Thasharnu Rahasya Part 13 books and stories free download online pdf in Gujarati

થશરનું રહસ્ય ભાગ ૧૩

ભાગ ૧૩

સ્થળ : જયપુર


            પ્રિડા જયપુર એરપોર્ટ પર ઉતરી રહી હતી. તેણે બહાર આવીને એક ટેક્સી કરી અને ખાઁટુશ્યામજીના મંદિર તરફ જવા નીકળી. ત્યાં પહોંચીને તેણે એક હોટેલમાં ઉતારો લીધો. બે દિવસ તે ત્યાં ટુરિસ્ટની જેમ ફરી અને ત્રીજે દિવસે તે હોટેલમાંથી નીકળી ત્યારે પુરુષના રૂપમાં હતી અને તેના ખભે એક બેકપેક હતી. તેણે એક ટેક્સી પકડી અને ટેક્સી ડ્રાયવરને ક્યાં જવાનું છે તે કહ્યું . જે દિવસ તે ત્યાંથી નીકળી તે જ દિવસે એલેક્સ અને સર્જીક તે હોટેલમાં પહોંચ્યા અને ત્યાં એક રૂમ લીધી. બે દિવસથી પ્રિડાનું લોકેશન એક જ જગ્યાનું બતાવતું હોવાથી સર્જીક અને એલેક્સ ત્યાં પહોંચ્યા હતા. પણ તે આખો દિવસ તેનું લોકેશન ન બદલાયું એટલે સર્જીકને શંકા પડી. તેણે રૂમબોયને થોડા પૈસા આપીને તેની રૂમ ખોલાવી તો રીસીવરમાં સર્જીકે છુપાવેલું ટ્રાન્સમીટર ટેબલ પર પડ્યું હતું.

સર્જીકે કહ્યું, “તે આપણને મૂર્ખ બનાવીને નીકળી ગઈ.”

એલેક્સે પોતાનો ફોન કાઢ્યો અને એક નંબર જોડ્યો અને વાત કરીને મૂકી દીધો અને કહ્યું, “તે એક પુરુષના રૂપમાં થશરના મંદિર તરફ ગઈ છે, જે અહીંથી લગભગ ૫૦ કિલોમીટર દૂર છે.”

સર્જીકને પોતાના તરફ જોતો જોઈને કહ્યું, “મને ટેક્નોલોજી પર પૂર્ણ ભરોસો નથી, તેથી મેં મારા સ્થાનિક એજન્ટને તેના પર નજર રાખવા કહ્યું હતું.”

આ તરફ રાઘવ, અવની, પરાગ, શ્રીધર અને બંસીલાલ પણ ખાઁટુશ્યામજીના મંદિર નજીકની હોટેલમાં હતા. બાકી ટીમ મેમ્બર પહેલા પ્રિડાને શોધવા માગતા હતા પણ બંસીલાલ અને શ્રીધરે પ્રિડાને શોધવા પહેલાં ખાઁટુશ્યામજીના દર્શન કરવાનો આગ્રહ કર્યો, તેથી આખી ટીમ ખાઁટુશ્યામજીના દર્શન કરવા મંદિરમાં ગઈ.

પણ ત્યાં અજુગતી ઘટના બની જેવો રાઘવ ખાઁટુશ્યામજીની મૂર્તિ સામે પહોંચ્યો, તેવો જ બેહોશ થઇ ગયો. થોડીવાર પછી જયારે ભાનમાં આવ્યો, ત્યારે તે ચારે તરફ એમ જોવા લાગ્યો જાણે બધું અજાણ્યું અને નવું હોય.

અવનીએ તેના ખભે હાથ મૂકીને પૂછ્યું, “આર યુ ઓકે રાઘવ?”

રાઘવ જાણે ભાનમાં આવ્યો હોય તેમ કહ્યું, “લાગે છે બ્લડ પ્રેશર લો થઇ ગયું હતું.” 

તેના ઉભા થયા પછી બધા મંદિરની બહાર આવ્યા. જેવો તે બહાર આવ્યો તેની આંખો ચકળવકળ ફરવા લાગી, જાણે કોઈને શોધી રહ્યો હોય, કોઈ તેને આમ કરતો જોઈ ન જાય, તે માટે રાઘવે આંખ પર સનગ્લાસિસ ચઢાવી દીધા અને કહ્યું, “હવે આગળ ક્યાં?”

પરાગે તરત તાળી વગાડી અને કહ્યું, “વાહ! શું અંદાજ છે, તેં જ બધાને ફોન કરીને બોલાવ્યા અને કહ્યું તારા ઇન્ફોર્મરે તને ઇન્ફોર્મેશન આપી છે કે પ્રિડા અહીં છે અને હવે પૂછે છે કે આગળ ક્યાં?”

            રાઘવે કહ્યું, “ઓહ સોરી ! ચક્કર આવ્યા તેમાં ભૂલી ગયો કે મેં જ બધાને બોલાવ્યા છે. હવે આપણે અહીંથી પચાસ કિલોમીટર દૂર થશરનું મંદિર છે ત્યાં જવાનું છે.”

પરાગ ધૂંધવાઈ ઉઠ્યો તેણે કહ્યું, “સા.... જો તને ખબર હતી કે ત્યાં જ જવાનું છે તો અહીં શું કામ લાવ્યો ડાયરેક્ટ ત્યાં ગયા હોત ને!”

શ્રીધરે પરાગના ખભા પર હાથ મૂકીને કહ્યું, “મંઝિલ તક પહુઁચને કે લિયે બીચ મેં કોઈ મકામ આતા હૈ યે વોહી થા, જાની...” 

પરાગ કોઈ કડક જવાબ આપવા જતો હતો, પણ પછી ચૂપ થઇ ગયો.             

પ્રિડા થશર મંદિર સુધી પહોંચી ગઈ હતી. એક નાના ગામની બહાર આ મંદિર હતું. મંદિર બહુ મોટું ન હતું પણ બધા કહેતા કે આ મંદિર બહુ જૂનું છે. તે મંદિરમાં એક માતાની મૂર્તિ હતી અને તેની પાછળ ત્રિકોણાકાર હતો. તે માતાને બધા થશર માતા કહેતા, ત્યાં માનેલી બધા પૂર્ણ થતી એવું બધા માનતા. દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા.

એક ઘરડો પૂજારી ત્યાં પૂજા કરતો, તેને કોઈ ભાવિક પૂછતું કે આ મંદિર કેટલું જૂનું છે તો તે કહેતો કે બહુ જૂનું છે પણ કેટલું જૂનું છે તે તો મને પણ ખબર નથી. હવે ફરી યુવતીના રૂપમાં આવેલ પ્રિડા મંદિરમાં ગઈ અને થોડીવાર સુધી તે મૂર્તિ તરફ ધ્યાનથી જોઈ રહી. 

થોડીવાર પછી તેનું ધ્યાન પાછળના ત્રિકોણાકાર તરફ ગયું એટલે તેણે પુજારીને પૂછ્યું, “આ માતાજીની મૂર્તિની પાછળ શું છે?”

પુજારીએ કહ્યું, “તે માતાજીનું યંત્ર છે અને તે યંત્ર પર કંકુ ચડાવવાથી મનોકામના પૂર્ણ થાય છે.”

પ્રિડાએ પોતાની બેગમાં રહેલ રીસીવર તરફ ધ્યાન આપ્યું તો તેમાં કંપન તો થઇ રહ્યું હતું પણ તે બહુ ધીમું એટલે તે સમજી ગઈ કે હથિયાર તે મંદિરમાં તો નથી. તે મંદિરની બહાર આવી અને મંદિરના ઓટલે બેઠી હતી . અહીંયા સુધીનો લોકેશન તો રિપોર્ટમાં હતું પણ આગળ ક્યાં જવું તે વિષે તેને ખબર ન પડી.

પણ રીસીવરનું કંપન બતાવતું હતું કે ટ્રાન્સમીટર અને હથિયાર દસ કિલોમીટરના દાયરામાં છે. તે રીસીવર લઈને ફરવા લાગી એક દિશામાં ગઈ એટલે રીસીવરના સિગ્નલ થોડા ઓછા થયા એટલે તે પછી ફરી અને બીજી દિશામાં આગળ વધી આમ બપોર સુધીમાં તેને સાચી દિશા મળી ગઈ. તે દિશામાં જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ રીસીવરમાં સિગ્નલ વધતા ગયા એટલે તે સમજી ગઈ કે તે સાચી દિશામાં છે. ચાલતા ચાલતા તે એક ઊંચી ટેકડી સુધી પહોંચી, જ્યાં તેના રીસીવરમાં સૌથી વધારે સિગ્નલ હતા. પ્રિડા સમજી ગઈ કે તે હથિયાર તે ટેકડીની અંદર છે.

તેણે ચારે તરફ ફરીને પ્રવેશદ્વાર શોધવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યાંય એવા સગડ ન મળ્યા એટલે તે ટેકડી પર ચડી અને મોટા પથ્થર પાસે ઉભી રહી જે કુદરતી રીતે હોવાની શક્યતા શૂન્ય હતી. તેણે તે મોટો પથ્થર ફક્ત પોતાના બે હાથથી ખસેડી દીધો. કોઈએ તે દ્રશ્ય જોયું હોત તો આંગળા મોમાં નાખી દીધા હોત, એક યુવતી તે મોટો પથ્થર ખસેડી શકે તે શક્યતા જ ન હતી પણ આ પ્રિડા હતી શક્તિશાળી એલિયન.

           તે પથ્થર ખસેડતાં જ તેને એક ઊંડી સુરંગ દેખાઈ. તેણે પોતાની બેગમાંથી એક નાનો બોલ કાઢ્યો અને સુરંગમાં નાખ્યો. સુરંગ પ્રકાશિત થઇ પણ થોડી જ ક્ષણોમાં ફરી અંધારું થઇ ગયું. પ્રિડાના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું કારણ આવું પહેલા કદી થયું ન હતું. તે બોલ હજાર મીટર સુધીના એરિયાને પ્રકાશિત કરી શકતો. તેણે બીજો એક બોલ નાખ્યો પણ તેનું પરિણામ તે જ આવ્યું. તે વિચારવા લાગી કે અંદર કુદવું કે નહિ કારણ તેના નાખેલા પ્રકાશિત ગોળનું જે પરિણામ આવ્યું તે અણધાર્યું હતું. થોડીવાર તે ત્યાં જ વિચારતી ઉભી રહી, પણ પછી તેણે પોતાનું મન મજબૂત કર્યું અને તે સુરંગમાં કૂદી પડી.

 

ક્રમશ: