mushkelio dur karta shikho - 2 books and stories free download online pdf in Gujarati

મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 2

આ મુશ્કેલીઓ શું છે ?

૧૦૦૦ કિલોના પત્થરને હાથેથી ઉપાડવાનુ કહેવામા આવે તો તે આપણાથી ઉપડે નહી કારણકે તે આપણા શરીરના સામર્થ્યની બહાર છે એટલેકે આપણા માટે તે મુશ્કેલ છે તો આવા સામર્થ્ય બહારના કાર્યને મુશ્કેલી કહી શકાય. પણ જો તે પત્થરને ઉપાડવાનો કોઇ ઉપાય કે ટેક્નીક મળી આવે તો પછી મુશ્કેલી જેવુ કશુ બચતુ હોતુ નથી. આમ મુશ્કેલી એ એક એવી પરીસ્થીતિ છે કે જેનો સામનો કરવાની શક્તી્ કે ઉપાય આપણી પાસે હાથવગો નથી, એક વખત કોઇ પરીસ્થીતિનો ઉપાય મળી જાય કે તેનો સામનો કરવાની શક્તી આવી જાય તો પછી મુશ્કેલી જેવુ કશુજ બચતુ હોતુ નથી.
આમ આ દુનિયામા મુશ્કેલી જેવુ કશુજ હોતુ નથી, જે કંઈ પણ હોય છે તે ઉપાયોનો અભાવ હોય છે. જે દિવસે આવા ઉપાયો મળી આવતા હોય છે તેજ દિવસથી મુશ્કેલીઓ પણ હલ થઈ જતી હોય છે.
એક ઉધોગપતી પોતાના શાંત અને ઠંડા સ્વભાવને કારણે ખુબ જાણીતા હતા. આવા સ્વભાવને કારણે તેઓ ગમે તેવી મુશ્કેલીઓને ખુબજ સ્વસ્થતાથી હેન્ડલ કરી શકતા હતા. એક દિવસ તેમના કારખાનામા ખુબ મોટી આગ લાગી, સમગ્ર કારખાનુ બળીને રાખ થઈ ગયુ અને વધુમા મજુર યુનીયનોએ પણ અસુરક્ષાનુ બહાનુ કાઢી બીજા કારખાનાઓમા કામ કરવાની ના પાડી દીધી. આ રીતે માલીકે બેવડી ખોટ સહન કરવાનો વારો આવ્યો તેમ છતા તેઓ જાણેકે કશુજ બન્યુ ન હોય એ રીતે પોતાના કામ કર્યે જતા હતા. માલીકનુ આવુ વર્તન જોઇ શહેરના બધાજ પત્રકારો તેમના ઇન્ટર્વ્યુ લેવા પહોચી ગયા અને પ્રશ્ન કર્યો કે તમારી બધીજ સંપત્તી બળીને ખાખ થઈ ગઈ છે તો તમને દુઃખ નથી થતુ ?
આ પ્રશ્નનો જવાબ તેમણે ખુબ સરસ રીતે આપ્યો, તેઓ બોલ્યા કે મારા દુ:ખી થવાથી કંઈજ ફર્ક પડી જવાનો નથી પણ જો હું મનને સ્વસ્થ રાખી જરુરી કાર્યો કરી બતાવુ તો ૧૦૦% મુશ્કેલીઓમાથી બહાર આવી શકુ તેમ છુ. મને દુ:ખી થઈ સમય બર્બાદ કરવા કરતા સમસ્યાઓના સમાધાન ગોતવામા વધારે રસ છે.
હવે બોલો જોઇએ આપણે બધા મુશ્કેલીમા મુકાઇ જઈએ છીએ ત્યારે આવો વિચાર કરીએ છીએ ? આવો સપનેય ખ્યાલ આવે છે ? આવો વિચાર નથી કરતા હોતા એટલા માટેજ મુશ્કેલીઓથી ગભરાઇ તેમા વધુને વધુ ગુંચવાઇ જતા હોઇએ છીએ. જો આવા સમયે આપણે પણ પેલા વેપારીની જેમ હવે આગળ શું થઈ શકે તેમ છે એવો વિચાર કરીએ તો કંઈક ને કંઈક ઉપાય મળીજ આવતો હોય છે. આમ સમસ્યાઓ રડવાથી કે ગભરાવાથી નહી પણ તેનો સ્વસ્થ મને સામનો કરવાથી દુર થતી હોય છે.
મનની સૌથી મોટી ખાસીયત એજ છે કે તેને જેટલુ શાંત અને એક્ટીવ રાખવામા આવે તેટલુજ તેની પાસેથી ઉચ્ચકક્ષાનુ સર્જનાત્મક કામ મેળવી શકાતુ હોય છે, નવા નવા રસ્તાઓ શોધી શકાતા હોય છે. જો આફતોના સમયે મનને શાંત રાખતા શીખી લેવામા આવે તો દુનિયાની તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો આપણે કરી શકતા હોઈએ છીએ.
યાદ રાખો કે જીવનની કોઇ પણ મુશ્કેલી, નિષ્ફળતા ખરાબ નથી હોતી, તે ખરાબ બનતી હોય છે આપણા નકારાત્મક દ્રષ્ટીકોણ દ્વારા. હકીકતમા મુશ્કેલીઓ આપણને વધુ મજબુત બનાવવા, કોઇ વિશાળ કાર્ય કરવા માટે જરુરી બોધપાઠ શીખવી તૈયાર કરવા માગતી હોય છે પણ આપણે બધા સુખ સાહ્યબી અને આરામપ્રીય લોકો એ વાત સમજી શકતા હોતા નથી એટલા માટેજ આવેશમા આવી ખોટા સ્ટેપ્સ લઈ સમસ્યાઓને ઔર વધુ ગુંચવી નાખતા હોઇએ છીએ. મુશ્કેલીઓ એ દોરાની ગુંચ સમાન હોય છે, આ ગુંચને જેટલી હળવા હાથથી ઉકેલવામા આવે તેટલીજ સરળતાથી તેને ઉકેલી શકાતી હોય છે. પણ જો ભુલેચુકેય તેને જોરથી ખેચી લેવામા આવે તો દોરો વધારે ગુંચવાઇ જતો હોય છે, પછી તે ગાંઠને કાપવા સીવાય એટલેકે નુક્શાની સહન કર્યા સીવાય બીજો કોઇજ વિકલ્પ બચતો હોતો નથી. આમ જીવનની કોઇ પણ મુશ્કેલી હોય, તેને શાંતીથી ધીરજથી અને બધુજ સારુ થઈ જશે એવી આશા રાખીને પોતાનુ કામ કર્યે જવુ જોઈએ. તેમ કરવાથીજ સફળતા મેળવી શકાતી હોય છે.

મુશ્કેલીઓ દુર કરવા માટે આટલી બાબતોની કાળજી રાખો.

મોટા ભાગની મુશ્કેલીઓ નકારાત્મક દ્રષ્ટીકોણ, લાગણીઓ, કુટેવો, ગમા અણગમા, ભેદભાવ, ગાફલત, અસ્પષ્ટતા, અજ્ઞાનતા, આળસ અને અધુરી તૈયારીને કારણે આવતી હોય છે. જો આવા તમામ કારણો પ્રત્યે પહેલેથીજ સંપુર્ણ તકેદારી રાખવામા આવે તો મુશ્કેલીઓને આવતા રોકી શકાતી હોય છે. તે ઉપરાંત નીચેની બાબતોનુ પણ ધ્યાન રાખવુ જોઈએ.

૧) વિનમ્ર બનો, સબંધ વિદ્યામા માહેર બનો અને વ્યવહાર કુશળતા પ્રાપ્ત કરો, તેમ કરવાથી સ્વ નિર્મિત અડચણો પર કાબુ મેળવી શકાતો હોય છે.

૨) સંપુર્ણ જ્ઞાન મેળવો, અપડેટ થતા રહો તેમજ પરીસ્થિતિઓ પર બાજ નજર રાખી તેને પહોચી વળવા માટે તૈયાર રહો.

૩) શક્ય હોય તેટલા તમામ પ્રકારના પ્રશ્નો, શક્યતાઓનુ સમાધાન અત્યારથીજ કરી દો જેથી ભવિષ્યમા કોઇ પ્રશ્ન ઉદ્ભવવાનુ કોઇ કારણજ ન બચે.

૪) શરીર, મન, સમય, નાણા, સબંધો, વસ્તુ એ દરેકનો મહત્તમ સદ્ઉપયોગ કરો, તેનો બગાળ થતા અટકાવો.

૫) ઇમરજન્સીના સમયને પહોચી વળવા માટે જરુરી વ્યવસ્થાઓ ગોઠવી રાખો.

૬) પોતાની તમામ પ્રકારની લાગણીઓ, આવેશો અને વિચારો પર કાબુ રાખો તેમજ શું યોગ્ય છે અને શું અયોગ્ય રહેશે તેનો વિચાર કર્યા પછીજ કોઇ એક્શન લેવાનુ રાખો.

૭) તમે સમસ્યાના સમાધાન ગોતવા બેસશો ત્યારે કંઈ તાત્કાલીક તેના સમાધાન નહી મળી આવે, આવા સમયે તમારે ધીરજ અને એકાગ્રતા જાળવી સતત પ્રયત્નશીલ, વિચારશીલ રહેવુ પડશે કે સમસ્યા વિશે ગહન ચિંતન ( ચિંતા નહી ) કરવુ પડશે. આ રીતે ગમે ત્યારે એવા વિચારનો જબકારો થઈ જશે કે જે દર્શાવશે કે સમસ્યાનુ સમાધાન કેવી રીતે થઈ શકે તેમ છે. જ્યારે સમસ્યાઓ આવેશે ત્યારે તમારા પર થોડો ઘણો દબાવ કે તનાવ તો રહેશેજ, તો આવા દબાવને વશ થઈ પોતાની ધીરજ ગુમાવી દેવાને બદલે ઉપાય ન મળે ત્યા સુધી તેને સંભાળી લેવાનો પ્રયત્ન કરવો જોઇએ. જે લોકોને આ રીતે પ્રેશર મેઈનટેઈન કરતા આવળે છે તેઓ તમામ પ્રકારની નકારાત્મકતા પર કાબુ મેળવી શાંતીથી ઉપાયો વિચારી શકતા હોય છે. આવા સમયે બધાજ કામ પોતે કરવાને બદલે બને તેટલા યોગ્ય લોકોની મદદ લેવી જોઇએ અને તેઓને કામ સોંપી દેવા જોઇએ. લોકોની નાની એવી મદદ કે સહકાર તમારામા અનેરો આત્મવિશ્વાસ અને આશાવાદ જન્માવી દેશે. તમે ઘણી વખત જોયુજ હશે કે જ્યારે તમે એકલા અટુલા સમસ્યાનો સામનો કરતા હતા ત્યારે નાની એવી સમસ્યા પણ મોટા પહાડ જેવડી લાગતી હતી જ્યારે લોકોના સાથ સહકાર કે હું તમારી સાથેજ છુ તેવુ આશ્વાસન મળતા તમે વધુ ઉત્સાહથી સમસ્યાઓનો સામનો કરી શકતા હતા. આમ જ્યારે પણ સમસ્યાઓ આવે ત્યારે પહેલુ કામ લોકોનો સહકાર પ્રાપ્ત કરવાનુ કરવુ જોઇએ, લોકોનો નાનો એવો સાહકાર પ્રાપ્ત થતાજ સમસ્યાઓનો સામનો કરવાનો જોષ બેવળાઇ જતો હોય છે.

૮) જ્યારે પણ સમસ્યાઓ આવે, નેગેટીવ વિચારો ઘુમરાવા લાગે કે પરીસ્થિતિઓ ગુંચવાવા લાગે ત્યારે ઘટનાઓની સરળતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ, તેની ઘટના ક્રમને સમજવો જોઇએ. આવા સમયે તમે પોતાને એમ કહો કે અરે યાર તેમા નવુ કશુ છેજ નહી, માત્ર આમ થવાને બદલે આમ થઈ ગયુ છે, જો હું તેમા આવા આવા કે આટલા ફેરફારો કરી બતાવુ તો ફરી પાછો હતો તેવો સમય લાવી શકાય તેમ છે. આ રીતની વિચારસરણીથી એટલેકે મુશ્કેલીઓની સરળતાને સમજવાથી સરળતાથી તેના ઉપાયો ગોતી શકાતા હોય છે.

૯) ટેન્શન દુઃખ , નિરાશામાથી મુક્ત થવા તેમજ સમસ્યાનુ પ્રોફેશનલ માર્ગથી સમાધાન લાવવા બધાજ પ્રકારના નેગેટીવ વિચારોને બંધ કરી કુલ સમસ્યાઓનુ લીસ્ટ બનાવવુ જોઇએ અને એમ કહેવુ જોઇએ કે ઓકે ચાલો હવે કુલ આટલી સમસ્યાઓ છે અને તેના આટલા કારણો છે જેને પહોચી વળવા માટે મારે આટલા સ્ટેપ્સ લેવા જોઇએ. માત્ર વિચારો કરવાથી કે દુ:ખી થવાથી કંઈ સમસ્યા સુધરી જવાની નથી એટલે મારે નકારાત્મક બાબતોમા પડવાને બદલે હવે એક્શનમા આવી જવુ જોઇએ. આ રીતે વિચારવાથી મનને થોડી શાંત્વના મળતી હોય છે, મગજને કોઈ બાબત પર કેન્દ્રીત કરી તેને પ્રયત્ન કરવા માટે તૈયાર કરી શકાતુ હોય છે જેથી તરત એક્શનમા આવી શકાતુ હોય છે.

૧૦) આજે આપણે કોઇ કામ કરતા કરતા દુ:ખી નિરાશ કે ચીંતીત થઈ જઈએ છીએ તેનુ સૌથી મોટુ કારણ એજ છે કે આપણે બધા વધુ પડતા ફળની અપેક્ષા રાખીને કામ કરતા હોઇએ છીએ. ફળની આશાતો રાખતાજ હોઈએ છીએ પણ એ બધુ જલ્દીથી મળી જવુ જોઇએ એવી અધીરાઇ પણ રાખતા હોઇએ છીએ. આવી અધીરાઇને કારણે જ્યારે માર્ગમા નાની એવી પણ અડચણ આવતી હોય છે કે તરતજ આપણે ધીરજ ગુમાવી ઉશ્કેરાઇ જતા હોઇએ છીએ અને ખોટુ પગલુ ભરી બેસતા હોઇએ છીએ અને આપણી સમસ્યા કે ચીંતાઓમા વધારો થતો હોય છે. આવુ ન થાય તેના માટે વધુ પડતી અપેક્ષાઓ રાખ્યા વગર કામ કરવુ જોઇએ, ફળની આશા રાખ્યા વગર નિર્દોષતાથી કામ કરવુ જોઇએ અને બાકી બધુ ભગવાન પર છોળી દેવુ જોઇએ. આવી નિર્દોષતા આપણા મનને શાંત અને ધીરજવાન બનાવતી હોય છે જેથી સમસ્યાઓના સમાધાન જડપથી ગોતી શકાતા હોય છે.

૧૧) કોઇ પણ સમસ્યાને દુર કરવા માટે સૌ પ્રથમતો નકારાત્મક, નિરુત્સાહ કરનારા કે ચીંતા ઉપજાવે તેવા વિચારો તદ્દન બંધ કરી દેવા જોઈએ. હવે હું શું કરીશ, હવે મારુ શું થશે, હવે હું ક્યાં જઈશ, લોકો શું વિચારશે, હવે કશુજ થઈ શકે તેમ નથી તેવી ચીંતાઓ કરવાનુ બંધ કરી મનને થોડુ શાંત કરવુ જોઇએ. નકારાત્મક વિચારો વ્યક્તીની સમજશક્તી છીનવી લેતા હોય છે જેથી વ્યક્તી બૌદ્ધીક રીતે અંધ બની જતો હોય છે, પછી તે સમસ્યાના સમાધાન હોવા છતા પણ તેને જોઇ શકતા હોતો નથી અને મોટી સમસ્યામા ફસાઇ પોતેજ પોતાનો અવરોધ બની જતા હોય છે. આમ કોઇ પણ સમસ્યાનુ સમાધાન લાવતા પહેલા પોતેજ પોતાના અવરોધ બનતા બચવુ ઓઇએ.

૧૨) ઘણી વખત કોઇ કામમા સૌથી પહેલી સમસ્યા એ બીજુ કંઈ નહી પણ આપણો કામ કરવાનો અણગમો, અનીચ્છા અને નિરુત્સાહ હોય છે. હું આ કામ નહી કરી શકુ, મને આવા કામ નહી ફાવે તેવુ વલણજ માણસને કોઇ કામ કરતા અટકાવતો હોય છે. આમ સાચી સમસ્યા એ બીજે ક્યાંય નહી પણ આપણા મનમા અને દ્રષ્ટીકોણમાજ રહેલી હોય છે. ઘણી વખત તો સમસ્યા જેવુ કશુ હોતુજ નથી, આપણેજ તેને વિચારી વિચારીને સમસ્યા બનાવી દેતા હોઇએ છીએ. જો કામ પ્રત્યેનો આવો અજ્ઞાનતા ભરેલો દ્રષ્ટીકોણ છોડી દઈએ તો અડધા ભાગની સમસ્યાઓતો આપો આપ દુર થઈ જતી હોય છે. માટે કોઇ પણ સમસ્યા સોલ્વ કરતા પહેલા તેને જોવાનો દ્રષ્ટીકોણ યોગ્ય અને ઉત્સાહ વધારે તેવો રાખવો જોઇએ. તેમ કરવાથી સમસ્યાને લગતા તમામ ડર દુર થઈ જતા હોય છે અને આપણે શાંતિથી તેના સમાધાન ગોતી શકતા હોઈએ છીએ.

૧૩) સમસ્યાઓનો માતમ મનાવવાને બદલે તેમા વધારો ન થાય તે વાતને વધારે મહત્વનુ આપવુ જોઇએ.

૧૪) દરેક બાબતની એક મર્યાદા રાખો કારણકે જ્યારે હદ પાર થતી હોય છે ત્યારેજ મુશ્કેલીઓ ઉત્પન્ન થતી હોય છે.

૧૫) યાદ રાખો કે બહાર ક્યાંય સમસ્યા હોતીજ નથી, મુળ સમસ્યા આપણી અંદરજ રહેલી હોય છે. આપણનેજ ઉપાયો કરતા આવળતુ હોતુ નથી એટલા માટેજ આપણે સમસ્યાઓથી ડરી જતા હોઈએ છીએ.જો આપણને સમાધાન કરતા આવળી જાય તો પછી સમસ્યા જેવુ કશુ બચતુજ હોતુ નથી. એક કંપની માટે કોઇ પુલ બનાવવો સરળ નથી હોતો પણ બીજી કંપની માટે તેજ પુલ બનાવવો સરળ હોય છે કારણકે તે કંપનીને પુલ બનાવતી વખતે ઉત્પન્ન થતી સમસ્યાનુ સમાધાન કરવતા આવળતુ હોય છે. આમ યોગ્ય ટેક્નીક દ્વારા જો વ્યક્તી પોતાનોજ ઇગો, અજ્ઞાનતા અને અણઆવળત આ ત્રણ પરીબળોનો ઇલાજ કરી દે તો તે વિશ્વની તમામ સમસ્યાઓના સમાધાન લાવી શકાતા હોય છે.

૧૬) જીવનમા ગમે તેવા કપરા સમયમા વિચલીત થયા વગર મનને શાંત અને બુધ્ધીને સંતુલીત રાખી તમામ પ્રકારના પક્ષ અને બાજુઓ તપાસવાનો પ્રયત્ન કરો. આવા સમયે લોકોના કડવા વેણ, કુઠારાઘાત જોઇ વધુ ખીન્ન થવાને બદલે જે લોકોએ આવી પરીસ્થીતીઓનો સામનો સમ્માનપુર્વક રીતે કરી બતાવ્યો છે, તેઓએ જે રીતો અજમાવી છે તેનો અભ્યાસ કરો, સારા માણસની સલાહ લ્યો અને બધુજ સારુ થઈ જશે તેવો આશાવાદ રાખી કામે લાગી જાઓ. આ એક એવી રીતે છે કે જેના દ્વારા મુશ્કેલીઓને ધોબીપછાળ આપી શકાતી હોય છે.

૧૭) મુશ્કેલી કે કટોકટીના સમયે ક્યારેય પણ એમ ન વિચારો કે હું આ કામ નહી કરી શકુ કે તેમ કરતા હું ચુકી જઈશ તો ? જો આવા નકારાત્મક વિચારો કરશો તો તે તરતજ તમારા વર્તન, બોડી લેંગ્વેજમા તે બધુ દેખાઇ આવશે અને આખરે તેમજ થશે. માટે આવા કપરા સમયે હંમેશા બધુજ શક્ય છે, હા હું કરી શકુ તેમ છુ તેવાજ વિચાર રાખો. આવા વિચારો તમે શું કરી શકો તેમ છો કે શું થઈ શકે તેમ છે તેના પર કેન્દ્રીત કરશે જેની સીધીજ અસર તમારા પ્રયત્નોમા દેખાઇ આવશે. ઘણી વખત નિષ્ફળતાનો ડરજ આપણને અસરકારક પ્રયત્નો કરતા રોકતો હોય છે, જો આ ડર કાઢી નાખવામા આવે તો ખુલ્લા દિલથી પ્રયત્નો કરી શકાતા હોય છે.

૧૮) જે વ્યક્તીને સરળતાથી બધુ મળી જાય છે તે વ્યક્તી સાધારણ જીંદગી જીવતા હોય છે કારણકે તેઓએ વધુ કશુ કરવાની જરુરીયાત રહેતી હોતી નથી પણ જે લોકોને સરળતાથી નથી મળતુ હોતુ તેવા લોકોનેજ દુનિયા આખી સલામ કરતી હોય છે કારણકે આવા લોકોએ અસાધારણ પ્રયત્નો કરવા પડતા હોય છે, લોકોને સલામ કરવાનુ મન થઈ જાય તે હદ સુધીના પ્રયત્નો કરવા પડતા હોય છે. જો તમને ધાર્યા પ્રમાણેના પરીણામો સરળતાથી ન મળતા હોય તો સમજી જજો કે દુનિયા આખી તમને સલામ કરે તેવા પ્રયત્નો કરવાના નશીબ તમને પ્રાપ્ત થયા છે. તમારા નશીબમા દુનિયાને રાહ ચીંધવાનુ લખાયેલુ છે એટલા માટેજ સમય અમુક પ્રકારની પરીસ્થીતિઓ ઉત્પન્ન કરી તમને તૈયાર કરી રહ્યો છે, તમારા દિલમા આગ ઉત્પન્ન કરવા માટેજ ભગવાન અમુક પ્રકારની ઘટનાઓ ઉત્પન્ન કરી રહ્યા છે તો આવા સમયે તમારે નિષ્ફળતાની આગથી બળવાને બદલે તેમાથી પ્રકાશ મેળવી આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઇએ, પોતાની શક્તીઓને સાચા રસ્તે વાપરવી જોઇએ. આ રીતેજ મુશ્કેલીઓને હરાવી શકાતી હોય છે.