Pal Pal Dil Ke Paas - Mithun Chakraborty - 34 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - મિથુન ચક્રવર્તી - 34

મિથુન ચક્રવર્તી

વાત એ દિવસોની છે જયારે મિથુન ચક્રવર્તીના સંઘર્ષનો સમય ચાલી રહ્યો હતો. મુબઈ આવ્યા બાદ તેણે મ્યુંનીસીપાલીટીના એક રૂમમાં આશરો લીધો હતો. તેના જેવા બીજા ચાર માણસો તે જ રૂમ માં રહેતા હતા. પલંગ પર સુવાનું ભાડું પરવડે તેમ ના હોવાથી મિથુને જમીન પર સુવાનું પસંદ કર્યું હતું. રૂમમાં ઉંદરોના ત્રાસને કારણે મિથુનને આખી રાત ઊંઘ આવી નહોતી. વહેલી સવારે પલંગ પર સૂતેલો મદ્રાસી બહાર ગયો હતો. તેની ગેરહાજરીનો લાભ લઈને મિથુને પલંગ પર લંબાવી દીધું હતું. અચાનક પેલો મદ્રાસી આવી ચડ્યો હતો. આવતાવ્હેત તેણે મિથુનનું અપમાન કરીને તેને લાફો મારી દીધો હતો. ગરીબી અને અપમાનને ગાઢ સંબંધ હોય છે. જાણીતો ફિલ્મ અભિનેતા તથા ઊટીની મોનાર્ક ગ્રુપ ઓફ હોટેલ્સનો માલિક મિથુન ચક્રવર્તી આજે પણ તેના સંઘર્ષના દિવસોને ભૂલ્યો નથી. તે કહે છે “વોહ મેરા અપમાન નહિ થા લેકિન મેરી ગરીબીકા અપમાન થા”. સંઘર્ષ કરતાં કલાકારોને મદદરૂપ થવાના ઉદેશથી જ તેણે અનીલ કપૂરની સાથે મળીને CINTAA ની સ્થાપના કરી છે. તાજેતરમાં જ તેની વેબ સાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે.

મિથુન ચક્રવર્તીનું સાચું નામ ગૌરાંગ ચતુર્વેદી હતું. તેનો જન્મ ૧૬/૬/૧૯૫૨ના રોજ બરીસાલ(પૂર્વ પાકિસ્તાન, હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. કોલકત્તાની સ્કોટીશ ચર્ચ કોલેજમાં કેમેસ્ટ્રીમાં સ્નાતક થયા બાદ મિથુને ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટી. ઓફ ઇન્ડિયા, પૂણેમાં ટ્રેઈનીગ લીધી હતી. કિશોરાવસ્થામાં નક્ષલવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મિથુને તેના ભાઈના આકસ્મિક મોત બાદ તે પ્રવૃત્તિઓ છોડી દીધી હતી.

મુંબઈ આવ્યા બાદ ૧૯૭૬માં મૃણાલ સેનની “મૃગયા” માં મિથુનને તક મળી હતી. ”મૃગયા” માટે તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. પરંતુ સંઘર્ષ હજૂ પૂરો થયો નહોતો. અતિશય આર્થિક તંગીના એ દિવસોમાં મિથુનને એક વાર તો “મૃગયા” માટે મળેલો ગોલ્ડમેડલ વેચવાની ઈચ્છા થઈ ગઈ હતી. સતત રઝળપાટ અને કામ મેળવવા માટેના મરણીયા પ્રયાસો દરમ્યાન પણ તે હિંમત હાર્યો નહોતો. ૧૯૭૯માં “સુરક્ષા” આવી હતી જેમાં ગન માસ્ટર મિથુનને દર્શકોએ આવકાર્યો હતો. ત્યાર બાદ મિથુનની ફિલ્મો રીલીઝ થતી રહી પણ બોક્ષ ઓફીસ પર તમામ પીટાતી રહી. જોકે મિથુનના નસીબ આડેનું પાંદડું ૧૯૮૨માં ખસ્યું હતું. ૧૯૮૨માં “ડિસ્કો ડાન્સર” રીલીઝ થતાંની સાથેજ તે રાતોરાત મોટો સ્ટાર બની ગયો હતો. તે ફિલ્મમાં તેણે કરેલા ડાન્સના સ્ટેપને કારણે યુવાવર્ગમાં તે અતિ લોકપ્રિય થઇ ગયો હતો. ત્યાર બાદ તેની “ડાન્સ ડાન્સ” ફિલ્મ પણ આવી હતી. ૧૯૮૫માં કે. સી. બોકડીયાની મિથુનના લીડ રોલ વાળી ફિલ્મ રીલીઝ થઇ હતી. ફિલ્મનું નામ હતું “પ્યાર ઝુકતા નહિ. ” આ ફિલ્મ બોક્ષ ઓફીસ પર સુપરહિટ નીવડી હતી. ફિલ્મમાં ગરીબ મિથુન કરોડપતિ બાપ ડેની ની દિકરી પદ્મિની કોલ્હાપુરેને (ડેનીનો ખુબ જ વિરોધ હોવા છતાં) પરણે છે. ફિલ્મમાં લગ્ન બાદ ઉદ્ભવતી સમસ્યાઓનું અફલાતુન નિરૂપણ તથા મિથુનનો અભિનય દર્શકોને પસંદ પડ્યો હતો. તે જમાનો અમિતાભનો હતો. મિથુનને લેવા વાળા મોટા ભાગના પ્રોડ્યુસરો લો બજેટ વાળા જ રહેતા તેથી તે દિવસોમાં એવું પણ કહેવાતું કે મિથુન ગરીબોનો અમિતાભ છે. એક જ વર્ષમાં મિથુને લો બજેટની ત્રીસ ફિલ્મોમાં અભિનય કર્યો હતો જે પણ એક રેકોર્ડ જ હતો. જેમાંની મોટાભાગની ફિલ્મોનું શુટિંગ ઉટીમાં જ થયું હતું. જેમાં હિદી ફિલ્મો ઉપરાંત બંગાળી ,ઓરિયા,ભોજપુરી, પંજાબી અને તેલુગુ ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

૧૯૭૬માં મિથુને અમિતાભ સાથે “ દો અનજાને” માં સાવ એક્ષ્ટ્રા રોલ કર્યો હતો પણ મિથુનનો સમય સારો આવતા તેણે અમિતાભ સાથે “ગંગા જમુના સરસ્વતી” અને “અગ્નીપથ”માં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. ”અગ્નિપથ” માટે તો મિથુનને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. આજે પણ મિથુનનો પ્રિય કલાકાર અમિતાભ જ છે.

૧૯૯૬માં “જલ્લાદ” માટે મિથુનને સ્ક્રીનનો બેસ્ટ વિલનનો એવોર્ડ મળ્યો હતો.

૧૯૯૮ માં મિથુનને ફિલ્મ “સ્વામી વિવેકાનંદ” માટે ફરીથી બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૨માં રીલીઝ થયેલી “ઓહ માય ગોડ”માં લીલાધર સ્વામી બનેલા મિથુનનો અભિનય ખુબ વખણાયો હતો.

૨૦૦૭ માં મિથુને આઈ. સી. એલ. (ઇન્ડિયન ક્રિકેટ લીગ )માટે રોયલ બંગાળ ટાઇગર્સ (સ્પોર્ટ્સ ટીમ )ની સ્થાપના કરી હતી.

વિવિધ ભાષામાં લગભગ સાડા ત્રણસો ફિલ્મોમાં કામ કરનાર મિથુનથી બંગાળના લેખકો ખુબ જ પ્રભાવિત છે. માત્ર બંગાળી ભાષામાં જ મિથુન પર પાંચ પુસ્તકો પ્રકાશિત થયા છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મિથુન ચક્રવર્તીને રાજ્ય સભાના સદસ્ય તરીકે નામાંકિત કરીને સન્માન આપ્યું હતું. જોકે તા. ૨૬/૧૨/૨૦૧૬ ના રોજ મિથુને રાજીનામું આપ્યું હતું. હાલમાં ટીવી માં ડાન્સના પ્રોગ્રામમાં જજ તરીકે દેખાતા મિથુને એક જમાનાની સુંદર ફિલ્મ અભિનેત્રી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા છે. સુખી દામ્પત્ય જીવન જીવી રહેલા આ યુગલને ત્રણ દીકરા અને એક દીકરી છે. મોટો દીકરો મહાઅક્ષય ફિલ્મો સાથે જ સંકળાયેલો છે. આવતી કાલે મિથુન ચક્રવર્તી નો જન્મ દિવસ છે.

***