Aaruddh an eternal love - 7 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૭

“અરે આર્યા!!! આમ લંગડાતી કેમ ચાલે છે? શું થયું?”

માયાબહેન ચિંતિત ચહેરે એને તાકી રહ્યા. આર્યાએ નક્કી કર્યું હતું કે આજની ઘટનાઓ વિશે કોઈને કશું કહેવું નહીં. જયનો ફોન હમણાં જ આવ્યો હતો અને એની સાથે પણ આર્યાએ સ્વસ્થતાથી જ વાત કરી હતી.

“કશું થયું નથી મમ્મી… આ વરસાદ જેવું છે ને તો કીચડમાં પગ લપસી ગયો.”

“એટલે જ કહું છું બેટા! તું તારી જાતનું બિલકુલ ધ્યાન રાખતી નથી. મેં તને કેટલી કાળજીથી ઉછેરી છે, કદી પડવા પણ દીધી નથી. અને આજે તે વગાડ્યું? લાવ બતાવ જોઈએ કેટલું વાગ્યું છે?"

માયાબહેન આર્યાના ઢીંચણે હળદરનો લેપ લગાડી રહ્યા હતા. બધી છોકરીઓ એમને છુપાઈ ને જોઈ રહી હતી. જેવા એ બીજા કામે ત્યાંથી ગયા એવી તરત એ બધીઓ પ્રગટ થઈ.

“જેમ ક્ષીરમા મક્ષિકા પડી ગઈ હોય અને એને બહાર કાઢીએ ત્યારે તે જીવિત હોય છતાં પણ નિશ્ચેતન થઈ ગઈ હોય છે એમ તું તારી નોકરી ના પ્રથમ જ દિવસે આવી શા કારણે થઈ ગઈ છે, પ્રિયે!!”

રેખા એની હંમેશની ટેવ મુજબ બોલી અને બધી છોકરીઓ ખડખડાટ હસી પડી.

“કહેને આર્યા! પેલા ત્યાં હતા? શું કરતા હતા?”

“એ…. આ પેલા પેલા શું કરે છે? એમણે તને કંઈ પસંદ કરી લીધી નથી, કે તો એમની થનાર પત્ની નથી કે આવી વાત કરે છે!”

“તે પસંદ તો તમને કોઈને પણ નથી કરી!”

“તમે બધા પ્લીઝ…. ઝઘડો ના કરશો. આર્યા શું કહે છે એ તો સાંભળો! કહેને આર્યા અનિરુદ્ધ શું કરતો હતો? તું એમને મળી? પેલી ત્યાં આવી હતી?”

જવાબમાં આર્યા હસી પડી, “અરે!! કલેકટર શું કરે? પોતાનું કામ. મેં કોઈને જોઈ નથી. મારા સિનિયર તો હેડ ક્લાર્ક હોય, એટલે તમારા કલેકટર સાથે મારે શું નિસ્બત?”

છેલ્લું વાક્ય બોલતા આર્યાનો હાથ અનાયાસે ઢીંચણ પર જતો રહ્યો એને દુઃખી આવ્યું.

“એણે કેવા રંગના કપડાં પહેર્યાં હતાં એતો કહે!!”

એણે પોતાનો હાથ પાછળ વાળી ને પોતાને એની નજીક ખેંચી હતી ત્યારે પોતાનો હાથ અનાયાસે એના વાદળી શર્ટને અડી ગયો હતો.

“આર્યા….. શું થયું છે? કેમ આમ ખોવાયેલી રહે છે?”

“હવે તમે બધી એને આરામ કરવા દો…. આજે એની નોકરીનો પ્રથમ દિવસ હતો અને ઉપરથી વાગ્યું, અને હા…. આર્યા….. તું કાલે મારી રાહ જોજે…. તને વાગ્યું છે એટલે હું તારા માટે શીરો લઈને તારી ઓફિસે આવીશ.”

અવનીએ કહ્યું અને બીજી છોકરીઓ ઈર્ષાથી બળી ગઈ. અવની એ તક ઝડપી લીધી હતી, એને આર્યાને ટિફિન આપવાના બહાને કલેકટર કચેરીએ જવાનો મોકો મળી ગયો.

***

ટપ…. ટપ….. અનિરુદ્ધના બૂટનો અવાજ સંભળાયો અને બધા પોતપોતાની જગ્યાએ સાબદા બની ગયા. અનિરુદ્ધ અને કામચોર લોકો બિલકુલ ગમતા નહીં, કામચોરી પણ એ બિલકુલ ચલાવી લેતો નહીં. હાથી એનો આવવાનો સમય થાય એટલે બધા પોતપોતાના કામમાં લાગી જતા.

આર્યાના ટેબલ પાસેથી એ નીકળ્યો અને થોડીવાર ઊભો રહી ગયો. આર્યાને ધકધક થવા લાગ્યું. એણે હેડક્લાર્ક સામે જોયું અને તેમને અંદર આવવા કહ્યું.

અંદર જઈને અનિરુદ્ધ આર્યા સામે જોઈ રહ્યો. શા માટે પોતે આ ઉદ્ધત છોકરીની નોંધ લેતો હતો? જય પણ કેવી છોકરી શોધી લાવે છે? પણ મગજ કંઈ કહેતું હતું અને હ્રદય કંઇ….

હેડક્લાર્કે બહાર આવીને આર્યાને શું કરવાનું છે તે સમજાવી દીધું. આર્યા પોતાના કામમાં પરોવાઈ ગઈ.

ભરત આવ્યો અને આર્યા ને એક કાર્ડ આપી ગયો, એ કોઈ ફિઝીશ્યનનું કાર્ડ હતું.

“ભરતભાઈ, એક મિનિટ ઉભા રહો, આ મને કેમ આપ્યું છે? મેં કોઈ પાસે આવું કાર્ડ મંગાવ્યું જ નથી.”

“એ સરે આપના માટે મોકલ્યું છે.”

“મારે એની બિલકુલ જરૂર નથી, તમે એને પાછું લઈ જઈ શકો છો. હું કંઈ તમારા સર જેવી પૈસાદાર નથી કે આ ફિઝિશ્યનનો ખર્ચ ઉઠાવી શકું.”

“ તમારા માટે ટ્રીટમેન્ટ ફ્રી છે, છતાંપણ જો તમારે પાછું આપવું જ હોય તો એક કામ કરોને, તમે જ સરને રૂબરૂ આપી આવો, તમારા બંને વચ્ચે તો હું હેરાન થઈશ.”

આર્યા વાતનું વતેસર કરવા ઈચ્છતી ન હતી, એટલે એણે કાર્ડ રાખી લીધું.

આર્યાએ કાર્ડ રાખી લીધું અને દવાખાને ના ગ‌ઈ. એ સાંજે લંગડાતા પગે તે ચાલતી ચાલતી ઓફિસની બહાર નીકળી. અનિરુદ્ધે એને જતા જોઈ. એણે ડ્રાઈવરને આર્યાને મૂકી આવવા કહ્યું. આર્યાએ ડ્રાઈવરને ના પાડી દીધી. આર્યાની વારંવારની ઉપેક્ષા અનિરુદ્ધને ઉશ્કેરી રહી હતી.

એણે નક્કી કર્યું હતું કે મારી સાથે બીજા કોઇ કર્મચારી જેવી રીતે વર્તવું પરંતુ આર્યા સામે આવતા જ તેનું વર્તન બદલાઈ જતું હતું.

એ સડસડાટ આર્યા ઉભી હતી ત્યાં પહોંચી ગયો.

"પોતાના પ્રત્યે ભલાઈ રાખનાર લોકોનું વારંવાર અપમાન કરવાની તમને ટેવ લાગે છે!"

"અને કોઈ એક વખત ના પાડે તો તમને એમાં સમજણ પડતી લાગતી નથી!"

"મિસ. હું માત્ર મારા એક કર્મચારીની મદદ કરું છું. વિશેષ સહાનુભુતિ ની તો તમારી લાયકાત પણ નથી. એના માટે મેનર જોઈએ જે તમારા મા નથી."

"કોઈને વગર કારણે ઈજા પહોંચાડે એને જો મેનર કહેવાય તો એ મારામાં નથી."

અનિરુદ્ધ ઉશ્કેરાયો અને એ વધુ કંઈ બોલે તે પહેલાં જય ની ગાડી ત્યાં આવીને ઊભી રહી.

એ બંનેના ચહેરા જોઈને જયની ચકોર પત્રકાર નજરે કશુંક થયું છે એ નોંધી લીધું.

"એનીથીંગ સીરીયસ?"

"નો, નથીંગ... એ તો આર્યાના પગે ઈજા છે એટલે હું એમને કહેતો હતો કે ડ્રાઇવર એમને મૂકી આવે."

"આર્યા એનું બિલકુલ ધ્યાન રાખતી નથી, કાલે લપસી ગઈ હતી, આજે રજા મૂકવાનું કહ્યું છતાં એને તો કામ પહેલાં..." અનિરુદ્ધ આર્યા સામે તાકી રહ્યો હતો અને આર્યા નીચી નજરે સાંભળી રહી હતી.

"ઓકે... અનિરુદ્ધ અમે નીકળીએ, માયાઆન્ટીએ કહ્યું છે કે હું એને દવાખાને બતાવી આવું."

જય અને આર્યા જતા રહ્યા અને અનિરુદ્ધ એમને જતા જોઈ રહ્યો. ગ‌ઈકાલ રાતની ઘટના વિશે એણે કોઈને વાત કરી ન હતી એથી અનિરુદ્ધ વિચારમાં પડી ગયો.