Pal Pal Dil Ke Paas - Prem Chopra - 39 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - પ્રેમ ચોપરા - 39

પ્રેમ ચોપરા

વાત ૧૯૭૩ ની છે. રાજ કપૂરે “બોબી” માટે પ્રેમ ચોપરાને મહેમાન કલાકાર તરીકે ઓફર કરી હતી. રાજકપૂર સાથે પ્રેમ ચોપરાનું સગપણ સાઢુભાઈનું હોવા છતાં તેણે પહેલે ધડાકે હા નહોતી પાડી. (પ્રેમ ચોપરાની પત્ની ઉમાચોપરા અને રાજ કપૂરની પત્ની ક્રિશ્નાકપૂર સગી બહેનો હતી).આખરે પ્રેમનાથે દરમ્યાનગીરી કરતાં પ્રેમ ચોપરાને કહ્યું હતું. “અગર “બોબી” ચલ જાયેગી તો તુમ્હારા ડાયલોગ દેશ કે બચ્ચે બચ્ચે કી જુબાન પર હોગા..પ્રેમ નામ હૈ મેરા.. પ્રેમ ચોપરા” પ્રેમનાથની આગાહી સાચી પડી હતી. આજે પણ કોઈ જાહેર પ્રોગ્રામમાં પ્રેમ ચોપરા જાય છે ત્યારે ઓડીયન્સ એ જ ડાયલોગ બોલવા માટે તેને મજબૂર કરે છે.

પ્રેમ ચોપરાનો જન્મ તા.૨૩/૯/૧૯૩૫ ના રોજ લાહોરમાં થયો હતો. દેશના વિભાજન સમયે બાર વર્ષના પ્રેમની સાથે પૂરો પરિવાર શિમલામાં શિફ્ટ થયો હતો. સ્કૂલનું ભણતર પૂરું થયા બાદ પ્રેમ ચોપરાએ પિતા સમક્ષ હીરો બનવા માટે મુંબઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.પિતાએ સલાહ આપી હતી “બેટે પ્રેમ, એક બાર તુમ ગ્રેજ્યુએટ હો જાઓ, બાદ મેં મુંબઈ જાઓગે તો નૌકરી ભી મિલ જાયેગી ઔર સાથમેં એક્ટિંગ ભી કર લેના”.આખરે પ્રેમ ચોપરાએ પિતાની સલાહ માનીને શિમલામાં જ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો હતો. જોકે અભ્યાસની સાથે તેણે તે દિવસોમાં જ નાટકોમાં પણ અભિનય કરવાનું શરુ કરી દીધું હતું. મુંબઈ આવ્યા બાદ પ્રેમ ચોપરાને ટાઈમ્સ ઓફ ઇન્ડીયાના સરક્યુલેશન ડીપાર્ટમેન્ટમાં નોકરી મળી ગઈ હતી. ઓફીસ સમય સિવાયના તમામ સમયમાં પ્રેમ ચોપરાએ અલગ અલગ સ્ટુડિયોના ચક્કર કાપવાનું શરુ કર્યું હતું. પ્રેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પણ માણસ સાથે ઓળખાણ નહોતી. દસ બાર મહિનાઓ વીતી ગયા પણ પ્રેમ ચોપરાને કોઈ જ ચાન્સ મળ્યો નહોતો. ઓફીસમાં રજા હોય ત્યારે તો યુવાન પ્રેમ આખો દિવસ સ્ટુડીયોના દરવાજા પાસે હાથમાં ખુદ ના ફોટાનું આલ્બમ લઈને હાજર જ હોય ..રખે ને બહાર આવતા જતા કોઈક નિર્માતા નિર્દેશકની તેના પર નજર પડી જાય તો ફોટા બતાવી શકાય.

એક વાર લોકલ ટ્રેનમાં એક અજાણ્યા માણસનું ધ્યાન પ્રેમ ચોપરાના હાથમાં રહેલા ફોટો આલ્બમ પર પડયું. તેણે તે ફોટા જોવા માંગ્યા.પ્રેમ ચોપરાએ ઉત્સાહથી આલ્બમ બતાવ્યું.પેલો માણસ પ્રેમને એક પંજાબી ફિલ્મના નિર્માતા પાસે લઇ ગયો. પ્રેમે વિચાર્યું કે આમ પણ હિન્દી ફિલ્મોમાં તો એક વર્ષથી કાંઈ મેળ પડતો નથી. પંજાબી તો પંજાબી એક વાર સ્ક્રીન પર અવાય એટલે ઘણું. બસ આ રીતે પ્રેમ ચોપરાની પંજાબી ફિલ્મોની યાત્રા ચાલુ થઇ. ત્રણેક પંજાબી ફિલ્મોમાં હીરો તરીકે આવ્યા બાદ એક હિન્દી ફિલ્મ મળી.ફિલ્મ હતી “મૈ શાદી કરને ચલા” જેમાં તેની સાથે મુમતાઝ અને ફિરોઝખાન હતા.એ દિવસોમાં નોકરીમાં આસાનીથી રજા મળતી નહોતી. તે ફિલ્મના શૂટિંગ માટે સળગ પંદર દિવસની રજા મુકવી પડી હતી. પ્રેમે કારણમાં જણાવ્યું હતું કે તે લગ્ન કરવા માટે વતનમાં જાય છે. રજા પર થી પરત આવ્યા બાદ આખા સ્ટાફે પ્રેમ પાસે પાર્ટી માંગી. પ્રેમે આંખમાં આંસુ સાથે રડમસ અવાજે કહ્યું “ક્યાં કરું દોસ્તો...લડકીને એન્ડ વક્ત પે ના બોલ દી..મેરી શાદી કેન્સલ હો ગઈ” આમ સ્ક્રીન બહાર પણ પ્રેમચોપરાને અભિનય તો ખૂબ જ કામ લાગ્યો હતો. જોકે તે ફિલ્મ ફ્લોપ નીવડી હતી. આખરે ૧૯૬૫ માં પ્રેમનું નસીબ ચમક્યું હતું. મનોજ કુમારની “શહીદ” ફિલ્મમાં તેને શહીદ સુખદેવ સિંહનો મહત્વનો રોલ મળી ગયો. પ્રેમે પહેલું કામ નોકરી છોડવાનું કર્યું હતું. “શહીદ” જોઇને મહેબૂબ ખાને પ્રેમ ચોપરાને હીરો તરીકે ઓફર આપી હતી પણ મહેબૂબખાન ગંભીર માંદગીમાં પટકાયા અને તે ફિલ્મ પછી બની જ નહિ. દરમ્યાનમાં રાજ ખોસલાએ પ્રેમને “વોહ કૌન થી” માં વિલનની ઓફર આપી. પ્રેમને બનવું હતું તો તો હીરો પણ નોકરી છોડી દીધા બાદ આવક બંધ થઇ ગઈ હતી. વિલનનો રોલ લીધા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. “વોહ કૌન થી” હીટ રહી. વિલન તરીકે પ્રેમ ચોપરાનો અભિનય પણ ખૂબ વખણાયો. બસ ત્યારથી પ્રેમચોપરા પર વિલનનો સિક્કો લાગી ગયો. ત્યારબાદ રીલીઝ થયેલી “ઉપકાર” માં પણ નેગેટીવ રોલમાં પ્રેમ ચોપરાએ મેદાન મારી લીધું હતું.

૧૯૬૯ પછી રાજેશ ખન્નાનો સૂર્ય મધ્યાન્હે તપવા લાગ્યો હતો. ખન્ના સાથે પ્રેમ ચોપરા ની કુલ ૧૯ ફિલ્મો ધડાધડ રીલીઝ થઇ હતી. દો રાસ્તે, કટી પતંગ, દાગ તથા પ્રેમનગર જેવી પંદર ફિલ્મો તો સુપર ડુપર હીટ નીવડી હતી. વળી તે દિવસોમાં પ્રાણ કેરેક્ટર રોલ તરફ વળ્યા હતા. કે એન સિંઘ સિલેક્ટેડ ફિલ્મો જ કરતા હતા. રણજીત હજુ નવો હતો. આમ દેખાવમાં હીરો જેવા લાગતા પ્રેમચોપરાને દર્શકોએ તેની અભિનયક્ષમતાના આધારે વિલન તરીકે સ્વીકૃતિ આપી દીધી હતી.

રાજેશ ખન્નાની “સૌતન” માં પ્રેમચોપરાની તકિયા કલમ જેવો ડાયલોગ “ મૈ વોહ બલા હું જો શીશે સે પત્થર કો તોડતા હું” તે જમાનામાં લોકપ્રિય થઇ ગયો હતો. અમિતાભની શરૂઆતની ફિલ્મ “દો અનજાને” માં અમિતાભની પત્ની બનતી રેખા સાથે ફલર્ટ કરતા પ્રેમ ચોપરાને તથા અમિતાભને ચાલુ ટ્રેને બહાર ફેંકી દેતા વિલન પ્રેમ ચોપરાને દર્શકો આજે પણ ભૂલ્યા નથી. પ્રેમ ચોપરાએ અમિતાભ સાથે જ ત્રિશૂલ, કાલા પત્થર, નસીબ, રામ બલરામ, દોસ્તાના, અંધા કાનૂન જેવી અઢળક ફિલ્મોમાં અભિનય કર્યો છે. ગોવિંદા સાથેની ઘણી ફિલ્મોમાં પ્રેમ ચોપરાએ કોમેડી કરીને દર્શકોને હસાવ્યા પણ છે. લગભગ ૩૨૫ ફિલ્મોમાં કામ કરનાર ૮૪ વર્ષના પ્રેમ ચોપરા આજે પણ સક્રિય છે.

સમાપ્ત