Pratisrushti - A Space Story - 19 books and stories free download online pdf in Gujarati

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૯

ભાગ ૧૯

. . ૨૨૫૦ (જ્યાંથી આપણી વાર્તાની શરૂઆત થઇ હતી)

રેહમને કંટ્રોલ રૂમમાં એક મિટિંગ બોલાવી અને બધાંને કહ્યું, “એક બહુ જ જરૂરી અને સરપ્રાઈઝ એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. આપણું અંતરીક્ષયાન એન્દ્રી એક ગ્રહ પર લેન્ડ થવાનું છે અને તે ગ્રહનું નામ છે રેવન બી અને અહીં લગભગ બારસો પૃથ્વીવાસી વસે છે. ચારેય રીજનની સરકારોએ મળીને સ્થાપેલો આ બીજો પાયલટ પ્રોજેક્ટ છે. રેવન બી ઉપર એક નાનું શહેર વસાવવામાં આવ્યું છે અને અહીં આ લોકો પાછલાં વીસ વર્ષથી રહે છે.”

ઇયાને કહ્યું, “તમે મજાક કરી રહ્યા છો કારણ આવો કોઈ પ્રોજેક્ટ લોન્ચ જ નથી થયો, જેટલા પણ સ્પેસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે, તે બધાંની માહિતી મને છે.”

રેહમને કહ્યું, “મને આવી બાબતમાં મજાક કરવાની આદત નથી. સરકારોએ જાણી જોઈને આ પ્રોજેક્ટને સિક્રેટ રાખ્યો છે. અચ્છા ઇયાન, મને  જવાબ આપ જો આ પ્રોજેક્ટ જાહેર રીતે લોન્ચ કર્યો હોત તો શું થાત?”

ઇયાન કંઇ બોલ્યો નહિ એટલે રેહમને કહ્યું, “લોકોમાં આ પ્રોજેક્ટમાં જોડાવા માટે હોડ જામી હોત અને કદાચ આ પ્રોજેક્ટ ફેઈલ થયો હોત તો લોકોને જવાબ આપવો ભારે પડી જાત. અહીં  વૈજ્ઞાનિકો, એન્જિનીયર્સ, ડોક્ટર્સ  અને સપોર્ટ સ્ટાફ જ વસાવવામાં આવ્યો છે, જે પાછલાં વીસ વર્ષમાં આખો ગ્રહ ખૂંદી વળ્યાં છે અને અહીંની જુદી જુદી પ્રજાતિ વિષે માહિતી મેળવી છે. જોકે અહીંનું જીવન પ્રારંભિક સ્ટેજમાં હોવાથી માઈક્રો ઓર્ગેનીઝમની સંખ્યા વધારે છે, પણ થોડા નાના જીવો મળી આવ્યા છે, જે સમુદ્રમાં વસે છે. આ ગ્રહ ખનીજોથી સમૃદ્ધ છે, પણ સરકારોએ કોઈ પણ જાતના ઉત્ખનનની પરમિશન આપી નથી.”

ઇયાને પૂછ્યું, “તમને આ બધું કેવી રીતે ખબર?”

રેહમને કહ્યું, “મને ખુદ ઈંટરરીજનલ સ્પેસ એજન્સીના ડાયરેક્ટરે બોલાવીને માહિતી આપી.”

આ બધાં માટે સુખદ આશ્ચર્યનો મોટો ઝાટકો હતો. રેહમને કહ્યું, “આપણે અહીં પંદર પૃથ્વીદિવસ માટે રહેવાનું છે અને જતી વખતે અહીંથી જરૂરી લગતી વસ્તુઓ લઇ જઈશું.”

ઇયાને પૂછ્યું, “પંદર પૃથ્વીદિવસ એટલે?”

રેહમને કહ્યું, “રેવન બી પૃથ્વીની જેમ પોતાની ધરી પર ફરે છે અને પોતાના તારા પ્રોડીસીની પ્રદક્ષિણા કરે છે. પોતાની ધરી પર ફરતા તેને પંદર કલાક લાગે છે એટલે અહીંનો દિવસ પંદર કલાકનો છે, પણ આપણું ઘડિયાળ ચોવીસ કલાકનું છે અને પંદર પૃથ્વીદિવસ એટલે અહીંના ચોવીસ દિવસ સુધી રહેવાના છીએ. હવે હું આ ગ્રહની મળેલી માહિતી શેર કરું છું. અહીંનું એવરેજ તાપમાન પંદર ડિગ્રી છે અને આ ગ્રહનો પંચાવન ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે અને આપણે જ્યાં જઇયે છીએ, ત્યાં એક નાનું શહેર વસાવવામાં આવ્યું છે.”

બધાં ઉત્તેજિત હતા નવી ધરતી ઉપર જવા.

****

  બીજી તરફ પૃથ્વી પર સાયમંડ પોતાની ઓફિસમાં એક સીટ પર બેસેલો હતો અને સામે સિકંદર ઉભો હતો. સાયમંડ જુદી જુદી સ્ક્રીન ઉપર પોતાનાં જુદાં જુદાં પ્રોડક્શન યુનીટોનાં દ્રશ્યો જોઈ રહ્યો હતો. સાયમંડે સિકંદર તરફ જોઈને પૂછ્યું, “આપણા કર્મચારીઓની કાર્યક્ષમતા બહુ વધી ગઈ હોય એવું લાગે છે?”

સિકંદરના હોઠ થોડા વંકાઈ ગયા તે મનોમન હસી રહ્યો હતો. તેણે કહ્યું, “દરેક મનુષ્યની શક્તિ તેના મસ્તિષ્ક સાથે જોડાયેલી હોય છે અને મનુષ્યના મગજનો કયો ભાગ આ કાર્ય કરે છે, તે મેં શોધી લીધું છે અને મારે મારા રોબો ફક્ત એટલા ભાગ પૂરતા વાપરવાના હતા. તેથી જ તેમની કાર્યક્ષમતા વધી ગઈ છે. મારું કાર્યક્ષમતા વધારવાનું મિશન ફક્ત આપણી કંપની સુધી સીમિત નથી, મારે આ પૃથ્વીના દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી છે.”

દરેક મનુષ્યના મગજમાં સિકંદરના રોબોના પ્રવેશની શક્યતા વિષે વિચારીને સાયમંડ ધ્રુજી ઉઠ્યો. થોડીવાર પછી સાયમંડે પૂછ્યું, “આ મિસાની કોણ છે? અને તેની સાથે શી ડીલ થઇ રહી છે?”

તેનો પ્રશ્ન સાભળીને સિકંદરની આંખો પહોળી થઇ ગઈ, તેને સાયમંડ પાસેથી આ પ્રશ્નની આશા ન હતો તેણે કહ્યું, “મારા દરેક કામમાં માથું મારવાની જરૂર નથી, તારી જેવી ઈચ્છા હતી તેવું ઉન્નત જીવન જીવી રહ્યો છે. તેમાં જ ખુશ રહે.”

સાયમંડ તેના અવાજમાં રહેલ કરડાકીથી ડરી ગયો. તેણે કહ્યું, “મેં તો અમસ્તુ જ પૂછ્યું, મને લાગ્યું આપણે કોઈ નવી કંપની ટેકઓવર કરી રહ્યા છીએ.”

સિકંદરને પોતાની ભૂલનો એહસાસ થયો. તેણે હસીને કહ્યું, “હા, બહુ જ જલ્દી આપણે એક નવી કંપની હસ્તગત કરી રહ્યા છીએ, તે બધું મારા પર છોડ, તું ફક્ત જલસા કર. જા રીશા તારી રાહ જોઈ રહી હશે.”

રીશાનું નામ સાંભળીને સાયમંડના ગાલ ગુલાબી થઇ ગયા અને તે ત્યાંથી નીકળી ગયો. તે ગયા પછી સિકંદરને હાશ થઇ. તેણે પોતાની કલાઈ ઉપરનું બટન દબાવ્યું અને હાથમાંથી બહાર આવેલું પોતાનું કંટ્રોલ ડિવાઇસ ચેક કર્યું.

****

અંતરીક્ષયાન જયારે રેવન બી ઉપર લેન્ડ કર્યું ત્યારે પ્રોડીસી ઉગી રહ્યો હતો. તેની લાલીમા બધી જગ્યાએ પ્રસરી રહી હતી. શીપના  સ્વાગત માટે ત્યાંનો ઇન્ચાર્જ બિલ્વીસ પોતાની ટીમ સાથે હાજર હતો. 

બધાંએ રોમાંચ સાથે અજાણી ધરતી પર પગ મુક્યો. બધાંને ત્યાંનું વાતાવરણ થોડું હૂંફાળું લાગ્યું. રેહમને પોતાની અને પોતાની ટીમની ઓળખાણ બિલ્વીસ સાથે કરાવી. બિલ્વીસ બધાંને મળીને ખુશ હતો.

તેણે રેહમનને કહ્યું, “આપણે જલ્દીથી શેલ્ટરમાં પહોંચી જઇયે. અહીંના કિરણો માનવશરીર માટે થોડા ઘાતક છે એટલે કોઈને શેલ્ટરની બહાર જવું હોય તો પ્રોટેક્શન સૂટ પહેરીને જવું પડે છે.”

રેહમન અને બધાંના મનમાં ઘણાબધા પ્રશ્નો હતા, પણ તેમણે બિલ્વીસની વાત સાંભળીને પહેલાં  શેલ્ટરમાં પહોંચવું ઉચિત માન્યું. શેલ્ટરની અંદર ગયા પછી તેમને ઘણા બધા લોકો જોવા મળ્યા. આટલા બધાં લોકોને જોઈને બધા આનંદિત થઇ ગયાં. બપોરે બધાં ત્યાં મન ભરીને જમ્યા. ત્યાં ખેતીવાડી થતી હોવાથી પાછલા ચાર વર્ષના ફીકા ભોજનમાંથી તેમને છુટકારો મળ્યો. બધાને રહેવા માટે અલગ અલગ રૂમ ફાળવવામાં આવી હતી.

શ્રેયસ અને  કેલીની રૂમ આજુબાજુમાં હતી. આટલા સમયમાં તેઓ અંતરીક્ષયાનમાં પ્રિના - પ્રોમીનના  નામથી મશહૂર થઇ ગયાં હતાં. પ્રિના-પ્રોમીનની લવસ્ટોરી બહુ પ્રસિદ્ધ હતી.

સાંજે બધા બિલ્વીસને મળવા ગયા. તેમણે ગ્રહના વાતાવરણ વિષે પૂછ્યું. તે શેલ્ટર વિષે પૂછ્યું. પછી રેહમને પૂછ્યું, “આ ગ્રહ પર કયા કયા જીવ છે?”

બિલ્વીસ થોડો સાવધાન થઇ ગયો. તેણે કહ્યું, “અહીં મોટેભાગે સૂક્ષ્મજીવો છે, પણ અહીંના સમુદ્રોમાં થોડા મોટા જીવો પણ ડિટેકટ થયા છે.”

રેહમને પૂછ્યું, “આ ગ્રહમાં કેટલા ભાગનું સર્વે થયું છે?

બિલ્વીસે કહ્યું, “અમે લગભગ સિત્તેર ટકા ભાગ કવર કર્યો છે, પણ બાકીના ત્રીસ ટકા ભાગ સુધી અમે પહોંચી શકયા નથી.”

તેના અવાજનું કંપન શ્રેયસના ધ્યાનબહાર ન રહ્યું. તે સમજી ગયો કે બિલ્વીસ કંઈક છુપાવી રહ્યો છે. શ્રેયસે વાતચીત બીજી દિશામાં વાળી તે ત્યાંની વનસ્પતિ અને વૃક્ષો વિષે પૂછવા લાગ્યો. બિલ્વીસ બહુ રસપૂર્વક જવાબ આપી રહ્યો હતો. પછી વાતચીત સંદેશવ્યવહારના સાધનો તરફ વળી.

બિલ્વીસે કહ્યું, “અહીં અમે એક નવી ટેક્નિક શોધી છે, જેનાથી અમે અમારો સંદેશ પૃથ્વી પર ફક્ત છ મહિનામાં પહોંચાડી શકીયે છીએ.”

રેહમને કહ્યું, “વાહ એટલે તમે એવી પ્રણાલી શોધી કાઢી, જે પ્રકાશ કરતા આઠ ગણી ગતિથી પ્રવાસ કરે છે?”

બિલ્વીસે હા કહી અને કહ્યું, “જરૂરિયાત એ શોધખોળની જનની છે, પણ જવાબ માટે અમારે પાંચ વર્ષની રાહ જોવી પડે છે”

તેના ચેહરાના ભાવ જોઈને બધા હસી પડ્યા, ફક્ત શ્રેયસને છોડીને. શ્રેયસની છઠ્ઠી ઇન્દ્રિય કોઈ ગડબડનો સંકેત આપી રહી હતી.

ક્રમશ: