Mrutyu pachhinu jivan - 15 books and stories free download online pdf in Gujarati

મૃત્યુ પછીનું જીવન - ૧૫

મૃત્યુ પછીનું જીવન—૧૫

આપણે જોયું કે રાઘવ ગેસ્ટ-રૂમમાં ચેર પર પડેલાં ધાબળાને જોઇને સમજી જાય છે કે ચોર અહીં જ છે. બેડની બાજુમાં નીચે કરેલી પથારીમાંથી કોઈ હલચલ દેખાતા અને રાઘવ સમજી જાય છે કે આ જ છે , જેણે મારા ઓફીસરૂમમાંથી કાગળો ચોરીને છુપાવ્યા છે. પણ એ છે કોણ? પણ બધા રજાઈ માથે તાણીને સુતા હતાં. એણે એની રજાઈમાં ઘુસી જઈ એનાં શરીરની ફરતે ફરવાનું શરું કર્યું. પેલાને અચાનક ગુંગળામણ થવા લાગી અને એ બેઠો થઇ ગયો. રાઘવ એને જોઇને ચોંકી ગયો અને દુઃખી થઇ ગયો, અને સીધો એ અંશનાં રુમ તરફ ગયો. હવે આગળ,

સવારે આંખો ખુલતાં જ અંશ દોડતો દોડતો મોટાના રુમ તરફ ગયો. પણ એ તો બહાર ગાર્ડનમાં સોફા પર ૩-૪ વડીલો સાથે ચાય પીતો હતો. એ બીજા દીવસે રાખેલાં બેસણાનાં કાર્યક્રમ અંગે જરૂરી ફોન કોલ્સ કરતો હતો. અને એ માટે જરૂરી સૂચનાઓ આપતો હતો. સમીરે અંશને પાસે બોલાવી એક પ્રસિધ્ધ ગાયક મંડળીને કાલ માટે બોલવવાનું કહ્યું. અને હમણાં ૧૦ વાગે થનારા ગીતાનાં કાર્યક્રમમાં અંશને હાજર રહેવાં કહ્યું. ઘરની વ્યવસ્થાનાં કાર્યોમાં મોટો નિપુણ હતો. પણ બિઝનેસ સેન્સ અંશની વધારે સારી હતી. તેથી ક્યારેક રાઘવને અંશ માટે વધુ ખેંચાણ થતું. મોટાંનાં અને ત્યાં બેઠેલાં વડીલોનાં સૂચનો સાંભળી એ અંદર રસોડામાં ગયો, એની મા પાસે...

ગોમતી રસોડામાં ખુબ જ વ્યસ્ત હતી, બંને વહુઓને રસોઈનો સામાન કાઢી આપતી હતી. બીજી પણ ૩ ૪ સ્ત્રીઓ ત્યાં ઊભી હતી. આજે આખા કુટુંબને ખીચડો જમાડવાનો કાર્યક્રમ હતો. એક વડીલ સ્ત્રી આ બધા રીવાજોથી અજાણ વહુઓને સૂચનાઓ આપતી હતી. અંશને માની પાછળ ફરતો જોઈ બધી સ્ત્રીઓને નવાઈ લાગી.

“બેટા, આજે બ્રેકફાસ્ટ લેવાની કોઈની ઈચ્છા નથી. તને ઈચ્છા હોય તો બનાવી આપું? ”

“નહીં , મા , જરા પણ ઈચ્છા નથી.”

“તો પછી? ”

“તારું કામ છે, મા ”

“જરા થોભી જા. આ લોકોને બધું બતાવી દઉં. ”

“નહીં પહેલાં આવ, મા .અગત્યનું કામ છે. ”

“બસ, ૫ મિનિટ..”

ગોમતી એને ટાળીને રસોડામાં અટવાઈ ગઈ. અંશ અકળાતો રહ્યો અને ગોમતીની રાહ જોતો ઊભો રહ્યો. ગોમતી હંમેશા આવું જ કરતી.

એટલામાં ૧૦નાં ટકોરા પડ્યા. હોલમાં ગીતા વાંચવા માટે બોલાવેલ ખાસ મંડળી આવી ગઈ. એક બે સ્ત્રીઓ એમને ચાય પાણી આપવા ગઈ. ગોમતી એમને બેસાડવામાં ફરી વ્યસ્ત થઇ ગઈ.

વિશાળ હોલમાં પ્રવેશતાની સાથે જ બાનું ઓઈલ પેઈન્ટીન્ગ જોવા મળે. એની બાજુમાં સાંકળી પણ ઊંચી, એવી વોલ સાઈઝની બારી, જેમાંથી આવતાં સૂર્યના કિરણો ઘરને પ્રકાશથી ભરી દેતાં હતાં. અને એ વોલ છોડીને બાજુની લાંબી વોલ પાસે એક મોટી રોયલ ચેર, જે રાઘવની ખાસ બેઠક હતી., જેની હાઈટ ખાસ્સી ઊંચી હતી. આખા હોલમાં એ ચેર એનું વિશેષ સ્થાન ધરાવતી હતી. આ ચેર પર રાઘવ સિવાય કોઈ બેસતું નહી. હમણાં પણ રાઘવનો ફોટો ત્યાં જ મુકયો હતો.

એ ચેરની બાજુમાં અને સામે મૂકેલાં સોફાઓ આજે હટાવી દેવાયા હતાં. અને બાજુમાં ગીતાની બેઠક કરવામાં આવી હતી, જ્યાં આવેલી મંડળીનાં સભ્યોને બેસાડવામાં આવ્યાં હતાં. એમની સામે ૩૦-૪૦ માણસો બેઠાં હતાં , એક તરફ સ્ત્રીઓ અને બીજી તરફ પુરુષો . ગીતાનાં શ્લોકો ધૂપસળીની સુગંધની સાથે હોલમાં રેલાઈ રહ્યાં હતાં.

બધાં એકદમ શાંત હતાં. બધાનું ધ્યાન સામે મધુર કંઠથી બોલાતા શ્લોક પર કેન્દ્રિત લાગતું હતું ; ઘણાં દુઃખમાં હતાં, ઘણાં આઘાતમાં હતાં. હવામાં ગુંજતા ભગવદ ગીતાનાં શ્લોકોની સાથે રાઘવ પણ હોલમાં ફરતો રહ્યો. બધુંય જોતો રહ્યો . બધું ય સાંભળતો રહ્યો. સુમધુર અવાજે બોલાતો એક શ્લોક એ ધ્યાનથી સાંભળી રહ્યો.

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥


બીજા એક શાસ્ત્રી એનો અનુવાદ બોલ્યાં , “આ આત્માને શસ્ત્ર કાપી નથી શકતું , આગ બાળી નથી શકતી , પાણી એને પલાળી નથી શકતું કે વાયુ નથી સુકવી શકતો . આત્મા તો નિત્ય, સર્વવ્યાપી, અચલ, સ્થિર અને સનાતન છે, આત્મા અમર છે.”

રાઘવને આશ્ચર્ય થયું. આ કંઇક એવું જ કહે છે, જેવું દેવદૂતો કહેતાં’તા. સાચી જ વાત છે ને ...આત્મા અમર છે .મારું શરીર બળી ગયું ,પણ હું તો અહીં છું ... જીવતે જીવ આવું જ્ઞાન મળ્યું હોત તો....! પણ અહીં રાઘવનાં ઘવાયેલાં મનને શાતા વળી રહી હતી. એણે જીંદગીમાં પહેલી વાર ગીતા સાંભળી. ખબર નહીં કેમ ? સુકુનનો અહેસાસ થઇ રહ્યો હતો. જીવિત હતો ત્યારે અને મર્યા પછી પણ સતત ગતિમાન રહેતાં રાઘવને ત્યાં ટકવાનું સારું લાગ્યું. પહેલાં ગોમતી આવી પૂજા-પાઠ રાખતી , ત્યારે ગુસ્સો આવતો. પણ આજે ઘડી ભર ત્યાં બેસી સુમધુર, લયબદ્ધ સ્વરોમાં ઉચ્ચારાતા શ્લોકોને સાંભળતા જ રહેવાની ઈચ્છા થઇ.. આ શબ્દોમાં હિલીંગ ટચ છે જાણે ...!

રાઘવ ૫ દિવસનાં ટાર્ગેટને ભુલીને ગીતા પાસે બેસી રહ્યો... શ્લોકો સાંભળતો રહ્યો.

૧૨ વાગે ગીતાનાં ૨ અધ્યાય સમાપ્ત થતાં ફરી અંશ એની માં પાસે ગયો. મા રસોડામાં અટવાઈ જાય, એ પહેલાં એને પાસેનાં ઓફિસ રૂમમાં ખેંચી ગયો. બન્નેને અંદર જતાં જોઈ મોટાને ફિકર થઇ. એ પણ એમની પાછળ ગયો. અંશે દરવાજો અંદરથી બંધ કરી દીધો. એ જોઇને રાઘવ પણ ત્યાં ગયો , બંધ દરવાજામાંથી આરપાર થઈને . ત્રણેયને અંદર સાથે ઉભેલાં જોઇને રાઘવને સંતોષ થયો. એને એનો આઈડિયા કામ કરી રહ્યો હોય એવું લાગ્યું. ફરી એ એનાં બુદ્ધિ બળથી એની મંઝિલનું બીજું પગથિયું ચઢી ગયો.

-અમીષા રાવલ

---------------------------------------------------------------------------------------

પેલો ધાબળા વાળો કોણ હતો ? અંશે બન્નેને ઓફિસરુમમાં કેમ ભેગાં કર્યા? આ દરેક સવાલનો જવાબ મેળવવાં આગળ વાંચતાં રહો .

આપ સૌ તરફથી મળતાં આવકાર બદલ ખુબ ખુબ આભાર. આપણા રેટીંગ આપતાં રહેજો.