Pratisrushti - A Space Story - 26 books and stories free download online pdf in Gujarati

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૬

ભાગ ૨૬

તે વચન સાથે જ સિકંદરનો વર્મહોલનો પ્રવાસ શરુ થયો. તેણે બિલ્વીસ પાસેથી પ્રોડિસ ઉપર શું થયું હતું, તેની જાણકારી લીધી ઉપરાંત બિલાકીન્સના આધુનિક ઉપકરણોથી તેમનો ઇતિહાસ, તેમનો વર્તમાન, તેમનું વિજ્ઞાન, તેમના હથિયારો, તેમની યુદ્ધકળા અને તેમની ભાષાની જાણકારી લીધી.

હવે તેને બિલ્વીસ કે રીવાની જરૂર ન હતી તેથી બંનેને બિલાકીન્સના લીડર સિંકલ સામે જ મારી નાખ્યા અને સિંકલને કહ્યું, “જે પોતાના લોકોના ન થયા તે આપણા શું થશે?”

સિકંદરે ધ્યાન આપ્યું કે સિંકલને બિલ્વીસ કે રિવાના મરવાનો કોઈ અફસોસ ન હતો, તેનાથી વિપરીત તેના ચેહરા પર વિકૃત આનંદના ભાવ હતા. સિકલ પાસેથી નીકળ્યા બાદ સિકંદરે પોતાનું માથું ધુણાવ્યું અને વિચાર્યું, “શું દરેક જીવંત અને બુદ્ધિશાળી પ્રજા આવી જ હોય છે?”

તેમનું યાન એક નિશ્ચિત ગતિથી વર્મહોલ તરફ અગ્રેસર હતું અને સિકંદર બિલાકિન્સના હથિયારો તપાસી રહ્યો હતો.

****

              શ્રેયસ હવે પોરસ બની ગયો હતો અને તેની અવસ્થા બહુ વિચિત્ર થઇ હતી તે ન તો શ્રેયસ હતો ન તો પોરસ બંનેનું મિશ્રણ હતું. હવે આપણે તેને પોરસના નામથી ઓળખીશું. કેલીએ પોરસના ઓપરેટિંગ ડિવાઇસને શ્રેયસના મગજમાંથી નીકળતા સિગ્નલો સાથે જોડી દીધું હતું. પોરસે પોતાનું શરીર પાર્ટિકલમાં બદલીને ફરીથી જોડવાની ખુબ પ્રેક્ટિસ કરી. હવે તેની પાસે કંઈ કમી હતી તો હથિયારની. તેની પાસે તેનું પ્રિય હથિયાર લેસર ગન અહીં બહુ ઉપયોગી નહોતું. છતાં તેની પાસે હતી હિંમત જેના આધારે તે લડવા માટે તૈયાર થયો હતો.

                 રેહમન અને અંતરીક્ષયાન ગયું તેના થોડા સમય બાદ પોરસને એક યાન વર્મહોલમાંથી આવતું દેખાયું. તેની ધારણા સાચી પડી હતી, સિકંદર મેદાનમાં આવી ગયો હતો. તે  દૂર અંધારામાં ઉભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. સિકંદર યાનની દીવાલોમાંથી બહાર આવ્યો અને અંતરિક્ષમાં તરી રહ્યો હતો.

થોડીવાર પછી તે યાનમાંથી ત્રણ હથિયારબંધ અને સ્પેસ સૂટમાં સજ્જ બિલાકીન્સો બહાર આવ્યા. તેણે જોયું કે સિકંદરની આંખો તેની દિશામાં જ હતી. તેના હાથમાં એક હથિયાર હતું અને તેણે પોરસની દિશામાં ફાયર કર્યું. પોરસ પોતાની જગ્યાએથી ખસીને દૂર નીકળી ગયો, પણ તેને ધ્યાનમાં આવી ગયું કે તે સિકંદરની નજરમાં આવી ગયો છે.

સિકંદર તેની પાસે ઉભા રહેલા બિલાકીન્સને ઈશારો કર્યો એટલે તેમણે પગ નીચે રહેલ મશીન ઓન કર્યું અને તેઓ પોરસની દિશામાં આગળ વધ્યા. ત્રણેયના હાથમાં ઘાતક હથિયારો હતાં. તેમાંથી એકને પોરસ દેખાઈ ગયો અને તેણે તેની તરફ ફાયરિંગ કર્યું અને પોરસનું શરીર ટુકડામાં વિખેરાઈ ગયું. તે બિલાકીન્સે આનંદની કિલકારી મારી અને ત્રણેય જણ પોતાની જગ્યાએ સ્થિર થઇ ગયા અને પોરસના શરીરને ટુકડામાં વિખેરાતા જોઈ રહ્યા. 

થોડી વાર પછી ઉંધી પ્રક્રિયા શરુ થઇ અને પોરસનું શરીર ફરીથી જોડાવા લાગ્યું, એવું થતાં જોઈને બે બિલાકીન્સો ત્યાંથી ભાગી ગયા, પણ જેના ફાયરિંગથી પોરસનું શરીર ટુકડામાં વિખેરાઈ ગયું હતું, તે આ દ્રશ્ય બાઘાની જેમ જોઈ રહ્યો.

પોરસે પોતાની લેસર ગનથી તેની ઉપર ફાયરિંગ કર્યું અને તેનું હથિયાર હસ્તગત કરી લીધું. હવે લડાઈ બરોબરીની હતી, બંને પાસે આધુનિક હથિયારો હતાં. સિકંદરે અંધાધૂંધ ફાયરિંગ શરુ કર્યું અને પોરસ તેની જગ્યા બદલીબદલીને વાર ચૂકવી રહ્યો હતો.

તેના હાથમાં હથિયાર હોવા છતાં તેણે સિકંદર ઉપર ફાયરિંગ કર્યું નહોતું. અચાનક અંતરીક્ષયાનનો દરવાજો ખુલ્યો અને તેમાંથી પચાસ હથિયારબંધ બિલાકીન્સ નીકળ્યા અને તેમાંથી એક પાસે વિચિત્ર દેખાવવાળી ગન હતી. તેમણે સિકંદર સાથે ઈશારામાં વાત કરી. સિકંદરે ફાયરિંગ બંધ કર્યું.

તે વિચિત્ર ગનમાંથી બિલ્કિન્સોએ પોરસ ઉપર ફાયરિંગ કર્યું  અને પોરસને એક જ ક્ષણનો સમય મળ્યો, તે દિશા બદલીને દૂર નીકળી ગયો. તે તેમાંથી નીકળતા કિરણોને ઓળખી ગયો હતો તે ન્યુટ્રીનો પાર્ટિકલ્સ હતા, જો તે તેમની સાથે ટકરાયો હોત તો સિકંદર સાથેના યુદ્ધ પહેલા જ નાશ પામ્યો હોત, પણ તેની મુસીબત ટળી નહોતી. તે બિલાકીન્સોએ બધી દિશામાં ન્યુટ્રીનો પાર્ટિકલ્સનો મારો ચલાવ્યો અને બાકીના બિલાકીન્સો દળ બાનવીને પોરસને શોધવા લાગ્યા . દૂર પોરસના શરીરમાં દાહ લાગી ગયો હતો, તેનું શરીર તીરથી વીંધાઈ રહ્યું હતું હોય એમ તેને લાગ્યું તેના શરીરમાંથી પોપડીઓ ખરી રહી હોય તેવો તેને ભાસ થયો અને એક એવો ક્ષણ પણ આવ્યો જયારે શરીરનો દાહ સહન ન થવાથી પોરસ બેભાન થઇ ગયો. જો કે બેભાન થતાં પહેલાં તે દસ બિલકિન્સનો ભોગ લઇ ચુક્યો હતો.

             આ પોરસ પણ ઐતિહાસિક કથાના નાયક પોરસની જેમ બંધાઈ ચુક્યો હતો. બિલાકીન્સ ખુશી મનાવી રહ્યા હતા. તેઓ જયારે પોરસને સિકંદર ની નજીક લઇ જઈ રહ્યા હતા, ત્યારે સિકંદરે દૂરથી જ એવું કરવાની ના પાડી અને એક બિલાકીન્સને નજીક બોલાવીને એક ડિટેક્ટર આપ્યું, જેનાથી તેને પોરસના પૂર્ણ શરીરને તપાસ્યું અને તપાસ પૂર્ણ થયા બાદ તેણે પોરસને યાનમાં લઇ જવાનો ઈશારો કર્યો અને તેમની પાછળ તે પોતે પણ અંતરીક્ષયાનમાં દાખલ થયો.

સિકંદરે પોરસને હોશમાં લાવવાનો આદેશ આપ્યો. થોડીવાર પછી જયારે પોરસને કળ વળી ત્યારે તેણે જોયું કે સિકંદર એક ખુરસીમાં બેસેલો હતો અને તેની મુદ્રા એવી હતી કે જાણે તે કોઈ સિંહાસન ઉપર આરૂઢ થયો હોય.

સિકંદરે પૂછ્યું, “નામ શું છે તારું?”

પોરસે એકાક્ષરી જવાબ આપ્યો, “પોરસ.”

જવાબ સાંભળ્યા પછી સિકંદર અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને કહ્યું, “પૃથ્વી ઉપરનો ઇતિહાસ ફરીથી દોહરાવાઇ રહ્યો છે, તો ચાલ હું તને તે ઐતિહાસિક પ્રશ્ન પણ પૂછી લઉં, કહે હું તારી સાથે કેવું વર્તન કરું?”

પોરસે પોતાની મુખમુદ્રા ગંભીર રાખીને કહ્યું, “ન તો હું રાજા છું, ન તો તું રાજા છે તેથી આ પ્રશ્ન અસ્થાને છે.”

સિકંદરે કહ્યું, “લાગે છે ઇતિહાસ વાંચ્યો નથી?”

પોરસે કહ્યું, “મેં ઇતિહાસ પૂર્ણપણે વાંચ્યો છે અને તેથી જ આ જવાબ આપ્યો અને તું સાંભળી લે ઇતિહાસનો સિકંદર પણ મદાંધ હતો અને તું પણ મદાંધ છે. તેનું વિજય અભિયાન પોરસ સાથેના યુદ્ધ પછી બંધ થયું હતું, તેમ તારું પણ બંદ થશે, ફરક ફક્ત એટલો પડશે કે તે સિકંદરનું મૃત્યુ પોરસના હાથે નહોતું થયું, પણ તારું મૃત્યુ આ પોરસના હાથે થશે.”

સિકંદર હસ્યો અને કહ્યું, “ઓહ માનવીય ઘમંડ, તમે આ ઘમંડમાં આજ સુધી શું શું નથી કર્યું. મનુષ્ય જાત જેટલું ઘાતકી કોઈ નથી કુદરતના ભોગે પોતાનો વિકાસ કર્યો, બીજી પ્રજાતિના જીવોની અવહેલના, જીવોની શું કામ એક જ માનવકુળના હોવા છતાં એક માનવ બીજા માનવને પોતાના કરતા ઉતારતો સમજે છે. માનવજાતે પોતાના જ્ઞાનના ઘમંડમાં શું શું નથી કર્યું!  કુદરતનો નાશ કરી દે તેવાં હથિયારો વિકસાવ્યા. પૃથ્વીને મળેલી સૌથી ક્રૂર પ્રજાતિ છો તમે માનવો.”

પોરસે કહ્યું, “તું પણ એ જ માનવ નિર્મિત છે, એક રીતે જોઈએ તો તું પણ શસ્ત્ર છે.”

“મને બનાવ્યો ભલે માનવે હશે, પણ મારો વિકાસ મેં જ કર્યો છે, મેં કુદરતને કોઈ તકલીફ નથી આપી અને મેં જેટલાને માર્યા છે, તે બધાં શાંતચિત્તે અને કુદરતી રીતે મૃત્યુને પ્રાપ્ત થયા છે.”

પોરસે નિરાશામાં માથું ધુણાવ્યું અને કહ્યું, “તને વિચારવાની શક્તિ, પણ કુંઠિત બુદ્ધિના માનવે આપી છે, તેથી તે પણ સીમિત છે. તેં ફક્ત ઇતિહાસ વાંચ્યો છે અથવા તે વ્યક્તિની કુંઠા જ જોઈ છે, શું તે વર્તમાન નથી જોયો? મનુષ્યે કેવો વિકાસ કર્યો છે અને કુદરતને કેવી રીતે સંભાળી લીધી છે તે નથી જોયું?”

સિકંદરે કહ્યું, “મેં વર્તમાન પણ જોયો છે અને જોયા છે નશામાં ધૂત માનવો, કોઈ ડ્રગ્સમાં ધૂત તો કોઈ સફળતાના નશામાં ધૂત, કોઈને ભયંકર બીમારી થાય તો મારી નાખતા માનવો, મિસાની જેવા વિકૃત માનવો, યુલર જેવા ઘાતકી માનવો, રંગભેદ કરતા વિચિત્ર માનવો, પ્રદેશ ભેદ કરતા માનવો.”

પોરસે કહ્યું, “જેને ફક્ત ખરાબ જ જોવું હોય, તેના માટે હું કઈ ન કરી શકું. છતાં તારી પાસે હજી સમય છે, પોતાની ભૂલ સ્વીકાર અને માનવો પ્રત્યેની નફરત ત્યજી દે અને મારો સાથ આપ આપણે હજી સારો સમાજ બાનવીશું અને માનવજાતના ભલા માટે કામ કરીશું.”

સિકંદરે કહ્યું, “જોયો માનવીય ઘમંડ! બંધાયેલો તું છે અને મને ભૂલ સ્વીકાર કરવાનું કહે છે. મેં તને ફક્ત તારા વિચારો જાણવા માટે જીવતો રાખ્યો છે અને જો તું મારી શરણાગતિ સ્વીકારે તો હું તને જીવતો છોડી દઈશ અને જો તું એવું નહિ કરે તો હું અત્યારે તને ખતમ કરી દઈશ અને ધરતી પર જઈને માનવજાતિને. અત્યાર સુધી અડધી માનવજાતિ તો મિસાનીએ ખતમ કરી દીધી હશે.”

આ વાત સાંભળીને પોરસે પોતાની આંખો બંધ કરી અને ...............

ક્રમશ: