Pratisrushti - A Space Story - 20 books and stories free download online pdf in Gujarati

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૦

ભાગ ૨૦

બીજે દિવસે બધાંએ બિલ્વીસને રિકવેસ્ટ કરી કે તેઓ પૃથ્વી પર સંદેશ મોકલવા માંગે છે, ત્યારે બિલ્વીસ તૈયાર થઇ ગયો, પણ તેણે તાકીદ કરી કે સંદેશમાં તેઓ રેવન બી પ્રોજેક્ટ વિષે કોઈ માહિતી નહિ આપે. ઉપરાંત સંદેશો પૃથ્વીના સ્પેસ સેન્ટરમાં જશે અને ત્યાંથી તેમના ઘરે અથવા જેને મોકલવો હોય તેને મળશે.

દરેક જણે પોતપોતાનો સંદેશ રેકોર્ડ કરાવ્યો. શ્રેયસે બિલ્વીસને પૂછ્યું, “પૃથ્વી ઉપરના સ્પેસ સેન્ટરનું એડ્રેસ કઈ રીતે લોકેટ કર્યું છે?”

બિલ્વીસે કહ્યું, “આ મશીનમાં ફક્ત સ્પેસ સેન્ટરનું એડ્રેસ લોકેટ કર્યું છે અને બીજે ક્યાંય મોકલી ન શકાય.”

શ્રેયસે પોતાનો સંદેશ પોતાના ચીફના નામે રેકોર્ડ કરાવ્યો જે કોડ લેન્ગવેજમાં હતો. ત્યારબાદ ટીમના સદસ્યો શહેરમાં ફરવા નીકળ્યા અને જુદા જુદા લોકોને મળ્યા.

ફરતાં ફરતાં શ્રેયસે બિલ્વીસને પૂછ્યું, “મારી ઈચ્છા શેલ્ટરની બહાર જવાની છે તો શું મને પ્રોટેક્શન સૂટ મળી શકશે?”

થોડી અનિચ્છા સાથે બિલ્વીસે હા કહી અને કહ્યું, “કોઈને સાથે લઇ જાઓ, જેથી ફરવામાં આસાની રહે.”

શ્રેયસે એક બટકા વ્યક્તિ સામે આંગળી ચીંધી અને કહ્યું, “આને લઇ જાઉં છું.”

તે બટકી વ્યક્તિ ચમકી ગઈ, તેણે કહ્યું, “હું મોટેભાગે બહાર જતો નથી અને મને બહાર જવું ગમતું પણ નથી.”

શ્રેયસે કહ્યું, “આપણે ક્યાં બહુ દૂર જવું છે, આપણે નજીકમાં જ ફરશું. ઇતિહાસકાર છું ને બધું જોવાની ઈચ્છા હોય છે.”

સૂટ પહેરતી વખતે શ્રેયસે તે બટકા વ્યક્તિનું નામ પૂછી લીધું તેનું નામ રિવા હતું. રિવા અને શ્રેયસ પ્રોટેક્શન સૂટ પહેરીને બહાર નીકળ્યા. શ્રેયસના ધ્યાનમાં આવ્યું કે રિવાની આંખો ચકળવકળ  થઇ રહી હતી જાણે કંઈક શોધતો હોય.

શ્રેયસે તેને પૂછ્યું, “શું થયું?”

રિવાના અવાજમાં થોડું કંપન હતું તેણે કહ્યું, “કંઇ નહિ.”

શ્રેયસે પૂછ્યું, “શું અહીં કંઇ એવું છે જેનાથી ડરવું પડે?” 

રિવાએ થોડા બહાદુરીભર્યા પ્રયાસ સાથે કહ્યું, “ના ના, અહીં ડરવા જેવું કંઇ નથી.”

શ્રેયસે તરત વાતનો સુર બદલ્યો અને પૂછ્યું, “અહીં કેટલા વર્ષથી છે?”

રિવાએ કહ્યું, “પાંચ વર્ષ પહેલાં આવ્યો છું.”

“અહીં ક્યાં ક્યાં ફર્યો છે?”

“એક બે વખત જ બહાર ગયો છું. મને શેલ્ટરની બહાર જતાં ડર લાગે છે.”

શ્રેયસે અણધાર્યો સવાલ પૂછ્યો, “આ પ્રોટેક્શન સૂટનું મટેરીયલ કંઈક જુદું જ છે નહિ?”

રિવા થોડો થોથવાઈ ગયો. તેણે કહ્યું, “આ અહીંની ધાતુનું જ બનેલું છે.”

શ્રેયસે કહ્યું, “અહીં તો ઉત્ખનનની મનાઈ છે અને આ ટાઈપનો સૂટ બનાવવાની વ્યવસ્થા નથી તો આ સૂટ કઈ રીતે બનાવ્યો?”

રિવાની આંખોમાં ડર હતો, તે દૂર ક્યાંક જોઈ રહ્યો હતો. શ્રેયસે તેના ખભે હાથ મુક્યો અને કહ્યું, “અહીં કંઇ ડરવા જેવું હોય તો મને કહી દે, જેથી હું પણ સાવધાન થઇ જાઉં.”

રીવાએ કહ્યું, “મને પ્રોડિસોનો ડર લાગે છે.”

શ્રેયસે પૂછ્યું, “પ્રોડિસ એ કોણ છે?”

રિવાએ કહ્યું, “અહીંના બુદ્ધિશાળી જીવો તેઓ બહુ શક્તિશાળી અને ખતરનાક છે, આ પ્રોટેક્શન સૂટ પણ તેમની દેન છે.”

શ્રેયસે કહ્યું, “જો સૂટ તેમણે આપ્યો હોય તો તેઓ મિત્ર ગણાય.”

રિવાએ કહ્યું, “હું વધારે કઈ જાણતો નથી, તેમની સાથે વાતચીત ફક્ત બિલ્વીસ કરે છે.” અને પછી કંઇ કહેવા જતો હતો, પણ ચૂપ થઇ ગયો અને કહ્યું, “શેલ્ટરની બહાર જવું ખતરાથી ખાલી નથી.”

પછી રિવાએ કહ્યું, “મેં જે કંઇ પણ કહ્યું તે બિલ્વીસને કહેતા નહિ, તે બહુ ખતરનાક છે.”

શ્રેયસે હસીને કહ્યું, “હું કોઈને કંઇ નહિ કહું, પણ મને એક વાત કર આ સંદેશ વ્યવહારની ટેક્નોલોજી તેમની જ દેન છે ને?”

રિવાએ કહ્યું, “હા.”

શ્રેયસે પૂછ્યું, “હજી શું છે તેમની પાસે કોઈ ઘાતક હથિયારો?”

રિવાએ કહ્યું, “મને વધારે કંઇ ખબર નથી, સિવાન વધારે જાણે છે.”

“કોણ કોણ પ્રોડિસો વિષે અહીં જાણે છે?”

રિવાના અવાજમાં હવે કંટાળો હતો. તેણે કહ્યું, “જે કોઈ તેમના વિષે જાણે છે, તેઓ ગાયબ થઇ જાય છે અને બિલ્વીસને ખબર નથી કે હું જાણું છું, તેથી અત્યારે જીવિત છું.”

“સિવાન ક્યાં છે?” શ્રેયસે પૂછ્યું.

રિવાએ કહ્યું, “સિવાન કેદમાં છે.”

શ્રેયસે પૂછ્યું, “તેને કેમ મારી ન નાખ્યો?”

રિવાએ કહ્યું, “તે બિલ્વીસનો ભાઈ છે, તેથી ફક્ત કેદ કર્યો છે. હવે આપણે પાછા જઈએ?”

 શ્રેયસ થોડીવાર શૂન્યમાં તાકી રહ્યો હતો અને પછી કહ્યું, “ચાલ પાછા જઇયે.”

પાછા ફર્યા પછી શ્રેયસ રેહમન પાસે ગયો અને એકાંતમાં તેની સાથે વાત કરી. બીજા ત્રણ ચાર દિવસ શાંતિથી શેલ્ટરમાં ફરવામાં વીત્યા.

તે રાત્રે એક અજબ ઘટના બની. અંતરીક્ષયાનમાં આવેલ રોબો ધીમે ડગલે સંદેશવ્યવહાર જ્યાંથી કરતા હતા, તે રૂમમાં ગયો અને ધીમે ધીમે તે સ્ક્રીન નજીક પહોંચ્યો અને અને તેની ઉપર તેની આંગળીઓ ઝડપથી ફરવા લાગી અને પછી તેણે એક સંદેશો લખ્યો અને જે અડ્રેસ પર તે સંદેશો મોકલવાનો હતો તે એડ્રેસ લોકેટ કર્યું અને એન્ટરનું બટન દબાવ્યું અને સંદેશ પ્રસારિત થઇ ગયો.

પછી તેણે જૂનું એડ્રેડ ફરી ફીડ કર્યું અને જે રીતે આવ્યો હતો તે રીતે પાછો  ત્યાંથી નીકળી ગયો. બહાર આવ્યા પછી તેણે એક બટન દબાવ્યું એટલે તે બિલ્ડિંગના કેમેરા ફરી શરુ થઇ ગયા. તે પાછો ત્યાં આવ્યો જ્યાં તેને રાખવામાં આવ્યો હતો. થોડીવારમાં એક માસ્ક પહેરેલી વ્યક્તિ વિચિત્ર રીતે સિક્કો ઉછાળતી આવી અને તે રોબો પાસે ઉભી રહી. પછી તેણે રોબોની ચેસ્ટમાંથી એક ચિપ કાઢી અને તેની જગ્યાએ બીજી ચિપ મૂકી દીધી અને ત્યાંથી તે પસાર થઇ ગયો.

              તે પછીના દિવસે બધા શેલ્ટરમાં ફરી રહ્યા હતા, તે વખતે શ્રેયસ અને રેહમને જુદો રસ્તો પકડ્યો અને બીજે છેવાડે રહેલ એક રૂમ પાસે પહોંચ્યા જેના વિષે  રિવાએ  કહ્યું હતું. કોઈ જોઈ નથી રહ્યું તેની ખાતરી કરીને બંને તે રૂમની અંદર ગયા.  

અંદર કોઈ જ ન હતું. રૂમની સામેની દીવાલ ઉપર એક સ્ક્રીન મૂકી હતી, તેની નજીક શ્રેયસ પહોંચ્યો અને તેની સાથે છેડછાડ કરવા લાગ્યો. પંદર મિનિટની મહેનત પછી તે સફળ થયો અને ત્યાં નજીક બંનેને એક સીડી દેખાવા લાગી. તે ઉતર્યા પછી જોયું કે અદ્દલ બિલ્વીસ જેવી દેખાતી વ્યક્તિ ખુરસીમાં બંધાયેલી હતી. તેના વાળ વેરવિખેર હતા અને દાઢી વધેલી હતી.

શરૂઆત શ્રેયસે કરી તેણે પૂછ્યું, “તું કોણ છે?”

બંધાયેલ વ્યકતિએ કહ્યું, “મારું નામ બિલ્વીસ છે.”

શ્રેયસ અને રેહમન માટે આ આશ્ચર્યનો ઝટકો હતો.

રેહમને કહ્યું, “આ કેવી રીતે શક્ય છે? અમે બિલ્વીસને બહાર મળી ચુક્યા છીએ.”

બંધાયેલ વ્યક્તિએ કહ્યું, “અસલી બિલ્વીસ હું છું, પણ તમે કોણ છો? કારણ અહીં આવેલ દરેક વ્યકતિને હું ઓળખું છું.”

શ્રેયસે કહ્યું, “સાચી વાત છે અને હમણાં થોડા દિવસ પહેલાં જ આવ્યા છીએ, મારું નામ શ્રેયસ છે અને આ છે અમારા અંતરીક્ષયાનના કેપ્ટ્ન રેહમન.”

શ્રેયસે પૂછ્યું, “તને કોણે કેદ કર્યો?”

બિલ્વીસે કહ્યું, “મને મારા ભાઈ સિવાને કેદ કર્યો છે, તે સત્તા લોભી અને મહત્વાકાંક્ષી છે. તે અહીંના સ્થાનિક જીવો પ્રોડિસો સાથે મળીને કંઈક ભયંકર કરવા જઈ રહયો છે.”

રેહમને પૂછ્યું, “શું થયું  હતું?”

“અહીં બધું બરાબર ચાલી રહ્યું હતું, અમારું સર્વેક્ષણનું કામ અમે કરી રહ્યા હતા. તે સમયે અમે અહીંના સ્થાનિક જીવ પ્રોડિસના કોન્ટકટમાં આવ્યા. શરૂઆતમાં તેમણે બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને અમારી ટીમ સાથે સારો વ્યવહાર કર્યો. ટીમમાં અમે સાત લોકો હતા. સિવાન ઈશારાની વાતચીતમાં હોશિયાર હોવાથી તેમની સાથે તે વાતચીત કરતો હતો. પંદર દિવસ ત્યાં રહ્યા પછી અમે પણ તેમની ભાષા થોડી થોડી સમજવા લાગ્યા હતા, પણ પછી મને ધ્યાનમાં આવ્યું કે તેઓ બહુ મહત્વાકાંક્ષી છે અને તેઓ પૃથ્વી પર સિવાનની મદદથી પહોંચીને કબજો જમાવવા માંગતા હતા. અમે વિરોધ કર્યો એટલે મારા બાકીના સાથીદારોને મારી નાખ્યા અને મને કેદ કર્યો. સિવાને તેમની સાથે ટેક્નોલાજી ટ્રાન્સફર ઉપરાંત ઘણી બધી ડીલ કરી છે.”

શ્રેયસે પૂછ્યું, “હવે આપણે શું કરવું જોઈએ?”

બિલ્વીસે કહ્યું, “આપણે બધાને મળીને વાત કરીને સિવાનની પોલ ખોલી દઈએ.”

શ્રેયસે કહ્યું, “જે હિસાબે તમારા સાથીદારોને સિવાને મારી નાખ્યા, તે સાંભળ્યા પછી લાગે છે કે સિવાન બહુ ખતરનાક છે.”

બિલ્વીસે કહ્યું, “હવે હું તેને નહિ છોડું, એક વાર હું બહાર આવીશ એટલે બધી ઠીક કરી દઈશ.”

શ્રેયસે કહ્યું, “ચાલો આપણે બહાર જઇયે.”

જેવો બિલ્વીસ આગળ વધ્યો શ્રેયસની પહેલી બે આંગળીઓ જોડાઈ ગઈ અને તેણે બિલ્વીસના  ગળા નજીકની નસ દબાવી એટલે બિલ્વીસ બેભાન થઇ ગયો. શ્રેયસે ફરી તેને ત્યાં રહેલ ચેરમાં બેસાડ્યો અને  સ્ક્રીન ઉપરનું બટન દબાવીને તેને ફરી બાંધી દીધો.         

ક્રમશ: