Premma padvani jarur shu chhe ? books and stories free download online pdf in Gujarati

પ્રેમમાં પડવાની જરૂર શું છે ?

પ્રેમમાં પડવાની જરૂર શું છે ?

૨૦૧૨માં વાંચેલો અને સાચવેલો પ્રેમ વિશેનો એક બહુ જ સુંદર લેખ છે. આ લેખ મારો ફેવરીટ છે. આ પુસ્તકમાં પ્રેમની વાત નીકળી જ છે, તો એ તમારી સાથે શેર કરું છું. વધારે સારી રીતે સમજવા માટે અને આ ચર્ચાને સરળ બનાવવા માટે આપણે પ્રશ્નોત્તરીના ફોર્મમાં જ આ ચર્ચા કરીએ.

તો સૌથી મહત્વનો અને આપણને બધાને થનારો કોમન પ્રશ્ન એ છે કે ‘પ્રેમમાં પડવાની જરૂર શું છે ?’

જવાબ : કારણકે આપણે પોતાની જાતને પ્રેમ નથી કરી શકતા. માટે આપણે કોઈ એવી વ્યક્તિ શોધવાની જરૂર પડે છે, જે આપણને પ્રેમ કરી શકે.

‘આપણે પોતાની જાતને પ્રેમ કેમ નથી કરી શકતા ?’

જવાબ : કારણકે આપણે એવું માનીએ છીએ કે આપણે પ્રેમને લાયક નથી. આપણે ‘લવેબલ’ નથી અથવા આપણે પરફેક્ટ નથી.

‘પણ આપણને એવું શું કામ લાગે છે કે આપણે લવેબલ કે પરફેક્ટ નથી ?’

જવાબ : કારણકે આપણા બાળપણ અને ઉછેર દરમિયાન આપણે એ નિષ્કર્ષ પર આવ્યા હોઈએ છીએ.

‘તો શું ? કોઈ આપણને પ્રેમ કરે, એનાથી શું થાય ?’

જવાબ : આપણને એવું લાગે કે આપણે લવેબલ છીએ. આપણું મહત્વ છે. આ દુનિયામાં આપણા અસ્તિત્વની જરૂર છે. આપણને એક સંતોષની લાગણી થાય. પણ સાથે એક પ્રકારનો ડર પણ લાગે.

‘પ્રેમમાં ડર શેનો લાગે ?’

જવાબ : ડર એ લાગે કે આપણને પ્રેમ કરનાર વ્યક્તિ અચાનક પ્રેમ કરવાનું બંધ કરી દેશે તો ? એ બ્રેક-અપ કરી નાખશે તો ? એ દૂર ચાલ્યા જશે તો ? આપણે ફરી પાછા એકલા થઈ જશું.

‘તો એનાથી શું થાય ?’

જવાબ : જે વ્યક્તિ આપણને પ્રેમ કરી રહી છે, આપણે તેમના ગુલામ બની જઈએ છીએ. એમનો પ્રેમ સતત મેળવતા રહેવા માટે આપણે એક ‘બંધાણી’ની જેમ, તેમની દરેક આજ્ઞાનું પાલન કરવા લાગીએ છીએ.

‘શું એનાથી ઉલટું થઈ શકે ?’

જવાબ : અફકોર્સ. જો આપણે પ્રેમ પામવા કરતા, પ્રેમ આપવાની માત્રા વધારી દઈએ તો.

‘એનો અર્થ એમ કે પ્રેમમાં પડનારા બંને જણા પ્રેમના ભૂખ્યા હોય છે ?’

જવાબ : થોડાઘણા અંશે, યેસ.

જો આ સંબંધમાં કોઈ કારણસર મારું બ્રેક-અપ થઈ જાય તો ?

જવાબ : થોડા જ સમયમાં, તમે એની જેવા જ કોઈ બીજા વ્યક્તિ કે સંબંધને પડકી લેશો.

‘પણ શું કામ ?’

જવાબ : કારણકે તમે હજી પણ પ્રેમ માટે યાચક કે ભિક્ષુક જ છો. તમારી મનોદશા જ એવી છે કે તમે પ્રેમની શોધમાં કોઈ ભિખારીની જેમ બજારમાં ફરી રહ્યા છો. જે તમને અઢળક પ્રેમ આપશે, એ વ્યક્તિની સાથે તમે રિલેશનશિપમાં બંધાઈ જશો.

‘તો આમાંથી બહાર કેવી રીતે નીકળવું ?’

જવાબ : પોતાની જાતને પ્રેમ કરવાની શરૂઆત કરીને.

‘સીરીયસલી ? હું મારી પોતાની જાતને પ્રેમ કઈ રીતે કરી શકું ?’

જવાબ : જો તમે બીજી કોઈ વ્યક્તિને પ્રેમ કરી શકતા હોવ, તો તમારી પોતાની જાતને કેમ નહીં ? પ્રેમ તો એક લાગણી છે. એક અનુભૂતિ છે. એક ઉર્જા છે. તમે ઈચ્છો તે દિશામાં તેને ડાઈવર્ટ કરી શકો છો.

‘પણ મારી જાતને પ્રેમ કરવાની શરૂઆત મારે કેવી રીતે કરવી ?’

જવાબ : તમારે એ સમજવાની જરૂર છે કે તમે આ બ્રમ્હાંડે સર્જેલું એક અદભૂત અને અનન્ય સર્જન છો. તમે અજોડ છો. સર્જનહારે તમારી જેવું બીજું સર્જન ક્યારેય કર્યું નથી અને ક્યારેય કરશે પણ નહીં. માટે સૌથી પહેલા, તમારી જાતની સરખામણી અન્ય સાથે કરવાનું બંધ કરી દો. જો તમે સતત તમારી સરખામણી કોઈ અન્ય વ્યક્તિ સાથે કર્યા કરશો, સતત કોઈ હરીફાઈ કર્યા કરશો, તો તમને તમારી ઉણપો અને ખામીઓ જ દેખાયા કરશે.

આ તો એવી જ વાત થઈ કે કોયલ પોતાની સરખામણી મોર સાથે કરે છે. જો કોયલ પોતાની જાતને મોર સાથે સરખાવશે, તો કોયલ પોતાના અવાજની સુંદરતા પણ ગુમાવી દેશે. દરેક પક્ષી અને પ્રાણી એ સત્ય જાણે છે કે ઈશ્વરે તેમને કોઈ ચોક્કસ હેતુથી જ ઘડ્યા છે. તેમનું આ પૃથ્વી પર હોવું જ એ વાત સાબિત કરે છે કે બ્રમ્હાંડને તેમની જરૂર છે. એમણે બીજા કોઈના જેવા બનવાની જરૂર નથી.

કોયલ ક્યારેય મોરની જેમ કળા કરવાનો પ્રયત્ન નથી કરતી. કોયલ એ વાત જાણે છે કે આ પૃથ્વી પર તેને સોંપવામાં આવેલો રોલ કયો છે ? એનું કામ કળા કરવાનું કે પોતાની સુંદરતા બતાવવાનું છે જ નહીં. કોયલ ખુશ છે કારણકે એણે પોતાના જીવનનો હેતુ શોધી કાઢ્યો છે. પોતાનો અવાજ. કોયલ જાણે છે કે સૂરીલો અવાજ આપીને ઈશ્વરે તેને જીવવા માટેનું બળ આપી દીધું છે. પોતાની જાતને પ્રેમ કરવા માટેનું કારણ આપી દીધું છે.

આપણી દરેકની પાસે આવી એક સુંદરતા રહેલી હોય છે. પણ જ્યાં સુધી આપણે સરખામણીમાંથી બહાર નહીં આવીએ, ત્યાં સુધી આપણે આપણામાં રહેલી આ સુંદરતા કે ટેલેન્ટને ઓળખી નહીં શકીએ. સર્જનહારે આપણી અંદર ઠાંસી ઠાંસીને ખૂબીઓ ભરી છે. આપણને એ ગીફ્ટ પેક ખોલતા જ નથી આવડ્યું. આપણે બીજા લોકોને મળેલી ગીફ્ટને ટગર ટગર જોયા કરીએ છીએ.

હું તો એક સ્ટેપ આગળ જઈશ. હું તો એવું કહીશ કે સર્જનહાર આપણી અંદર જ છે. મારા મૃત્યુ વિશેના પુસ્તક ‘મૃત્યુનું મહાભિનિષ્ક્રમણ’માં આ વાતની વિગતવાર અને વૈજ્ઞાનિક ચર્ચા થયેલી છે. જો સર્જનહાર પોતે આપણી અંદર નિવાસ કરતો હોય, તો આપણા દ્વારા થયેલું સર્જન કેટલું અદભૂત હશે ? આપણે એની પર ફોકસ કરવાનું છે.

આપણે એ સમજવાની જરૂર છે કે પ્રેમ એ ખુશીઓ કે આનંદ મેળવવાનું એક સાધન છે. એ સાધ્ય નથી. આ દુનિયામાં કોઈ અન્ય વ્યક્તિ આપણને સતત અને બિનશરતી ખુશી આપી શકશે નહીં. જ્યાં સુધી બહારના કોઈ પરિબળ પર આપણે ખુશીઓ માટે નિર્ભર રહ્યા કરશું, ત્યાં સુધી આપણે દુઃખી અને દયામણા રહ્યા કરશું. ખુશ રહેવું, પ્રસન્ન રહેવું એ એક અવસ્થા છે અને એ અવસ્થા આપણી અંદર જ છે.

ખુશ રહેવા માટે બાળકને કોના પ્રેમમાં પડવું પડે છે ? પોતાનું મહત્વ સમજવા માટે, પોતાનું અસ્તિત્વ ઉજવવા માટે બાળકને કોઈ અન્ય વ્યક્તિની શોધમાં નીકળવું પડતું નથી. કોઈપણ જાતના કારણ વગર બાળક ખુશ રહી શકે છે કારણકે તે જાણે છે, કે તેનું અસ્તિત્વ જ ઈશ્વરે તેને આપેલું સૌથી મોટું વરદાન છે. બાળક પોતાની જાતને જ એટલો બધો પ્રેમ કરતું હોય છે કે એણે પ્રેમ માટે ક્યારેય ભીખ નથી માંગવી પડતી.

મૂળ મુદ્દો અહિયાં એ નથી કે પ્રેમમાં પડવાની જરૂર નથી અથવા અન્ય કોઈને પ્રેમ ન કરવો. પણ મુદ્દો એ છે કે અન્ય કોઈ સાથે પ્રેમમાં પડતા પહેલા, એ અત્યંત જરૂરી છે કે આપણે પોતાના પ્રેમમાં પડીએ. જો આપણે પોતાની જાતને અનહદ ચાહતા હોઈશું, તો જ આપણે અન્ય કોઈ વ્યક્તિને પ્રેમ આપી શકશું. એ સંજોગોમાં આપણું સ્ટેટ્સ ‘પ્રેમ માંગનાર’ નહીં રહે, પણ ‘પ્રેમ આપનાર’ બની જશે.

ફક્ત આપણા પ્રિયજનને જ નહીં, દરેક વ્યક્તિને આપણે કોઈપણ કારણ વગર ખુશીથી પ્રેમ આપી શકશું. કારણકે આપણી અંદર પ્રેમનો અખૂટ જથ્થો પડેલો છે. આપણે પોતે જ પ્રેમનો સૌથી મોટો સોર્સ છીએ. એ સંજોગોમાં બ્રેક-અપનો ડર એટલા માટે નહીં લાગે કારણકે આપણે પ્રેમ આપનાર વ્યક્તિ છીએ. આપણે યાચક નથી. જો આપણો પ્રેમ રીસીવ કરવા માટે સામેવાળી વ્યક્તિ તૈયાર નથી, તો એ એમનો લોસ છે. એમના દુર્ભાગ્ય છે. એમની ગેરહાજરીમાં પણ આપણી અંદર રહેલો પ્રેમ ઓછો થવાનો નથી. જો આપણી અંદર આપણે આટલો ફેરફાર કરી શકીએ, તો પ્રેમને આપણે એક નવા એન્ગલથી જોતા થઈ જશું. આપણું હ્રદય દુભાવવાની કે હાર્ટ-બ્રેક કરી શકવાની સત્તા આપણે કોઈને આપવાની જરૂર નથી. કારણકે જે પ્રેમ માટે આપણે બહાર વલખા મારીએ છીએ, એ પ્રેમનો અવિરત અને અખૂટ જથ્થો આપણી અંદર જ રહેલો છે. આપણે ધારીએ તો આપણી આસપાસ રહેલા દરેક લોકોને ફ્રીમાં વહેંચી શકીએ તેમ છીએ અને તેમ છતાં તે જથ્થો ખૂટશે નહીં. ઉલટું, જેમ વધારે વહેંચશું, એમ વધારે ઉત્પન્ન થશે. આપણે એટલું જ યાદ રાખવાનું છે કે રિલેશનશિપ કોઇપણ હોય, આપણે પ્રેમ માંગનારા નહીં, પણ આપનારા બનવાનું છે.

*****