Hu raahi tu raah mari - 42 books and stories free download online pdf in Gujarati

હું રાહી તું રાહ મારી.. - 42

લગ્નમંડપમાં ફેરાની વિધિ શરૂ જ થવાની હતી ત્યાં હોલમાં મોટા અવાજમાં કોઈએ કહ્યું.... “મારા વગર લગ્ન?”
અવાજ સાંભળી બધાના ચહેરા તે માણસની દિશામાં ગયા.ત્યારબાદ એક પછી એક બધાના ચહેરાના હાવભાવ બદલી ગયા.
શિવમ ચેતનભાઈ સામે જોવા લાગ્યો.ચેતનભાઈએ શિવમની સામે જોઈ કહ્યું, “શિવરાજ.”
હવે શિવમ સામે તેના અસલી પિતા હતા.શિવરાજભાઈ પોતાની સાથે તેના વસૂલીના કામ કરતાં ગુંડા જેવા દેખાતા માણસોને પણ લઈ આવ્યા હતા.તે માણસોને ત્યાં જ ઊભા રહેવાનુ કહી શિવરાજભાઈ મંડપ તરફ આગળ વધી રહ્યા હતા.ચેતનભાઈને થયું કે શિવરાજ નક્કી કોઈ નાટક શરૂ કરી દેશે.શિવમ માટે આ ખૂબ ખાસ દિવસ હતો અને આ દિવસ બગડે નહીં તે માટે ચેતનભાઈ પણ શિવરાજભાઈ તરફ આગળ વધ્યા.
શિવરાજભાઈ અને શિવમ વચ્ચે ચેતનભાઈ આવી ગયા અને તેનું સ્વાગત કરતાં હોય તે રીતે તેને મહેમાનોને બેસવા માટે સોફા રાખ્યા હોય ત્યાં લઈ ગયા. વીણાબહેન ફેરા શરૂ કરવા માટે કહ્યું.બધાના ચહેરા પર ખુશીની જ્ગ્યા પરેશાનીએ લઈ લીધી હતી.શિવમે દિવ્યાબહેન અને રાહીના પરિવાર સામે જોઈ પરેશાન ન થવા જણાવ્યુ.
શિવમ પણ જો કે થોડીવાર માટે પરેશાન થઈ ગયો હોય છે પણ જેવા બ્રાહ્મન મંત્રોચ્ચાર શરૂ કરે છે ત્યાં શિવમની બધી પરેશાની દૂર થઈ જાય છે.શિવમ અને રાહીનું ધ્યાન એકબીજા પર કેન્દ્રિત થઈ ગયું. શિવમ અને રાહી એકબીજાને આખું જીવન સુખ-દુખમાં સાથે રહેવાનુ વચન આપી ફેરા વિધિ સંપૂર્ણ કરે છે.દિવ્યાબહેન સિંદૂરદાની શિવમ સામે ધરી રાહીની માંગમાં સિંદુર ભરવા કહે છે.
“આજ તારી માંગ ભરતા હું તને એક બીજું વચન આપું છું કે જેમ તારી માંગ ભરતા તું મારી થઈશ તે રીતે હું પણ તને પૂરું જીવન ખુશ રાખવા અને તારી બધી માંગ પૂરી કરવાની કોશિશ કરીશ.”શિવમ.
ત્યારબાદ શિવમ રાહીના ગાળામાં મંગલસૂત્ર પહેરાવે છે ત્યારે, “હું આ મંગલસૂત્રને પહેરતા વચન આપું છું કે જેમ આ મંગલસૂત્ર મારા હદયને અડીને રહે છે તેમ તારા હદયમાં થતાં દરેક સંવેદનને હું સમજીશ અને હંમેશા તારા દરેક નિર્ણયમાં તારો મિત્ર અને જીવનસાથી બનીને સાથ આપીશ.”રાહી.
“રાહી દરેક લોકો લગ્ન કરે છે.હું ઘણા લગ્નમાં ગયો છું પણ મને ક્યારેય અહેસાસ પણ નથી થયો કે આ બધી વિધિ કેટલી મહત્વની હોય છે!! અને મારા જીવનમાં આ દિવસે હું આ વિધિઓને આટલી દિલથી પૂરી કરીશ તે મે ક્યારેય નહોતું વિચાર્યું.”શિવમ.
રાહીએ શિવમની આંખોમાં જોઈને હકારમાં જવાબ આપ્યો.રાહીની વિદાયને હવે થોડો સમય જ બચ્યો હતો.શિવમે જોયું તો તેના પપ્પા અને શિવરાજભાઈ ક્યાય નજરે નહોતા આવતા.
******************************
“શિવમની વહુના કંકુપગલા પહેલા મારા ઘરે જ થશે.”શિવરાજભાઈ.
“ના આવું નહીં બને.શિવમ આ માટે ક્યારેય નહીં માને.આમ પણ શિવમને બધી હકીકતની ખબર છે અને તું તેનો ‘બાપ’ છો તે પણ ખબર છે.”ચેતનભાઈ.
“ઓહ..તે તો ખૂબ સારી વાત છે.તો પછી શિવમને માનનાવવો સહેલો રહેશે.”શિવરાજભાઈ.
“મનાવવો? કઈ વાત માટે?”ચેતનભાઈ.
“મારી સાથે હંમેશા માટે રહેવા માટે.”શિવરાજભાઈ.
“પણ તે તારી સાથે રહેવા માટે ક્યારેય તૈયાર નહીં થાય.”ચેતનભાઈ.
“તે મારો દીકરો છે.તે મારી સાથે જ રહેશે.”શિવરાજભાઈ.
“દીકરો? કયો દીકરો? અત્યાર સુધી તારી અંદરનો ‘બાપ’ ક્યાં ગયો હતો?”ચેતનભાઈ.
“તું મારી સાથે આનાકાની કરી ખોટો સમય બગાડે છે.શિવમ જો નહીં આવે તો તેને હું જબરદસ્તી લઈ જઈશ.તેના પર પહેલો હક્ક મારો છે.આમ પણ શિવમને હવે બધી વાતની ખબર જ છે તો પછી મને હવે કોઈ વાતનો ડર નથી.”શિવરાજભાઈ.
“ઘણા મહેમાનો છે.મહેરબાની કરીને હવે શિવમને દુખ થાય તેવું કોઈ કામ નહીં કરતો.”ચેતનભાઈ.
“તો બસ હવે શિવમ ન માને તો પણ તેને મનાવી લે.બાકી શિવમની વહુના કંકુપગલા તો મારા જ ઘરમાં થશે.”શિવરાજભાઈએ ભારપૂર્વક કહ્યું.
“આવીશું..ચોક્કસ..અમે આવીશું.મારી કોઈ ‘ના’ નથી.હું અને રાહી આવીશું.પણ સાથે મારો પરિવાર પણ આવશે.હું પણ ઈચ્છું છું કે મારી ‘માં’ ના ઘરમાં જ મારી રાહીના પ્રથમ પગલાં પડે.પણ હંમેશા માટે હું મારા પિતા ચેતનભાઈ અને મારા પરિવાર સાથે જ રહીશ.મે મારા પિતા ચેતનભાઈને વચન આપ્યું છે.ચોક્કસ તમે મારા પિતા હશો.પણ મને તમારો ચહેરો પણ યાદ નથી અને મને તમારા માટે કોઈ લાગણી પણ નથી.હું માત્ર મારી માતા ને ખાતર રાહી અને પરિવાર સાથે ત્યાં આવું છું.કોઈ જબરદસ્તી કરવાની જરૂર નથી.રાહીની વિદાય થઈ રહી છે.તે તેના પરિવારથી આજ દૂર થશે.પહેલેથી જ તે દુખી છે તો હું તમને વિનંતી કરું છું કે રાહી કે મારો પરિવાર દુખી ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો.હવે હું જાઉં છું.તમે પણ તમારી વાત પૂરી કરી જલ્દીથી આવો.”શિવમ.
***************************
ચેતનભાઈએ જઈને બધી વાત તેમના પત્ની દિવ્યાબહેનને કહી.તે બંને શિવમના નિર્ણયને ખાતર શિવરાજભાઈ સાથે જવા માટે તૈયાર થયા.
આખરે દીકરીને હંમેશા ખુશ રહેવાના આશીર્વાદ આપી રાહીને સાસરે વિદાય આપવામાં આવી.શિવમે રાહીને રસ્તામાં બધી વાત કરી દીધી કે પોતે મોરબી જાય છે.
“માફ કરજે રાહી.મે આ નિર્ણય તને પૂછ્યા વગર જ લઈ લીધો.પણ મને આ ઠીક લાગ્યું.મને આશા છે કે તને મારા આ નિર્ણયથી કોઈ વાંધો નહીં હોય??”શિવમ.
“શિવમ તે ઠીક નિર્ણય લીધો.હું તારાથી સહેમત છું.”રાહીએ નરમ અવાજે કહ્યું.
“શું થયું રાહી?તું ખુશ નથી?તારે ન જવું હોય તો અત્યારે જ આપણે ફરી ઘર તરફ જતાં રહીએ.”શિવમ.
“શિવમ એવું કઈ જ નથી.”રાહીએ પહેલા કરતાં થોડા ઉદાસ અવાજે કહ્યું.
“રાહી..કેમ તું ઉદાસ જણાય છે?હવે તો વંશનો પણ કોઈ ડર નથી.આપના લગ્ન પણ કોઈ પરેશાની વગર થઈ ગયા.જો તું વંશની વાતથી ડરતી હોય તો તેને ભૂલી જજે.અને આમ પણ આપણે કાલ સવારે મોરબીથી પાછા આવી જઈશું.”શિવમ.
“શિવમ મને એક જાતની બેચેની થાય છે.હું તને કેમ સમજાવું?મને કઈ ન થવાનું થશે તેવી સંભાવના મનમાં ઉત્પન્ન થઈ છે.”રાહી.
“ તું નાહક જ ચિંતા કરે છે.તું પહેલીવાર ત્યાં જાય છે માટે.”શિવમ.
થોડીવારમા જ શિવમ અને તેના પરિવારની ગાડી એક ભવ્ય ઘરની બહાર પાર્કિંગમાં પ્રવેશી.ઘરનું બાંધકામ એકદમ વૈભવશાળી શૈલીનું હતું.બધે ફૂલોની સજાવટ કરેલી હતી. આખા બંગલામાંની લાઇટથી સજાવટ કરી હતી.દિવાળી જેવુ વાતાવરણ લાગતું હતું.
શિવમ ગાડીમાથી બહાર આવ્યો.દિવ્યાબહેન પણ શિવમની ગાડી પાસે આવ્યા અને રાહીને ગાડીની બહાર લાવ્યા.ચેતનભાઈ અને તેનો આખો પરિવાર શિવરાજભાઈના આંગણે આવીને ઊભા હતા...પણ રાહીને હજુ પણ તે જ બેચેનીનો અનુભવ થઈ રહ્યો હતો.
“વસુધા નવા વહુના સ્વાગતની તૈયારીઓ કર.આ ઘરની નવી વહુ આવી ગઈ છે.”શિવરાજભાઈએ તેમના બીજા પત્નીને બૂમ પડી.
શિવરાજભાઈનો અવાજ સાંભળતા જ એક સુંદર,એકવડીયા બાંધાની નમણી, રૂપાળી સ્ત્રી બહાર આવી,જેના ચહેરા પરથી તેની ઉંમર ૫૦ નજીકની હોય તેવો ખ્યાલ આવી જતો હતો.ગુજરાતી સાડીમાં તે એકદમ સુંદર લાગી રહી હતી.તેણે બધા લોકોનું બહાર આવી સ્વાગત કર્યું.
****************************
“ઓહહ...ભગવાન ખૂબ જ માથું દુખી રહ્યું છે.શું થાય છે મને?”વંશ એકદમ કઈક અવાજ થતાં જાગી જાય છે.તેને માથામાં સખત દુખાવો થઈ રહ્યો હોય છે.વંશ જોવે છે તો પોતે પોતાના રૂમમાં સૂતો હોય છે અને સોફા પર બેસી તેનો મિત્ર વિડીયો ગેમ રમી રહ્યો હોય છે.વંશ બહારનું વાતાવરણ જોવે છે.રાત થઈ ગઈ હોય છે.પછી તે ઘડિયાળમાં જોવે છે.રાતના ૧૧:૦૦ વાગી રહ્યા હોય છે.અચાનક તેને કઈક યાદ આવે છે અને તેના ચહેરાના હાવભાવ બદલાય જાય છે.
“સુમિત આજ કયો દિવસ છે?આજ રાહીના લગ્ન હતા કે કાલ છે?”વંશને હજુ માથું દુખી રહ્યું હોય છે અને તે યાદ કરવાની કોશિશ કરે છે.
“લગ્ન તો આજ હતા.”સુમિત ગેમ રમતા રમતા બેફિકરાયથી કહે છે.
“તો આપણે અહિયાં શું કરીએ છીએ?”વંશે જોરથી ચીસ નાખીને કહ્યું.
વંશની ચીસથી તેનો મિત્ર સુમિત ડરી જાય છે.
“તને ખબર છે ને આજ આપણે રાહીના લગ્ન રોકવાના હતા??”વંશ હજુ ગુસ્સામાં જ હતો.
“હા વંશ શાંત થઈ જા.આપણે જવાનું જ હતું.પણ તારી તબિયત ઠીક નહોતી.”સુમિત.
“મારી તબિયત કાલ સુધી એકદમ ઠીક હતી.તો મને અચાનક શું થઈ ગયું?અને તે મને સમયસર કેમ જગાડયો નહીં?”વંશ.
“વંશ સોરી યાર,મારો તને દુખી કરવાનો કોઈ ઇરાદો નહોતો પણ જ્યારે તે તારા પપ્પાને આ વાત કરી પછી આજ વહેલી સવારે જ તારા પપ્પાએ તને ઘેનનું ઈંજેક્ષન ડોક્ટર દ્વારા અપાવ્યું.”સુમિત.
“તું મિત્ર છે કે દુશ્મન?હું રાહીને કોઇની થતાં નહોતો જોઈ શકતો.અને મારા પોતાના લોકોએ જ સામે ચાલીને મને તેનાથી દૂર કરી દીધો?મે રાહીને કહ્યું હતું કે હું તેના પગલાં તેના પતિના ઘરમાં નહીં પડવા દઉં.”વંશ રૂમમાં પડેલી વસ્તુઓને એક પછી એક વેર-વિખેર કરવા લાગ્યો.
“પપ્પા ક્યાં છે? મારે તેમની સાથે વાત કરવી છે.તેમણે મારી સાથે આવું કેમ કર્યું?તેમણે મને વચન આપ્યું હતું કે તે મારા લગ્ન રાહી સાથે કરાવશે જ.”આમ કહી વંશ પોતાના રૂમમાંથી બહાર નીકળી નીચે આવેલા દીવાનખંડ તરફ જવા લાગ્યો.
“આવ બેટા વંશ જો આપણાં ઘરની નવી વહુનો ઘરમાં ગ્રહપ્રવેશ થઈ રહ્યો છે.એકદમ બરાબર સમયે તું આવ્યો.”શિવરાજભાઈ.
વંશ સામે રાહીને દુલહનના રૂપમાં જોવે છે અને તેની બાજુમાં શિવમ હોય છે.શિવમ-રાહી સામે વંશને ઉભેલો જોઈ એકદમ અવાક થઈ જાય છે.વંશ પણ શિવમ અને રાહીને સામે જોઈ મૂર્તિની જેમ એકદમ સ્થિર થઈ જાય છે.
“વંશ તમારો દીકરો છે?”શિવમ હજુ પણ વહેમમાં હોય તેમ પૂછે છે.
“હા બેટા વંશ આ ઘરનો નાનો દીકરો અને તારો નાનો ભાઈ છે. બેટા વંશ આ તારા ભાભીનું સ્વાગત તો કર.પહેલી વખત તારા ભાઈ-ભાભી આ ઘરમાં પ્રવેશે છે.”શિવરાજભાઈ વંશની સામે જોઈ બોલે છે.
વંશ-શિવમ-રાહી જે રીતે એકબીજાને જોઈ આંચકો અનુભવ્યો હોય તે જોઈને બીજા બધા ચકિત થઈ જાય છે.
“બેટા શિવમ તું વંશને ઓળખે છે?”ચેતનભાઈ.
(ક્રમશ:)