Shardha Anshardha kartya books and stories free download online pdf in Gujarati

વાર્તા ૨૦૨૦ એપ્રિલ શ્રધ્ધા અંધશ્રદ્ધા કર્તવ્ય

વાર્તા ૨૦૨૦ એપ્રિલ

અંશ્રધ્ધા ધશ્રદ્ધા કર્તવ્ય
-----------------------------
જિંદગી એક ક્ષણમાં મને બરફની જેમ પીગળતી લાગી રહી હતી. આંખ સામે અંધકારનો દરિયો ધેરાઈ વળ્યો હતો. મારી સામે ડૉ.મહેતા બેઠાં હતાં, મારી ડાબી તરફ ફેમીલી ડો.પરીખ બેઠાં હતાં.ડૉ.મહેતાએ રિપોર્ટની ફાઈલ ટેબલ પર મૂકી અને ધીમેથી એટલું જ કહ્યું ,
“ તમને કેન્સર છે.” હું આ સાંભળી ચોંકી ઊઠ્યો પણ સ્વસ્થ હતો.એકાદ ક્ષણ મૌન છવાઈ ગયું જે તીક્ષ્ણ નહોર જેવું હતું , પણ ડૉ.મહેતા માટે આવી ક્ષણો સામાન્ય હતી. તેમને આભાસી આશ્વાસન આપતાં સમજાવાનો પ્રયત્ન કર્યો, “ મિસ્ટર શાહ, આજનાં સમયમાં કેન્સર અસાધ્ય રોગ નથી.ગભરાવાની જરૂર નથી. આપણે શક્ય તેટલો ઈલાજ કરીશું.”
“ સાહેબ, હું ૬૮ નો છું. હું જાણું છું મારો એક પગ કબરમાં છે અને એક પગ જમીન પર.” મેં સ્વાભાવિકતાથી કહ્યું.
“ રીયલી, યુ આર બ્રેવેસ્ટ પર્સન આઈ હેવ સીન ઈન માય લાઈફ સો ફાર.”
“ ડૉ. સાહેબ, હું એક વેપારી છું. આવા ઊતરાવચઢાવ મેં જીવનમાં જોયા છે. આજે જે જોઈ રહ્યો છું એ એક જીવનનો ભાગ છે..”મેં ઊભા થતાં કહ્યું. મારા ફેમિલી ડો.પણ હસતાં હસતાં ઊભાં થયા.
જેવાં અમે ગાડીમાં બેસવા જતાં હતાં ત્યાં મોબાઈલની રીંગ રણકી. મારી પત્નીનો ફોન હતો.મેં ટૂંકમાં પતાવ્યું, “ ઘરે આવી રહ્યો છું.ચિંતા કરવા જેવું નથી.”
મારી બાજુમાં બેઠેલા ડૉક્ટરે આ સાંભળી મારો ખભો થાબડ્યો. પ્રત્યુતરમાં હું હસ્યો અને તેમને જોઈ રહ્યો.
“ મિ.શાહ, ઓવરરીએક્ટ કરવાનું કારણ નથી.તમારી જીજીવિષા છોડતાં નહીં. આ જ દરેક રોગ સામેની પ્રતીકાર શક્તિ છે. દઢ મનોબળ આપણી આયુષ્યરેખા છે. મેડિકલ સાયન્સ ધણું આગળ વધ્યું છે.કાલે આપણે મળશું.ટેક કેર એન્ડ ટ્રાય ટુ ફીલ પોઝિટિવ એન્ડ પ્લીઝન્ટ મૂડ.” કહેતાં તેઓ પોતાના ક્લિનિક પાસે ઊતરી ગયાં.ભીડને ચીરતી કાર મારી સોસાયટીનાં કંપાઉન્ડમાં દાખલ થઈ અને હું મારી પત્નીને કેવી રીતે સમજાવવી તેની ગડમથલમાં હતો.
હું સ્વસ્થ હતો કે મારી જાતને છેતરતો હતો તે સમજી શકતો ન હતો.આ એજ સોસાયટી હતી જ્યાંથી રોજ આવજાવ કરતો હતો પણ ક્યારે ય મેં સોસાયટીનાં રંગરૂપ જોવાનો પ્રયત્ન કર્યો ન હતો. હું એક ક્ષણ સોસાયટીનાં કંપાઉન્ડમાં ઊભો રહ્યો.નાના બગીચામાં નાના બાળકો રમી રહ્યાં હતાં. બગીચામાં બેઠકો હતી ત્યાં કેટલાંક વૃધ્ધો બેઠાં હતાં. કેટલાંક ભેગા થઈને વાતો કરી રહ્યાં હતાં, કેટલાં ક ભજન કીર્તન, તો એક વ્યક્તિ આ લોકોને છોડીને પ્લાસ્ટિકની ખૂરશી પર બેસીને ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો હતો. જો કે આ સહજ ઘટનાઓ આજે મને અજીબ શી લાગી રહી હતી.ખરેખર હું ડરી ગયો હતો? મને મારી જાત પર હસવું આવ્યું અને હું લીફ્ટમાં દાખલ થયો.
રોજની આદત . મારી બેગ મૂકી બાથરૂમમાં ધૂસી જવાનું, તૈયાર થઈ મારી રૂમમાં આવું ત્યારે ઓફિસનાં કામકાજ ભૂલી ઘરેલું વાતો લઈને રાહ જોતી મારી પત્ની સાથે પસાર કરવાની. આશ્ચર્ય થયું મારી રાહ જોતી પત્નીને જોઈને. સહસ્મિત એટલું જ બોલી, “ આવો.” અને આ આવો શબ્દનાં આરોહ અવરોહથી મને મારા ઘરની પરિસ્થિતિનો ખ્યાલ આવી જતો હતો. મને હતું કે તે મારા પર સવાલોનો વરસાદ વરસાવશે , પણ એવું કશું બન્યું ન હતું.
નાહીધોઈને મારા રૂમમાં આવ્યો. બાજુની રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. હું તે તરફ ગયો. મને જોતાં જ મારો દીકરો ઊભો થઈ ગયો . મેં તેને બેસવાનું કહ્યું અને હું સોફા પર બેઠો. મારી પત્ની સાથે મારી પૂત્રવધૂ પણ પ્રવેશી ચા નાસ્તાની ડીશ સાથે.ડૉ.એ મારી પત્ની,દીકરા અને પુત્રવધૂને કહ્યું,
“ જુઓ, રિપોર્ટ આવી ગયો છે.તેમને કેન્સર છે.”
“ કેન્સર?”
“ જુઓ, ચોંકી જવાની જરૂર નથી. ક્યોરેબલ છે અને આ રોગ જેટલો ભયાનક હતો તેટલો હવે રહ્યો નથી.અમારા ફિલ્ડમાં તે તાવ, શરદી જેવો છે. હું અહીં આવ્યો છું તે આ કારણે.તમને સમજાવવા.કદાચ હિંમતભાઈ તમને આ વાત ન કહે, અથવા આ રોગનું નામ સાંભળી તમે આકુળવ્યાકુળ ના થાવ તેથી આવ્યો છું. મિનાક્ષી બેન, હસમુખ તથા ઘરનાં સભ્યોએ સમજવાનું છે કે ચિંતા આ રોગની દવા નથી . એથીય વિશેષ આડીઅવળી સગાસંબંધીઓની વાતો પર ધ્યાન આપવાને બદલે ડો.ની સલાહને અનુસરતા રહેવાની જરૂર છે.મને હિંમતભાઈની હિંમત બદલ ગર્વ છે. તમારે સૌએ હિંમત રાખી આ રોગનો સામનો કરવાનો છે.” કહી ડૉ. પરીખે રજા લીધી. એક ન સમજાય તેવી ખામોશીનો ભંગ કરતાં હસમુખે ધીમેથી કહ્યું, “ પપ્પા કમ સે કમ મને સાથે તો લઈ જવો હતો.”
“ હસમુખ, હું ક્યાં જાણતો હતો કે મને કેન્સર છે.આ પેટમાં દુખતું હતું, પણ મેં ગણકાર્યું નહીં. ડૉ.ને વાત કરી ને ટેસ્ટ કરાવ્યાં રાબેતા મુજબ.” મેં હસતાં હસતાં કહ્યું. “ જુઓ હું હજી જીવું છું આમ ઉદાસ થવાની જરૂર નથી. અને આ વાત કોઈને કહેવાની પણ જરૂર નથી.ચલો સૌ ઊભા થાવ અને તમારાં સૌનું વર્તન રાબેતા મુજબનું રહેશે. મારી કોઈ સ્પેશ્યલ ટ્રીટ થવી જોઈએ નહીં.”
“ સાચી વાત છે.હસમુખ આમ ઢીલો ન થા. ઠાકોરજી સૌનું સારું કરશે.” કહી મારી પત્ની ઊભી થઈ. હું તેની સાથે ગયો દિવાનખાનામાં અને ટીવી જોવાં બેસી ગયાં.
મને એક વાત સમજાતી ગઈ, ડરથી પીછો છોડાવવો મુશ્કેલ લાગી રહ્યો હતો. દીકરોવહુ કોઈ પણ કારણ લઈ મારા શયનખંડમાં આવતાં.દવા લીધી, કશું જોઈએ છે, એમ પૂછી જતાં હતાં. મારી પત્ની ઠોકરજીની છબી સમક્ષ માળા ફેરવી રહી હતી અને હું વાસ્તવિકતા સમજવા પ્રયત્ન કરી રહ્યો હતો. અત્યાર સુધીના મારા આધ્યાત્મિક વાંચનને વાગોળી રહ્યો હતો . મૃત્યુ ચોક્કસ છે એ સમજ મારા મનને સમજાવી રહ્યો હતો જે હું સમજતો હતો તેમ છતાં. એવું નથી કે હું મૃત્યુ થી ડરું છું પણ આજે મૃત્યુ મારી આસપાસ ફરે છે અને ખૂલ્લી બારીમાંથી પૂનમનો ચંદ્ર મારી પરિસ્થિતિનો ઉપહાસ કરી રહ્યો હતો.અત્યાર સુધી હું એવી રીતે જીવી ગયો કે મૃત્યુ આ રીતે આવશે એ કદી વિચાર્યું પણ ન હતું.
“ આ જારીજીનું જળ લેશો? ઊભાં ઊભાં શું વિચારો છો?” હું મારી પત્ની તરફ પ્રેમથી જોઈ રહ્યો હતો. કદાચ ધણાં વર્ષો પછી આવો અનુભવ અનુભવી રહ્યો હતો. તે જાણતી હતી કે ધર્મમાં મને શ્રધ્ધા છે પણ દોરીધાગા ,જાપ જેવી ચીજોથી હું દૂર રહ્યો છું . ઈશ્વરની પૂજા કરવી એ અલગ વાત છે અને ઈશ્વરની પૂજા કરતી વખતે ઈશ્વર સાથે સોદાબાજી કરવી તે તો અંધશ્રદ્ધા છે એમ હું માનું હતો. મેં સોફા પર બેસીને કહ્યું, “ લાવ.તારા પ્રેમનો, તારી શ્રધ્ધાનો આજે હું અનાદર નહીં કરું.” તે પ્રસન્ન વદને મને જોઈ રહી હતી.મને આપેલું જળ મેં પ્રેમથી પી લીધું . એક વાત હું સમજી ચૂક્યો હતો કે જે દિવસો બચ્યાં છે તેને આનંદથી જીવી લેવાં. જેટલો મને મારા વિચારો પર હક્ક છે તેમ મારા પરિવારનાં સભ્યોને તેમની રીતે રહેવાનો અધિકાર છે એમ હું માનતો રહ્યો છું.
નીંદર આવતી ન હતી. રાત્રીનો એક થયો હતો. ઘરનાં સભ્યોને મારી ચિંતા ન થાય એટલે લાઈટ બંધ કરીને આંખ બંધ કરી પડી રહ્યો હતો.આખરે શ્રી કૃષ્ણ શરણમ્ મમ નો મંત્રોચ્ચાર કરતો રહ્યો અને...
ડૉ અને હોસ્પિટલની દોડાદોડ વચ્ચે હું માનસિક રીતે સ્વસ્થ થઈ રહ્યો હતો. ડરનું આવરણ દૂર થઈ રહ્યું હતું. દીકરો ધંધામાં મન પરોવી રહ્યો હતો.નાનપણમાં શોખ હતો વાંચવાનો કામ આવી રહ્યો હતો. હું જોઈ રહ્યો હતો કે મારી પત્ની ધાર્મિકતામાં ડૂબી રહી હતી. આ બાજુ મારો પુત્ર અને મારી પુત્રવધૂ દર શનિવારે એકટાણું કરવા લાગ્યાં. મારી દીકરી જે જાણતી હતી હું દોરીધાગામાં વિશ્વાસ નથી રાખતો તે મુંબાદેવીનાં મંદિરેથી કાળો દોરો લાવીને બાંધી ગઈ હતી. મારી પત્ની ક્યારે ક જારીજીનું જળ, ક્યારેક તુલસી પાન મને આપી જતી હતી, ક્યારેક મંદિરમાંથી ઠાકોરજીને ચઢાવેલી ફૂલની માળા આપી મને તે માળા મારા મસ્તકનો સ્પર્શ કરવાનું કહેતી . મારી અનિચ્છા છતાં તેનાં મનને દુઃખ ન પહોંચે, તે રાજી રહે એ હું ઈચ્છતો હતો.આખરે એ જે કાંઈ કરે છે તે તો મારા માટે જ કરી રહી છે એમ મારા મનને મનાવ્યા કરતો હતો. ગુસ્સાને કાબુમાં રાખવાની રીત મને મળી ગઈ હતી.ચૂપ રહેવું.સામેવાળી વ્યક્તિના મનને સમજવા પ્રયત્ન કરવો અથવા આંખ બંધ કરવી અથવા કુદરતને આધીન થઈ ઈશ્વરેચ્છા બલીયસી ને આધીન થઈ જતો હતો. દુખાવો ક્યારે ક્યારે થતો, દવાપાણી તેનું કામ કરી રહ્યાં હતાં. ક્યારેક વિચારો આવતાં કે જો મૃત્યુ અગોતરા જાણ કરીને આવતું હોત તો?
જ્યારે મારા ભાઈભાભીને ખબર પડી ત્યારે તેઓ મારા ઘરે આવ્યાં. મને જોઈ રહ્યાં. તેઓ નહીં તેઓની આંખો મને ઠપકો આપી રહી હતી. “ તે અમને પણ પારકા ગણ્યાં?” હું જાણતો હતો જે ક્ષણે તેઓ મારા રોગનાં લક્ષણ જાણશે તે ક્ષણ તેઓ જીરવી નહીં શકે? જેટલી મોડી ખબર પડે તેટલું તેમને માટે સારું. કારણ હવે જે કાંઈ ભોગવવાનું છે તે મારે હતું. . તેઓ કશું નાં બોલ્યાં.ભાઈએ મારા માથા પર હાથ ફેરવ્યો અને ભાઈને વળગી પડતાં જ મારી આંખમાંથી શ્રાવણી આંસુઓ વરસી પડ્યાં, જાણે જમા થઈ ગયેલાં પાણીને વહેવાની જગ્યા મળી ગઈ!આખરે ભાભીએ મારી પીઠ પર હાથ ફેરવતાં કહ્યું , “ તે ક્યારે ક્યાં કોઈનું બગાડ્યું છે.ઠાકોરજી સારું કરશે.”
આંખોમાંથી એક બોજ નીકળી ગયો. સ્વસ્થ થયો. આડીઅવળી વાતો કરી ભાઈ ભાભી ઊઠ્યાં . ખિસ્સામાંથી કવર કાઢી મને આપ્યું. મેં પૂછ્યું,” આ શું છે?”
“ વિચાર છે અઠવાડિયા પછી આપણે જાત્રાએ જઈ આવીએ એ બહાને તને હવાફેર થશે અને અમને જાત્રા થશે.”
મુંબઈથી નાથદ્વારા, આબુ, અંબાજી,ડાકોર, ત્યાંથી મારે ગામડે જે મારી જન્મભૂમિ હતી, છેલ્લે સોમનાથ... જ્યાં જુઓ ત્યાં ભક્તોનો મહાસાગર જોવા મળતો હતો. દરેક જણ શ્રધ્ધાનાં ખીલેલાં ફૂલો જેવાં હતાં.સૌનાં તનમન ઈશ્વરમય લાગતાં હતાં, ઈશ્વરમાં લીન હતાં. તીર્થ સ્થાનોમાં સૌ એકસરખા સમાન લાગતાં હતાં.ના કોઈ અમીર કે ના કોઈ રંક! લાખો આવતાં ને લાખો ચાલ્યાં જતાં હતાં. મહાસાગરમાંના જળબિંદુ લાગતાં હતાં. પ્રભુ દર્શનમાં સૌ વિલીન થઈ ગયેલાં લાગતાં હતાં.આ તીર્થ સ્થાનોમાં પ્રભુ દર્શન જેટલીવાર કરીએ ઓછાં લાગતાં હતાં. આપણું મન ભરાય જ નહીં.દરેક પ્રભુનાં મુખારવિંદ આકર્ષક લાગે, આપણું સધળું હરી લે! ચાહે ધન, ચાહે સેવા ચાહે ભક્તિ! દરેક મુખારવિંદ હસતું હોય, જેટલું આપણે ઉછાળીએ તેટલું લઈ લે, પ્રભુ લેતાં ના હારે પણ ભક્ત દેતાં થાકે! સોમનાથનાં દર્શન પણ એક અલૌકિક અનુભૂતિ કરાવી જાય. મંદિરની આસપાસ વિશાળ મહાસાગર.. નજરમાં જેમ આકાશ સમાઈ જાય તેમ આ મહાસાગર સમાઈને ઈતિહાસ વાગોળે! આંખો સામે છપ્પન ભોગ જેનાં દર્શન મનને હચમચાવી જાય પણ એક કણિકા જીભને સ્પર્શે ત્યારે સંતોષનો હોડકાર આ જિંદગી ને ન્યાલ કરી જાય. આંખો સામે વહેતી ગંગા, જમના નદી ભારત દર્શન કરાવે એ ખરુંપણ ગંગા, જમના જળનું આચમન મારા થાકેલા તનમનને પ્રફુલ્લિતતાથી રંગી ગયું. જિંદગી જીવાય ત્યાં સુધી પ્રભુ દર્શન ભજનમાં સમર્પિત કરવી એ ભાવમાં હું વીંટળાઈ ગયો હતો. આ પંદર દિવસ મને મારું દુઃખ ના દેખાયું. મુસાફરીનો એક આહ્ લાદક આનંદ, આગળપાછળનાં સંભારણામાં મને યાદ પણ ન આવતું કે હું બીમાર હતો!
જેમ જેમ વાત ફેલાતી ગઈ તેમતેમ સગાસંબંધીનો આવરોજાવરો વધતો ગયો. મને આ ગમતું નહીં પણ ચાલી આવતી પરંપરાને હું અવગણી ના શક્યો. મનને સમજાવતો જેઓ આવે છે તેઓને મારા માટે લાગણી છે માટે આવે છેને? બાકી આ શહેરમાં ક્યાં કોઇએ કોઈનાં માટે સમય બચાવીને રાખ્યો છે. શરૂઆતમાં ના ગમ્યું પણ પછી હું પણ ટેવાઈ ગયો હતો, એ બહાને ભૂલાયેલા સંબંધો તાજા થતાં અને મને થતું દર્દ ભૂલી જવાતું. પણ હવે મારી સહનશીલતા દૂરદૂર ચાલી ગયેલા પાણીનાં વહેણ જેવી લાગી રહી હતી અને એક નિર્ણય લેવાયો , હોસ્પીટલમાં દાખલ થવાનો....
એક છેલ્લી નજર નાખી મારા વિકસાવેલા સામ્રાજ્ય પર.... અને હું જોઈ રહ્યો હતો મારી જાતને સિકંદર જેવી...
મારા ફેમીલી ડૉ. પરીખે મને કહ્યું , “ ઑપરેશન કરવું અનિવાર્ય છે”. મેં દલીલ કરી , “મરવું જો નક્કી હોય તો ઑપરેશન જરૂરી છે? મૃત્યુને ક્યાં સુધી દૂર રાખી શકીશું?” ડૉ.હસ્યાં. “ તને કોણે કહ્યું કે તમે મરી જવાના છો?”
“ સાહેબ..” હું કશું ના કહી શક્યો.
“ તું એમ માને છે કે તારા ઓપરેશનથી આ ક્ષેત્રમાં છે તેઓનું પેટ ભરાવવાનું છે? દોસ્ત અમારા પ્રયાસ હોય છે નવજીવન આપવું.તને એકલાને નહીં સમગ્ર માનવ જાતને. તું પૈસેટકે સુખી છે એટલે તને ઑપરેશન કરાવવાનો આગ્રહ નથી કરતાં પણ સામાન્ય વ્યક્તિઓનું પણ ઓછા ખર્ચે ઑપરેશન થાય છે. અમારા પ્રયાસ હંમેશા પેશન્ટને જીવાડવા માટેના હોય છે. બાયચાન્સ અમે અમારા પ્રયત્નમાં નિષ્ફળ જઇએ તો અમે સંશોધન કરી અમારી ખામીઓ શોધતા રહીએ છીએ. જેનો લાભ આવનારી પેઢીને થાય.” રાતભર વિચારતો રહ્યો હતો . જો જન્મ મરણ ઈશ્વરનાં હાથમાં છે તો મારા હાથમાં શું? નાનપણમાં ગીતા વાંચેલી હતી. મેં મારા જીવનમાં બે શ્ર્લોકો આત્મસાત કરી નાખ્યાં હતાં. એક જેવું કરશું એવું પામશું . અને આપણે ફળની આશા વગર કર્મ કરતાં રહેવું.” મેં મારો ફેંસલો કરી લીધો હતો. પત્ની, દીકરો , વહુ, દીકરીજમાઈ અને ભાઈભાભીને જણાવ્યું કે ઑપરેશન કરાવવા મેં હા પાડી દીધી હતી.
સૌની આંખો ઊગતા સૂરજ જેવી લાલચોળ હતી. મેં મારી પત્નીને પાસે બોલાવીને કહ્યું, “ જન્મમરણ આપણા હાથમાં નથી.આપણી પાસે આપણો પ્રયત્ન છે. એ પ્રયત્ન આપણી શ્રધ્ધા પર અવલંબે છે. આપણી પાસે એક રસ્તો છે શ્રી કૃષ્ણ શરણમ્ મમ.... પ્રારબ્ધમાં જે હશે તે સ્વીકારી લે જો..” હું સૌને તેઓ સૌ મને જોઈ રહ્યાં હતાં ઓપરેશન થિયેટરમાં લઈ જતાં... ઓપરેશન થિયેટરમાં જોયું, મારી આસપાસ ડૉ.નો સ્ટાફ ઊભો હતો.મુખ્ય ડૉક્ટરે હસતાં હસતાં મારું અભિવાદન કર્યુ, મને અંગૂઠો બતાવી બેસ્ટ લકનો ઈશારો કર્યો અને એક ડોક્ટરે મને ઈંજેક્શન આપ્યું ને એક ક્ષણમાં........
સમાપ્ત
પ્રફુલ્લ આર. શાહ