Nafratni aag ma prem nu khilyu gulaab - 9 books and stories free download online pdf in Gujarati

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૯

(આગળના ભાગમાં આપણે જોયું કે મીરાં સંધ્યાના બધાં સવાલના ખોટાં જવાબ આપતી હતી.એવુ સંધ્યા ને લાગે છે,એટલે સંધ્યા મીરાં ને વધું સવાલ ના કરતાં જાતે જ બધું જાણવાનું નક્કી કરે છે.હવે જોઈએ આગળ.)




સંધ્યા ને મીરા કેન્ટિન માંથી સીધાં ઘરે જવા નીકળે છે.સંધ્યા મીરાંને તેની ઘરે ડ્રોપ કરી પોતાની ઘરે જાય છે.ઘરે પહોંચતા જ સંધ્યા ના મમ્મી રુકમણી બેન સંધ્યા પર સવાલોના પ્રહાર ચાલુ કરે છે."તું આજકાલ ક્યાં વિચારોમાં ખોવાયેલી રહે છે?તને કોઈ પરેશાની છે?જે કાંઈ હોય તે તું મને કહી શકે છે.પણ, તું આમ ગુમસુમ બેસી ના રહે"
સંધ્યા ને તેના મમ્મી ની ચિંતા સમજમાં આવી જાય છે,એટલે તે તેની મમ્મી વધારે પરેશાન ના થાય એટલે કહે છે કે,"કાંઈ નથી થયું મમ્મી,એ તો હમણાં કોલેજ માં એક પ્રોજેક્ટ પર કામ ચાલુ છે.તો તેને કેમ સારી રીતે પૂરો કરી શકાય.એ જ વિચારો કરૂં છું."
સંધ્યા પોતાના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ગંભીર ભાવ રાખ્યાં વગર અને મુક્ત મને તેની મમ્મી ને જવાબ આપે છે,એટલે રુકમણી બેન ની ચિંતા દૂર થઈ જાય છે.પરંતુ, સંધ્યા ની ચિંતા રોજ વધતી જાય છે.આજ મીરાં સાથે હોવાથી સુરજ સાથે વાત પણ નહોતી થઈ.મીરા ને શું થયું હતું.તે અને તેના મામા એક દિવસ માં એટલાં કેમ બદલાઈ ગયાં.એ અંગે તેને મીરાં પાસેથી પણ કાંઈ જાણવા મળતું નથી.સંધ્યા પોતાના સવાલો વચ્ચે જ ઘેરાઈ ગઈ હતી.પણ,તેની પાસે એકપણ સવાલનો જવાબ નહોતો.આખરે કંટાળી ને તે પોતાની ડાયરીમાં પોતાના બધાં સવાલો લખી નાંખે છે.સંધ્યા જે મુશ્કેલી નો સામનો કરી રહી હતી.તેના તેની પાસે કોઈ જવાબ નહોતાં.તેની એક સમજુ મિત્ર આજે તેનાથી બધું છુપાવતી હતી.જે વાત તે ઘરે કોઈને કરી શકતી નથી.મીરા સિવાય કોઈ અંગત કહી શકાય એવું સંધ્યા ને કોઈ મિત્ર પણ નહોતું.જેથી તે ડાયરીમાં પોતાના સવાલો લખી ને મન હળવું કરી લેતી.
ડાયરી લખીને સંધ્યા તેની મમ્મી પાસે જાય છે.તેના પપ્પા આજે કોઈ કામ થી બહાર જ રોકાવાના હતાં.જેથી સંધ્યા આજે તેના મમ્મી સાથે સૂવાનું વિચારે છે.આમ, પણ સંધ્યા ને આજે નીંદર આવે તેમ નહોતી.તેથી તે તેની મમ્મી ના રૂમ માં જાય છે.સંધ્યા ને પોતાના રૂમમાં જોઈ રુકમણી બેન કહે છે,"આવ બેટા,શું થયું હજી સુધી સૂતી કેમ નથી?"
"બસ, કાંઈ નહીં.આજે તું એકલી હતી.તો મને થયું થોડી વાર વાતો કરીએ."સંધ્યા તેના મમ્મી તરફ જોઈને કહે છે.
સંધ્યા પરેશાન હતી.જે તેના મમ્મી જાણતાં હતાં.આમ,પણ કોઈ સંતાન પરેશાન હોય એટલે મમ્મી ને તેની જાણ પહેલા થઈ જતી હોય છે.પણ,સંધ્યા ના મમ્મી સંધ્યા સામેથી ના કહે ત્યાં સુધી કાંઈ પૂછવું નથી.એવુ વિચારીને સંધ્યા ને કાંઈ પૂછતાં નથી.સંધ્યા પણ કાંઈ બોલ્યા વગર બેડ પર બેસી જાય છે.સંધ્યા ના મમ્મી આવીને સંધ્યા પાસે બેસી તેના માથા પર હળવેથી હાથ ફેરવે છે ને કહે છે,"બેટા,હું તને જાણું છું.તુ સમજું પણ થોડી જીદ્દી છો.તો તું જે કરે એ સમજી વિચારીને કરજે.હુ અને તારા પપ્પા તારો પૂરો સાથ આપશું.તુ જરાય મુંઝાતી નહીં.પણ, કાંઈ એવું ના કરતી કે જેથી તને કોઈ તકલીફ થાય.જો તને તકલીફ થાશે તો અમને પણ દુઃખ થશે."રુકમણી બેન સંધ્યા નું મન જાણી ગયા હોય તેમ સંધ્યા ને સમજાવે છે.
"હાં મમ્મી,પણ તું મારા સવાલનો જવાબ આપ."સંધ્યા તેના મમ્મી ની વાત સમજી ગઈ હોય એમ કહે છે.
"હા.બેટા બોલ,શું પૂછવું છે તારે."રુકમણી બેન સાવ નરમાશથી સંધ્યા ને કહે છે.
"મમ્મી,કોઈ આપણને પોતાની દરેક વાત કહેતું હોય.પણ,અચાનક જ તે બધી વાતો છુપાવવા લાગે.તો આપણે શું કરવું જોઈએ?"સંધ્યા મીરાં અંગે કેવી રીતે જાણવું તે સીધી રીતે ના પૂછીને આડકતરી રીતે પોતાની મમ્મી પાસે તેના સવાલનો જવાબ માંગે છે.
"જો બેટા,કોઈ વ્યક્તિ આપણાં સારાં માટે આપણાથી કોઈ હકીકત છુપાવતુ હોય.તો આપણે તેને વારેવારે પૂછીને પરેશાન ના કરાય."રુકમણી બેન સંધ્યાને એકદમ વ્હાલ થી સમજાવતાં કહે છે.
"પણ, મમ્મી, કોઈ વ્યક્તિ આપણાં સારાં માટે વાત છુપાવે છે કે આપણાં ખરાબ માટે એ કેવી રીતે નક્કી કરવું? સંધ્યા ને પોતાના જવાબ મળતા હોય એવું લાગતાં તે રુકમણી બેન ફરી એક સવાલ કરે છે.
"બેટા,એ તો આપણે વાત કેટલી ગંભીર છે એ જાણી ને જ નક્કી કરી શકીએ.કેમ કે,જો કોઈ સામાન્ય વાતો છુપાવતુ હોય તો એ વિશે જાણવાની કોઈ જરૂર ના રહે.પણ,જો વાત ગંભીર કે મોટી હોય તો એ આપણા સારાં કે ખરાબ બંને માટે હોઈ શકે.કોઈ આપણી સાથે ખરાબ કરવા પણ વાત છુપાવી શકે.કે પછી,આપણને કોઈ નુકસાન ના થાય એટલે પણ વાતો છુપાવી શકે."રુકમણી બેન સંધ્યા ને સમજાવતાં કહે છે.
રુકમણી બેન ના આ જવાબ થી સંધ્યા વધુ અસમંજસ માં આવી જાય છે.તેને લાગે છે કે, મીરાં મને તકલીફ પહોંચાડે એવું બની ના શકે.એ તો પોતે જ કોઈ મુસીબત માં હોય એવું લાગે છે.તો શું મીરાં મને બચાવવા માટે મારી સામે ખોટું બોલતી હશે?મને કોણ હેરાન કરી શકે?જો મીરાં મને બચાવવા ખોટું બોલે છે.તો જરૂર કોઈ તેને આવું કરવા મજબૂર કરતું હશે.પણ,કોણ?આવા અનેક સવાલો સંધ્યા ને ઘેરી વળે છે.
"શું થયું?બેટા.કેમ બોલતી બંધ થઈ ગઈ?ને અચાનક આવાં સવાલો કેમ કરે છે?કોણ તારાથી વાતો છુપાવે છે?"રુકમણી બેન એકસાથે બધાં સવાલો પૂછી લે છે.જેથી, સંધ્યા પોતાના વિચારોમાંથી બહાર આવે છે.
"કાંઈ નહીં, મમ્મી.એ તો હું એમ જ પૂછતી હતી.કયારેક તમે મારાથી કાંઈ છુપાવો તો મારે કેવી રીતે જાણવું એ હું જોતી હતી."આમ,કહીને સંધ્યા તેનાં મમ્મી ને વધુ જવાબ ના આપવા પડે એટલે ખડખડાટ હસવા લાગે છે.
"અમે શા માટે તારાથી કાંઈ છુપાવી?તારે તું શું છુપાવે એ ના કહેવું હોય તો કાંઈ નહીં.પણ,વાત ને બીજી તરફ ખેંચી ના જા."રુકમણી બેન સંધ્યા ને કહે છે,ને મોઢું મચકોડીને બેડ પરથી ઉભા થઇ જાય છે.
"અરે,મારી વ્હાલી મમ્મી.એવુ કાંઈ નથી.હુ તો ખાલી એમ જ પૂછતી હતી.તમને તો ખોટું લાગી ગયું.ભૂલ થઈ ગઈ.માફ કરી દો મને."સંધ્યા કાન પકડી ને રુકમણી બેન ને મનાવતા કહે છે.
"સારું લ્યો.હવે સૂઈ જા.પછી કાલે કોલેજ જવામાં મોડું થાશે.તો નાસ્તો કર્યા વગર જ ચાલી જઈશ.કાલે તો નાસ્તો કર્યા વગર ગઈ તો કોલેજ જવાનું જ બંધ કરી દેવું છે."રુકમણી બેન સંધ્યા ને મીઠો ઠપકો આપતાં કહે છે.
"હા માતૃ શ્રી,કાલે નાસ્તો કરીને જ જઈશ.બસ."સંધ્યા હસતાં હસતાં રુકમણી બેન ને કહે છે.
સંધ્યા ને હસતી જોઈ રુકમણી બેન પણ હસવા લાગે છે.સંધ્યા ખુશ હતી.એ જોઈ રુકમણી બેનના મનને શાંતિ મળે છે.પરંતુ,તેના અચાનક આવાં સવાલો થી તેનું દિલ બેચેન થઈ જાય છે.સંધ્યા પણ રુકમણી બેનના જવાબો થી વધુ પરેશાન થઈ જાય છે.પણ,કોઈ એકબીજાને કાંઈ કહી શકતું નથી.બંને વિચારોમાં જ ક્યારે સુઈ જાય છે.એ તેમને પણ નથી ખબર પડતી.






(સંધ્યા એ મીરાં અને તેના મામા વિશે જાણવા મન મક્કમ કરી લીધું હતું.આગલી સવાર સંધ્યા માટે એક ખુશી લાવવાની હતી.તે ખુશી કઈ હશે.એ આપણે આગળ ના ભાગમાં જોઈશું.)