Aaruddh an eternal love - 5 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૫

“નમસ્તે…. આવો…. આ તમારું ટેબલ છે. આ તમારું કમ્પ્યુટર. લેટેસ્ટ સોફ્ટવેર વાળું. બેસી જાઓ અને મંડી પડો તમારું કામ કરવા.”

કલેકટર ઓફિસમાં હેડ ક્લાર્ક આર્યાને બધું સમજાવી રહ્યા હતા. જય આર્યાને મુકીને ચાલ્યો ગયો હતો.

બને એટલી સુંદર ન દેખાવાના પ્રયત્નના ભાગરૂપે આર્યાએ પોતાના ખુલ્લા વાળ બાંધીને અંબોડા જેવું લઈ લીધું. ઓઢણી પહોળી કરીને બંને ખભા પર નાખી જેથી એ છેક કમર સુધી ફેલાઇ જાય. આટલું કર્યા પછી હેડ કલાર્ક એ બતાવેલ ફાઈલ ટેપ કરવા બેસી ગઈ.

માત્ર એક જ કલાકમાં એણે એ ફાઈલ ટાઇપ કરીને પરત કરી દીધી. આર્યાની ઝડપ અને કુશળતાથી હેડક્લાર્ક પ્રભાવિત થઈ ગયા. એ સ્વભાવથી જ માયાળુ જણાઈ આવતા હતા.

અચાનક બધા સાબદા થઈ ગયા. પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. કલેકટર અનિરુદ્ધ આવી ગયા હતા. એના ગાર્ડ્ઝ એને છેક ઓફિસના ડોર સુધી મૂકી ગયા. આર્યાએ જોયું કે પોતાનો એક હાથ ખિસ્સામાં નાખી ને અને બીજા હાથે ફોન પકડીને વાતો કરી રહેલો અનિરુદ્ધ બધા પર ઉપરછલ્લી નજર નાખતો પોતાની કેબિનમાં જતો રહ્યો. માઈક્રોસ્કોપ જેવી એની નજરે બધું નોંધી લીધું.

થોડી જ વારમાં ધડામ દઈને અવાજ થયો અને પટાવાળો દોડીને ઓફિસમાં ગયો, સહેજ ખુલ્લા રહી ગયેલા બારણામાંથી જોરજોરથી અવાજ સંભળાતો હતો,

“મેં હજારો વખત કહ્યું છે કે હું આવું એ પહેલા ટેબલ પર એક પણ ફાઈલ ના જોઈએ, તો પછી આ કોણ મૂકી ગયું? ભરત, કોઈના થી ડરીશ નહીં. મારા પહેલા તારા સિવાય આ ઓફિસમાં પ્રવેશ કરવાની બધાને મનાઈ છે ખબર છે ને! ………”

આર્યાએ પહેલા જ દિવસે અનિરુદ્ધનો ગુસ્સો જોઈ લીધો. પણ એનાથી એને કશો ફેર પડતો ન હતો, કારણ કે એને તો પોતાના કામ સાથે જ મતલબ હતો.

આર્યાના ઓફીસના પહેલા દિવસે જ આજે સ્ટાફ મિટિંગ હતી. આ વર્ષે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી પ્રધાનમંત્રી ની હાજરીમાં શહેરમાં થવાની હતી. આથી અનિરુદ્ધ એક પણ કસર છોડવા માંગતો ન હતો.

એણે આખા શહેરના કર્મચારીઓને દોડતા કરી દીધા હતા. એ તમામ તૈયારીઓ નું કેન્દ્ર એની ઓફિસ હતી એટલે ઓફિસના કર્મચારીઓ ને તો તૈયાર કરવા જ જોઈએ એ બાબતે એણે આજે મીટીંગ રાખી હતી.

ભરતના બહાર ગયા પછી અનિરુદ્ધ એ પોતાની ખુરશી પર બેસીને લેપટોપ શરુ કર્યું. એક સોહામણો ચહેરો એની સ્ક્રીન પર દેખાયો. લેપટોપમાંથી નજર બહાર કાઢીને એણે જોયું. પોતાની કેબીનના ડાબી બાજુના ખૂણે રહેલા કાચમાંથી એને કોઈ યુવતી કામ કરતી દેખાઈ.

આજુબાજુ કશે જોયા વગર એ પોતાના કામમાં મગ્ન હતી. અનિરુદ્ધે એને ક્યાંક જોઈ હોય એવું લાગ્યું. અનિરુદ્ધ નું તેજ મગજ તરત એને યાદ કરાવી ગયું કે આ છોકરી પંદરમી ઓગસ્ટ ના મેદાનમાં જોઇ હતી એ જ છે. અમુક ક્ષણો માટે એનું ધ્યાન ફરી ત્યાં ટકી રહ્યું. પીએ આવીને આજના કામની બધી ડિટેલ આપી ગયો.

અનિરુદ્ધનુ ધ્યાન કામ વચ્ચે પણ વારંવાર એ છોકરી પર જતું રહેતું હતું. આજ સુધી આટલી સુંદર છોકરી એને જોઈ ન હતી. સુંદરતાની સાથે સાથે એના વ્યક્તિત્વમાં પણ કંઈક આકર્ષણ હતું. પેલી સુંદર છોકરી જાણે ધીમે-ધીમે તેના મનનો મસ્તિષ્કનો કબજો લઇ રહી હતી. એની સામે જાતાં જ પવન જાણે થંભી જતો હતો. પોતે કોઈક બાગમાં ઊભો હોય એવો અહેસાસ થતો હતો. બસ એને જોયા જ કરવાનું મન થતું હતું.

હેડક્લાર્કે આર્યા ને પણ કલેકટર સાહેબ ની મીટિંગમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું કારણ કે આવનાર ગાંધીજયંતીની ઉજવણી માટે જરૂરી તમામ કમ્પ્યુટર કાર્ય એણે કરવાનું હતું.

આર્યા એ આવીને તરત ટાઇપ કરેલ પહેલી ફાઈલ જોઈને હેડ ક્લાર્ક તથા અન્ય કર્મચારીઓ એના કામથી પ્રભાવિત થયા હતા અને હવે પછીનું તમામ કામ એને જ સોંપવાનું નક્કી થયું હતું.

બધા મિટિંગ રૂમમાં એકઠા થઇ ગયા હતા. આર્યા કંઈક મૂંઝવણ અનુભવતી સહુની છેલ્લે બેઠી હતી. સડસડાટ કરતો અનિરુદ્ધ આવ્યો. બધા ઊભા થઇ ગયા. અનિરુદ્ધ બધાને બેસવાનો ઈશારો કર્યો. અનિરુદ્ધ એ બોલવાનું શરૂ કર્યું પરંતુ એનું ધ્યાન વારંવાર પેલી સુંદર છોકરી ખેંચી રહી હતી.

આવનાર ગાંધી જયંતિની ઉજવણી અંગે વાતચીત કરી રહેલા કલેકટર ને સૌ એકચિત્તે સાંભળી રહ્યા હતા. અનિરુદ્ધની શૈલી જ એવી હતી, તેના હાથના હલનચલન, આંખો, સ્મિત, અવાજ… ઓફિસમાં રહેલી યુવતીઓ પણ અનિરુદ્ધના જાદુથી બાકાત ના હતી.

એવી જ એક હતી માર્ગી. અનિરુદ્ધ નું વારંવાર ધ્યાન ખેંચી રહેલી આર્યાથી માર્ગીને ઈર્ષ્યા થવા લાગી. આર્યા અનિરુદ્ધ નું વધારે ધ્યાન ખેંચી શકે એના પહેલા જ માર્ગી એ મનોમન નક્કી કર્યું કે પોતે એનો કાંટો કાઢીને જ રહેશે.

ઇર્ષામાં વધારે કંઈ વિચાર્યા વગર જ માર્ગી એ એનું કામ શરૂ કરી દીધું. આર્યા ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ હતી ત્યાં માર્ગીએ જઇને એના ચાલુ રહેલા કમ્પ્યુટરમાં મિસ્ટેક કરી નાખી. આર્યાએ તો આવીને એ ફાઇલની પ્રિન્ટ કાઢી અને પટાવાળાને સોંપી દીધી.

પોતાના ટેબલ પર આવેલી એ ફાઈલ પેલી નવી છોકરી એ ટાઈપ કરી છે એ જાણતા જ અનિરુદ્ધે એ ફાઈલ સૌથી પહેલી ખોલી. ઠેરઠેર ભૂલો જોઈને અને વચ્ચેના એક પેજમાં તો કાર્ટુન જોઈને અનિરુદ્ધ નુ મગજ છટક્યું. એણે આર્યાને પોતાની કેબીનમાં બોલાવી.

“હાઉ યુ ડેર ટુ ડુ ધીસ? કશું મગજ છે કે નહીં? તમે હવે નાની બાળકી નથી અને આ તમારી શાળા પણ નથી તે આવા નખરા કરો છો. મેડમ, આ કલેકટર કચેરી છે, આખા જિલ્લાની જવાબદાર કચેરી.”

ઊંચા અવાજે કહીને અનિરુદ્ધે ફાઈલ આર્યા તરફ ફગાવી.

“આ તમારી પ્રથમ ભૂલ હતી એટલે જવા દઉં છું. એક કલાકમાં મારે ફાઈલ તૈયાર જોઈએ. અને તમે મિ. વર્મા, હેડ ક્લાર્ક છો તો દરેક વસ્તુ ચેક કરવાની જવાબદારી તમારી છે કે નહીં?”

"સોરી સર."

આર્યાની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. પોતે તો કમ્પલેટ ફાઈલ તૈયાર જ કરી હતી તો પછી ભૂલ ક્યાં થઇ? છૂટવાનો સમય થઈ ગયો હતો. પરંતુ આર્યાએ ફાઇલ તૈયાર કરીને જ ઘેર જવાનું છે એવું નક્કી કર્યું હતું.

બધા નીકળી ગયા હતા, આર્યા એક જ ઓફિસમાં વધી હતી. અનિરુદ્ધ ત્યાંથી નીકળ્યો,

“આપણું કામ કરવામાં આપણે જીવ રાખીએ તો આવી રીતે રોકાવાનો સમય ના આવે.”

આર્યાએ કશું કહ્યા વગર પોતાનું કામ શરૂ રાખ્યું. એની આ ઉપેક્ષા અનિરુદ્ધને ખૂબ કઠી.

પોતાનું કામ પૂરું કરીને આર્યા ઓફિસની બહાર નીકળી પરંતુ ઘણું મોડું થઈ ચૂક્યું હતું. પોતાનો સાઇલેન્ટ ફોને શરૂ કર્યો અને જોયું તો મમ્મીના ઘણા ફોન આવી ચૂક્યા હતા.

ક્રમશઃ