Pal Pal Dil Ke Paas - Leena Chandavarkar - 28 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - લીના ચંદાવરકર - 28

લીના ચંદાવરકર

વાત એ દિવસોની છે જયારે ફિલ્મોમાં અભિનય કરવાનું કામ ઉતરતી કક્ષાનું ગણાતું હતું. શાળામાં દસ વર્ષની છોકરીએ પરીક્ષાના નિબંધમાં લખ્યું હતું.. “મૈ બડી હોકે ફિલ્મ એક્ટ્રેસ બનના ચાહતી હું”. ખલ્લાસ.. .છોકરીને પ્રિન્સીપાલ પાસે લઇ જવામાં આવી. પ્રિન્સિપાલે માફી માંગવાનું કહ્યું. જવાબમાં છોકરીએ માફી માંગવાનો ઇનકાર કરીને કહ્યું “સર, નિબંધ કા ટાયટલ હી હૈ “આપ બડે હો કર ક્યા બનના ચાહતે હો ?” મૈ એક્ટ્રેસ બનના ચાહતી હું ઈસ લીયે મૈને વહી લિખા હૈ”. આખરે તે છોકરીને છેલ્લી બેન્ચ પર બેસવાની સજા કરવામાં આવી હતી.એ છોકરી એટલે લીના ચંદાવરકર.

લીના ચંદાવરકરનો જન્મ તા.૨૯/૮/૧૯૫૦ ના રોજ ધારવાડમાં થયો હતો.લીના થોડી મોટી થઇ એટલે તેણે મુંબઈ ફિલ્મ કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. પિતાએ ઘસીને ના પાડી દીધી હતી. માતા પણ લીના મુંબઈ જાય તેમ ઇચ્છતી તો નહોતી જ પણ દીકરીની જીદ જોઇને તે પણ ટેન્શનમાં આવી ગઈ હતી.આખરે લીનાના નાનાજીએ દરમ્યાનગીરી કરી હતી. તેમણે જમાઈ (લીનાના પિતા) ને સમજાવતા કહ્યું હતું “બિટિયા કો જાને દો...અગર વોહ ભાગ જાયેગી તો ક્યા કર લોગે ?” એ દિવસોમાં ટીનએજના છોકરા છોકરીઓ ફિલ્મોમાં કામ કરવામાટે ઘરેથી ભાગી જતાં તેવા સમાચારો અખબારમાં છાશવારે ચમકતાં રહેતા.આખરે પિતાની પરમીશન લઈને લીનાએ મુંબઈની વાટ પકડી હતી. લીનાના ફોટોગ્રાફનું આલ્બમ જોઇને સિલેકશન કમિટી ખુશ થઇ ગઈ હતી પણ છેલ્લી ઘડીએ લીનાને રીજેક્ટ કરવામાં આવી હતી કારણકે તે સગીર વયની હતી. લીના નિરાશ થયા વગર મુંબઈમાં જ રહી પડી હતી.અઢાર વર્ષ પુરા થવાને આઠ મહિનાની વાર હતી. તેણે પોતાની સુંદરતાને એનકેશ કરવા માટે મોડેલીંગની દુનિયા તરફ નજર દોડાવી હતી. જોગાનુજોગ કામ મળવા લાગ્યું. તે દિવસોમાં જ લીના નરગીસ અને સુનીલદત્તના ધ્યાનમાં આવી ગઈ. સુનીલદત્તને “મન કા મિત” માટે નવા ચહેરાની જરૂર હતી.પોતાના ભાઈ સોમદત્તને હીરો તરીકે લોન્ચ કરવાનો તે પ્રોજેક્ટ હતો.

વિલન તરીકે તેમણે વિનોદ ખન્નાને ચાન્સ આપ્યો હતો. ૧૯૬૯ માં રીલીઝ થયેલી “મન કા મિત” ઠીક ઠીક ચાલી હતી. જોકે તે ફિલ્મનો સૌથી વધારે ફાયદો વિનોદખન્નાને થયો હતો. ત્યાર બાદ ૧૯૭૦ માં જીતેન્દ્ર સાથે લીનાની “હમજોલી” અતિ સફળ ફિલ્મ સાબિત થઇ હતી. લીના ચંદાવરકર સ્ટાર બની ગઈ. ૧૯૭૧ માં મહેમૂદની “મૈ સુંદર હું” માં દર્શકોએ દરેક ગીતમાં લીનાની સુંદરતા માણી હતી. અહી અંગ પ્રદર્શનની વાત નથી પણ બાળપણથી જ લીનાને ખુદ ના દેખાવ પર જે કોન્ફિડન્સ હતો તે સાચો પુરવાર થઇ રહ્યો હતો.૧૯૭૧ માં જ રીલીઝ થયેલી ફિલ્મ “કૈદ” પણ સફળ ફિલ્મ હતી.હીરો હતો વિનોદ ખન્ના.ત્યાર બાદ તેની રાજેશ ખન્ના સાથે મહેબૂબ કી મહેંદી,શમ્મી કપૂર સાથે જાનેઅનજાને ધર્મેન્દ્ર સાથે રખવાલા અને સંજીવ કુમાર સાથે મનચલી અને અનહોની જેવી ફિલ્મો રીલીઝ થતી રહી હતી.૧૯૭૪ માં રીલીઝ થયેલી “બિદાઈ” સુપર હીટ સામાજિક ફિલ્મ હતી. ફિલ્મની વાર્તા લગ્ન બાદ એક પછી એક દીકરા વિધવા માને એકલી મુકીને જતા રહે છે તેવી હતી.લીનાનો પતિ બનતો જીતેન્દ્ર ઘરજમાઈ બનીને લીનાને પાઠ ભણાવે છે.સયુંકત કુટુંબનું મહત્વ સમજાવતી વાર્તા દર્શકોને ખૂબ પસંદ પડી ગઈ હતી..૧૯૭૫ માં રીલીઝ થયેલી “એક મહલ હો સપનોકા” માં ધર્મેન્દ્ર સાથે શર્મિલા અને લીના બે અભિનેત્રીઓ હતી.લીના ચંદાવરકરે તેના ભાગે આવેલા પાત્રને ખુબ સારી રીતે ન્યાય આપ્યો હતો.

તે સમયના મોટા ભાગના સ્ટાર્સ સાથે સફળ ફિલ્મો કરનાર લીના ચંદાવરકરને એક વસવસો હતો કે તેને દિલીપ કુમારની હિરોઇન બનવાનો કોઈ ચાન્સ મળતો નહોતો. તે વર્ષોમાં હીરો તરીકે દિલીપકુમારની “ગોપી” “દાસ્તાન” અને “સગીના” જેવી છેલ્લી ફિલ્મો રીલીઝ થઇ રહી હતી. આખરે “બૈરાગ” માં લીનાનું સપનું સાકાર થયું હતું. તે દિલીપકુમારની હિરોઈન બની હતી. “બૈરાગ” નું શૂટિંગ પૂરું થયું કે તરત તા.૮/૧૨/૧૯૭૫ ના રોજ લીનાના લગ્ન ગોવાના ચીફ મીનીસ્ટર દયાનંદ બાનદોડકરના પુત્ર સિદ્ધાર્થ બાંદોડકર સાથે થયા હતા. લીનાના લગ્નની મહેંદી હજૂ તો સુકાઈ પણ નહોતી ત્યાં જ લગ્નના અગિયારમાં દિવસે સિદ્ધાર્થને આકસ્મિક રીતે તેની ખુદ ની રિવોલ્વરમાંથી જ ગોળી વાગી ગઈ હતી.લગભગ અગિયાર મહિના હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. જોકે સિદ્ધાર્થનું આયુષ્ય જ ખૂટી પડ્યું હતું.તા.૭/૧૧/૧૯૭૬ ના રોજ સિદ્ધાર્થનું અવસાન થયું હતું.માત્ર પચ્ચીસ વર્ષની ઉમરે લીના વિધવા થઇ હતી.થોડા સમય બાદ લીનાએ ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું. આમ તો લીનાનો પરિચય કિશોર કુમાર સાથે ૧૯૭૦માં “મૈ સુંદર હું” ના સેટ પર જ થયો હતો પણ વિધવા થયા બાદ કિશોરકુમાર સાથેનો સંપર્ક વધ્યો હતો. કિશોર કુમાર પણ અગાઉ કરેલાં ત્રણ લગ્નોમાં ઠર્યા નહોતા. આખરે ૧૯૮૦ માં લીનાએ ત્રીસ વર્ષની ઉમરે તેનાથી ૨૧ વર્ષ મોટા કિશોરકુમાર સાથે લગ્ન કરી લીધા હતા.લીનાના પરિવારનો શરૂઆતમાં તો ખુબ વિરોધ હતો પણ આખરે લીનાની જીદ જીતી ગઈ હતી.તે સમયે કિશોરકુમારનો પુત્ર અમિતકુમાર લીના કરતા માત્ર બે વર્ષ જ નાનો હતો.કિશોર અને લીનાના પુત્ર સુમિતકુમારના જન્મ સમયે કિશોરકુમારની ઉમર ત્રેપન વર્ષની હતી. કિશોરકુમાર સાથે લીનાનું લગ્ન જીવન ખૂબ જ સુખી પણ માત્ર સાડા છ વર્ષનું જ રહ્યું હતું. તા. ૧૩/૧૦/૧૯૮૭ ના રોજ કિશોરકુમારને હાર્ટએટેક ભરખી ગયો હતો. લીના ચંદાવરકર દિવાળીના તહેવારોમાં સૌથી વધારે ઉદાસ હોય છે કારણકે લીનાના નાના ભાઈએ દિવાળીને દિવસે જ આત્મહત્યા કરી હતી. તેની માતાનું તથા બંને પતિઓનું અવસાન પણ દિવાળી આસપાસ જ થયું હતું.

સમાપ્ત