Pratisrushti - A Space Story - 2 books and stories free download online pdf in Gujarati

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨

ભાગ 

   .. ૨૨૫૦ માં ધર્મોની સ્થિતિ 

૨૦૭૧ થી ૨૦૭૫ સુધી ચાલેલા વિશ્વયુદ્ધમાં ધાર્મિક ઉદ્રેગોનો મોટો ફાળો હોવાથી લોકોને ધર્મ પ્રત્યે અસૂયા થઇ ગઈ. એટલો વ્યાપક સંહાર થયો કે લોકોનો ધર્મ અને ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી ગયો અને બાકી કામ ભૂખમરા અને બીમારીઓએ કર્યું. તે પછી ચાલેલા મનોમંથનમાં નાસ્તિકોનો હાથ ઉપર રહ્યો અને તેથી ધર્મોનો લોપ થયો, હવે જગતમાં ફક્ત એક જ ધર્મ ચાલે છે માનવતા. તેથી ઈ.સ. ૨૨૫૦ માં ક્યાંક ચર્ચની બેલનો, મંદિરની ઘંટડીઓનો કે મસ્જિદમાંથી અજાનનો અવાજ આવતો નથી. લોકોએ કોઈ પણ વ્યક્તિને ધર્મ પરથી ઓળખવાનું બંધ કર્યું છે. ધર્મનો લોપ થવાથી જાતિઓનો પણ નાશ થયો છે, હવે વ્યક્તિની ઓળખાણ ફક્ત તેનો વ્યવસાય છે. ૨૦૮૦ થી ૨૧૫૦ સુધી તો એવો ટ્રેન્ડ ચાલ્યો હતો કે કોઈએ પોતાના બાળકનું નામ ઈશ્વરના નામ પરથી રાખવું નહિ, પણ પછી ફરી લોકો જુના નામો તરફ વળ્યાં, પણ તે શ્રદ્ધાને લીધે નહિ પણ જેટલું જૂનું નામ તેટલું તે ફેન્સી એવા ટ્રેન્ડને લીધે. 

  છતાં ઈશ્વરનું નામ સાવ નામશેષ થયું નથી. ક્યાંક ક્યાંક છાને છાપને ઈશ્વરની પૂજા થઇ રહી છે. પણ તેવા લોકો લઘુમતીમાં છે. બહુમતી લોકો ઈશ્વર પ્રત્યે અશ્રદ્ધા ધરાવે છે .

 .. ૨૨૫૦ માં કુદરતની સ્થિતિ 

  ૨૦૭૫ સુધીમાં જંગલોનો મોટા પાયે વિનાશ થયો હતો. ગ્લેશિયર પીગળ્યાં હતા અને સમુદ્રનું સ્તર પણ વધ્યું હતું, પણ ૨૦૯૫ પછી ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટ અને વસ્તીકપાત અને જંગલોના નાશ પર બ્રેક લાગી. જંગલોનો વિસ્તાર વધવા લાગ્યો અને વન્યસૃષ્ટિ ફરી ખીલી. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ટેક્નોલોજી થકી ઓછું કરવાથી ફરી ગ્લેશિયરો વધવા લાગ્યા અને પીવાના પાણીની ખેંચ ઓછી થવા લાગી અને જંગલોના વધવાથી વરસાદ પણ નિત્ય પાડવા લાગ્યો એટલે જમીનમાં પાણીનું સ્તર સુધર્યું.

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરાવવામાં રાજનકુમારની દીર્ઘદ્રષ્ટિનો મોટો ફાળો હતો. તેમણે સૌથી પહેલું ધ્યાન ઉર્જા તરફ આપ્યું અને તેમણે ગ્રીન ઉર્જાને પ્રાધાન્ય આપવાની વાત કરી ઉપરાંત તેમણે રીજનની સરકારોને સૌર ઉર્જા નિર્માણ કરતાં સાધનોને વધુ કાર્યક્ષમ બનાવવાની શોધોને ઉત્તેજન આપવાની નીતિને લાગુ કરવાનું કહ્યું, ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ શોષી તેમાંથી કાર્બન અને ઓક્સિજન છુટ્ટો પડી શકાય તેવા શકાય તેવી લોકભોગ્ય ટેક્નોલોજી વિકસાવવાનું આવ્હાન કર્યું. તેને લીધે ઘણા ઉદ્યજકો અને વૈજ્ઞાનિકો મંડી પડ્યા અને જે ફોટો સેલની કાર્યક્ષમતા ૨૦ થી ૪૦ % સુધીની હતી, તેને ૯૮ % સુધી પહોંચાડી અને તેનું કદ પણ નાનું થયું, જેને લીધે જગતનું ઉર્જા સંકટ ટળી ગયું અને વાતાવરણનું પ્રદુષણ ધીમે ધીમે ઘટતું ગયું. અત્યારે જગતના ઉર્જા વપરાશમાં સૌર ઉર્જાનો ફાળો ૮૦ % છે અને બાકીની ૨૦ % અન્ય સ્ત્રોતોથી મળે છે. હવે કન્વર્ટિબલ, કાર, પ્લેન કે ટ્રેન બધું સૌર ઉર્જા થી ચાલે છે.

. ૨૨૫૦ માં રાજકીય સ્થિતિ 

સરસ વિકાસ, સમાન શિક્ષણ, નિશાસ્ત્રીકરણ બધું ઉપરની ક્રીમ જેવું હતું અંદર ક્યાંક અસંતોષ ખદબદી રહ્યો હતો. ઈ.સ. ૨૧૨૦ સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં સુધી રીજનની સરકારમાં જે નાના દેશો ભળ્યા હતા તેમને સંસદમાં પ્રતિનિધિત્વ મળતું હતું, પણ રાજકુમારના મૃત્યુ પછી મોટા દેશોએ પોતાનું પોત પ્રકાશ્યું અને નાના દેશોના સભ્યોનું પ્રતિનિધિત્વ ધીરે ધીરે ઓછું થતું ગયું, પણ સંપત્તિનું સ્તર અને જીવનનું સ્તર ઊંચું ગયું હોવાથી તરત અસંતોષ ન ફેલાયો, પણ ધીમે ધીમે નાના દેશોમાં રહેલ કુદરતી સંપત્તિઓને અસીમિત માત્રામાં વાપરવાનું કારસ્થાન મોટા દેશોએ શરુ કર્યું અને લોભે જન્મ આપ્યો પ્રાઇવેટ સંગઠનોને જેમનું લક્ષ્ય પોતાના લોકોની સુખાકારી.

આ સંગઠનોમાં ડોક્ટરો, વૈજ્ઞાનિકો, એન્જીનીયરો અને મોટા મોટા બિઝનેસમેનો હતા. તેમણે પેરેલલ ઈકોનોમી ચલાવવાનું શરુ કર્યું. પ્રાઇવેટ કંપનીઓ સ્થાપી જેમાં ફક્ત પોતાના લોકોને જ ઊંચું સ્થાન મળે તેવી નીતિ અપનાવી. આ રીજનના નિયમોની વિરુદ્ધમાં હતું, પણ રીજનની સરકારોનો પ્રાઇવેટ કંપનીઓના કામમાં દખલ દેવાનો અધિકાર ન હોવાથી કઈ કરી શક્યા નહિ. સારા કામ માટે સ્થાપયેલ સંગઠનો આગળ જતાં જગત માટે મુસીબતનું કારણ બનવાના હતા, કારણ સંગઠનો મજબૂત થઇ રહ્યા હતા અને સંપત્તિવાન થઇ રહ્યા હતા. કુલ મળીને જગતભરમાં પંદર સંગઠનો હતાં, જેમણે મળીને એક કાર્ટેલ પણ રચ્યું હતું.  સંગઠનોએ સ્થાપેલી કંપનીઓમાંથી એક રોબોટિક્સ કંપની બહુ મોટી થઇ ગઈ હતી નામ હતું ‘સિક્રીસ’ આ કંપનીનું મુખ્ય કામ અવનવા રોબો જે ઘર તેમ જ ઔદ્યોગિક વપરાશ બનાવવાનું.

આખા જગતમાં હવે એકજ કરન્સી ચાલે છે ડોલર, પણ ડોલર જુના અમેરિકન ડોલર કરતા જુદો અને વધુ સક્ષમ છે. એક તરફ ચાર રીજનમાં વહેંચાઈ ગયેલા જગતનું ચિત્ર છે અને બીજી તરફ રાજનકુમારનું ચિત્ર જે તેમના મરણ પછી છાપવાનું શરુ કર્યું, છતાં હવે લોકોને નોટોની જરૂર ઓછી પડે છે. હવે મોટાભાગના વ્યવહારો ઓનલાઇન થાય છે. જગતના ચાર રીજનમાં વહેંચાઈ ગયા પછી યુનાઇટેડ રીજન્સ (જગત ચાર રીજનમાં વહેંચાઈ ગયા પછી યુનાઇટેડ નેશન્સનું નામ બદલીને યુનાઇટેડ રીજન્સ કરવામાં આવ્યું હતું.) ની કામગીરી ઓછી થવી જોઈતી હતી, પણ હવે તે વધી ગઈ છે અને ૨૨૦૦ ની સાલ સુધીમાં રીજન્સ વચ્ચેના મતભેદો વધી ગયા છે. કહેવાય છે કે શાંતિ ત્યાં સુધી જ હોય જ્યાં સુધી ગરીબી હોય તે દાવે હવે રીજન્સ એક બીજા વિરુદ્ધ કારસ્તાનો કરવા લાગ્યા છે. જો કે જાહેર યુદ્ધ નહિ, પણ ઠંડો વિગ્રહ તો ચાલી જ રહ્યો છે. પ્રાઇવેટ કંપનીઓનું પ્રભુત્વ રીજન્સની સરકારો પર વધવા લાગ્યું એટલે ઠંડો વિગ્રહ ઓર તેજ થવા લાગ્યો. જાસૂસી ષડયંત્રો વધવા લાગ્યા. છતાં ઘોષિત યુદ્ધ ન હોવાથી ઉપર ઉપર શાંતિ છે.

ઈ.સ. ૨૨૨૫ સુધી ડેવલપમેન્ટ કોમ્પિટિશન સિવાય કોઈ જાહેર યુદ્ધ ન થયું. દરેક રીજન બીજા રીજનના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો, કલાકારો, એન્જીનીયરોને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરતા, તેમાં મોટો ભાગ કંપનીઓ ભજવતી તે તેમને સારો પગાર, સગવડો આપીને પોતાની તરફ આકર્ષતી. તેથી કંટાળેલી રીજનની સરકારોએ જૂનો હથકંડો અજમાવ્યો, જે વૈજ્ઞાનિક કે ટેક્નોલોજિસ્ટ બીજા રીજનમાં જવાની કોશિશ કરે તેનું ખૂન કરાવવાનો, જેણે અત્યાર સુધી કાબુમાં રહેલ ગુનાખોરીના જગતને ઉત્તેજન આપવાનું કામ કર્યું. 

ક્રમશ: