Thasharnu Rahasya Part 2 books and stories free download online pdf in Gujarati

થશરનું રહસ્ય ભાગ ૨

ભાગ ૨

સમયગાળો : વર્ષ ૨૦૦૫


  એક ત્રીસીમાં પહોંચેલો પુરુષ નામે નીલકંઠ, ખગોળશાસ્ત્રની ડિગ્રી ઉપરાંત નાસામાં કામ કરી ચુક્યો હતો. તે એક ફાઈલ લઈને જુદા જુદા સરકારી દફ્તરો તેમ જ મંત્રાલયોના આંટાફેરા મારી રહ્યો હતો. પાછલા એક વરસથી તે પ્રયત્ન કરી રહ્યો હતો, પણ કોઈ સરકારી અધિકારી તેની વાત કાને ધરવા તૈયાર ન હતો. કોઈ તેને કહેતું કે તમારી આ કાલ્પનિક વાતોમાં અમને રસ નથી તો કોઈ કહેતું કે આ અમારા ડિપાર્ટમેન્ટનું કામ નથી તો કોઈ એમ કહેતું કે તમારી પાસે ફક્ત કાગળ છે કોઈ સબૂત હોય તો લાવો. છતાં સ્વભાવે જિદ્દી એવો નીલકંઠ બમણા જોશથી પોતાના કામ પાછળ લાગી રહેતો હતો.
           હાર માનવાનું તેના સ્વભાવમાં ન હતું. તે નાનો હતો ત્યારથી તેનું લક્ષ્ય હતું નાસામાં કામ કરવાનું. નાના શહેરમાં રહેતા હોવાથી બધા તેની વાત હસી કાઢતા પણ અંતે તેણે પોતાનું સપનું પૂરું કર્યું અને તે નાસામાં જોડાયો. થોડા વરસ નાસામાં નોકરી કર્યા પછી અજ્ઞાત કારણોસર તેણે સારા પગારની નોકરી છોડી દીધી અને ભારત પાછો આવી ગયો. અહીં આવીને એક કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયો. જયારે પણ તેને કોઈ ઘટના શંકાસ્પદ દેખાતી ત્યારે તે ત્યાં જઈને તેનું સંશોધન કરતો અને તેનું વિવરણ તેની ડાયરીમાં લખતો. તેના મિત્રો પણ હવે તેને ગાંડો ગણવા લાગ્યા હતા, પણ નીલકંઠ પોતાની રીતે કામ કર્યે જતો હતો.

        નીલકંઠે પોતાની ડાયરીમાં નોંધેલી એક બે ઘટનાઓ ચોરીછૂપે જોઈ લઈએ.

૧ ) વર્ષ ૧૯૯૯ . વડોદરા નજીક હાલોલમાંથી પાંચ જણનો પરિવાર અચાનક ગાયબ થઇ ગયો. પાડોશીઓ અને પોલીસે ઘણી તપાસ કરી પણ સગડ ન મળ્યા અને બરાબર એક મહિના પછી તેઓ ફરી પોતાના ઘરમાં બહુ ખરાબ અવસ્થામાં મળી આવ્યા તેમના શરીર પર કાપકૂપ થયેલી હતી અને ટાંકા લીધેલા હતા. શરૂઆતમાં તેમણે એમ કહ્યું કે કોઈ તેમને ઉપાડીને લઇ ગયું હતું અને તેમના પર પ્રયોગ કરતા હતા પછીથી ફેરવી તોળ્યું કે અમે ફરવા ગયા હતા અને ગાડીનો એક્સીડેન્ટ થયો અને તેમનો ઈલાજ થયો હતો.

૨) વર્ષ ૨૦૦૧ : બોરીવલીમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તેનો પતિ વિચિત્ર રીતે વર્તી રહ્યો છે અને તેનો ખોરાક પહેલા કરતા દસ ગણો વધી ગયો છે. ઉપરાંત તે રાત્રે સુવે છે ત્યારે તેનું શરીર વિચિત્ર રીતે ગંધાય છે અને તે રોજ તેના પર બળજબરી કરે છે. થોડા દિવસ પછી તે મહિલા પોતાના ઘરમાં મૃત મળી આવી અને તેનો પતિ ગાયબ હતો. પોલીસે બહુ તપાસ કરી પણ તે મહિલાના પતિનો ક્યાંય પત્તો ન લાગ્યો .

  નીલકંઠે આવા ઘણા કિસ્સા શોધ્યા હતા અને દરેક જગ્યાએ જઈને લાગતીવળગતી દરેક વ્યક્તિને મળ્યો હતો અને તેમની વાતો નોંધી હતી અને જરૂર પડ્યે રેકોર્ડ પણ કરી હતી.


              આવા ઘણા બધા કિસ્સા નીલકંઠ ની ડાયરીમાં હતા.

સમયગાળો : ઈ.સ ૨૦૧૯ વર્તમાન સમય


            નિખિલના હાથમાં મોબાઈલ જેવું ટચુકડું ઉપકરણ હતું.

શ્રીધરે કહ્યું, “ઓહો! પાપાને નયા મોબાઈલ લે કે દિયા હૈ અબ હમ ભી પબજી ખેલેંગે!”

અવનીએ શ્રીધર સામે જોઈને કહ્યું, “તું પી. જે. મારવાનું તારી જાતે શીખ્યો કે કોઈ સ્પેશિયલ કોર્સ કર્યો છે?”

શ્રીધરે કહ્યું, “સ્પેશિયલ રિકવેસ્ટ કરીને પી. એચ. ડી. કરી છે.”

ત્રણેય જણ ખડખડાટ હસી પડ્યા.

શ્રીધરે કહ્યું, “પહેલાં મેન્યુઅલ જો.”

પરાગ દૂર ઉબો રહીને મેન્યુઅલ વાંચી રહ્યો હતો.

તેણે કહ્યું, “વૉવ! આ તો આપણી પાસે સ્પેશિયલ હથિયાર આવી ગયું છે, હવે તે આપણાથી છુપાઈ નહિ શકે.”

અવનીએ કહ્યું, “આ કામ કેવી રીતે કરે છે?”

પરાગે કહ્યું, “બહુ અદભુત ઇન્સ્ટ્રુમેન્ટ છે આ, પૃથ્વી ઉપરના દરેક પ્રાણીના લોહીના ગંધનો ડેટા એમાં ફીડ કરેલો છે એટલે હવે જો તે આપણા દસ મીટરના દાયરામાં હશે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને ઈન્ડિકેશન આપશે.”

 

સમયગાળો : વર્ષ ૨૦૧૪ , ડિસેમ્બર

              નીલકંઠને બહુ મહેનતને અંતે પ્રધાનમંત્રીશ્રીની અપોઈન્ટમેન્ટ મળી. આગળની રાત તેણે પોતાના ડોક્યુમેન્ટ્સની ચકાસણી, તૈયારી અને અજંપામાં વિતાવી. તેને ખબર ન હતી કે પ્રધાનમંત્રીશ્રી કેવી રીતે રિએક્ટ કરશે. તેને ફક્ત દસ મિનિટનો સમય ફાળવવામા આવ્યો હતો.

 તેને ખબર ન હતી કે આટલી લાંબી વાત દસ મિનિટમાં કેવી રીતે કહી શકશે. અંતે તે સમય પણ આવી ગયો જયારે તે પ્રધાનમંત્રીશ્રીની ઓફિસમાં દાખલ થયો.

જેવો  તે પ્રધાનમંત્રીશ્રીની ઓફિસમાં દાખલ થયો, તેમણે આવકાર આપતા કહ્યું, “વેલકમ મિસ્ટર નીલકંઠ! મારુ સદ્ભાગ્ય કે આપના જેવા ખગોળશાસ્ત્રીને મળવાનો મોકો મળ્યો.”

નીલકંઠ થોડો અચંબામાં પડી ગયો તેણે તેમના વિષે સાંભળ્યું હતું કે તેઓ અન્ય કરતા જુદા છે પણ આટલી હદે જુદા હશે તેની ખબર નહોતી.

થોડીવાર પછી તેના માટે ચા આવી ગઈ. વાતની શરૂઆત પ્રધાનમંત્રીશ્રીએ કરી તેમણે કહ્યું, “હું તમારા વિષે થોડું જાણું છે કે તમે નાસામાં નોકરી કરતા હતા અને પછી નોકરી છોડી ને કોઈ પ્રોજેક્ટને લઈને જુદા જુદા સરકારી અધિકારીઓને અને મંત્રીઓને મળ્યા છો અને તમે તમારી રિસર્ચ પણ તેમની સામે મૂકી. આપની રિસર્ચ શું છે તે હું નથી જાણતો, પણ આપ મને નિઃસંકોચ મને કહી શકો છો. જો તેના પર કંઈ કરવા સરકાર સક્ષમ હશે તો આપણે નક્કી કઈ કરીશું.”

તેમના ચેહરા પર હળવું સ્મિત રમી રહ્યું હતું.

            નીલકંઠના મનમાં રહેલો સંકોચ દૂર થઇ ગયો તેણે ઉપાડેલો ચાનો કપ બાજુમાં મુક્યો પોતાની બેગમાંથી ફાઈલ અને ડાયરી કાઢીને સામે ટેબલ પર મૂકી અને બોલવાનું શરુ કર્યું.



ક્રમશઃ