badakoni kalpnani duniya books and stories free download online pdf in Gujarati

બાળકોની કલ્પનાની દુનિયા!

બાળકોની કલ્પના કાયમ આપણા કરતાં વધુ શ્રેષ્ઠ હોય છે કારણ કે એને વિજ્ઞાન એટલે શું એ હજુ ખબર નથી.જ્યા સુધી એના પાઠ્યક્રમમાં વિજ્ઞાન વિષય નથી આવતો ત્યાં સુધી એ વૈજ્ઞાનિક વિચારથી મુક્ત છે.આપણે બાળકો જેવી કલ્પના નથી કરી શકતા કારણ કે આપણને વિજ્ઞાનનું જ્ઞાન છે.આ વિજ્ઞાનની મર્યાદા છે કે આપણને બાંધી રાખે છે વૈજ્ઞાનિક વિચારોથી.પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોએ પણ સંશોધન કરતા પહેલા કલ્પના તો કરી જ હશે ને??થૉમસ એડિસને પણ બલ્બ બનાવતા પહેલા પ્રકાશ વિશેની કલ્પના તો કરી જ હશે ને??? આલ્બર્ટ આઈન્સ્ટાઈન માટે સંશોધન એવું કહે છે કે એનું મગજ અખરોટના આકાર જેવું હતું એટલે એનો IQ સામાન્ય માણસ કરતાં વધારે હતો.આ વાત વૈજ્ઞાનિક ઢબે સાચી હોય શકે પણ એના સંશોધનમાં થોડે ઘણે અંશે કલ્પનાએ ભાગ નહીં ભજવ્યો હોય? આપણે ઘણીવાર બાળકોની કલ્પના સાંભળી એના ઉપર હસી કાઢીએ છીએ પણ હકીકતમાં તો એની કલ્પનાને બિરદાવવાની હોય.જો એને ખબર પડશે કે આપણે એની કલ્પના પર હસીએ છીએ તો એ કદાચ કલ્પના કરવાનું બંધ કરીને પાઠ્યપુસ્તકો રટવાનુ શરૂ કરી દેશે જે ખરેખર એના માટે હાનિકારક છે કારણ કે કલ્પના વગરની દુનિયા બાળકનું જીવન નીરસ બનાવી દેતું હોય છે.આપણે બાળકની જેમ મુક્તપણે કલ્પના નથી કરી શકતા એટલાં માટે આપણું જીવન એક મર્યાદા પછી નીરસ લાગવા માંડે છે.જીવનને જીવંત રાખવા માટે કલ્પના મહત્વનો ભાગ ભજવે છે એ જ એક વસ્તુ છે જે જીવનમાં નવો ઉત્સાહ લાવે છે.આપણે બાળકને ગુરૂત્વાકર્ષણનો નિયમ ભણાવીએ પણ એટલા માટે નહીં કે પછી બાળક એની કલ્પના જ બંધ કરી દે.એને એ નિયમ એટલા માટે ભણાવીએ કે એના જ્ઞાનમાં વધારો થાય.જો એની પાસે જ્ઞાન સમૃદ્ધ હશે તો જ એ વધારે વિચારી શકશે.ઘણીવાર બાળકો એમના નિર્દોષ સવાલો આપણને પૂછતા હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે આ તો તર્ક વિનાનો સવાલ છે.એનો સવાલ આપણા માટે તર્ક વિનાનો છે કારણ કે આપણને ખબર છે તર્ક-વિતર્ક શું છે પણ બાળકને આનાથી કોઈ નિસ્બત નથી.બાળક એમ માને છે કે એના સવાલોના જવાબ માતા-પિતા અથવા તો બા-દાદા પાસે હશે કારણ કે એ આપણને એના કરતાં વધુ હોશિયાર અને અનુભવી માને છે.આપણા સવાલોના જવાબ માટે Google સિવાય કોઈ આધાર નથી પણ બાળકોના સવાલો માટે તો આપણે કાયમ હાજર હો‌ઈએ છીએ માટે એના સવાલને તર્ક વિનાનો કહેતા પહેલાં એ વિચારીએ કે આપણા આ જવાબથી બાળક પર શું અસર થશે.આપણા જવાબો બાળક માટે સંતુષ્ટ ન જણાતાં એ પછી સવાલ પૂછવાનું જ બંધ કરી દે છે અને આમ કરવાથી એની વિચારશક્તિ,એનો વિકાસ રૂંધાય જાય છે એને પછી પાઠ્યપુસ્તકની બહાર કંઈ વિચારવાનો મોકો જ નથી મળતો અને એની પાસેથી એ મોકો આપણે છીનવીએ છીએ એના સવાલોના સંતોષકારક જવાબ ન આપીને.એની વિચારશક્તિમા આપણે જ બાધારૂપ બનીએ છીએ.એક દિવસ તો બાળક જેવી કલ્પના તો કરી જુઓ એ દુનિયા જ ન્યારી લાગશે.બાળક માટે તો બધી જગ્યાએ પ્રેમ જ હોય છે, આપણે આપણા અનુભવો,વિચારો એના પર થોપીને એને નફરત જેવા બંધનમાં બાંધીએ છીએ.બાકી ક્યારેય આપણે એવું સાંભળ્યું બે વર્ષના બાળકને હૂં એ વ્યક્તિને નફરત કરું છું??હા, એને શું સારું, શું ખરાબ એ સમજાવવું જોઈએ જેથી કોઈ એના ભોળપણનો લાભ ન લઇ જાય.બાળકોને એમની જિંદગીના નિર્ણયો જાતે લેવા દો સાથે એ વાતની પણ તકેદારી રાખીએ કે એનો નિર્ણય સાચો છે કે ખોટો.ઘરમા એવું વાતાવરણ રાખીએ કે બાળક એના નિર્ણય લેતા પહેલાં આપણને પૂછવાનું યોગ્ય સમજે.બાળકને પ્રેમ, હૂંફ, લાગણીથી વંચિત ન રાખીએ જો એને આ બધી વસ્તુ નહીં મળે તો એને એવી ગ્રંથિ બંધાય જશે કે એના મા-બાપ જ એને નથી સમજતા અને આમ કરવાથી એ ખોટા નિર્ણયો લ‌ઈને ગેરમાર્ગે પણ દોરાય શકે છે.