Discovery - the story of rebirth - 8 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા - ૮

ભાટિયા હોસ્પિટલ

ઇશાનને અકસ્માતના સ્થળેથી સ્થાનિક વેપારીઓ દ્વારા ગ્રાંટ રોડ સ્ટેશનથી ૪૦૦ મીટર દૂર તુકારામ જવાજી રોડ પર સ્થિત ભાટિયા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવેલો. રસ્તા પર પટકાવાના કારણે કપાળમાં જમણી બાજુએ ઘવાયેલ જગા પર બે ટાંકા લેવા પડ્યા હતા. બાકી શરીર પર કોઇ પણ જાતની ઇજાનું ચિહ્ન દેખાતું નહોતું. હોસ્પિટલના કર્મચારીઓ અચંબિત હતા. વેપારીઓ દ્વારા જણાવ્યા મુજબ તો, ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય તેવો ભાસ થતો હતો. તેમ છતાં ઇશાનને અકસ્માતની ગંભીરતા મુજબ, ના બરાબર હાનિ પહોંચેલી. હોસ્પિટલના પહેલા માળે જનરલ વોર્ડમાં ઇશાન બેડ પર સૂતો હતો. ૧૦ મિનિટમાં જ ઇશાન ભાનમાં આવી ગયો.

‘ડૉક્ટર...! આ ભાઇ ભાનમાં આવી ગયા છે.’, પરિચારિકાએ ઇશાનને સળવળતો જોઇ અવાજ લગાવ્યો.

‘હેલો! ઇશાન... કેવું લાગે છે હવે?’, ડૉક્ટરે ઇશાનનો હાથ પકડ્યો અને ધબકારાનો અનુભવ કરવા લાગ્યા.

‘માથું થોડું ભારે લાગે છે...’, ઇશાને માથું પકડી લીધું.

‘એનેસ્થેસિયાની અસર છે, કપાળ પર ટાંકા લેવા માટે થોડી માત્રા જરૂરી હતી. નર્સ તેમને થોડું સોડા વોટર આપો અને અર્ધા કલાક પછી એપલ જ્યુસ આપજો. તમને આનાથી સારૂં લાગશે.’, ડૉક્ટરે નર્સને જણાવ્યું અને ઇશાન સામે જોયું.

‘તમને મારૂ નામ કેવી રીતે ખબર પડી?’

‘માથું ભારે છે પણ મગજ પ્રશ્ન કરી રહ્યું છે. ગુડ... તમારા ડ્રાઇવિંગ લાયસન્સ પરથી...’, ડૉકટરે ઇશાનને તેનું લાયસન્સ આપતાં કહ્યું.

‘આભાર...’, ઇશાને હાથ જોડ્યા.

‘અરે... આ તો અમારી ફરજ છે. હા પણ મારી ફી ભરી દેજો’, ડૉક્ટરે ઇશાન સાથે મજાક કરી.

‘હા... કેમ નહિ? મારો જીવ બચાવ્યો છે તમે.’, ઇશાન પણ હસવા લાગ્યો.

‘મને એ વાતનું અત્યંત આશ્ચર્ય થયું કે જે ઝડપથી કાર તમારા પગ સાથે અથડાઇ અને વેપારીઓના જણાવ્યા મુજબ તમે જે રીતે પટકાયા, પટેલા-ટિબિયા-ફિબ્યુલા જોઇન્ટની કફોડી અવસ્થા થઇ જવી જોઇએ, પણ કોઇ હાનિ નથી થઇ. ઉપરથી ક્વોડ્રિસેપ સ્નાયુઓ પણ એકદ્દમ સ્વસ્થ છે, તમારા માટે ઘણું સારૂ છે અને મારા માટે આ ચમત્કાર છે.’, ડૉક્ટરે ઇશાનનો ખભો થપથપાવ્યો.

‘આભાર...ડૉક્ટર! મને રજા ક્યારે મળશે?’, ઇશાને પગ પર હાથ ફેરવી ચકાસ્યું કે કોઇ ઇજા થઇ હતી કે કેમ, ‘મને પણ નવાઇ લાગે છે... કે હું આવા અકસ્માત સામે કેવી રીતે ટકી શક્યો?’

‘મેં તમારો એમ.આર.આઇ. પણ કરાવડાવ્યો. એવરીથીંગ ઇઝ ફાઇન... કોઇ નુકસાન નહિ...વાહ! યુ આર એન અમેઝીંગ મેન! તારા જેવા દર્દીઓ કોઇ કોઇ વાર જ અમને મળતા હોય છે.’, ડૉક્ટરે ઇશાનની મજબૂતાઇને વખાણી.

‘ડૉક્ટર... મારા પેન્ટના ખીસ્સામાં એક કાગળ હતું’, ઇશાને ઘડિયાળ દોરેલ કાગળની વાત કરી.

‘હા...ક્લાસિક વોચ! આઇ વિશ, આઇ કુડ બાય ઇટ. મને ઘડિયાળનો શોખ છે. આવી કલાકૃતિ ધરાવતી વોચ મારૂ સપનું છે.’ ડૉક્ટરે એપ્રોનના ખિસ્સામાંથી તે કાગળ કાઢી ઇશાનના હાથમાં મૂક્યો.

‘હું આ ઘડિયાળની શોધમાં છું.’, ઇશાને કાગળ ખોલ્યો.

‘ક્યાં શોધવા જઇશ?’

‘ચોર-બજારમાં.’, ઇશાન બને તેટલા વહેલા હોસ્પિટલમાંથી બને તેટલી ઝડપથી નીકળવા માંગતો હતો.

*****

અર્ધા કલાક પછી,

‘ઇશાનનો અકસ્માત થઇ ગયો.’

નીરજ હાંફતો હાંફતો ગ્રાંટ રોડ સ્ટેશનથી ખાર જવા માટેની ટ્રેનમાં ચડ્યો. સ્ત્રી, જે ચોર બજારમાં હતી, તે નીરજની સામે જ ઊભી હતી. બન્ને ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં બેસી ગયા. નીરજનો શ્વાસ હજી ફૂંફાડા મારી રહ્યો હતો.

‘શું લાગે છે, તે જીવિત હશે?’, સ્ત્રીએ ઘડિયાળ પર્સમાંથી નીકાળી.

‘ના, કારની ઝડપ, અને જે રીતે તે રસ્તા પર પટકાયો છે. મને નથી લાગતું તે ટકી શક્યો હશે.’, નીરજે ઘડિયાળ સ્ત્રીના હાથમાંથી લીધી.

‘તને ભ્રમ છે. ઇશાનની તાકાતથી તો તે પણ અજાણ છે. આ અકસ્માત તેની આંતરિક શક્તિ અને મનોબળ વધારવા માટે જવાબદાર બનશે.’, સ્ત્રીએ નીરજ તરફ ત્રાંસી નજરે જોયું.

‘કંઇ વાંધો નહિ. આપણી સામે તે નહિ આવે.’, નીરજ ઘડિયાળને બારીકાઇથી ચકાસવામાં વ્યસ્ત બની ગયો.

ટ્રેન મહાલક્ષ્મી સ્ટેશન પર રોકાઇ. નીરજ ઘડિયાળના રહસ્યને જાણવા મથી રહ્યો હતો. તેની પાસે જ બેઠેલી સ્ત્રી બહારની તરફ જોઇ રહેલી. તેની નજર સ્ટેશનના બાંકડા પર બેઠેલા ઇશાન પર પડી. ડૉક્ટરની આજ્ઞાથી ડ્રાઇવર ઇશાનને મહાલક્ષ્મી સ્ટેશન ઉતારી ગયો હતો. ઇશાનને ઘરે જવાનું હોવાથી તે સ્ટેશન પર બોરીવલી તરફની ટ્રેનની પ્રતીક્ષામાં હતો. ઇશાન ઉઠીને સ્ટેશન પર આવેલી ટ્રેનમાં ચડ્યો. ટ્રેનના ૦૧ મિનિટના રોકાણ દરમ્યાન જ મુસાફરો ચડી-ઉતરી જતા. સ્ટેશન પરની ભીડને વીંધીને ટ્રેનમાં ચડવા માટે દરેકે અર્જુનનું બાણ બનવું પડતું. જેથી તે સડસડાટ ટ્રેન પર સવાર થઇ શકે. એક બાજુ ઇશાન ટ્રેનમાં સવાર થયો અને બીજી તરફ તે સ્ત્રી, નીરજ સાથે ટ્રેનમાંથી ઉતરી ગઇ.

‘અરે...આપણે તો ખાર જવાનું છે. હજી તો ગ્રાંટ રોડ પછી બીજું જ સ્ટેશન આવ્યું છે.’, નીરજે સ્ત્રીના હાથની પકડ છોડાવી.

‘તે ટ્રેનમાં ઇશાન હમણાં જ ચડ્યો એટલે...’, સ્ત્રીએ ઇશાન તરફ ઇશારો કર્યો.

નીરજે સ્ત્રીએ દર્શાવેલ દિશા તરફ જોયું અને ઇશાનની નજર પર તેની સાથે મળી. ઇશાન ટ્રેનમાંથી ઉતરવા ગયો, પરંતુ ટ્રેને ઝડપ પકડી લીધી હતી. હવે તો લોઅર પરેલ સિવાય ઉતરવા માટે અન્ય કોઇ રસ્તો જ નહોતો. ઇશાનના મનમાં વિચારે જન્મ લીધો, ‘નીરજ સાથે બીજી વાર કોઇ સ્ત્રીને જોઇ, જે તેના ચહેરાને ઢાંકી રાખે છે. કોણ છે આ સ્ત્રી? નીરજ એવું તો શું જાણે છે કે તે મારાથી દૂર ભાગે છે?’, તેની આંખો સામે નીરજના હાથમાંથી લટકતી સાંકળ દેખાવા લાગી. તુરત જ ઇશાને ઘડિયાળ દોરેલ કાગળ કાઢ્યો. તે સાંકળ એ જ હતી જે કાગળ પર દોરવામાં આવેલી, ‘એનો અર્થ એ થયો કે નીરજે તે ઘડિયાળ શોધી કાઢી છે. કે પછી તે સ્ત્રીએ શોધી...? હવે મારે શોધવાનું છે કે ઘડિયાળમાં શું છે? ડૉક્ટર પણ ઘડિયાળને પ્રાચીન અને બહુમુલ્ય કહી રહ્યા હતા. પહેલાં તો સ્ત્રી વિષે અને નીરજ વિષે જાણવું પડશે. ત્યાંથી જ ઘડિયાળની માહિતી પણ મળશે.

*****

બેસ્ટની ૭૭ ક્રમનો ચોક્કસ માર્ગ ધરાવતી બસમાં તે સ્ત્રી અને નીરજ બેઠેલા હતા. સ્ત્રીએ વડાલા ડેપોની ટિકિટ લીધી.

‘આપણે વડાલા કેમ જઇએ છીએ? ખારની વાત હતી ને...?’, નીરજે સ્ત્રીને કંડક્ટર પાસેથી ટિકિટ લેતાં જોઇ કહ્યું.

‘હા, પણ હવે વડાલા, ઇશાન તું ધારે છે તેટલો મૂર્ખ નથી. આપણને સ્ટેશન પર જોઇ, તે લોઅર પરેલ પર ઉતરી ગયો હશે અને ક્રમિક આવતી ટ્રેનની પ્રતીક્ષામાં હશે. આપણને શોધવા માટે તે તત્પર બની ચૂક્યો હશે...’, સ્ત્રીએ નીરજને સમજાવ્યું.

‘તો હવે આપણે શું કરીશું વડાલા જઇને?’, નીરજે ઘડિયાળ સ્ત્રીને પાછી આપી.

‘આપણે વડાલા નથી જઇ રહ્યા. જ્યુબિલી મીલ ઉતરી જઇશું અને ત્યાંથી ટેક્સી કરીને ખાર પહોંચીશું.’, સ્ત્રીએ ઘડિયાળ પર્સમાં મૂકી દીધી.

‘આપણે ગ્રાંટ રોડથી જ ટેક્સી કરી શકતા હતા. આટલી બધું કેમ રખડવાનું? પૈસા બચાવે છે કે શું?’, નીરજે જીજ્ઞાસા સાથે ગુસ્સો દર્શાવ્યો.

‘તે એટલા માટે કે એક જ ટેક્સી આપણને પકડાવી શકે છે. માર્ગ પણ બદલવાનો અને ધારેલી જગા પર પહોંચવા માટેના સાધન પણ બદલતા રહેવાના. હું નથી ઇચ્છતી કે એક નાની સરખી ભૂલ ઇશાનને આપણને શોધવામાં મદદ કરી નાંખે. માટે જ એક જગા સ્થાયી નથી થવાનું અને એટલું પણ ફરવાનું નથી ક્યાંક ને ક્યાંક આપણે ભટકાઇ જઇએ. સમજ્યો.’, સ્ત્રીએ નીરજને ટપલી મારી.

‘હા, સમજી ગયો. આપણને ખાર પહોંચતા તો આશરે એકાદ કલાક થઇ જશે. હવે મને જણાવ તો કે, આ ઘડિયાળમાં એવું શું છે? જેના માટે આપણે આટલી બધી મહેનત કરી?’, નીરજ વાત માની ગયો હોય એમ દર્શાવી તુરત જ બીજા સવાલ પર આવ્યો.

‘તે હું ખાર પહોંચીને જણાવીશ.’, સ્ત્રીએ વાત કાપી ચર્ચા અટકાવી દીધી.

અન્ય તરફ ઇશાન ટ્રેનમાં બોરીવલી તરફ ગતિમાં હતો. તેના ફોનની રીંગ વાગી. ફોન ઉપાડ્યો, ‘હેલો...ઇશાન... ઇશાન... મારો અવાજ સંભળાય છે...ઇશાન.’ ફોન ડૉક્ટરનો હતો.

‘હા...સંભળાય છે...બોલો ડૉક્ટર સાહેબ...’, ઇશાને ઊંચા અવાજે ઉત્તર આપ્યો. ટ્રેનની ગતિના અવાજને કારણે સ્પષ્ટ સંભળાતું નહોતું.

‘ઇશાન... તે ઘડિયાળની મેં તપાસ કરી. મારો એક મિત્ર છે. ખારમાં તેની ઘડિયાળની દુકાન જ છે. તેણે ચોરબજારમાં આ ઘડિયાળને એક દુકાનમાં જોયેલી. તેને કેમ હજી યાદ છે એ તો તે જ તને કહી શકશે.’, ડૉક્ટરે કરેલી તપાસ ઇશાનને જણાવી.

‘આભાર...ડૉક્ટર! મારે તમારા મિત્રને મળવું છે. તેનો સંપર્ક....’

‘હા. મેં તેનો નંબર તને મોકલ્યો છે અને મને પણ જણાવજે જે વાત થાય તે...’, ડૉક્ટરને પણ ઘડિયાળ વિષે જીજ્ઞાસા થઇ.

‘ચોક્કસ સાહેબ... એક વાર ફરી તમારો ખૂબ ખૂબ આભાર...’, ઇશાને ફોન કાપી તુરત જ ડૉક્ટરના મિત્રને ફોન જોડ્યો,‘હેલો...હેલો... શું મારી વાત શ્રીમાન પરેશ સાથે થઇ રહી છે?’

‘હા, હું પરેશ જ બોલું છું, બોલો.’

‘મને ડૉક્ટર ભાટિયાએ તમારો નંબર આપ્યો છે.’

‘અરે...હા, ઇશાન! ઘડિયાળ માટેને...’

‘હા...’

‘તું આશરે એકાદ કલાક પછી આવી જા મારી દુકાન પર. સરનામું તો તને ભાટિયાએ આપી જ દીધું હશે.’, પરેશે ભાટિયા સાથે વાત થઇ ચૂકી હોય તેવું દર્શાવ્યું.

‘ચોક્કસ! સાહેબ હું પહોંચી જઇશ.’, ઇશાને ફોન કાપ્યો અને તેના ચહેરા પર આશાના કિરણે સ્થાપિત કરેલ જગાજોત દેખાઇ.

*****

ઇશાન પરેશની દુકાન પાસે જ ઊભો હતો. પરેશે આવતાંની સાથે જ તેને ઓળખી લીધો અને દુકાનમાં પ્રવેશવા બાબતે ઇશારો કર્યો. પરેશ ૫૮ વર્ષનો સામાન્ય ઊંચાઇ ધરાવતો વ્યક્તિ હતો. તે કમલા રહેજા વિદ્યાનિધિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કીટેક્ચરમાં પુરાતત્વીય સાધનો વડે શુસોભન બાબતના વિષયોનું જ્ઞાન આપવાના કાર્યમાં છેલ્લાં ત્રણ વર્ષથી વ્યસ્ત હતો. સ્વૈચ્છિક નિવૃત્તિ સેવાના નિયમને આધીન તેણે નિવૃત્તિ લીધેલી. ઘડિયાળોનો શોખ હોવાને કારણે જમા કરેલા પૈસામાંથી નાની ઘડિયાળની દુકાન કરેલી. સફેદ શર્ટ અને સફેદ પેન્ટ સાથે ચહેરા પર ગાંધી શૈલીના ચશ્મા ચડાવેલ પરેશ, જાણે કેટલાય રહસ્યો તેના અંદર છુપાવી બેઠો હોય તેવું પ્રતીત થતું હતું.

‘તમે આ ચિત્રમાંની ઘડિયાળ વિષે મારી શું મદદ કરી શકો છો?’, ઇશાને દુકાનમાં દાખલ થતાંની સાથે જ કાગળ પરેશ સામે મૂક્યો.

‘જુઓ...આ...ઘડિયાળ મેં પણ બહુ શોધી. ચોરબજારમાં મેં તેને એકવાર જોઇ હતી. આજે જ્યારે ડૉક્ટરે તેનો ફોટો મને મોકલ્યો. હું અવાક બની ગયો. તુરત જ બને તેટલા વહેલા તને મારી મુલાકાત માટે જણાવ્યુ અને મારો બેટો ડૉક્ટર છે ને, એટલે આજે જ તારો સંપર્ક કરી મારો નંબર આપી દીધો. પરીણામે તું અહી છે મારી સામે...’ પરેશ ડૉક્ટરની વાત કરી, ખડખડાટ હસવા લાગ્યો.

‘તમે મને કહેશો કે તમે શું જાણો છો?’, ઇશાન અકળાયો.

‘હા, એટલે જ તો બોલાવ્યો છે. સાંભળ...જો આ ચિત્રમાં જે અર્ધમનુષ્ય અને અર્ધબળદ દેખાય છે તે છે મહિષા, સંસ્કૃતમાં મહિષ્કા. એટલે કે રાક્ષસ મહિષાસુર. તેનો વધ કર્યો દેવી ચામુંડેશ્વરીએ, જ્યાં વધ કર્યો તે જગાનું નામ પડ્યું મહિષાપુરા...અપભ્રંશ થતા થતા તે બન્યું મહિસુરુ, આ તો એક લોકવાયકા છે. તે જ શહેરને બ્રિટિશ સરકારે નામ આપ્યું મૈસુર...જેને આપણી સરકારે ૨૦૧૪ના વર્ષમાં બદલીને નવું નામ આપ્યું “મૈસુરુ”.’ પરેશે સીધેસીધી વાત કહી.

‘પણ આ ઘડિયાળ પરના રાક્ષસના ચિત્ર અને મારે શો સંબંધ હોય...?’, ઇશાને મનનો પહેલો પ્રશ્ન મૂક્યો.

‘૧૭૯૦ના વર્ષમાં વિલિયમ મેડોવ નામના બ્રિટિશ ઇસ્ટ ઇંડિયા કંપનીના જનરલે યુદ્ધ પહેલાં રાજાને આ ઘડિયાળ યુદ્ધસંધિ અર્થે ભેટમાં આપવા બનાવડાવી હતી. પરંતુ યુદ્ધસંધિ સફળ રહી નહિ. તે રાજા સામે યુદ્ધ હારી ગયો. રાજાને આ ઘડિયાળ તેના પાસેથી મળી.’, પરેશે વાત આગળ વધારી.

‘એક મિનિટ, તમે ઇસ્ટ ઇંડિયા કંપની બોલ્યા...’, ઇશાને વાત અટકાવી.

‘હા! હું, તે જે સાંભળ્યું, તે જ બોલ્યો. હવે ચૂપચાપ પૂરી વાત સાંભળ. તે રાજા હતો “ટીપુ સુલતાન”, અને તેણે પોતાનો સંપૂર્ણ ખજાનો કંપનીથી બચાવવા ક્યાંક સંતાડ્યો. તે જગાનો નક્શો આ ઘડિયાળમાં છે.’, પરેશે વાત પૂરી કરી.

‘એટલે આ રાક્ષસની આસપાસ બનેલ તાજ અને તલવાર...’, ઇશાને તાજ અને તલવાર પર આંગળી મૂકી.

‘હા, તે ટીપુ સુલતાનના જ છે. પ્રતીક છે કે ઘડિયાળ તેમના માટે જ બનાવવામાં આવી હતી.’, પરેશે કાગળ પર ઇશાનની આંગળી પાસે જ ત્રણ વખત આંગળી પછાડી.

*****