Pratisrushti - A Space Story - 6 books and stories free download online pdf in Gujarati

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૬

ભાગ 

દર વર્ષે ડૉ. હેલ્મ અને તેમની દીકરી કેલી ડૉ. સાયમંડનાં અસ્થિ જ્યાં દફનાવ્યાં ત્યાં જતા અને તે રોપ પાસે ફૂલો મુકતા. હવે તે રોપ વૃક્ષ બની ગયો હતો અને કેલી પણ મોટી થઇ ગઈ હતી. વર્ષ હતું ઈ.સ. ૨૨૪૩.   કેલીએ સ્પેસ સાયન્સની સાથે ક્વોન્ટમ ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તે પહેલાં રીજનલ સ્પેસ સેન્ટર સાથે જોડાઈ અને ત્યાં એક વર્ષ ટ્રેનિંગ લીધા પછી તે ડૉ. હેલ્મની લેબમાં જોડાઈ. ડૉ. હેલ્મ ન્યટ્રિનો થકી બ્રહ્માંડનાં  રહસ્યોનો તાગ મેળવી રહ્યા હતા. તેમણે પોતાની રિસર્ચ અને આકલનોથી એક થિયરી બનાવી હતી. અત્યાર સુધી એક જ થિયરી પ્રચલિત હતી બિગ બેંગ.

બિંગ બેંગ પછી બ્રહ્માંડ નું વિસ્તરણ થયું અને બીજી એક થિયરી હતી બિગ ક્રન્ચની જેને બહુ ઓછા વૈજ્ઞાનિકો સમર્થન આપતા હતા કારણ તેને સાબિત કરવા કોઈ પ્રૂફ નહોતું, જે ડૉ. હેલ્મે ન્યુટ્રીનો થકી શોધી કાઢ્યું. તેમની થિયરીના હિસાબે બિગ બેંગ પછી નવ અબજ વર્ષ સુધી બ્રહ્માંડ ફેલાય છે અને પછી તેનાથી ઉંધી પ્રક્રિયા શરુ થાય છે, બિગ ક્રન્ચની જેમાં બ્રહ્માંડનો ફેલાયેલો સાથરો સમેટાય છે અને ફરી પાછું બિગ બેંગ થાય છે અને ઘટમાળ અવિરત ચાલતી રહે છે.

બિગ બેંગ પછી જુદા જુદા ગ્રહો પર સૃષ્ટિઓ રચાય અને બિગ ક્રન્ચ વખતે તેમનો નાશ થાય. આ થિયરીના ડીસકશન વખતે કેલીએ મહત્વના મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું, જેનાથી ત્યાં હાજર સાયન્ટિસ્ટો આશ્ચર્યમાં પડી ગયા.

કેલીએ કહ્યું, “જો દર નવ અબજ વર્ષે બિગ બેંગ અને બિગ ક્રન્ચ દોહરાવાતું હોય તો હાલના બ્રહ્માંડની ઉંમર ૧૩.૭ અબજ વર્ષ છે અને તે હજી ફેલાઈ રહ્યું છે, તે શા માટે? તે ઉપરાંત ફક્ત ક્રિયા પૂરતી નથી, તેની પ્રતિક્રિયા પણ હોવી જોઈએ. જો બ્રહ્માંડ છે તો તેની નજીકમાં પ્રતિબ્રહ્માંડ પણ હોવું જોઈએ, જ્યાં બ્રહ્માંડની ક્રિયાથી ઉલટ પ્રતિક્રિયા થતી હોય. જેમ કે અહીં બિગ બેંગ થતું હોય તો ત્યાં બિગ ક્રન્ચ થતું હોય અને અહીં બિગ ક્રન્ચ થતું હોય, તો ત્યાં બિગ બેંગ થતું હોય તો જ બ્રહ્માંડનું બેલેન્સ જળવાય, નહિ તો બધું પડી ભાંગે.”

તેની આ ટિપ્પણીને ત્યાં હાજર રહેલ દરેક સાયન્ટિસ્ટ તાળીઓથી વધાવી. કેલી જોડાઈ ત્યારે ઘણા બધાંના મનમાં હતું કે પિતાની લાગવગથી ત્યાં જોડાઈ છે, પણ હવે તેમણે વિશ્વાસ થઇ ગયો કે કેલી તેના પિતા ડૉ. હેલ્મ કરતા પણ વધુ પ્રતિભાશાળી છે.

            ડૉ. હેલ્મ પણ અચંબિત હતા, પણ કેલીએ પ્રસ્તુત કરેલ થિયરી ઘણાં બધાં પ્રશ્નોના ઉત્તર આપતી હતી, કદાચ પ્રતિબ્ર્હ્માંડમાં હજી બિગ ક્રન્ચ પૂર્ણ થઈને બિગ બેંગ થયું નથી, તેથી હજી અત્યારનું બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. પ્રતિબ્ર્હ્માંડના અસ્તિત્વના પુરાવા શોધવા ડૉ. હેલ્મ મચી પડ્યા અને તેમની ટીમ પણ. જો પૂરતા પુરાવા મળે તો તેમની થિયરી અત્યારસુધીની સર્વશ્રેષ્ઠ થિયરી સાબિત થવાની હતી. તેમણે રીજનલ સ્પેસ સેન્ટર ઉપરાંત જુદી જુદી એજન્સીઓનો કોન્ટાક્ટ કરીને બ્રહ્માંડના નકશા મેળવ્યા ઉપરાંત પોતાની પાસે સંકલન હતું, તે ભેગા કરીને બ્રહ્માંડનો નકશો બનાવવાની શરૂઆત કરી.

વચ્ચે તેમણે રીજનલ સ્પેસ સેન્ટરને વાત કરીને પ્રતિબ્ર્હ્માંડની ખોજ માટે કોઈ મિશન લોન્ચ કરવાની વાત કરી, પણ રીજનલ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટરે નકાર આપ્યો.

તેમણે કહ્યું, “આવું મિશન લાંબા ગાળાનું ઉપરાંત ખર્ચાળ સાબિત થાય ઉપરાંત સફળતાની ટકાવારી શૂન્યથી પણ ઓછી હોય. હજી આપણા બ્રહ્માંડમાં જ આપણે થોડાં પ્રકાશવર્ષ સુધી જ પહોંચી શક્યા છીએ અને આપણે નવા ગ્રહો શોધી શક્યા છીએ જ્યાં જીવન ધબકાર લઇ રહ્યું હોય અને એક બે ગ્રહો એવા પણ મળ્યા છે જ્યાં...”

પછી તે અચાનક ચૂપ થઇ ગયા એટલે ડૉ. હેલ્મે પૂછ્યું, “ત્યાં શું?”

ડાયરેક્ટરે કહ્યું, “જ્યાં આપણને જુદી જુદી ધાતુઓની ખાણો મળી છે.”

ડૉ. હેલ્મને લાગ્યું તેમણે વાત બદલી દીધી પણ તેમણે આગળ કઈ ન પૂછ્યું.

તે પછી તેમણે અને કેલીએ બ્રહ્માંડના નકશા બનવાનું કામ આગળ ધપાવ્યું, પણ એક પોઇન્ટ પર આવીને તેઓ અટકી ગયા. પ્રતિબ્ર્હ્માંડની કલ્પના માંડવી એક વાત છે અને તેને સાબિત કરવી એ બીજી વાત છે. આપણા બ્રહ્માંડનો સાથરો એટલો મોટો છે કે તેમાંથી બહાર નીકળવા પ્રકાશની ગતિથી હજારગણી ગતિથી ચાલનારું અંતરીક્ષયાન જોઈએ, જયારે અત્યારના સ્પેસ વહિકલો હજી પ્રકાશની ગતિની ૮૦ % જેટલી જ સ્પીડ મેળવી શક્યા છે. હજી પ્રકાશની ગતિથી દોડનારા અંતરીક્ષયાન નથી બન્યા, તો પછી હજારગણી ગતિની વાત તો દૂર રહી. આ પ્રોબ્લેમનું સોલ્યૂશન કેલીએ શોધી કાઢ્યું પૃથ્વીથી દસ પ્રકાશવર્ષ દૂર રહેલ વર્મહોલ.

ઈ.સ ૨૧૭૦ માં ડૉ. પ્રાયસે આ વર્મહોલ શોધી કાઢ્યો હતો. તેમની થિયરી મુજબ આ વર્મહોલમાંથી બ્રહ્માંડની બહાર નીકળી શકાય, પણ તેમની થિયરી ફક્ત રિફરન્સ પુસ્તકો પૂરતી રહી ગઈ, કારણ તે વખતના સ્પેસ વહિકલો પ્રકાશની ૫૦ % ગતિથી ચાલતા હતા અને વીસ વર્ષ માટે સ્પેસમિશન કરવા કોઈ સ્પેસ એજન્સી તૈયાર ન હતી.

******

               SANGET  રીજનમાં એક અંડરગ્રાઉન્ડ લેબની ઓફિસમાં બે વ્યક્તિઓ પોતાની સફળતાની ઉજવણી કરી રહી હતી. તેમાંથી એક વ્યક્તિ હતી સિક્રીસ કંપનીનો મલિક સિરમ અને બીજી વ્યક્તિ હતી ડૉ. સાયમંડ.

ડૉ સાયમંડે કહ્યું, “આપણે પ્રયોગના છેલ્લા સ્ટેજ પર છીએ અને આપણો પ્રયોગ પૂર્ણ રીતે યશસ્વી થયો છે.”

પછી તેમણે પોતાના ડ્રિંક્સના ગ્લાસ ટકરાવ્યા. સિરમની આંખો ચમકી રહી હતી, હવે તે જગતને બતાવી દેવાનો હતો કે તે કોણ છે તેની તેર વર્ષની તપસ્યા ફળી હતી અને આ પ્રોજેક્ટ માટે લગાવેલો એક એક ડોલર સાર્થક થયો હતો.

ક્રમશ: