Definition of Love - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરિભાષા - 1

આજથી ચોક્કસ એકત્રીસ વર્ષ પહેલાંની વાત છે. એક એવા વ્યક્તિત્વનો જન્મ થયો કે જેના વિશે કોઈ પણ બ્રાહ્મણ એક સમાન ભવિષ્ય ભાખી શકતા નહીં. બાળપણમાં ખુબ જ સુંદર ,ઘઉં વર્ણ, મધ્યમ બાંધો , એકંદરે જોવા વાળા ને આકર્ષિત કરે તેવો. માતા પિતા તથા અન્ય કુટુંબી જનોને ખુબ વ્હાલો.
આ તો માત્ર વાતની શરૂઆત કરવા માટે જ લખ્યું પરંતુ ખરેખર જાણવાની વાત તો તેની યુવાનીની છે. પણ શરૂઆત તેની ચૌદ વર્ષની આયુથી કરીએ. ચૌદ વર્ષની આયુમાં ભાઈ ને પ્રથમ પ્રેમ થયો. ભલે એ વાતાવરણની અસરથી થયેલું આકર્ષણ હોય કે પછી વાસ્તવિક પ્રેમ. હવે એ તો પ્રભુ જાણે. પરંતુ ચૌદ વર્ષની વયે તો ભાઈએ શરૂઆત કરી દીધી. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ તેના જીવનમાં કન્યાઓ, અરે ! માફી ચાહું છું - વાસ્તવમાં કહીએ તો આજની ભાષામાં ગર્લફ્રેન્ડની મોટી યાદી તૈયાર થવા લાગી. ખુબ જ રંગીન મિજાજી માણસ.
મુખ્ય વાત તો હવે આવે છે.
જ્યારે ભાઈ પોતાની અઢાર વર્ષની ઉંમર પૂરી કરી ચૂક્યા હતા. આ વખતે ખ્યાલ જ ના આવ્યો કે ભાઈને કયા પ્રકારનો પ્રેમ થઈ ગયો હતો અને એ પણ કેવી રીતે !!!!!
ચાલો ગોળ ગોળ વાતો બહુ થઈ, હવે માંડીને વાત કરું.
આ વાત છે મારા ખાસ મિત્ર ધર્મેન્દ્રની. તેણે તેના જીવનમાં પ્રેમની શરૂઆત ક્યારે કરી તે તો તમે જાણ્યું, પરંતુ જ્યારે પ્રેમ કરવાની ચરમ સીમાની આયું હોય ત્યારે તેની સાથે શું થયું તેની વાત મારે અહીંયા તમારી સાથે કરવી છે.
ધર્મેન્દ્ર સ્નાતક કક્ષાના પ્રથમ વર્ષને પૂર્ણ કરવાની તૈયારીમાં હતો. એક સત્ર પૂરું થઈ ચૂક્યું હતું. તેનો સોળમી ડિસેમ્બરના રોજ જન્મદિવસ આવે છે ( નોંધ : ક્યાંક તમારા મનમાં શંકા ન થાય એટલે કહી દઉં કે મારો અને ધર્મેન્દ્ર નો જન્મદિવસ એક જ તારીખે આવે છે). તો આ વર્ષે એટલે કે સ્નાતક કક્ષાના અભ્યાસના પ્રથમ વર્ષે ધર્મેન્દ્રને એક અતિસુંદર કન્યા નામે મેઘા સાથે પ્રણયના બીજ અંકુરિત થઈ ચૂક્યા હતા. અને એ પણ કોઈ સીમાથી પરે. પ્રથમવાર ધર્મેન્દ્ર પ્રેમમાં એવો ઊંડો ઉતરી ગયો હતો કે તેણે દરેક જગ્યાએ અને દરેક સમયે મેઘા જ મગજમાં રહેતી. પરંતુ આ વખતે તેના સાચા પ્રેમને કોઈની નજર લાગી ગઈ. સોળમી ડિસેમ્બર ના દિવસે સવારે મેઘા પોતાના ઘરેથી પોતાના ડ્રાઈવર સાથે ગાડીમાં બેસી ધર્મેન્દ્રને મળવા આવી રહી હતી, એક બાજુ પ્રેમીના જન્મદિવસની શુભકામનાઓ આપવાની ખુશી અને તેની ઉજવણીની ઉત્સુકતા તેના રોમે રોમમાં રમી રહી હતી અને સાથે સાથે ધર્મેન્દ્રને મળવાની ખુશી.
એક રીંગ વાગી ધર્મેન્દ્રના મોબાઈલમાં, અને એક જ અવાજ અને એ પણ મેઘા નો - " ધર્મેન્દ્ર", અને અચાનક જ એક દર્દનાક ઘટના બની. રસ્તા વચ્ચે ઊંઘી પડેલી કારમાંથી હાથ બહાર દેખાતો હતો. જન મેદની ઉભરાઈ આવી હતી. લોહીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા. એક ટ્રક સાથે મેઘાની કારનો કરુણ અકસ્માત............(ૐ શાંતિ).
ફોન ચાલુ જ હતો, અને બીજા કોઈ ભાઈએ ઉઠાવીને વાત કરી અને સ્થળ પર બનેલી ઘટનાની જાણ કરી તો ધર્મેન્દ્રના પગ નીચેથી જમીન સરકી ગઈ. મેઘાના દેહવિલય ની જાણ થતાં તેનો આઘાત અને ઊભા થયેલા સંજોગો તે સહન કરી શક્યો નહિ. તેની માનસિક સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી. મિત્રોના આશરે છ માસના અથાગ પ્રયત્નો બાદ ધર્મેન્દ્ર થોડો સ્વસ્થ થવા લાગ્યો. ત્યારબાદ તેણે પોતાની દૈનિક ક્રિયાઓમાં થોડું થોડું ધ્યાન પરોવવા માંડ્યું. સમય જતાં તે પહેલાં જેવું સામાન્ય જીવન જીવવા લાગ્યો. પરંતુ તે માત્ર બાહ્ય દેખાવથી જ પહેલા જેવો લાગતો હતો, અંદર થી તો તે મેઘાની યાદોમાં જ ખોવાયેલો રહેતો. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ તેના જીવનમાં ઘણો મોટો ફેરફાર થવા લાગ્યો. આમને આમ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા. અને એકવીસ વર્ષ પૂરા થતા સાથે જ ધર્મેન્દ્રના માતા- પિતાએ તેના લગ્નની વાતનો તાર છેડ્યો.
( ક્રમશઃ)