Kashmirni Galioma - 14 books and stories free download online pdf in Gujarati

કાશ્મીરની ગલીઓમાં... 14

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ ઈનાયતની મોતનો બદલો લેવા સુલેમાનને જેલમાંથી ભગાવે છે, ત્યાંજ સુલેમાન તેને ચાકુ મારી દે છે, હવે આગળ, 

હજુ મારું સહેજ ધ્યાનભંગ થયું હશે ત્યાં તો સુલેમાને જે ચાકુથી મને ડરાવ્યો હતો અને મારા એને મારવાથી એ ચાકુ નીચે પડી ગયું હતું એ તેણે હાથમાં લીધું અને મારા ખભા પર ઘા કરી દીધો, 

હું ઘવાઈ ચૂક્યો હતો, મને મારીને સુલેમાન ત્યાંથી ભાગવા લાગ્યો, મેં મારા ઘા ની પરવા કર્યા વગર સુલેમાનની પાછળ દોડીને તેને દબોચી દીધો, તે સીધો જમીન પર પટકાઈ ગયો, તે નીચે પડીને ફરી મારી માફી માંગવા લાગ્યો પણ આ વખતે તેની કોઈજ વાતની અસર મને નથી થવાની એ વાત તે મારી આંખો પરથી સમજી ગયો હતો એટલે થોડી વાર બાદ તેણે પોતાની નથી ચાલવાની સમજીને બોલવા લાગ્યો. 

'મને મારી નાખ પણ કાશ્મીરની તબાહી નિશ્રિત છે. તું કશુંજ નહીં કરી શકે, જેમ અત્યારે હું લાચાર છું તેમ ત્યારે તું પણ લાચાર થઇ જઈશ. ' 

મેં તેની વાતને ગણકાર્યા વગર તેને જીપ સાથે બાંધી દીધો, તે જીપમાં મેં બોમ્બ મૂકી દીધો અને તેનું ટાઇમર સેટ કરી દીધું. પાંચ જ મિનિટમાં સુલેમાનનાં રામ રમી જવાનાં હતા એ વાત જાણતા અને મોતને પોતાની આટલી નજીક જોતા તે ફરી કરગરવા લાગ્યો. તેને આમ કરગરતા જોઈ મને ઈનાયતની યાદ આવી ગઈ, તેણે કહ્યું હતું કે સુલેમાને તેને હેવાનિયતની હદે પીંખી નાખી હતી એટલે મને ખૂબજ ગુસ્સો આવ્યો હતો અને જતા જતા મેં તેના ગુપ્તાંગ પર જોરથી લાત મારી હતી. હું ત્યાંથી થોડે દૂર જતો રહ્યો અને ગાડી બ્લાસ્ટ થવાની રાહ જોતો હતો, ત્યાંજ બ્લાસ્ટ થતા મારી આંખો સામે સુલેમાનનાં ગાડી સાથે ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.

 કોર્ટમાં મેં એવું સાબિત કરી દીધું હતું કે સુલેમાન મારી જીપમાં ઘુસી ગયો હતો અને મને પાડીને તે પોતે જીપ હંકારવા લાગ્યો હતો પણ તેનું ધ્યાન ના રહેતા અકસ્માત સર્જાયું અને ગાડી બ્લાસ્ટ થઇ ગઈ. મને ચાકુ વાગ્યુ ત્યાં મેં મલમપટ્ટી કરાવી દીધી.હું મનોમન હરખાતો જમ્મુના કેમ્પમાં આવ્યો અને આજે રાતે શાંતિથી સુઈ શકીશ એ વિચારે સુવા માટે લંબાવ્યું, પણ મને વારંવાર સુલેમાનનાં શબ્દો કાને અથડાતા હતા. 'કાશ્મીરની તબાહી કોઈ નહીં રોકી શકે.' મને સતત આ શબ્દોના પડઘા પડી રહ્યા હતા.

હું ઝબકીને ઉભો થઇ ગયો.બીજે દિવસે બારામુલા જઈને કર્નલ સાહેબને મળવાનું નક્કી કર્યું અને એ વિચારે હું ફરી આડો પડ્યો અને સુઈ ગયો. 

બીજે દિવસે હું બારામુલા બેઝમાં પહોંચ્યો અને તરત કર્નલ સાહેબને મળવા દોડી ગયો. 

' આવો આવો જુનિયર આજે અહીં ભૂલા પડ્યા !!' મને દરવાજે ઉભેલો જોઈને કર્નલ સાહેબે મને આવકારતા કહ્યું. 

'બસ સર તમારી યાદ આવી રહી હતી અને અહીં કાશ્મીરમાં મને બધે ઈનાયતનો જ ચહેરો દેખાય છે તો વિચારું છું કે મારા ઘરે લખનૌ જતો આવું ' મેં મારી વાત કર્નલ સાહેબ આગળ વ્યક્ત કરી. 

'અરે વાહ આતો સરસ વિચાર છે જુનિયર જઈ આવો, એ બહાને તમારું માઈન્ડ પણ ફ્રેશ થઇ જશે, તમે એમ પણ કાશ્મીર આવ્યા બાદ એક પણ વખત રજા પણ નથી લીધી ' કર્નલ સાહેબે મારી વાતમાં સહમતી આપતાં કહ્યું. 

'સર એક વાત છે જે મને ખૂબજ પજવી રહી છે. ' મારી મૂંઝવણ મેં કર્નલ સાહેબને બતાવી. 

'શું થયું જુનિયર કેમ આટલા બધા ચિંતિંત છો?? ' કર્નલ સાહેબે સવાલ કર્યો. 

'સર, સુલેમાનનાં મરતાં પહેલા તેના છેલ્લા શબ્દો મને કાંઈક અજુગતો સંદેશ આપી રહ્યા છે એવામાં ઘરે જવામાં ડર લાગી રહ્યો છે. ' 

'શું હતા એના છેલ્લા શબ્દો?? '

'એ જ કે કાશ્મીરની તબાહી કોઈ નહીં રોકી શકે, હું પણ માત્ર જોયા સિવાય કશુંજ નહીં કરી શકું. ' 

'જુનિયર એ માત્ર ડરાવવાના ઉદ્દેશથી બોલતો હોય. તમે ચિંતા કર્યા વગર જાઓ અને જલ્દીથી પાછા ફરજો અને હા પાછા ફરીને લેફ્ટિનેન્ટની પરીક્ષાની તૈયારીઓ શરુ કરજો. '

'હા ચોક્કસ સર, જય હિન્દ '

'જય હિન્દ ' 

    હું લખનૌમાં મારા ઘરે પાછો ફર્યો, ઘણા બધા બદલાવ સાથે હું ઘરે જઈ રહ્યો હતો. કાશ્મીરમાં કાઢેલા 2 વર્ષ મને 22 વર્ષ જેવા અનુભવ આપી ગયા હતા. મને ઘરે પાછો જોઈને મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી બહુજ ખુશ થઇ ગયા હતા, મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા હતા તેમણે મને ઘણી વખત ચીઠ્ઠીમાં પાછા આવવા માટે કહ્યું હતું. મારામાં થયેલ બદલાવને મારા પપ્પા સમજી ચૂક્યા હતા પણ બધા આગળ તેમણે પૂછવાનું માંડી વાળ્યું. 

 

   રાતે જયારે હું ધાબે બેસીને આકાશમાં જોઈ રહ્યો હતો. ત્યાંજ પાછળથી પપ્પાનો અવાજ આવ્યો. 

'બેટા કોના પ્રેમમાં પડી ગયો હતો?? '

તેમના આવું બોલતા જ હું તેમનો ખભો પકડીને નાના બાળકની જેમ ડૂસકે ડૂસકે રોવા લાગ્યો. તેમણે મને પુરેપુરો રોવા દીધો.થોડીવારની શાંતિ બાદ તેઓ બોલ્યા. 

'બેટા, પ્રેમ તો નિસ્વાર્થ હોય. પ્રેમના બદલે પ્રેમ મળે જ એ જરૂરી નથી હોતું. પ્રથમ પ્રેમ આપણને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. તને ખબર છે હું જયારે કોલેજમાં હતો ત્યારે મને મેરી નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. મેરીને હૃદયમાં કાણું હતું આથી અમારું મિલન શક્ય ના બન્યું અને અમે છૂટા પડી ગયા. તેના મૃત્યુ બાદ હું પણ ખુબ રોયો હતો.તેની સાથે વિતાવેલી એ અમૂલ્ય ક્ષણો મને હંમેશા યાદ રહેશે. તારી મમ્મીની પણ આ વાતની જાણ છે પણ તેને આ વાતથી કોઈ ફરક નથી પડતો કેમકે તે જાણે છે કે એનું (મમ્મી ) મહત્વ મારા જીવનમાં શું છે. તું જેને પ્રેમ કરતો હતો જો એ તને મૂકીને કોઈ બીજા જોડે જતી રહી હોય તો પણ તારે દુઃખી ના થવું જોઈએ. તારા જીવનમાં બીજું પાત્ર આવશે એટલે તું એની યાદોને ભુલાવી દઈશ. '

ત્યારબાદ મેં પપ્પાને ઇનાયત વિશે સંપૂર્ણ વાત કરી. તેઓની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. તેમણે મને કાશ્મીરની જગ્યાએ બીજે પોસ્ટિંગ કરવાનું સૂચવ્યું તેમજ સદાય કાશ્મીર અને ઈનાયતની યાદોને ભૂલીને મારા જીવનમાં એક નવું જ ચેપ્ટર શરુ કરું. આટલું કહીને તેઓ મને સુવાનું કહીને નીચે જતા રહ્યા. 

  હું ફરી આકાશ સામું જોઈ રહ્યો હતો અને વિચારતો હતો કે 'શું પપ્પાએ કહ્યું એમ હું ઈનાયતને ભૂલી શકીશ?? જો જીવનમાં બીજું પાત્ર આવશે તો મને ઈનાયતની યાદો ભુલાઈ જશે?? ' 

મેં નક્કી કરી લીધું કે મારે હવે શું કરવાનું હતું અને ત્યારબાદ હું મારા રૂમમાં જઈને સુઈ ગયો. 

   બીજા દિવસે સવારે પપ્પા ઉઠ્યા જ નહીં. તેઓ સદાય માટે આંખો મીંચીને સુઈ ગયા. ઘરમાં આક્રંદ જેવો માહોલ સર્જાઈ ગયો. હું પણ એ પરિસ્થિતિમાં તૂટી જ ગયો હોત પણ મને કર્નલ સાહેબ યાદ આવી ગયા. તેમજ મારામાં હિંમત પણ આવી ગઈ. પપ્પાની અંતિમ ક્રિયાવિધિ પૂરી કરવામાં આવી. પપ્પાને ઊંઘમાં જ એટેક આવવાની વાત જાણીને તેમની મોત માટે હું મારી જાતને જ દોષી માનવા લાગ્યો હતો પણ જયારે ભાભીએ વાત કરી કે હું કાશ્મીરમાં હતો ત્યારે પપ્પાને અગાઉ 2 એટેક આવી ગયા હતા પણ મારું દેશ પ્રત્યેનું લક્ષ્ય ના ભટકે એ હેતુથી તેમણે મને આ વાતની જાણ નહોતી થવા દીધી. કદાચ પપ્પાને મારી સાથે મળીને મને હિંમત આપીને જવાનું હતું એટલે જ હું આવ્યો એના બીજા દિવસે જ આ ઘટના ઘટી. હું કાશ્મીર પાછું જવાનું વિચારતો હતો પણ મમ્મીની હાલત જોઈને હું વિચારી શકવા પણ સક્ષમ નહોતો. 

ત્યાંજ ટીવીમાં આવતા ન્યુઝના અવાજે મારું ધ્યાન ત્યાં દોર્યું અને જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું. મને આંખે અંધારા આવવા લાગ્યા અને હું ચક્કર ખાઈને નીચે પડ્યો.

શું ન્યુઝ જોયા હશે અનુજે?? અનુજ કાશ્મીર પર આવેલ સંકટને દૂર કરી શકશે?? અનુજના જીવનમાં બીજો પ્રેમ આવશે?? જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાંનો અંતિમ ભાગ...