Pal Pal Dil Ke Paas - Zennat Aman - 49 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - ઝીન્નત અમાન - 49

  • ઝીન્નત અમાન
  • ઝીન્નતના પિતા અમાનુલ્લાખાન “મુગલે આઝમ” અને “પાકીઝા” ના સહાયક સ્ક્રીપ્ટ રાઈટર હતા. પિતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં “અમાન” ના નામથી જાણીતા હતા. ઝીન્નતે પણ તેના નામ પાછળ ખાન કાઢીને પિતાનું નામ “અમાન” લગાડી દીધું હતું. જોકે ઝીન્નત બાળપણથી જ પિતાના પ્રેમથી વંચિત રહી હતી. માતા પિતાના ડિવોર્સ થયા હતા. ઝીન્નત તેર વર્ષની હતી ત્યારે પિતા અમાનુલ્લાખાનનું અવસાન થયું હતું. ઝીન્નતની માતા હિંદુ હતી. માતાએ ઝેવીઝ નામના જર્મન સાથે લગ્ન કરી લીધા હતા. માતા સાથે બેબી ઝીન્નત પણ મુંબઈથી જર્મની શિફ્ટ થઇ ગઈ હતી. ત્યાંથી તે લોસ એન્જલસ ભણવા માટે ગઈ હતી. જોકે થોડા વર્ષોમાં જ તે અભ્યાસ અધુરો છોડીને ફિલ્મોમાં કરિયર બનાવવા માટે જ ખાસ ભારત આવી હતી.

    તે જમાના માં મુખ્ય હિરોઈન હમેશા ઇન્ડિયન લૂક માં જ જોવા મળતી. એકાદ બે ફિલ્મને બાદ કરતા દરેક ફિલ્મમાં મુખ્ય હિરોઈન હમેશા આખું શરીર ઢંકાય તેવા કપડામાં જ પરદા પર જોવા મળી હતી. વેમ્પ જ અંગ પ્રદર્શન કરતી.

    ઝીન્નતે હિન્દી ફિલ્મની હિરોઈનની પરિભાષા જ બદલી નાખી હતી. અતિશય ટૂંકા વસ્ત્રોમાં કેમરા સામે આવવામાં આ બોલ્ડ અભિનેત્રીને સહેજ પણ છોછ નહોતો તેનું મુખ્ય કારણ તેનો ઉછેર વેસ્ટર્ન કલ્ચરમાં થયો હતો. સલમાનખાને તેની પ્રથમ ફિલ્મ “મૈને પ્યાર કિયા” ખુબ જ ઉત્સાહથી ઝીન્નત અમાનને બતાવી હતી ત્યારે ઝીન્ન્તે મો મચકોડીને કહ્યું હતું “ફિલ્મ મેં સબસે બડી વાહિયાત બાત તો યે હૈ કી હીરો જબ હિરોઈન કી એડી પે ક્રીમ લગાતા હૈ તબ આંખે બંધ કર લેતા હૈ. ”

    ઝીન્નત અમાનનો જન્મ તા. ૧૯/૧૧/૧૯૫૧ ના રોજ મુંબઈમાં થયો હતો. માતાનું નામ સ્કીંડા. પ્રખ્યાત ચરિત્ર અભિનેતા રઝા મુરાદની ઝીન્નત અમાન કઝીન થાય છે.

    ઝીન્નત અમાને મુંબઈમાં આવીને સૌથી પહેલા થોડો સમય પત્રકાર તરીકે “ફેમિના” માં કામ કર્યું હતું. સાથે સાથે મોડેલીંગ પણ ચાલુ કર્યું હતું. સૌથી પહેલાં તાજમહાલ ચા ની જાહેરાત માં તે દેખાઈ હતી. તે દિવસોમાં જ તેણે મિસ ઇન્ડિયા પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો અને સેકન્ડ રનર્સ અપ સુધી પહોંચી ગઈ હતી. ૧૯૭૦માં મિસ એશિયા પેસિફિક બની જેને કારણે તે બોલીવુડના નિર્માતા નિર્દેશકના ધ્યાનમાં આવી હતી.

    ઝીન્નતને ફિલ્મોમાં પહેલો બ્રેક ઓ. પી. રાલ્હાને “હલચલ” માં આપ્યો હતો ત્યાર બાદ તેની “હંગામા” રીલીઝ થઇ હતી જેમાં તેની સાથે વિનોદ ખન્ના અને કિશોર કુમાર હતા જે તદ્ન ફ્લોપ ફિલ્મ હતી. ઝીન્નતે જર્મની પરત જવા માટે બેગ ભરી લીધી હતી ત્યારે જ દેવ આનંદે તેને “હરે રામ હરે કૃષ્ણ” માં ચાન્સ આપ્યો હતો અને ફિલ્મ રીલીઝ થાય ત્યાં સુધી રોકાઈ જવાનું સૂચન કર્યું હતું.

    “હરે રામ હરે કૃષ્ણ” માં ઝીન્નતને રોલ મળ્યો તે પહેલાની વાત પણ ખુબ જ રસપ્રદ છે. દેવ આનંદે ઝાહીદાને તે રોલ ઓફર કર્યો હતો પણ તેને મુમતાઝ વાળો રોલ જ કરવો હતો. તેથી તેને પડતી મુકવામાં આવી હતી. ”જ્વેલથીફ” માં સાવ નાના રોલમાં આવેલી તનુજાને પણ તે રોલ ઓફર કરવામાં આવ્યો હતો. તેણે પણ તે રોલ કરવાની ના પાડી હતી. દેવ આનંદનો તે જમાનામાં ચાર્મ જ એવો હતો કે લગભગ કોઈ હિરોઈન ફીલ્મમાં પણ તેની બહેન બનવા તૈયાર નહોતી. આખરે તે રોલ ઝીન્નતને મળ્યો હતો. ૧૯૭૨માં “હરે રામ હરે કૃષ્ણ” માટે ઝીન્નતને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

    ત્યાર બાદ તો ઝીન્નતઅમાનની સફળ ફિલ્મોની લાઈન લાગી ગઈ હતી. જેમાં યાદો કી બારાત, ,અજનબી, રોટી કપડા ઔર મકાન, સત્યમ શિવમ સુન્દરમ, ડોન, લાવારીસ, દોસ્તાના, ઇન્સાફ કા તરાજુ, કુરબાની જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. “સત્યમ શિવમ સુન્દરમ” માં રોલ મેળવવા માટે ઝીન્નત મોઢા પર દાઝી ગયેલાનો મેક અપ કરીને રાજ કપૂર પાસે પહોંચી ગઈ હતી તે વાત ખુબ જાણીતી છે. “ડોન” ના નિર્માણ દરમ્યાન ફિલ્મના નિર્માતા નરીમાન ઈમાનીનું અવસાન થયું હતું. ફિલ્મ પૂરી કરવા માટે ભારે આર્થિક સંકટો આવ્યા હતા. ઝીન્નતે એક પણ પૈસો લીધા વગર બાકીનું શુટિંગ પૂરું કર્યું હતું.

    “અબ્દુલ્લા” ના શુટિંગ દરમ્યાન તા. ૩૦/૧૨/૧૯૭૮ ના રોજ જેસલમેરની એક હોટેલમાં ઝીન્નત અમાને ત્રણ બાળકોના પિતા સંજયખાન સાથે ખાનગીમાં લગ્ન કરી લીધા હતા. જોકે સંજયખાને તે લગ્ન બાબતે નન્નો જ ભણ્યો હતો પણ ખાસ્સા સમય બાદ એક ઈન્ટરવ્યુંમાં ઝીન્નતે કહ્યું હતું “સંજયખાનકે સાથ મેરી શાદી સિર્ફ થોડે હફતો કા પાગલપન થા. કાશ મૈને મેરી મા કી બાત સુની હોતી તો અચ્છા હોતા”. ત્યાર બાદ ૧૯૮૫ માં ઝીન્નતના જીવનમાં સ્ટ્રગલ કરતા અભિનેતા મઝહર ખાનનો પ્રવેશ થયો હતો. ઝીન્નત ત્યારે ટોચની હિરોઈન હતી. સિમી ગરેવાલને આપેલા એક ઈન્ટરવ્યું માં ઘણા વર્ષો બાદ જીન્નતે કહ્યું હતું “મઝહર ના તો ખુદ આગે બઢના ચાહતા થા ના તો મુઝે કુછ કરને દેતા થા. મઝહર કી હર ખ્વાહીશ પૂરી કરને કે લીયે મૈને દિલસે કોશિશ કી થી”. મઝહરખાનને પેન્ક્રીયાટીસની જીવલેણ બીમારી સમયે ઝીન્નતે તન મન અને ધનથી સારવાર કરી હતી પણ તેને બચાવી શકી નહોતી. તા. ૧૬/૯/૧૯૯૮ ના રોજ માત્ર ૪૩ વર્ષની વયે મઝહર ખાનનું અવસાન થયું હતું. મઝહરખાન સાથેના લગ્નથી ઝીન્નતને બે પુત્રો છે. ઝહાન અને અઝાન.

    ***