Vikhuti vijogan books and stories free download online pdf in Gujarati

વિખુટી વિજોગણ

કુદરત ના ખોળે આવેલું કુંજર નામે એક ગામ હતું. એ ગામમાં ડાહ્યા ભગત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. પૈસે-ટકે સુખી અને વિદ્વાન પણ હતા. પરંતુ પોતાનું જ્ઞાન વધારે પ્રમાણમાં નહોતા આપતાં. પત્ની ના ગયા પછી પોતાનું જીવન પ્રભુ ભક્તિ માં જ વિતાવતા. પ્રભુ ના પ્રસાદ જેવી તેમની એકની એક છોકરી વૃંદા ને મોટી કરવામાં કઈ કસર છોડી નહોતી.
વૃંદા તેના નામ પ્રમાણે જ ગુણો ધરાવતી સ્વભાવ માં સાવ ભોળી ને રૂપ માં કામણગારી લગતી મનમોહનક છબી ની અમિટ છાપ છોડીને જાય તેવી બધા ગામવાળા કહેતા વૃંદા તેની માં પર ગઈ છે.
કુંજર ગામ એ વખત માં પોતાની આગવી ઓળખ ધરાવતું. લોકો હળીમળી ને રહેતા. એકબીજાની ખેતરે કામમાં મદદ કરાવવી, ખેડ, ખાતર, બી વગેરે લાવવામાં પણ એકબીજાની મદદ જ કરતા હોય છે. આ ઉપરાંત ગામમાં કંઈક સારો નરસો પ્રસંગ હોય કે કોઇ મરણ પ્રસંગ હોય બધા એકબીજાની મદદરૂપ જ થાય.
કુંજર ગામની દશેક કિલોમીટર દૂર એક કાગધી નામે નગર હતું. એ નગરી માં મહાકાળી નું મોટુ મંદિર આવેલું હતું. એમના જુના રાજા મહારાજાઓ મહાકાળી ની વર્ષો થી મેળો લગાવી ને ભક્તિ ભાવ પૂર્વક તેમની પૂજા અર્ચના કરે છે. આજુબાજુ ના ગામોમાંથી પણ ખેડૂત વર્ગ મોટાપાયે પોતાના બળદગાડા જોડીને મેળો જોવાનું ભૂલતા જ નથી. બળદગાડા ને તથા બળદો ને શણગારી ને બળદો ની પગમાં ઘૂઘરા ને ડોકમાં પણ ઘૂઘરા લટકાવી મીઠાં નાદે કાગધી ભણી ને નીકળતા હોય છે. એ નજારો જ અનન્ય હોય છે.
વૃંદા પણ મેળો જોવા અધીરી બની જાય છે. તે આખા વર્ષ માં પોતાની તૈયારીઓ કરી જ બેઠેલી. નવા કપડાં, કંદોરો, બંગડીઓ, ઝૂમખાઓ વગેરે વસ્ત્રાભૂષણો પોતે જાતે જ ખરીદી લીધેલા. આ વખતે મેળામાં પોતાના હાથે કંઈક નામ કોતરાવા નું તે વિચારતી. જયારે તલાવડી માં પાણી ભરવા જાય કે બળતણ માટે લાકડા વીણવા જાય તે પોતાની સહેલીઓ ને એકજ વાત કહેતી કે હું આ વખતે મેળામાં પાક્કું જવાની. હવેતો સહેલીઓ પણ તેને એવું કહીને ચીડવે છે કે ;મેળા માં કોઇ રાજકુમાર મળવા આવે છે કે કેમ? પણ વૃંદા આવું સાંભળી કઈ બોલ્યા વગર નીચેનો હોઠ ચાવીને તરત ત્યાંથી ચાલી જતી.
આમ તો વાતેય સાચી હતી. કાગધી નગરી ના રાજકુમાર વનરાજસિંહ વૃંદા ને મનોમન વરી ચુક્યા હતા.
એકવાર શિકાર થી થાકી ને પાછા ફરતા રાજકુમાર ની નજર આ જોબનવંતી, મૃગનેણી વૃંદા ઉપર પડે છે, એના રૂપ થી અંજાઈ ગયેલો રાજકુમાર એને પોતાના હૈયામાં સ્થાન આપી દે છે. એ વાતની ખબર વૃંદા ને બિલકુલ નથી. તે પોતાની ધૂન માં જ મેળે જવા ઉતાવળી બની જાય છે. આ વખત ના મેળામાં વૃંદા ને જરૂર થી મળવાનો અડગ નિર્ણય કરી બેઠેલો રાજકુમાર વનરાજસિંહ પણ પોતાની પ્રેમિકા ને મળવા ઘાયલ પંખીડા ને પાંખો નીકળવાની હોય એમ મેળો જોવા અધીરો બની રાહ જોઈ રહ્યો છે.
બધા ખેડૂતો મેળો આવે એ પહેલા પોતાના ખેતરમાં બધું જ કામ પૂરું કરવા માટે જોર શોર થી કામ કરે છે. બળદગાડાં થકી ગુણો ને ખેતરમાંથી ઘરે લઈને નાખી દીધી હતી. વાવેતર નું બધું પતાવી ને ગામલોકો મોટાભાગ નું કામ પતાવી જવા પામ્યું છે. હવે પછી ખેતર માં વાવવા માટે બી ની ખરીદી પણ મેળા માંથી જ કરવાની હોય છે. મેળામાં લેવા માટે ની વસ્તુઓ માં રહી ના જાય તેની ગણતરી માં પણ કેટલાક લોકો લાગી ગયા હતા.
એવામા મેળા ના દિવસો નજીક આવતા ગયા. સવાર, બપોર, સાંજ પછી બીજો દહાડો આમ, માણસો દિવસ કાઢવા લાગ્યા. કોઇ વડીલો તો મૂછ ને તાવ દેતા રહે પછી મેળામાં નીચી ના થઇ જાય. દિવસો વીતતા ગયા તેમ મેળાનો સમય પોતાના બારણે ટકોરા મારે એવું જણાઈ રહ્યું હતું. એના બીજા દિવસે મેળો હતો.
કેમકે કુંજર ગામના વેપારીઓ એ મેળામાં પોતાની દુકાન નાખવા પહેલા જ દિવસે જવાની ઉતાવળ માં હોય છે, મેળામાં પોતાની વિવિધ ચીજો વેચવા માટે વેપારીઓ તથા ફેરિયાઓ આગળના દિવસે ત્યાં જતા હોય છે.
રાત્રે સુતા લોકોને ઊંઘ પણ નહોતી આવતી સપનામાં પણ તેઓ કંઈક ખરીદી કરી રહ્યા હોય તેવું કરતા હતા. ફેરિયા સાથે પૈસા ની લેવડદેવડ માં બૂમો પડાઈ ગઈ ને બધા જાગી ગયા. પાછા મેળા ને યાદ કરીને માથા માં ટપલી મારીને પાછા સુઈ જતા. અમુક લોકો ઊંઘમાયે ચગડોળા માં ચક્કર લગાવતા પ્રતીત થતા. આમ ગામલોકો પોતાના સ્વપ્ન માય મેળાના અનુભવ થકી આંનદ મેળવતા મીઠી નિદ્રા માં પોઢે છે.
સવારે ભગવાન સૂર્ય નારાયણ બધાને દર્શન આપવા સુવર્ણ કિરણો રૂપી અમૃત છાંટતા પૂર્વ દિશા માંથી આ બાજુ ડોકિયું કરે છે. મેળાની યાદમાં રાત્રે ના ઊંઘેલા માણસો, સવારની શીતળ વાયુ થી મીઠી નિદ્રા છોડીને પણ ઉભા થઇ ગયા. ધણે બાંધેલા પશુઓ પણ વિચાર કરે છે કે આ લોકો શાની ધમાલ માં છે. આજે બધા કામો વહેલા વહેલા શા માટે પતાવે છે.
દુધાળા પશુઓને ચારો કાપી ને નંખાયો. યુવાનો તથા વડીલો બળદો ને એકબાજું લઈને તેઓને શણગારવામાં જ પોતાનો સમય કાઢવાની વાત કરે છે. બળદગાડાં ને ધોઈને, માથે થી ધૂળ કાઢી ને ઘસી ઘસીને સાફ કરવામાં આવે છે. ગાડા ની ઉપર વાંસ ની નાની પટ્ટીઓ ગોળાકારે બાંધવામાં આવે છે. એની ઉપર રંગબેરંગી ચૂંદડી, દાળિયા ના ઝગમગતા પ્રકાશ થી શેરીઓ માં આભલા ટાંક્યા હોય તેવું લાગે છે. બળદો ના પગમાં ઘૂઘરમાળ ને ડોકમાં મોટા ઘૂઘરા બાંધી. શીંગડા માં ભાત ભરેલા ઝુલ પહેરાવાયા.
આવી તૈયારીઓ મેળે જવા માટે પુરજોશ માં થઇ.
આ બાજુ કુંજર ગામમાં બધી સહેલીઓ ને મળવા માટે ઉતાવળી થતી વૃંદા પોતાનો શણગાર કરી રહી છે. નવા વસ્ત્રો પહેર્યા છે, હાથે નાની ભાતવાળી ઝીણી ઘૂઘરી લટકતી બંગડીઓ છે. એની નાજુક તથા પાતળી કેડમાં કંદોરો આવવાથી તેની સુંદરતા ઘણી જ વધી ગઈ હતી. પગમાં એની માતાના જૂની કારીગરી ના પ્રતીક એવા ઝાંઝર પણ હતા. રૂપ રૂપ ના અંબારસમી વૃંદા તૈયાર થઇ ત્યારે તે સ્વર્ગ ની અપ્સરા જેવી લગતી હતી. જાણે બીજો સૂર્ય ધરતીપર જોઈ લ્યો. બધી સહેલીઓ માં તે અલગ જ ઉપસી આવતી હતી. વૃંદા તેની સહેલીઓ સાથે ગાડામાં ગોઠવાઈ ને બેસી ગઈ અને બળદો મેળે જવા કાગધી નગર તરફ હંકારી મુક્યા.
આ બાજુ કુમાર વનરાજસિંહ પોતે આખી નગરી ને ફૂલ -માળા ને અબીલ ગુલાલ થી શણગારી મહાકાળી ના મેળામાં આવનાર ભાવિ ભક્તો ને કોઇ મુશ્કેલી ના પડે તેનું નિરીક્ષણ તેઓ જાતેજ નિહાળી રહ્યા છે.
બધા ગાડાઓ રસ્તામાં છે. ભાણ ના ધીમા સવારના તડકામાં ગાડાં ચાલ્યા જાય છે. બળદો ના પગ ના ઘૂઘરમાળ ના ઉત્પન્ન થતો ધ્વનિ દરેક પળે મેળાની યાદ તાજી કરાવે છે. આ ધ્વનિ ઓ મનને આંનદ થી તરબોળ કરી દે છે. જોત જોતામાં ગાડાં કાગધી નગરી ના સીમમાં આવી પહોંચ્યા. નગરી ના દરવાજેથી જ ગ્રામજનો તથા દેશાવર થી આવેલા લોકોની ભીડ દેખાઈ આવતી હતી. મેળામાં વધારે ભીડ હોવાથી ગાડાં ત્યાંજ થંભાવી ને પગપાળા ચાલી ને વૃંદા અને તેની સખી મેળામાં પહોંચી. બધી સહેલીઓ તથા વૃંદા ના મુખારવિંદ પર એક અવિસ્મર્ણીય આંનદ ની રેખા હતી.
વનરાજસિંહ પણ પોતાનો ઘોડો લઈને મેળામાં આવેલા. બે સૈનિકો સાથે તેઓ મેળાને માણી રહ્યા છે.
વાંકડી મૂંછો ધરાવતો, શૂરવીર ની નિશાની સમી છાતી, ખભા સુધી આવતા વાંકડિયા તેના કેશ, હ્રુષ્ટ પૃષ્ટ ખમીરવંતો જુવાન ઘોડા પર શોભી ઉઠે છે. મેળામાં ચાલતી ઘણી સ્પર્ધાત્મક કસોટીઓ, ફેરિયાઓ તથા મીઠાઈ તથા રમકડાંની દુકાનો મેળામાં અદ્ભૂત રંગો છાંટી મેળામાં ચાર ચાંદ લગાવી દે છે.
સંજોગોવશાત બને છે એવું કે એ મેળામાં એક તોફાની બળદ લોકોના ટોળાથી ગભરાઈ ને બેબાકળો બનીને મેળામાં ઘૂસી જાય છે બધા લોકો મોટા અવાજો તથા ત્રાડ પાડી એ બળદ ને હંકારે છે, પરંતુ બળદ એ મોટી આંખો કાઢીને કૂદાકૂદ કરી મુકે છે. કુંવર વનરાજસિંહ ને પણ આ વાતની જાણ થતા તે બળદ ની બાજુ આવવા ઉતાવળો થાય છે, પરંતુ માણસોની ભીડના કારણે તેને આવવામાં વિલંબ થાય છે.
આ બાજુ ઉશ્કેરાયેલો બળદ વૃંદા તથા તેની સહેલીઓ ના ટોળાં ભણી દોડ લગાવે છે. જેના લીધે ભાગમ ભાગ થઇ ચુકી છે. દુકાનવાળાઓ દુકાન ખુલ્લી છોડીને નાસી છૂટે છે. પોતાના પ્રિયજનો તથા બાળકોને બચાવવા યુવાનો દોડ મુકે છે, આમ મેળો અસ્તવ્યસ્ત થઇ જવા આવ્યો હતો.
બળદ વૃંદાનો પીછો કરી ને મારવા માટે ધસી આવે છે. ત્યારે અચાનક દેવદૂત બનીને આવેલો યુવરાજ બળદના શીંગડા પકડીને ઉભો થઇ જાય છે. સૌના રક્ષણ કરનાર ક્ષત્રિય ને આ બળદ સાથે બાઝતો જોઈ વૃંદા આ યુવાન તરફ આકર્ષાય છે પણ સ્તબ્ધ બની ઉભી રહી જાય છે. કુંવર બળદ ને જમીન પર પટકે, પાછો બળદ કુંવર ને પટકે આ યુદ્વ જોવા આખો મેળો કાગડોળે નિહાળી રહ્યો.
કુંવર નો ઈરાદો બળદ ને મારવાનો નહોતો. પણ પાઠ ભણાવવાનો હતો. પરિણામે કુંવર વનરાજસિંહ બળદ ને પોતાના વશ માં કરીને મેળાની બહાર લઈને જાય છે.
વૃંદા આ બધો નજારો જોઈને બાઘી જ બની ગયેલી. થોડીવારે તે સ્વસ્થ થઇ પાણી પી ને પાછી મેળામાં ફરવા લાગી. જે યુવાને વૃંદાને બચાવી તેનો આભાર માનવા માટે તેને એ યુવાનને મળવાનું વિચાર્યું. યુવરાજ ને મળવા માટે સૈનિકો આનાકાની કરે છે છતાંય વૃંદા આગ્રહ કરે છે એટલે જવા દેવાય છે
ત્યાં જઈને વૃંદાએ જોયું તો એને બચાવનાર તથા તેના મનમાં વસીગયેલ છબી એ આ નગરીનો રાજકુમાર વનરાજસિંહ પોતે હતો. મનમાં ને મનમાં તે રાજી થઇ. પણ કુમાર ને આમ સામે જોતા તે સ્તબ્ધ પણ હતી.
પોતાના હાથના અંગુઠા તથા આંગળીઓ મસળતી તથા નીચેનો હોઠ ચાવતી એટલે તે ગંભીર છે એવું પ્રતીત થાય છે. રાજકુમાર પણ વૃંદાને આમ સામે જોઈને આભો બની ગયો હતો. પોતાની સ્વપ્નસુંદરી ને સામે જોઈ રાજકુમાર સ્થિર થઇ જોઈ જ રહ્યો. યુવરાજ મનમાં વિચારે છે કે જે સ્ત્રી માટે તે મેળામાં ગયો હતો એ આમ સામેથી મળશે એ પોતાને અણસાર પણ નહોતો. બન્ને આમ ઉભા રહી ગયા,.કુંવર ની આંખોમાં પ્રેમના ઉભરતા આસુંડા જોઈને વૃંદા હિમ્મત કરી આગળ વધી. ગળામાં ડૂમો ભરાઈ જવાથી કઈ બોલાતું પણ નહોતું.
વૃંદા એકાએક આગળ પહોંચી કુંવર ને બાથ ભરી લીધી. આમ અચાનક વૃંદા ને જોઈ કુંવર પણ ભાવુક બની ગયો. બન્ને પ્રેમી પંખીડા પોતાના પ્રિય ની બાથમાં ભરાઈ ને એકબીજાની વેદના ઓછી કરી રહ્યા છે. પોતાના કુંજર ગામ ની વાતો તથા મેળામાં આવવા માટેની તૈયારીઓ વગેરે વાતો વૃંદા કુંવર ને કરે છે. કુંવર પણ પોતાના ગામની તથા મહાકાળી માતાની સ્થાપના, જુના રાજવીઓ ની વાતો તથા પહેલીવખત વૃંદાને જોઈ એ બધી વાતો કરે છે.
એમની વાતો માં તેઓ એટલા મુગ્ધ બની ગયા કે શુ સમય થયો એ પણ ભાન નહોતું. બન્ને પોતાના થી એકબીજાથી અલગ થવાનું કરતા જ નથી.
સાંજ ઢળવાની તૈયારી છે બધા ગાડાં ગામમાં પાછા જવા ગોઠવાઈ ગયા છે. પણ વૃંદાનો ક્યાય પત્તો નથી. સહેલીઓ ને ખબર કે તે પેલા યુવાન ને મળવા ગઈ છે, પણ ગામવાળા ને ખબર પડે તો એમી ખેર નહિ. બધાથી છુપાવી ને બધી સહેલીઓ અલગ અલગ જગ્યાએ વૃંદાને ગોતવા માટે જવા રવાના થઇ ગઈ. એવામા એક સખી ને વૃંદા મળી ગઈ તેને વૃંદા ને સાદ પાડ્યો. ત્યારે કુંવરને પણ લાગ્યું કે હવે તારે જવુ જોઈએ.
એકબીજાથી જુદા પડવાનું મન નથી છતાંય થોડીવાર સખી જોડે જાય છે. પળવાર માં પાછી દોડી ને વનરાજસિંહ જોડે જઈ કઈ બોલ્યા વગર નીચી નજરે ઉભીરહી જાય છે કુંવર વનરાજ વૃંદા ને ફરી તેના ગામમાં મળવાનું વચન આપે છે ત્યારે એ કોલ ને નિભાવવા માટે મહાકાળી ની સોગંદ લે છે. કુંવરના ફરી મળવાના વચનથી આસ્વસ્થ થઇ વૃંદા સખી સાથે ચાલવા લાગે છે. જતજતા તે કુંવરને કહેછે ; "કોલની ભાળ રાખજો વાલા".
એટલું કહી તે એકદમ દોડીને જતી રહે છે. કુંવર પણ નિઃશાસો નાખીને પોતાના ઘોડા ઉપર બેસીને ત્યાંથી તેના નિવાસસ્થાને જતો રહે છે. વૃંદા પણ સહેલીઓ જોડે ગામ માં જવા નીકળે છે.વુંદા અને વનરાજસિંહ ની ખબર વૃંદા ની સહેલીઓ સિવાય કોઈને નહોતી એટલે વૃંદાને બીજી વાતોમાં ધ્યાન ભટકાવી વાતો કરાવતી ગાડામાં જાય છે એની સાથે જ સૂરજ દાદા નિસ્તેજ બની ધીમે ધીમે ચોતરફ અંધારું પાથરી દે છે.
પ્રીતમ થી છુટા થવાંથી વૃંદા એકદમ બદલાઈ ગઈ હતી. કયું કામ ક્યાં ટાઈમે કરવું એ પણ ભાન નથી રહેતું. કુંવર સાથે વીતેલા પળો માં તે રાચ્યા જ કરતી, મેળામાં મળવું, બળદ સાથે લડવાનું, શૂરવીરતા નું પ્રદર્શન, મધુર મિલન અને છુટા પડતા આપેલું વચન. વચન ની યાદ આવતા તે સફાળી દોડી જઈ ને ભીંત ઉપર કરેલા કોલસાના લિસોટા ગણતી અને પોતાના પ્રીતમ ને મળવા અધીરી બની જતી.
કાગધી નગરી ના કુંવર વનરાજસિંહ પણ ગુમસુમ ફરતો જ નજરે પડતો અચાનક એના હાવભાવ આમ બદલાતા જોઈ ને દરબારીઓ માં આશ્ચર્ય અનુભવાતું કામમાં પોતાનું મન ક્યારેય ના પરોવતો. મોકા નો લાભ ઉઠાવવા માટે એના રાજ ના જ દુશમ્નો કુંવરને આમ નિર્બળ જોઈ પૂરો કરવાનું કાવતરું ગડયે જ રાખતા હતા.
એકદિવસ એના મંત્રીઓએ કુમારને કાવતરું કરી ને ખોટા બાના બનાવીને શિકાર ખેલવા માટે લઇ ગયા. બધા પોતપોતાના ઘોડા ઉપર સવાર થી ભેખડો વટાવી બીજી બાજુ લઈને જાય છે, ત્યાં બધા બેસીને થીડીવાર વિશ્રામ કરવા નું કીધું. વૃંદાના વિચારોમા વ્યસ્ત કુમાર ને ગાઢ નિંદર આવી જાય છે. મોકાનો તાગ મેળવતા મંત્રીઓ એકસામટા ઘા સાથે કુંવર નું પ્રાણ પંખેરું ઉડી જાય છે. આ બધું એકજ ક્ષણ માં થયું નહીંતર આ સિંહ ને કદાપિ હાથ પણ ના લગાડત. કુંવર ને ઊંઘ માં જ મારી નાખી ને કાગધી નગરી ના રાજા નું રાજ હડપવા માટે આ કાચા નારિયેળ જેવા યુવાન નું માથું વધેરી નાખ્યું.
બીજી બાજુ કાગધી નગરી માં તથા ચો તરફ આવા સમાચાર ફેલાવી દીધા કે, કુંવર નું મૃત્યું સિંહ ની આખેડ માં જતા સિંહ ના હુમલાથી થયું છે અને એની સાક્ષી આખા મંત્રીઓ પુરે છે. આ બધું સાંભળીને આખુ ગામ હીંબકે ચડ્યું. કુંવર ગરીબોનો બેલી હતો. આખાયે નગર માં બધા ચોધાર આંસુએ રડી ઉઠ્યા. આખાયે રાજ માં હાહાકાર વ્યાપી ઉઠ્યો. કાગધી માં જાણે કંકુનો સુરજ આથમ્યો.
કુંજર ગામમાં આ સમાચાર પહુંચતા જ વૃંદા ની સહેલીઓ વૃંદા ની પાસે દોડી આવી. એમના પગ ભારે થઇ ગયેલા, પગ નીચેથી જમીન ખસીજાય તેમ પગ પણ કામ ના કરે તેમ સખીઓ ઢસડાતા પગે વૃંદા પાસે આવીને આ હકીકત સંભળાવે છે, યુવરાજ ને આ રીતે મરેલો સાંભળીને વૃંદા રડવાના બદલે "અટ્ટહાસ્ય "કરે છે. અને કહે છે. "મારાં વાલમે મને કોલ દીધો સ, ઈ કોલ હાટુ ઈ એજ દને આવશે. " અને આવે એટલે એમને બધાને બતાવવાની પણ વાતો કરતી. બધીજ સહેલીઓ તેને વારંવાર સમજાવે છે. છતાં તે માનવા માટે તૈયાર નથી. હજુ ત્રણ દિવસ મળવામાં બાકી છે. તે મળવા આવે એટલે જોઈ લેજો ની વાતો કરતી તે ઘરમાં જતી રહે છે .
તેની સખીઓ વૃંદા ને ગાંડી સમજી ત્યાંથી જતી રહે છે.
વૃંદા ના પિતાજી ને બાજુના ગામમાં સાત દિવસના યજ્ઞ-હવનનું આયોજન માં ભાગ લેવા માટેનું આમંત્રણ મળેલું. એટલે તેઓ વૃંદાને ઘરનું બધું સમજાવી, થોડાક પૈસા આપી ને ત્યાંથી તેમના પુસ્તક, પોટલું લઈને ચાલી નીકળે છે. જોત જોતામાં ઘરના કામોમાં પરોવાયેલી વૃંદા નો દિવસ આથમી જાય છે. બીજી જ સવારે તેને આપેલા કોલ નો સમય થઇ જાય છે અને તે પ્રીતમ ને મળવા અધીરી બની ઘર છોડીને ત્યાંથી નીકળી પડે છે.
વૃંદા ગામના પાદરે બેઠી રાજકુમાર ની વાટ જુએ છે. દૂર સુધી નજર કરતા કેવળ બાવળ ના ઝાડ, તથા ઢીંચણ સુધીના નાના છોડવાઓ જ પથરાયેલા જોવા મળે છે. હરણ, નીલગાય જેવા પશુઓ પણ આ જંગલ માં ફરે છે.
દૂરથી કોઇ ઘોડેસવાર આવતો હોય તેવો વૃંદા ને આભાસ થાય છે. પણ પછી પાછુ કઈ ના દેખાતા તે નિરાશ થઇ બેસી જાય છે. ભૂખ નું પણ ભાન નથી. તરસ પણ તનમાં નથી. ખાધા પીધા વગર તે પિયુ ને ગોતવા આગળ વધે છે. સહેલીઓ જે વાત કરતી એ સાચી તો નહિ હોય ને?.શું કુંવર ક્યાય જતો રહ્યો હશે કે શું?. આવા બધા પ્રશ્નો વૃંદા ના મનને વ્યાકુળ કરી મુકે છે. એ મળવા માટે હવે તો તડપી ઉઠી છે.
એકાએક ત્યાંથી સફાળી ઉભી થઇ તે બેભાન જેવી હાલતમાં, આંખો માંથી આવેલા આંસુઓ તથા મોઢાના પરસેવા માં એનું ખરડાયેલું મોં અતિ દયનિય હતું. શરીર માં ધ્રુજારી હતી. ઝાડી-ઝાંખરા માં પગ ભરાવવાના કારણે પગ લોહી થી ખરડાઈ ગયા હતા. પિયુ ને મળવામાં કણસી રહેલી વૃંદા ઝડપભેર ત્યાંથી આગળ ચાલી ને જંગલ વટાવી સૂકી નદી ભણી આગળ વધે છે. પ્રીતમ ને મળવા અધીરી બનેલી વૃંદા આવા તાપમાય તે પગ ને પાછા ના કરતી આગળ ડગલા ભરતી જ જાય છે. અને દૂરથી ઊડતી ધૂળ ની ડમરીઓ જોઈ ને નવી આશા ફૂટે તેમ થોડી ઉતાવળી ચાલે છે. અને પાછુ કઈ ના દેખાતા તે નિરાશ થઇ જાય છે.
ઉનાળાના દિવસો માં , ધોમ ધખતો તાપ બપોરે અંગારા ઓકતો દાવાનળ ની જેમ આગળ વધી રહ્યો હતો. દૂરથી જોતા અગ્નિ ની વરાળ જેવો ભાસતો રવિ કોપાયમાન થઇ ને ધરતી ને સળગાવવાની તૈયારી કરતો હોય તેવું પ્રતીત થાય છે. નદીની રેત જાણે તપેલા અંગારા સમી બનીગઈ હતી એ રેતીનો રંગ નીચે પડેલા અંગારા જેવો ભાસતો. પ્રકૃતિ ને સળગાવવાની તૈયારીઓ કરી રહેલો સૂર્ય પોતાનો બધો જ બળ પ્રયોગ ધરતી પર કરી રહ્યો હતો.
આવા તાપમાં પણ વૃંદા ચાલી જ જાય છે. હવે તેની હિંમત તથા શરીર પણ જવાબ આપી દે છે. કેમ કે કાંટા અને કાંકરા તથા આ તડકો વેઠવા ની તાકાત હવે પુરી થઇ ગઈ છે. એના બન્ને પગો લોહીથી ખરડાયેલા છે. એ ચાલવા માટે હવે સમર્થ નથી. પણ તેની મળવાની આશા તેની વેદના ભુલાવી દે છે. એ આગળ ચાલવા મજબુર બની જાય છે. વૃંદા ના પરસેવા તથા આંસુથી શરીરમાં પાણીની કમી પણ વર્તાઈ રહી છે. તે એવી જગ્યાએ આવી ગઈ છે કે ત્યાં મનુષ્ય કે કોઇ અન્ય જીવ દેખાય સુધ્ધાં નહિ. હવે પાણી મળવાનું પણ અશક્ય હતું.
છેવટે આ બધી પરિસ્થિતિઓ સાથે લડતા લડતા વૃંદા ને કાળ ભરખી જાય છે. અચાનક તેના શ્વાસ ધીમા પડવા લાગે છે. શરીર મોટી નીંદર માં હોય એવું લાગે છે, શરીર ની હાંફ ધીમી થતી જાય છે. દૂર થી ઘોડો વીંઝતો એક અસવાર આવી રહ્યો હોય એવું તેને લાગે છે. પોતાની સાવ નજીક આવેલા અસવાર ના આભાસ થી તેની બધી જ પીડાઓ મટી ગઈ હોય તેમ વેદનાની છેલ્લી વાણી "હે નાથ " કહીને એ કાયમ માટે શ્વાસ છોડી દે છે.
આ સાથે જ વેદના ના વિરહ માં ભટકતી આ વૃંદા તેના અમર પ્રેમ ને પામવા માટે પોતે હોમાઈ જઈ પ્રીત ના કોલ નું મોલ અદાકરે છે.
લેખક -રાયચંદ ~"રાજવીર "