Aaruddh an eternal love - 17 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૧૭

"ગુડ મોર્નિંગ સર..."

"મોર્નિંગ...."

આજે અનિરુદ્ધ ખૂબ બિઝી હતો. આર્યા સમજી શકતી હતી કે આજનો દિવસ એના માટે કેટલો ગંભીર અને મહત્વનો હતો. બધા કામે લાગ્યા હતા. આર્યા પણ સમય બગાડ્યા વગર વ્યવસ્થામાં જોડાઈ ગઈ.

આરામ કરવાની ડોક્ટરની સલાહ અનિરુદ્ધ સતત અવગણી રહ્યો હતો. એને જોઈને એની ખરાબ શારીરિક પરિસ્થિતિ જણાઈ આવતી હતી. પ્રધાનમંત્રી અને બીજા મહેમાનો આવી ચૂક્યા હતા, કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો. હાથે પાટો બાંધેલા અનિરુદ્ધને સતત દોડધામ કરતો જોઈને ખુદ પ્રધાનમંત્રીએ પણ એની તબિયત પૂછી.

અનિરુદ્ધે બનાવડાવેલ જિલ્લાનો ઇતિહાસ તો એ દિવસે ખૂબ જ વખણાયો. સર્વત્ર અનિરુદ્ધની વાહ-વાહ હતી. પરંતુ અનિરુદ્ધને ખબર ન હતી કે બે ખૂંખાર આંખો એને જોઈ રહી છે, એ બે ખૂંખાર આંખો એનું જીવન તબાહ કરવા માટે સ્વપ્ન સેવી રહી હતી.

"કામ તો બધા કરતા જ હોય છે અનિ, મારે તને કેટલી વાર કહેવાનું કે તારે તારી જાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. તને આટલો તાવ છે, શરીરમાં આટલી નબળાઈ છે, ડોક્ટરે તને એડમિટ થવાનું કહ્યું છે, અને તે સવારનું ખાધું પણ નથી? ખાવાની તો ક્યાં વાત કરવી, ભરત હમણાં કહેતો હતો કે તે પાણી પણ પીધું નથી."

"રિલેક્સ અનન્યા, હું કંઈ બાળક થોડો છું? બસ હવે હું ફ્રી છું, થોડું કામ પતે એટલે ઘેર જઈને ડીનર લેવાનું જ છે. તું મારા માટે દાળ બાટી બનાવી શકીશ?"

"મને ફાવતી નથી, પરંતુ વિડિયો જોઇને બનાવી આપેત, પણ મારે કોઈ કામ માટે ખાસ જવું પડે એવું છે, કાલે ચોક્કસ આવીશ."

અનિરુદ્ધ ઘડીભર એને જતાં જોઈ રહ્યો, પાછો પોતાના કામે વળગી ગયો. આર્યા એ બંને ને જોઈ રહી હતી, આર્યા એ પણ સમજી રહી હતી કે આજે અનિરુદ્ધ પોતાની સામે પણ જોતો નથી. રોજ એ એની સામે તાકી રહેતો એ ગમતું ન હતું પણ, ઘણી વખત કોઈ વ્યક્તિ ધ્યાન આપે એના કરતા બેધ્યાન રહે ત્યારે એની વધારે નોંધ લેવાતી હોય છે.

બધા ઉજવણીના સ્થળેથી વિદાય થઈ ગયા હતા, ઉજવણી પૂરી થઈ ગઈ હતી. ઉજવણીના સ્થળે બધું કામ આટોપવા ની જવાબદારી હેડક્લાર્ક એ આર્યા ને સોંપી હતી. અનિરુદ્ધ બધા મહેમાનો સાથે વિવિધ સ્થળોની મુલાકાતે નીકળ્યો હતો. એનો હાથ સખત દુખાવો કરતો હતો, માથું પણ સખત દુઃખી રહ્યું હતું.

સાંજ પડતા તો ઊજવણીના સ્થાને લગભગ કામ પૂરું થઈ ગયું હતું. આ કામ આર્યાને બિલકુલ ગમતું ન હતું કારણકે ત્યાં હાજર બધા એની સામે જે દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા એ એને ખૂંચતી હતી. આર્યા ત્યાથી નીકળવાની તૈયારી કરતી હતી. એ મેદાન શહેરની થોડું બહાર હતું, આર્યાને જે વાતની બીક હતી એવું જ ‌ થયું.

એ હેડકલાર્કને વ્યવસ્થા માટે રોકાવાની ના પાડી શકી ન હતી, પરંતુ એ જાણતી હતી કે જો સાંજે મોડું થશે તો એના માટે તકલીફ થશે. શહેરની બહાર આવેલા એ મેદાનની થોડે દુર રસ્તો પસાર થતો હતો. આર્યા ત્યાં જઈને ઉભી રહી, કોઈ ઓટોરિક્ષા દેખાતી ન હતી.

આર્યા જે વિચારે એ આજે જાણે સાચું પડવા બેઠું હોય એમ એક ગાડી આવીને ઊભી રહી. એને બીક હતી કે એને જોઇને કોઇ અડપલા તો કરશે જ, એવું જ બન્યું. ગાડીમાંથી એક માણસ ઉતર્યો, કશું જ પૂછ્યા કર્યા વગર એણે સીધો આર્યાનો હાથ જ પકડ્યો. જાણે એ જાણતો હતો કે આર્યા અનાથ છોકરી છે!!

આર્યા એકદમ ચીસો નાખવા મંડી પરંતુ એને બચાવનાર કોઈ હાજર ન હતું. આર્યા ડરપોક કે નબળી છોકરી ન હતી, એણે પેલા માણસને જોરથી બચકું ભર્યું અને એક લાત મારી. એ માણસ ત્યાં જ બેવડ વળી ગયો.

"એમ ન વિચારીશ કે કોઈ છોકરી તમારો પ્રતિકાર ન કરી શકે એટલી નબળી હોય છે."એટલું બોલીને આર્યા મુઠ્ઠીઓ વાળીને દોડવા લાગી.

આર્યા પગપાળા હતી અને પેલો માણસ કળ વળી એટલે તુરંત ગાડી લઈને એની પાછળ થયો, એ આર્યાને આંતરવાની તૈયારીમાં જ હતો ત્યાં સામેથી બીજી કોઈ ગાડી આવતી જણાઈ.

એ ગાડી ઉભી રહી, એમાંથી પહેલા અનિરુદ્ધનો બોડીગાર્ડ ઉતર્યો, પછી અનિરુદ્ધ ઉતર્યો. અનિરુદ્ધ બધી હકીકત સમજી ગયો. એ ખૂબ જ ગુસ્સે થયો.

પેલા માણસે ગાડી જવા દીધી, પુરપાટ. અનિરુદ્ધે ડ્રાઇવર અને બોડીગાર્ડ બંનેને એની પાછળ મોકલ્યા. પોલીસને પણ જાણ કરી દીધી.

એણે આર્યાને પોતાની સાથે ચાલવા કહ્યું, જ્યાં સુધી કોઈ વાહન ન મળે અથવા તો ડ્રાઇવર ગાડી લઈને પાછો ન આવે ત્યાં સુધી એને ચાલવું પડે એમ હતું.

"અમુક લોકોને બહાદુર થવાનો ખૂબ શોખ હોય છે. દિવસ કે રાત જોયા વગર પોતાની બહાદુરી બતાવવા નીકળી પડવાનું. શું જરૂર હતી આટલે મોડે સુધી રોકાવાની?"

સવારનો અનિરુદ્ધ પોતાની સાથે કશું બોલ્યો ન હતો, અત્યારે એ વઢી રહ્યો હતો તો પણ આર્યાને સારું લાગતું હતું.

આર્યાના મોં પર સ્મિત આવી રહ્યું હતું, એ અનિરુદ્ધે જોયું.

"હસવું કેમ આવે છે? હું જોક કહી રહ્યો છું?"આર્યા એ વધી રહેલા અંધકારમાં અનિરુદ્ધ સામે જોયું, એનું મોં સ્પષ્ટ દેખાતું ન હતું પરંતુ એટલું આર્યા સમજી ગઈ કે એને સખત દુખાવો થઈ રહ્યો છે.

"એમ તો તમે પણ બહાદુર છો એવું બતાવવાનો પ્રયત્ન છેલ્લા કેટલાય દિવસોથી કરી જ રહ્યા છો ને! તમારે તમારા હાથ સામે પણ જોવું જોઈએ, તમારી બેદરકારી ગંભીર બની શકે છે."

અનિરુદ્ધ જવાબ આપી શક્યો નહીં, એ ત્યાં જ એક મોટા પથ્થર પર બેસી પડ્યો. કદાચ એના હાથમાં પાક થઈ રહ્યો હતો, અનિરુદ્ધ કણસી રહ્યો હતો, આર્યાએ અચકાતા અચકાતા એના કપાળને સ્પર્શ કર્યો તો એનું કપાળ સખત ગરમ હતું.

"સર... સર.... તમે ડ્રાઈવરને પાછા બોલાવો, તમારી તબિયત બહુ ખરાબ છે, તમારે દવાખાને જવું જોઈએ."

આર્યાએ કહ્યું પરંતુ અનિરુદ્ધ તરફથી કશો જવાબ મળ્યો નહીં.

આર્યા અનિરુદ્ધના ખભે અડકી તો એ નમી ગયો. એ બેભાન થઈ ગયો હતો, આર્યા ગભરાઈ ગઈ, ખૂબ અંધારું અને નિર્જન જગ્યા હતી, એને કશું સૂઝતું નહોતું. એણે અનિરુદ્ધની આંગળી એના ફોનને અડકાડી, પરંતુ આજે લોક ખૂલ્યું નહીં.

શું કરવું એ વિચારમાં આર્યા મગ્ન હતી, ત્યાં જ કોઈએ એના માથાના પાછળના ભાગમાં જોરથી કશુંક માર્યું, એને કશું દેખાયું નહિ અને એની આંખો બંધ થઈ ગઈ, એ પણ ત્યાં જ ઢળી પડી.


ક્રમશઃ