થશરનું રહસ્ય ભાગ ૮

              વિચિત્ર નાક અને કાનવાળો જીવ પોતાના જેવા જીવને પોતાની ભાષામાં કહી રહ્યો હતો ( ચાલો ફરીથી ટ્રાન્સલેટર લગાવી લઈએ . તે જીવ કહી રહ્યો હતો રાણીસાહેબ પૃથ્વીવાસી બહુ ચાલાક છે તેમણે મને પકડી લીધો હતો .રાણીએ કહ્યું કોઈ પૃથ્વીવાસી તને પકડી શકે તે અશક્ય વાત છે , મને પુરી વાત કર, વિતાર. વિતારે  બધો ઘટનાક્રમ કહ્યો ડોરબેલથી લઈને પોતે છૂટીને ભાગ્યો ત્યાં સુધી . રાણીએ કહ્યું એક મિનિટ તે કહ્યું ધમાકો થયો અને અંધારું થઇ ગયું અને તારા બંધનો ઢીલા થઇ ગયા ? વીતારે હા કહ્યું હા આપણા લોકો જો સમય પર ન આવ્યા હોત તો હું છૂટી શક્યો ન હોત . રાણીએ કહ્યું મેં તો તને છોડાવવા કોઈને મોકલ્યો નથી તો ધમાકો કોણે કર્યો ? વિતાર થોથવાઈ ગયો તેણે કહ્યું એનો મતલબ ?
              પાછળથી અવાજ આવ્યો એનો મતલબ તું મારી ચાલમાં આવી ગયો . પાછળ રાઘવ ઉભો હતો અને રાઘવન હાથમાં એક ગન હતી જે તેણે વિતાર તરફ તાકી રાખી હતી .રાણી એક સોફામાં બેસી ગઈ . રાઘવે ઈશારો કર્યો એટલે વિતાર પણ નજીકની એક ખુરસીમાં બેસી ગયો . અચાનક રાઘવના ચેહરાના ભાવ બદલાઈ ગયા તેણે પોતાની ગન ખિસ્સામાં મૂકી દીધી અને ચેહરા પર સ્મિત લાવીને કહ્યું તમારો મેહમાન છું મારુ સ્વાગત નહિ કરો ? રાણીએ ઈશારો કર્યો એટલે વિતાર ઉભો થઈને એક ઠંડાપીણાની બોટલ લઈને આવ્યો . રાઘવે તેમાંથી એક ઘૂંટડો ભર્યો અને કહ્યું જુઓ હું ભારતના સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી આવ્યો છું અને જ્યાં સુધી તમે મને નુકસાન ન પહોંચાડો ત્યાં સુધી તમને મને પોતાનો દોસ્ત સમજો , રાણીએ હકારમાં માથું હલાવ્યું એટલે રાઘવે આગળ ચલાવ્યું . હવે તમે તમારી ઓળખાણ આપો જેથી મને ખબર પડે કે હું કોને મળી રહ્યો છું.

          રાણીએ ધીમા અવાજમાં શરુ કર્યું અમે પ્રિડાનીડ ગ્રહના નિવાસી છીએ અને હું ત્યાંની રાણી છું , પ્રિડા અને આ વિતાર ત્યાંનો સેનાપતિ છે . અમારો ગ્રહ તો અત્યાર સુધી નષ્ટ થઇ ચુક્યો હશે કે નષ્ટ થવાને આરે હશે . અમારો ગ્રહ બહુ ઉન્નત હતો પણ પાડોશી ગ્રહ સાથેના યુદ્ધ અને હથિયારોની આંધળી દોટ ને લીધે નષ્ટ થવાને આરે લાવી દીધો . રાઘવ ધ્યાનથી સાંભળી રહ્યો હતો . તેણે આગળ કહ્યું કે અમારી ગ્રહમાળામાં બે ગ્રહો પર જીવન હતું પણ ખબર નહિ કેમ અમારી વચ્ચે દુશ્મની થઇ ગઈ , ઘણા યુદ્ધો ખેલાય અમારી વચ્ચે અને તે યુદ્ધ માટે અમારા બધા સંસાધનો અમે હથિયાર બનાવવામાં લગાવી દીધા . તે ગ્રહનું નામ સોરારીસ છે અને ત્યાંના ઘાતકી યોદ્ધાઓએ અમારા ગ્રહને બહુ નુકસાન પહોચાડ્યું. આટલી વારમાં રાઘવે પહેલી વાર પૂછ્યું કેટલો દૂર છે તમારો ગ્રહ રાણીસાહિબા ? રાણીએ કહ્યું મારુ નામ પ્રિડા છે તમે મને તમે મારા નામ થી બોલાવી શકો છો. તમારી અહીંની ભાષામાં કહું તો અમારો ગ્રહ અહીંથી લગભગ ૨૫૦ પ્રકાશવર્ષ દૂર છે અને યુદ્ધમાં ખુવાર થયા પછી અમે ચાર જ લોકો બચ્યા હતા તેથી અમે અમારું આખરી સ્પેસશીપ લઈને પૃથ્વી પર આવી ગયા અને અહીં આવીને તે પણ નષ્ટ થઇ ગયું છે . અમારા સ્પેસશીપ માં પૃથ્વીનો નકશો સ્ટોર થયેલો હતો તેથી અમે અહીં પહોંચી શક્યા . રાઘવના મગજમાં બધી વાતોનો મેળ પડી રહ્યો હતો .પણ રાઘવ એક વાતે ચોંક્યો અને પૂછ્યું તમારો ગ્રહ જો ૨૫૦ પ્રકાશવર્ષ છેટે હોય તો અહીં આવતા સુધી તમારું મૃત્યુ થઇ જવું જોઈએ . પ્રિડા એ માથું એવી રીતે ધુણાવ્યું જાણે કોઈ બાળકે મૂર્ખતાપૂર્ણ પ્રશ્ન પૂછી લીધો હોય . તેણે કહ્યું અમારી સ્પેસશીપમાં એવી ચેમ્બરો હતી જેમાં સુઈ જવાથી અમારા શરીરની બધી ક્રિયાઓ બંદ થઇ જાય અને ઉંમર સ્થિર થઇ જાય જેમ અહીં પૃથ્વી પર દેડકા શીતનિંદ્રામાં જાય છે તેમ . અમારા સ્પેસશિપનું સંચાલન અમારા રોબો કરી રહ્યા હતા . અને અહીં અહીં પહોંચતા પહેલા તેમણે અમને જગાડી દીધા હતા તેથી અમારી ઉમર સ્થિર રહી .

              રાઘવે થોડું આશ્ચર્ય અનુભવ્યું કારણ તેણે સાયન્સ ફિક્શન સ્ટોરીમાં આવું વાંચ્યું હતું પણ હકીકતમાં આવું બની શકે તેના પર વિશ્વાસ નહોતો .તેને આ બધું કાલ્પનિક લાગતું . તેણે કહ્યું ચાલો તમારી વાત પર વિશ્વાસ કરી લઉં છું પણ આ તમારા વિતાર પાસેથી એક ફાઈલ મળી તે વિષે કઈ કહી શકો છો ? પ્રિડાએ અમારા ગ્રહની લાયબ્રેરીમાં આ ફાઈલ મુકેલી હતી જેમાં થોડા ફોટોગ્રાફ્સ અને અને થોડી માહિતી હતી તે અમે લઈને આવ્યા .અમારા વિતારને અહીંની પિત્ઝા નામની વાનગી બહુ ભાવી ગઈ તેથી તે મુખ્ય શહેરમાં થોડા દિવસ માટે ગયો હતો . આમેય હવે અમારી પાસે કોઈ સુરક્ષિત ઠેકાણું નથી અને મારી માહિતી મુજબ સોરારીસ ગ્રહના હત્યારાઓ અમારી પાછળ પૃથ્વી સુધી પહોંચી ગયા છે એટલે અમારું છુપાઈને રહેવું જરૂરી છે . અમે અહીં કોઈ જાતનો ઉપદ્રવ કરવા નથી આવ્યા , અમારે શાંતિથી જીવન ગુજારવું છે .

             રાઘવે કહ્યું કોઈના ઘરમાં ઘુસ્તા પહેલા તેની રજા લેવી પડે અને તમે સરકારી પરમિશન વગર રહી રહ્યા છો તે ગુનો તો કર્યો જ છે . પ્રિડાએ કહ્યું કોની પરમિશન લેવાની હતી ? અમારા ગ્રહ પર તો બીજા ગ્રહવાસીઓ સંબંધિત એક ડિપાર્ટમેન્ટ હતો જયારે અહીં તો એવું કઈ નથી ઉલ્ટાનું તમે મનુષ્યોએ જુદા જુદા દેશો બનાવી રાખ્યા છે અને અંદરોઅંદર એક બીજા સાથે લડતા રહો છો . તમારી માનવજાતને નષ્ટ કરવા બીજ કોઈ ગ્રહવાસીની જરૂર નથી તમે પોતેજ સક્ષમ છો તે કરવા . રાઘવના ચેહરા પર આછકલું સ્મિત આવી ગયું તેની વાત ભલે કડવી હતી પણ સાચી હતી. તેણે કહ્યું આપની વાત એકદમ સાચી છે પણ હવે ભારતમાં પરગ્રહવાસીઓને લાગતો ડિપાર્ટમેન્ટ છે અને તમારે વિધિવત રજીસ્ટ્રેશન કરાવવું પડશે . પ્રિડાએ કહ્યું ઠીક છે હું તૈયાર છું . રાઘવે કહ્યું તમે કહ્યું હતું કે તમે ચાર જણ આવ્યા હતા તો બાકીના બે જણ ક્યાં છે ? તેજ વખતે તેની છઠ્ઠી ઇન્દ્રિય સતર્ક થઇ ગઈ . પ્રિડાએ કહ્યું ઠીક તમારી પાછળ . પણ તે પાછળ જોઈ શકે તે પહેલા તેના માથા પર વાર થયો અને તે બેભાન થઇ ગયો . બેભાન થતા પહેલા તેણે પ્રિડાના ચેહરા પર વિચિત્ર ભાવ જોયા.


ક્રમશ:

***

Rate & Review

Viral

Viral 2 months ago

Lalbhai Patel

Lalbhai Patel 3 months ago

Dipti Desai

Dipti Desai 3 months ago

parash dhulia

parash dhulia 3 months ago

Vasant chauhan

Vasant chauhan 3 months ago