Pal Pal Dil Ke Paas - Paresh Rawal - 38 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - પરેશ રાવલ - 38

પરેશ રાવલ

૧૯૯૨માં “સંગીત” ફિલ્મના શુટિંગ વખતે પરેશ રાવલે દિગ્દર્શક ને કહ્યું “રાત્રે મારા નાટકનો શો છે મારે ત્યાં પહોંચવાનું છે તેથી મારું શુટિંગ જલ્દી પતાવો. ” જવાબમાં દિગ્દર્શક કે. વિશ્વનાથે કહ્યું હતું “જેકી શ્રોફ અને માધુરી દિક્ષિત આવે પછી જ શુટિંગ શરુ થશે. તમે તમારા નાટકનો શો કેન્સલ કરી દો” પરેશ રાવલના નવા જ નાટકનો તે દિવસે પ્રથમ શો હતો. પરેશ રાવલે તરતજ દાઢી મુછનો મેઇક અપ ઉતારીને સ્ટુડીયોનો ત્યાગ કરી દીધો હતો. ફીલ્મોમાં આવતા પહેલાં દસ વર્ષ સુધી નાટકો કરનાર પરેશ રાવલનો થીએટર પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે.

પરેશ રાવલનો જન્મ તા. ૨૯/૫/૧૯૫૦ ના રોજ મુંબઈમાં મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીને ટેક્ષટાઈલનો નાના પાયે બીઝનેસ હતો. માત્ર બાર વર્ષની ઉમરે જ ઇન્ટરસ્કૂલ કોમ્પીટીશનમાં પરેશ રાવલે નાટકમાં લીડ રોલ કર્યો હતો. સ્કુલના પ્રીન્સીપાલ ઇન્દુબેન પટેલે પરેશને ખુબ જ પ્રોત્સાહિત કર્યો હતો. મુંબઈની નરસી મોનજી કોલેજમાં કોમર્સનું ભણતી વખતે પરેશ રાવલનો નાટકો પ્રત્યેનો લગાવ સોળે કળાએ ખીલ્યો હતો. પરેશ રાવલ આજે પણ કોલેજના પ્રિન્સીપાલ યુ.. આર. કોહલીને યાદ કરીને કહે છે જાણે કે ભગવાને જ કોહલી સાહેબને મારા માટે મોકલ્યા હતા . તેમણે મને નાટકોના રીહર્સલ માટે ક્લાસમાં એટેન્ડન્સમાં ખાસ્સી છૂટ આપી હતી. પરેશ રાવલે બી. કોમ. પૂરું કર્યા બાદ ફૂલ ફ્લેજ્ડમાં નાટકો ચાલુ કર્યા હતા. ૧૯૭૩માં પરેશ રાવલે ઇન્ડિયન નેશનલ થીએટર જોઈન કર્યું હતું. નસીરુદ્દીન શાહનો પરેશ રાવલ પર અનહદ પ્રભાવ હતો.

કેતન મહેતાએ પરેશ રાવલના અભિનયમાં સ્પાર્ક જોયો હતો. તેમણે પરેશ રાવલને “હોલી” ફિલ્મમાં રોલ આપ્યો હતો. જોકે તે પહેલાં ૧૯૮૫માં પરેશ રાવલની “અર્જુન” રીલીઝ થઇ ગઈ હતી.

૧૯૮૬માં મહેશ ભટ્ટની “નામ” રીલીઝ થતાંની સાથે જ પરેશ રાવલનું નામ ઘણું મોટું થઇ ગયું હતું . ત્યારથી લઈને આજ સુધી પરેશ રાવલે અભિનય ક્ષેત્રમાં પાછું વળીને ક્યારેય જોયું નથી. તેમની પ્રગતિનો ગ્રાફ સતત ઉંચો જ ગયો છે. પરેશ રાવલ કહે છે “સ્ટાર ની એક્ષપાયરી ડેટ હોય છે , એકટરની નહિ . ઉમર વધતા સ્ટાર વૃધ્ધ થાય છે જયારે એક્ટર મેચ્યોર્ડ થાય છે. ”

હિન્દી, અંગ્રજી, ગુજરાતી. મરાઠી અને તેલુગુ ભાષા પર ખુબ જ સારો કમાન્ડ ધરાવનાર પરેશ રાવલ આઠ જેટલી તેલુગુ ફિલ્મોમાં વિલનનો રોલ કરી ચુક્યા છે. ૧૯૯૦ સુધીમાં તો પરેશ રાવલે સો જેટલી ફિલ્મોમાં અભિનય કરી લીધો હતો. તેમની કરિયરની શરૂઆત ભલે વિલનથી થઈ હતી પરંતુ ત્યાર બાદ તેમણે લગભગ દરેક પ્રકારની ભૂમિકાઓ સુપેરે ભજવી હતી. કોમેડીમાં તેમનું ટાઇમીંગ દર્શકોને હમેશા સુપર્બ લાગ્યું છે. ૧૯૯૬માં “તમન્ના” ફિલ્મ માં કિન્નરનો રોલ કરીને તેમણે સાબિત કરી દીધું હતું કે તેઓ કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવી શકવા માટે સક્ષમ છે.

કેતન મહેતાએ જયારે “ સરદાર “ફિલ્મ માં સરદાર પટેલની ભૂમિકા માટે પરેશ રાવલની પસંદગી કરી તે દિવસોમાં પરેશ રાવલ માત્ર વિલનના જ રોલ કરતાં હતા ત્યારે ઘણા લોકોએ કેતન મહેતાને ચેતવ્યા હતા કે વિલનની ઈમેજ ધરાવતો આ અભિનેતા સરદારનો રોલ કઈ રીતે કરી શકશે? કેતન મહેતાએ ગજબના આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે ફિલ્મ શરુ થાય અને માત્ર ત્રીસ સેકન્ડમાં જો પરેશ રાવલમાં તમને સરદાર પટેલ ના દેખાય તો ફરિયાદ કરજો. પરેશ રાવલ કહે છે “કેતન મહેતાના એ જવાબને કારણે સરદારનો રોલ મારા માટે પણ પડકારજનક બની ગયો હતો. તે દિવસોમાં મેં સરદાર પટેલ વિષે ખુબ જ વાંચ્યું હતું જેથી સરદારના પાત્રને વધારે ને વધારે આત્મસાત કરી શકાય. સરદાર મારી તમામ ફિલ્મોમાં ફેવરીટ ફિલ્મ છે”.

સલમાનખાન અને આમીરખાન અભિનીત ફિલ્મ “અંદાઝ અપના અપના “માં પરેશ રાવલે ડબલ રોલ કર્યો હતો. પોઝીટીવ અને નેગેટીવ બંને રોલને તેમણે પરફેક્ટ ન્યાય આપ્યો હતો.

પરેશ રાવલને “વોહ છોકરી” માટે ૧૯૯૪નો બેસ્ટ સપોર્ટીંગ એવોર્ડ મળ્યો હતો . અને ૧૯૯૪નો જ “સર” માટે બેસ્ટ વિલન નો એવોર્ડ પણ મળ્યો હતો. ૨૦૦૩માં “આવારા પાગલ દીવાના” માટે બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ પરેશ રાવલને જ મળ્યો હતો. અઢળક ફિલ્મોમાં કોમેડી કરનાર આ કલાકારે “હેરાફેરી” માં બાબુ ભૈયાના રોલમાં દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. તેવી જ તેમની યાદગાર ફિલ્મો એટલે ચાચી ૪૨૦, નાયક. આંખે, હંગામા, હલચલ, દીવાના હુઆ પાગલ, ગરમ મસાલા, ફિર હેરાફેરી, ગોલમાલ, ભાગમભાગ, ભૂલ ભુલૈયા, વેલકમ, અતિથી તુમ કબ જાઓગે?, વેલકમ બેક વિગેરે.

૨૦૧૨માં ગુજરાતી નાટક “ કાનજી વર્સીસ કાનજી” પરથી બનેલી ફિલ્મ એટલે ” ઓહ માય ગોડ”. આ ફિલ્મ માત્ર અને માત્ર પરેશ રાવલની જ ફિલ્મ હતી. ઢોંગી બાબાઓ ધ્વારા ફેલાવાતી અંધશ્રદ્ધા સામે તેમણે અવાજ ઉઠાવીને દર્શકોના દિલ જીતી લીધા હતા.

નાના પડદે પણ પરેશ રાવલનું નોંધપાત્ર યોગદાન છે . તીન બહુરાનીયા, મૈ એસી કહા હું અને લાગી તુઝ્સે લગન જેવી ટીવી સીરીયલોનું તેમણે દિગ્દર્શન કર્યું છે.

૧૯૭૯માં મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ જીતનાર સ્વરૂપ સંપટ સાથે પરેશ રાવલ લગ્નગ્રંથી થી જોડાયા હતા . અત્યારે તેમનો મોટો પુત્ર અનિરુધ્ધ આસીસ્ટંટ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે જયારે નાનો પુત્ર આદિત્ય અમેરિકા માં ભણે છે. સરદારના રોલથી આંતરરાષ્ટ્રીય ફલક પર નામના મેળવનાર પરેશ રાવલ અત્યારે નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહ્યા છે. ૨૦૧૪માં ભારત સરકાર ધ્વારા પદ્મશ્રી થી સન્માનિત થનાર પરેશ રાવલ આજે લોકસભા ના જાગરુક સાંસદ પણ છે.

***