Pratisrushti - A Space Story - 23 books and stories free download online pdf in Gujarati

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૩

ભાગ ૨૩

વહેલી સવારે જયારે સફાઈ કર્મચારી તે વ્યક્તિ અને કૂતરાની નજીક પહોંચ્યો અને તેમનું નિરીક્ષણ કરવા લાગ્યો અને તે વ્યક્તિને હાથ લગાડ્યો એવો જ તેને કોઈ વિચિત્ર આભાસ થયો અને તે ઉલ્ટી કરવા લાગ્યો, તેના શરીર પર લાલ ચકામાં ઉભરી આવ્યા અને તે ઠંડીથી ધ્રુજવા લાગ્યો.

આવી ઘટના બધા રીજનના મોટાભાગના શહેરોમાં થઇ  હતી. બધી જગ્યાએ હડકંપ મચી ગયો. કોઈ અજાણ્યા વાયરસનો અટેક થયો હતો. રીજનની સરકારોએ તાત્કાલિક પગલાં લીધા અને દરેક ઈન્ફેક્ટેડ વ્યક્તિઓને આઇસોલેટેડ ચેમ્બરમાં ખસેડ્યા, છતાં આ પગલું લેતાં ત્રણ દિવસ લાગ્યા, તેમાં હજારો લોકોને ચેપ લાગી ચુક્યો હતો. બધાંને આઇસોલેટ કર્યા છતાં સરકારને ખાતરી નહોતી કે બધા જ ઈન્ફેક્ટેડ વ્યક્તિઓ પકડાઈ ગયા છે. સરકારોએ પોતાના મેડિકલ ઓફિસરોને તે વાયરસની દવા તાત્કાલિક ધોરણે શોધવા આદેશ આપ્યો. તે જ સમયે એક મેસેજ હતો જે બધાંના કોમ્પ્યુટરો અને કોલિંગ ડિવાઈસોમાં ફરવા લાગ્યો કે ‘ઈશ્વર પ્રત્યેની અશ્રદ્ધાને લીધે આ વાયરસનો અટેક થયો છે.’

*****

વર્મહોલમાં દાખલ થયેલું યાન એકદમ સ્થિર થઇ ગયું, જાણે તે હવામાં લટકી ગયું હોય પછી અચાનક આગળ વધવા લાગ્યું જાણે કોઈ શક્તિ તેને ખેંચી રહી હોય પછી તે ગોળ ગોળ ફરવા લાગ્યું અને ફરી સ્થિર થઇ ગયું. બધાં દિગ્મૂઢ હતા, કોઈને ખબર ન હતી કે શું થઇ રહ્યું છે! એન્જિન તેની મેળે બંદ થઇ ગયું હતું. પછી તે થોડી વાર એવી રીતે ચાલ્યું જાણે કોઈ શક્તિ તેને ક્યાંક ધકેલી રહી  હોય. ત્યારબાદ કોઈએ ધક્કો માર્યો હોય તેમ આગળ ધકેલાયું . ચારે તરફ અંધકારનું સામ્રાજ્ય હતું. થોડી વાર પછી યાન સામાન્ય થયું અને એન્જિન ફરી શરુ થયું. ફરી તે સામાન્ય ગતિથી આગળ વધ્યું. સ્થિર થયા પહેલાં આ ઘટનાક્રમ લગભગ ચાર કલાક સુધી ચાલ્યો હતો.

થોડીવાર પછી તેમને અવકાશ દેખાયું જ્યાં બહુ ઓછા તારા ચમકી રહ્યા હતા. સિવાને પોતાનું યાન સ્થિર કર્યું. સૌથી પહેલી કળ કેલીને વળી તેણે પોતાની સાથે લાવેલું ડિટેક્ટર ઓન કર્યું અને સિગ્નલ પ્રસારિત કર્યા અને થોડી વાર પછી તે રડવા લાગી. બધાં તેની સામે જોઈ રહ્યા.

તેણે કહ્યું, “મારી થિયરી સાચી પડી, ખરેખર પ્રતિબ્ર્હ્માંડનું અસ્તિત્વ છે અને આપણે અત્યારે પ્રતિબ્ર્હ્માંડમાં છીએ.”

ઇયાને પૂછ્યું, “તને કેવી રીતે ખબર પડી કે આપણે પ્રતિબ્ર્હ્માંડમાં છીએ?”

કેલીએ કહ્યું, “પ્રતિપદાર્થની હાજરીને લીધે હું કહી શકું છું.”

ઇયાનના ચેહરા ઉપર પ્રશ્નચિહ્ન જોઈને તેણે આગળ કહ્યું, “આપણું બ્રહ્માંડ પદાર્થનું બનેલું છે, જેમાં પરમાણુના કેન્દ્રમાં ઘન ભાર વાળો પ્રોટોન અને તેની ફરતે ઋણભાર ઈલેક્ટ્રોન હોય છે, જયારે પ્રતિપદાર્થમાં પ્રતિઈલેક્ટ્રોન ઘન ભારવાળો અને પ્રતિપ્રોટોન ઋણભારવાળો હોય છે. બ્રહ્માંડમાં પ્રતિપદાર્થનું અસ્તિત્વ હતું, પણ પદાર્થ અને પ્રતિપદાર્થની ટક્કર થઈને એક્મેકનું અસ્તિત્વ નાબૂદ કર્યું અને ઉર્જાનું નિર્માણ થયું.”

સિવાને પોતાના યાનમાં લાગેલા ડિટેક્ટરો ઓન કર્યા અને અવલોકન કર્યું. ચાર પાંચ કલાકને અંતે કહ્યું, “હું બહુ અદભુત દ્રશ્ય જોઈ રહ્યો છું, આપણે જ્યાં છીએ તે ખરેખર જુદી જગ્યા છે. આપણું બ્રહ્માંડ બહુ વિસ્તૃત છે. જયારે અહીં તો લાગે છે કે ધીમે ધીમે બધું સમેટાઈ રહ્યું છે.”

વુલમર્ગે કહ્યું, “હું સમજ્યો નહિ.”

સિવાને કહ્યું, “આપણા બ્રહ્માંડમાં જયારે મારા સેન્સેટિવ સિગ્નલ મોકલું છું, ત્યારે તેની તરંગ લંબાઈ વધી જાય છે, તે બતાવે છે કે આપણું બ્રહ્માંડ ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે, જયારે અહીં તરંગલંબાઇ ઓછી થઇ ગઈ, જે બતાવે છે કે આ બ્રહ્માંડ સંકોચન પામી રહ્યું છે.”

વુલમર્ગે પૂછ્યું, “હવે આપણે અહીં શું કરવાનું છે?”

રેહમને કહ્યું, “વૈજ્ઞાનિક ટીમની લીડર કેલી છે એટલે તે કહે તેમ કરશું.”

પોતાનું નામ સાંભળીને કેલી ભાનમાં આવી અને તેણે સિવાન તરફ ફરીને પૂછ્યું, “આપણી પાસે કેટલા મીની યાન છે?”

સિવાને કહ્યું, “ચાર.”

કેલીએ કહ્યું, “ઓકે ઇયાન, હું, શ્રેયસ અને પીટર એક એક યાન લઈને જઈશું અને દરેકની પાસે એક એન્ટીમેટર કલેક્શન મશીન હશે અને બાકી લોકો અહીંથી બેકઅપ આપશે.”

શ્રેયસે પૂછ્યું, “આપણા ચારેમાંથી કોઈની ઉપર મુસીબત આવી તો અહીંથી શું કરશે?”

કેલી પાસે તેનો કોઈ જવાબ ન હતો. શ્રેયસે કહ્યું, “અહીં એક સ્પેર મીની યાન હોવું જરૂરી છે, તેથી તું અહીં રહે અને બધા શું કરે છે તેનું મોનીટરીંગ કર.”

બધાં શ્રેયસની વાતથી સહમત હતા એટલે કેલીએ પોતાની જીદ પડતી મૂકી અને યાનમાં રહેવા તૈયાર થઇ ગઈ. ત્રણ મીની અંતરીક્ષયાન જુદી જુદી દિશામાં જવા નીકળી ગયાં.

ઇયાનનું અંતરીક્ષયાન જ્યાં પ્રવાસ કરી રહ્યું હતું તે દિશામાં મોટેભાગે અંધકાર હતો અને ડિટેક્ટર જે દિશા બતાવતું તે દિશામાં વધી રહ્યું હતું. ખુબ પ્રવાસ કર્યા પછી તેને પ્રકાશ દેખાયો. હવે તેણે એવો ગ્રહ શોધવાનો હતો, જ્યાં તેને કોઈ ગેસ મળી શકે. ઘણો સમય મથામણ કર્યા પછી એક ગ્રહ ડિટેકટ થયો, જ્યાં તેને એન્ટીહાયડ્રોજનની હાજરી વર્તાઈ. ચાળીસ કલાકને અંતે તે ત્યાં પહોંચ્યો અને મશીનનું કંટ્રોલર ઓન કર્યું એટલે ચેમ્બરમાં એન્ટિહાયડ્રોજન ભરાવા લાગ્યો. તે ગ્રહ ધીમે ધીમે પોતાની ધરી પર ફરી રહ્યો હતો. અંતે એક પૃથ્વી દિવસ જેટલા સમયમાં ચેમ્બર પૂર્ણ રીતે ભરાઈ ગઈ હતી.

  પીટર પણ ઇયાનની જેમ સફળ રહ્યો હતો, પણ તેને થોડો વધારે સમય લાગ્યો કારણ તે જે ગ્રહ પર પહોંચ્યો ત્યાં એન્ટિહાયડ્રોજનની માત્ર બહુ ઓછી હતી.

શ્રેયસ પોતાનું અંતરીક્ષયાન લઈને દૂર સુધી નીકળી ગયો હતો, તેની પાસે સૌથી મહત્વની મશીન હતી. અન્ટિન્યુટ્રીનો કંટ્રોલિંગ અને કલેક્ટિંગ મશીન હતું એટલે તેણે એવો કોઈ તારો શોધવાનો હતો, જેમાંથી  અન્ટિન્યુટ્રીનો ધોધ વછૂટતો હોય. 

છેક દસ પૃથ્વીદિવસને અંતે તે એવી સોલાર સિસ્ટમ શોધવામાં સફળ રહ્યો. અહીં સાથરો સમેટાઈ રહ્યો હોવાથી બધા તારાઓ બલ્બની જેમ ફ્યુજ થઇ ગયા હતા. બહુ ભયાનક વાતાવરણ હતું. એક ગ્રહ ઉપર શ્રેયસ પહોંચ્યો જે પોતાની ધરી પર ભમરડાની જેમ ફરી રહ્યો હતો અને તેની ગતિ વધારે હોવાથી તેના વાતાવરણમાં પ્રવેશ કરીને તેણે મશીનને ઓન કર્યું. ધીમે ધીમે તેની ચેમ્બર ભરાવા લાગી. પચ્ચીસ પૃથ્વી દિવસને અંતે તેની ચેમ્બર ભરાઈ ગઈ અને વચ્ચે વચ્ચે તે ઓલ વેલના સંકેતો મોકલતો રહ્યો. જેમ જેમ સમય જતો હતો તેમ તે પોતાને ઉર્જાવાન અનુભવી રહ્યો હતો અને તેના મનમાં વિચિત્ર લાગણી થવા લાગી હતી. જયારે તે પાછો વળી રહ્યો હતો, ત્યારે કેલી માટે બેકરાર થઇ ગયો હતો, તેને મંઝીલ ખુબ દૂર લાગી રહી હતી.

*****

હવે પૃથ્વી પર થોડા પાછળના સમયમાં  જઈએ.

મિસાનીને ખબર પડતી ન હતી કે શું કરવું જોઈએ. તેણે સિકંદરની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એક મારાને સાયમંડનું મર્ડર કરવા રોક્યો હતો, પણ તે નાકામ રહ્યો હતો. તે પોતાની ઓફિસમાં માથે હાથ દઈને બેઠો હતો, તે વખતે પાછળથી ઇયા પ્રવેશી અને તેના ગળામાં હાથ નાખ્યા અને પૂછ્યું, “શું થયું આટલા ટેંશનમાં કેમ છો?”

મિસાનીએ બનેલી ઘટના વિષે તેને કહ્યું. તે સાંભળીને ઈયા બોલી, “તમારા જેવી દૂરનું વિચારનાર વ્યક્તિ આ રીતે નિરાશ થઇ જાય તે ખોટું છે. તમે સિકંદરના ઈશારે ક્યારથી ચાલવા લાગ્યા! શું તમે ભૂલી ગયા કે તમે જગતના સૌથી મોટા ધાર્મિક સંગઠનના ચીફ છો અને તમે જુદા જુદા ધાર્મિક સંગઠનોને એક છત્ર નીચે લાવ્યા છો અને ધર્મનું માહાત્મ્ય વધે તે માટે પ્રયત્ન કરી રહ્યા છો. તમે સાયમંડને તેના હથિયારથી જ કેમ નથી મારતા.”

મિસાનીએ તેના ચેહરા તરફ જોયું અને કહ્યું, “સિકંદરે એવું કરવાની ના પાડી છે.”

ઇયાએ કહ્યું, “સિકંદર અત્યારે અહીં નથી એટલે નિર્ણય તમારે જ લેવાનો છે.”

આગળ ઇયાએ પૂછ્યું, “શું બાકીના રોબોટ્સ ફરી એક્ટિવેટ થઇ ગયા છે?”

મિસાનીએ કહ્યું, “લગભગ થઇ ગયા હોવા જોઈએ.”

ઇયાએ તેની પાસે ડિવાઇસ માગ્યું અને મિસાનીએ તે ચુપચાપ તેના હાથમાં આપી દીધું. ઇયાએ તેમાં સાયમંડનો ફોટો અપલોડ કર્યો અને ઇન્સ્ટ્રક્શન લખી ‘કિલ સાયમંડ.’ ત્યારબાદ તે ડિવાઇસ ટેબલ ઉપર મુક્યું અને હાથ કમર ઉપર મૂકીને મિસાની તરફ જોયું અને કહ્યું, “જોયું કેટલું આસાન હતું! હવે આપણે જ અહીંના સિકંદર છીએ.”

તે ડિવાઇસમાં એક મેસેજ ઝળકી રહ્યો હતો અને તે વાંચવા માટે તે ડિવાઇસને હાથમાં લેવા ગઈ ત્યાં જ તે ઓફિસમાં જાણે વાવઝોડુ આવ્યું હોય તેવો અવાજ થયો અને ઇયા જમીન પર પડી હતી અને તેના શરીરમાંથી રક્ત વહી રહ્યું હતું.

ક્રમશ: