Angat Diary - Badi badi khishiya hai chhoti chhoti bato me in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - બડી બડી ખુશીયા હૈ છોટી છોટી બાતો મેં

અંગત ડાયરી - બડી બડી ખુશીયા હૈ છોટી છોટી બાતો મેં

અંગત ડાયરી
============
શીર્ષક : બડી બડી ખુશીયા હૈ છોટી છોટી બાતો મેં
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ

એક લગ્ન પ્રસંગે બપોરે જમ્યા બાદ મારી ભાણી બોલી ‘મામા, સોડા પીવી છે..’ હું હજુ એને કંઈ જવાબ આપું એ પહેલા ભાણો બોલ્યો ‘મારે માઝા..’ જોત જોતામાં પાંચ છ ટેણીયા મને ઘેરી વળ્યા.. અને ‘મામાજી કી જય’ કરતો સંઘ વાડી બહાર જવા લાગ્યો. પાનવાળાની દુકાને પહોંચ્યા. સોડાથી શરૂ કરી બાળકોએ પેપ્સી, કુરકુરે, ફાઈવસ્ટાર સુધી ખજાનો લૂંટ્યો. બીલ થયું માત્ર ચાલીસ રૂપિયા. બાળકોના ચહેરા પર જે હરખ હતો એ લાખોનો હતો.

એક સાંજે મારા શ્રીમતીજી સ્કૂલેથી ઘરે આવ્યા. આજ એમનો બર્થડે હતો. ચા બનાવવા રસોડામાં ગયા તો ગેસ પર એક ફાઈવ સ્ટાર ચોકલેટ પડી હતી. એ હજુ હરખ વ્યક્ત કરે ત્યાં ચોકલેટ સાથેના કાગળ પર એમનું ધ્યાન ગયું. તેમાં કોયડા જેવું વાક્ય લખ્યું હતું. ‘બીજું સરપ્રાઈઝ ઠંડીમાં થીજી ગયું છે.’ પણ એમને એ કોયડો ઉકેલતા એક જ સેકન્ડ લાગી. ‘ફ્રીઝ’ કહેતા એમણે ફ્રીઝ ખોલ્યું. કંઈ ખાસ દેખાયું નહિ. ફ્રીઝરમાં જોતા એક વેણી એમના હાથમાં આવી. એ હરખાઈ ગયા. ત્યાં વેણી સાથેના કાગળમાં લખ્યું હતું ‘ત્રીજું સરપ્રાઈઝ મ્યુઝીક વગાડે છે.’ બુદ્ધિની આ રમતે એમને તો મોજ કરાવી દીધી. ટીવીની આસપાસ જોયું, મારો મોબાઈલ તપાસ્યો.. પણ મ્યુઝીક વગાડતું કંઈ જોવા ન મળ્યું. અમે ઘરના બાકીના સભ્યો એમને ‘બક અપ’ કરી રહ્યા હતા. આખરે એમને ઝબકારો થયો. તબલા અને હાર્મોનિયમ તપસ્યા તો હાર્મોનિયમમાં એક બંગડીનું પેકેટ મળ્યું. સાથેની ચિઠ્ઠીમાં લખ્યું હતું ‘ચોથી સરપ્રાઈઝ વડીલોના ચરણોમાં છે’. એણે મમ્મીના પગ પાસે જોયું. એમને પગે લાગી. આસ પાસ જોયું પણ કંઈ દેખાયું નહિ. ગેમ અટકી ગઈ. અચાનક તેઓ બીજા રૂમમાં સ્વર્ગસ્થ વડીલોની છબી જે દીવાલ પર ટાંગેલી હતી ત્યાં એ દોડી ગયા. યેસ.. છબી નીચેની કોથળીમાં એક પેકેટ હતું. એમણે ખોલ્યું તો એમની મનગમતી વોચ હતી. લગભગ દસેક મિનીટ ચાલેલી આ ધમાચકડીથી આખા ઘરમાં ખુશી છવાઈ ગઈ.

એક વખત એન.સી.સી.ના કેમ્પમાં કોઈ અજાણ્યા વિદ્યાર્થીનો નાસ્તાનો ડબ્બો ઠાલવી, ફરતે ચકરડું કરી અમે બુકડા ભરતા હતા ત્યાં એ ડબ્બાવાળો આવી ચઢ્યો. એ હજુ એના ડબ્બા પાસે પહોચે ત્યાં અમે એને અમારી સાથે નાસ્તો કરવા આમંત્રણ આપ્યું. બિચારો કશું સમજ્યો નહિ. એના જ સેવ મમરા અને ગોળપાપડી અમારા તરફથી એણે ખાધા. જયારે સાંજે એણે પોતાનો ખાલી ડબ્બો જોયો અને અમને પૂછ્યું ત્યારે આખી ટોળી અજાણ બની ગઈ. નૌટંકી સાલાઓ...

એક વખત સ્કુલના પાર્કિંગમાં પડેલી મિત્રની સાયકલ, બે મિત્રોએ ત્યાંથી ખસેડીને પાછળની દીવાલે મૂકી દીધી. પેલો મિત્ર ખૂબ પરેશાન થયો ત્યારે સાયકલ મળી જાય તો મિત્રોને સમોસા ખવડાવવાનું વચન લેવરાવ્યા બાદ થોડું નાટક કરી એને સાયકલ શોધી આપી. સાંજે સમોસા પાર્ટી વખતે પેલો મિત્ર બિચારો અમારો આભાર માનતો હતો અને અમે એક બીજા સામું જોઈ આંખ મિચકારતા હતા. "

ક્રિકેટ રમવાનું પડતું મૂકાવી મા કહેતી "ચાલ, ટ્યુશન માં જવાનું મોડું થાય છે." ત્યારે પરાણે ટ્યુશન માં જઈએ અને ટયુશન ટીચરના ઘરે લટકતું તાળું જોઈ એવું થતું કે મન મોર બની થનગાટ કરે. સીટી બસમાં બારી પાસે બેઠાં બેઠાં સામેથી પસાર થતી દુકાનોના નામ વાંચતી વખતે એકાદ દુકાન પર પોતાનું નામ વાંચી જાણે એના માલિક બની ગયા હોઈએ તેવો આનંદ આવતો. બડી બડી ખુશીયા હૈ છોટી છોટી બાતો મેં, એ આનું નામ.

આવી કડકડતી ઠંડીમાં આ રવિવારે કંઈ નવું કરવાનું કહેવું નથી. ગોદડામાં જ પડ્યા રહો.

હેપી સન ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હો...!)

Rate & Review

Hetal Togadiya

Hetal Togadiya 1 year ago

alpa

alpa 2 years ago

Rajesh shah

Rajesh shah 2 years ago

Mayank

Mayank 2 years ago

Kamlesh K Joshi

Kamlesh K Joshi Matrubharti Verified 2 years ago