, સફેદ રંગ શુદ્ધતાનો રંગ અને લીલો રંગ આસ્થાનો રંગ – એમ દર્શાવવામાં આવ્યું. કોંગ્રેસે જો કે આ ધ્વજને રદબાતલ ઠેરવ્યો હતો, કારણ કે તે બીજા અમુક દેશોના રાષ્ટ્રધ્વજ સાથે મેળ ખાતો હતો.

· વર્ષ – ૧૯૩૧ :

ગાંધીજીએ સૂચવેલી ડીઝાઇન પ્રમાણેનો ‘સ્વરાજ’ ધ્વજ તૈયાર થયાના ત્રીજા વર્ષે, ૧૩ એપ્રિલ, ૧૯૨૯ના દિવસે જલિયાંવાલાબાગ હત્યાકાંડના વિરોધમાં નાગપુર ખાતેના કોંગ્રેસ ક્રાંતિકારોના સરઘસ દરમિયાન ‘સ્વરાજ ધ્વજ’ કહેવાતા એ ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. ‘સ્વરાજ ધ્વજ’ આગળ જતાં આપણો વર્તમાન રાષ્ટ્રધ્વજ બનવાનો હતો.

કોંગ્રેસે ‘સ્વરાજ’ ધ્વજને રદ કર્યા પછી નવી ડીઝાઇનનો ધ્વજ રચવાની કવાયત હાથ ધરી. આ માટે કોંગ્રેસની ‘ફ્લેગ કમિટી’એ અન્ય ધ્વજની રચના કરી જે સંપૂર્ણપણે લાલાશ પડતા કેસરી રંગનો હતો. માત્ર ચરખાનું ચિહ્ન ઉપરની તરફ, ડાબી બાજુએ રાખવામાં આવ્યું હતું. પરંતુ વળી એ ધ્વજ અંગે પણ મતભેદ થતાં તેને પડતો મૂકાયો અને પિંગલી વૈંકૈયાની ડીઝાઇનના જ ‘સ્વરાજ’ ધ્વજમાં ફેરફારો કરવાનું નક્કી થયું. ૧૯૩૧માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની મિટિંગમાં ‘સ્વરાજ’ ધ્વજમાં લાલ પટ્ટાને કેસરી રંગમાં પરિવર્તિત કરી વચ્ચે ચરખાનું ચિહ્ન જેમનું તેમ રખાયું અને નવો ‘પૂર્ણ સ્વરાજ’ ધ્વજ રચાયો. (નીચેનો ફોટો)

ભારતના ‘ઓફિશિયલ’ ધ્વજ તરીકે તેને પસંદ કરવા માટેનો ઠરાવ પસાર કરાયો. ઠરાવ બહુમતીથી પાસ થયો અને એ વર્ષે તે ધ્વજ ભારતનો ઓફિશિયલ ધ્વજ બન્યો. કોંગ્રેસે તેને ૩૧ ઓગસ્ટ, ૧૯૩૧ના દિવસે પ્રથમ વખત ફરકાવ્યો.

‘પૂર્ણ સ્વરાજ’ ધ્વજ ત્યાર પછી છેક ૨૧ જુલાઈ, ૧૯૪૭ સુધી ભારતનો ધ્વજ રહ્યો. જુલાઈ-ઓગસ્ટમાં જ્યારે સ્વતંત્રતા અગાઉનો માહોલ હતો ત્યારે ૨૨ જુલાઈ, ૧૯૪૭ના દિવસે યોજાયેલી કોંગ્રેસની બંધારણીય સભામાં સ્વતંત્રતા બાદના રાષ્ટ્રધ્વજ અંગે ચર્ચા થઈ. થોડા જ સમયમાં જેઓ આઝાદ ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ બનવાના હતા એ રાજેન્દ્રપ્રસાદે અન્ય કમિટી મેમ્બર્સ અબુલ કલામ આઝાદ, રાજગોપાલાચારી, સરોજીની નાયડુ, બાબાસાહેબ આંબેડકર વગેરે સાથે ચર્ચાવિચારણા કર્યા પછી વર્તમાન ધ્વજમાં ચરખાને સ્થાને અશોકના ચક્રને સ્થાન આપવું એવો ઠરાવ કર્યો અને તેને આઝાદ ભારતના રાષ્ટ્રધ્વજ - ત્રિરંગા તરીકે માન્ય ઠરાવવામાં આવ્યો. ■

- પરમ દેસાઈ

(આ લેખને સચિત્ર માણવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)