Aaruddh an eternal love - 14 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૧૪

અનિરુદ્ધ જતો રહ્યો હતો અને આર્યા ત્યાં જ ઊભી હતી.

અત્યાર સુધી એકીટસે જોઈ રહેલી છોકરીઓ બધી આર્યાની નજીક આવી. એ બધી તો હતપ્રભ થઈ ગઈ હતી.

આર્યાના હાથ, મોં અને ગાલ લાલ થઈ ગયા હતા. જે ક્ષણ બધી છોકરીઓ માટે સ્વપ્ન હતી એ ક્ષણ આર્યાને તો અચાનક ફળી ગઈ હતી. બધી છોકરીઓ આર્યાને કશું પૂછે એ પહેલા માયાબહેન આવ્યા, એમણે બધી છોકરીઓને કામે લગાડી અને આર્યાને પૂછ્યું,

“શું વાત છે આર્યા? હું જોઉં છું કે છેલ્લા ઘણા દિવસોથી તું એકદમ શાંત થઈ ગઈ છે અને કશી ચિંતામાં પણ હોય એવું લાગે છે. એવી તે શી વાત છે કે કલેકટરને પોતાને તને મળવા આવવું પડ્યું?”

“કંઈ ચિંતામાં નથી, મમ્મી.” આર્યા એ પોતાની આંખોમાં આવી ગયેલા ઝળઝળિયા લૂછવાનો પ્રયત્ન કર્યો.

“મારાથી કશું છુપાવીશ નહીં બેટા, મેં તને મોટી થતી જોઈ છે. તને ખૂબ સારી રીતે ઓળખું છું. જે કંઈ હોય તે તું મને કહી શકે છે.”

આર્યા રડતી રડતી માયા બહેન ને વળગી પડી. એણે વીતેલા દિવસોની બધી વાતો માયાબહેનને કરી.

આર્યા પોતે જ સમજી શકતી ન હતી કે શું કરવું. કલેકટર કચેરીમાં કામ કરતા બીજા કર્મચારીઓ કરતા અનિરુદ્ધ પોતાની સાથે કંઈક અલગ જ વર્તન કરતો હતો એ આર્યા સમજી શકતી હતી. પોતાને પણ અનિરુદ્ધ પ્રત્યે ગઈકાલ રાત પછી કંઈક અલગ લાગણી થતી હતી, પરંતુ આજે સવારનું અનિરુદ્ધનું વર્તન જોતા આર્યા ડઘાઇ ગઇ હતી.

“તું જરા પણ ચિંતા ના કરીશ આર્યા, હું સમજી ગઈ છું કે હવે મારે શું કરવું પડશે, તારા માટે. તું તારી નોકરીનો સમય પૂરો કરી દે, શાંતિથી. જયને કશું કહીશ નહીં, નાહક એ ચિંતા કરશે અથવા તો એના અને કલેકટરના સંબંધો બગડશે. બસ થોડા જ દિવસોની વાત છે પછી બધું સારું થઈ જશે.”

રડીને લાલ થઈ ગયેલી આંખો વડે આર્યા માયાબહેન ને તાકી રહી.

***

બીજા જ દિવસે માયાબહેને જયને મળવા બોલાવ્યો હતો. કશી આડી અવળી વાત ન કરતા માયાબહેને જયને સ્પષ્ટ જ પૂછી લીધું.

“જય, આર્યા વિશે તું શું વિચારે છે? મારો મતલબ કે એક જીવનસાથી તરીકે તને એ કેમ લાગે છે? હું હૃદયથી ઈચ્છું છું કે તમારા બંનેના લગ્ન થાય.”

“એ તો મારા મનની વાત છે માયાબહેન. આર્યા શું વિચારશે એ બીકે હું એને કોઈ દિવસ કશું કહી શકતો નથી. જો એને કશો વાંધો ના હોય તો હું એની સાથે મારું જીવન વિતાવવા માટે ખૂબ ઉત્સુક છું.”

“આર્યાએ એવું કશું કહ્યું નથી કે એ તને પસંદ કરે છે કે નહીં, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે એ તને નાપસંદ કરે છે. મારા મતે એક જીવનસાથી તરીકે તું એના માટે શ્રેષ્ઠ છે. તું ખરેખર એક સારો માણસ છે, જે એક અનાથઆશ્રમ ની છોકરી ને આટલું સન્માન આપી શકે છે. ઘણા લોકોની નિમ્ન વિચારસરણી પણ મેં જોઈ છે, અનાથ બાળકના માતા-પિતા કેવા હશે, શું હશે એ બાબતે લોકો શંકા-કુશંકાઓ કરતા હોય છે.”

“એવું ફરીવાર ન કહેતા માયાબહેન, આર્યા માટે હું તો આવું કદી વિચારી પણ શકું નહીં. ગુલાબ માત્ર એની સુગંધથી જ ઓળખાય છે, ગુલાબનું કદી બીજ ખરાબ કે સારું હોતું નથી. એ તો માત્ર સુગંધ જ આપે છે ગમે ત્યાં હોય, તેના સૌંદર્ય અને ગુણમાં કશો ફેર પડતો નથી.”

"હું આર્યા સાથે પણ વાત કરી લઉં છું. એ પછી સગાઈની અને લગ્નની તારીખ નક્કી કરીએ. થોડા દિવસો માટે આ વાત કોઈને કરીશ નહીં. બધું નક્કી થાય પછી જ આપણે જાહેર કરીશું."

માયાબહેન અને જય વાતો કરી રહ્યા હતા પરંતુ એ લોકોને પણ ખબર ન હતી કે ભાગ્યે આર્યા માટે શું નક્કી કર્યું છે. પોતાના જીવનમાં એણે આર્યાથી સુંદર છોકરી જોઈ ન હતી અને એથી પણ સુંદર એના ગુણ હતા અને હવે તે પોતાની જીવનસાથી બનવા જઈ રહી હતી. જયના આનંદનો પાર ન હતો.

***

અનાથાશ્રમેથી નીકળ્યા પછી અનિરુદ્ધ પોતાના વર્તન માટે નવાઈ અનુભવી રહ્યો હતો કે પોતે શું કર્યું હતું, આવું વર્તન તો ગમે એટલો ગુસ્સો આવે તો પણ કોઈ યુવતી સાથે કરતો ન હતો પરંતુ આર્યાને જોઈને એને કંઇક થઇ જતું હતું, શું એ સમજી શકાતું ન હતું.

***

બીજા દિવસે આવ્યા ઓફિસે આવી, એ જ ઉત્સાહથી, જાણે કશું બન્યું જ ના હોય, ગુલાબના ફૂલ જેવી સુંદર, બધાને નમસ્તે કરીને એ પોતાના કામે લાગી ગઈ, માર્ગી નું મોં તો કાળું થઈ ગયું કારણ કે અનિરુદ્ધ એ હજુ સુધી આર્યા વિરુદ્ધ કશા પગલા લીધા ન હતા.

અનિરુદ્ધ આર્યા ના ટેબલ પર આવ્યો. એણે શક્ય એટલી તમામ મીઠાશ એકઠી કરી અને અવાજમાં ભેળવી.

“ગુડ મોર્નિંગ, હાઉ ઇઝ યોર હેલ્થ નાઉ?” એવું પહેલી વાર બની રહ્યું હતું કે અનિરુદ્ધ કોઈના ટેબલ પર જ‌ઈને વાત કરી રહ્યો હોય.

બીજી કોઈ છોકરી હોય તો ત્યાં જ ક્લીન બોલ્ડ થાય, પણ આ તો આર્યા હતી. એને માયાબહેનની વાત યાદ આવી ગઈ, એમણે કહ્યું હતું કે ઓફિસ પર અનિરુદ્ધ ગમે એટલો ગુસ્સો કરે તો પણ શાંત જ રહેવું.

"આઈ એમ ફાઈન સર, તમારા હાથે હવે કેમ છે?"

"ઘણું સારું છે, એક્ચ્યુલી, મારે તમને થેન્ક્યુ કહેવું જોઈએ, તમે એ રાત્રે મારી મદદ ના કરી હોત તો કદાચ મારે હાથ અત્યારે ન હોત."

"કાલના વર્તન માટે સોરી નથી કહેવું?" આર્યાએ મનમાં જ કહ્યું.

આર્યા અને અનિરુદ્ધ ની વાતચીત ઓફિસમાં બધાનું ધ્યાન ખેંચી રહી હતી. જિજ્ઞાસાવશ બધા એ બંને સામે તાકી રહ્યા હતા.

"ઈટ્સ ઓકે સર, એ તો મારી ફરજ હતી." આર્યાએ અનિરુદ્ધની સામે એની આંખમાં આંખ નાખીને જોયું અને પછી કહ્યું, "તમારી જગ્યાએ કોઈ પણ હોત તો હું આવું જ વર્તન કરેત, કોઈપણ."

આર્યાના છેલ્લા વાક્યથી અનિરુદ્ધને ગુસ્સો આવ્યો, પણ દર્શાવ્યો નહીં. છેલ્લા વાક્યમાં અનિરુદ્ધ પ્રત્યે ભારોભાર ઉપેક્ષા જણાઇ આવતી હતી. આર્યાને એમ હતું કે એ ફરી ગુસ્સો કરશે પણ અનિરુદ્ધ ત્યાંથી ચાલતો થઈ ગયો. આર્યાની નવાઈ વચ્ચે એણે કશું કહ્યું નહીં.

***

માર્ગીને અનિરુદ્ધે ઓફિસમાં બોલાવી, માર્ગી ગઈ એવી તુરંત બહાર આવી, એ બહાર આવી ત્યારે તેના એક હાથમાં એક કવર હતું અને આંખોમાં આંસું.

એણે બહાર આવીને એ કવર હેડકલાર્કને આપ્યું, એ માર્ગીનો ટ્રાન્સફરનો ઓર્ડર હતો અને એમાં એને સજામાં છેક છેવાડાના તાલુકામાં મૂકવામાં આવી હતી.

આખી ઓફિસમાં ચર્ચા થવા લાગી, આમ અચાનક માર્ગીની બદલી કરી નાખવા પાછળ શું કારણ હશે એ વિશે બધા તર્ક કરવા લાગ્યા.

"આ તો જોહુકમી કહેવાય, આમ કોઈ કારણ વગર અચાનક આ રીતે બદલી કરાતી હશે? એ પણ એક યુવતીની?"

એક કર્મચારી હજુ તો બોલી જ રહ્યો હતો ત્યાં અનિરુદ્ધ બહાર આવ્યો,

"જે પણ વ્યક્તિને માર્ગી પ્રત્યે સહાનુભૂતિ હોય, એ પણ તેની સાથે બદલી કરાવી શકે છે, આજે જ હું સાઇન કરાવી આપીશ. આમ તો મારે કોઈને કારણ જણાવવાની જરૂર નથી, પરંતુ માર્ગીએ જે કર્યું છે એ ફરીવાર ઓફિસમાં ન થાય એ માટે માર્ગી આપણને સૌને જાહેરમાં કારણ જણાવશે. જો માર્ગી કારણ અહીં જણાવે નહીં તો પછી હું સીસીટીવી ફૂટેજ બતાવીશ, જેથી સૌને જાણ થાય કે માર્ગીએ શું કર્યું છે. ગો અહેડ, મિસ માર્ગી."

માર્ગી એ નીચી નજરે અથથી ઇતિ સુધી બધાને કહી સંભળાવ્યું. બધા માર્ગી પ્રત્યે ઘૃણા ભરી નજરે જોઈ રહ્યા કારણ કે એણે જે કર્યું હતું તેનું પરિણામ આર્યાને ભોગવવું પડયું હતું, સાંભળવું પણ પડયું હતું.

પોતાની ઓફિસમાં પાછા જતા પહેલા અનિરુદ્ધએ આર્યા સામે જોયું અને પછી તે અંદર જતો રહ્યો.

બધું કરશે પણ સોરી નહીં કહે.... એમ આર્યા મનમાં વિચારી રહી.

ક્રમશઃ