Aaruddh an eternal love - 24 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૨૪

"અનિરુદ્ધ, અચાનક બદલી? કોઈને કહ્યું પણ નહીં?" જય આવી પહોંચ્યો હતો.

"હવે બસ, ગુજરાત મને ઘણું દઈ ચુક્યું અને હું પણ ગુજરાતને ઘણું દઈ ચૂક્યો. હવે વતનમાં જવું છે." આર્યાની સામે જોતા અનિરુદ્ધ બોલ્યો.

તૈયારીઓ થઈ ગઈ હતી, અનિરુદ્ધનો વિદાય સમારંભ પણ થઇ ચૂક્યો. એના પિતા રાજસ્થાન પહોંચી ચૂક્યા હતા.

આર્યા અનાથઆશ્રમ જઈ આવી, એના માટે વિદાય લેવી અઘરી હતી કારણકે હવે ફરીવાર એ ક્યારે અહીં આવશે એ નક્કી ન હતું.

તો અનિરૂદ્ધ સાથે જોડાયેલા કર્મચારીઓને પણ પોતાના પ્રિય અધિકારીને વિદાય દેવી અઘરી હતી. આખરે એ બન્ને નીકળી ગયા, અઢળક યાદો પોતાની સાથે લઈને. તકલીફ તો અનિરુદ્ધને પણ પડી હતી એ શહેર છોડતા, પરંતુ એ દર્શાવતો ન હતો. જ્યારે આર્યા તો એ શહેર છોડતી વખતે રડી પડી.

"લે, આ રૂમાલ, આંખો લૂછી કાઢ." જાતે જ ડ્રાઇવિંગ કરતા અનિરુદ્ધે બાજુમાં બેઠેલી આર્યાને રૂમાલ આપ્યો.

"આ મૌનવ્રત ક્યાં સુધી ચાલવાનું છે?"

"જ્યાં સુધી તમે સોરી ના કહો ત્યાં સુધી."એવું આર્યા મનમાં બોલી પણ અનિરુદ્ધને કશો જવાબ આપ્યો નહીં.

"હું તારી સાથે વાતો કરી રહ્યો છું, આર્યા."

"......"

"કોઈ વાંધો નહીં, હવે જ્યાં સુધી તું મારી પાસે દોડતી ના આવે ત્યાં સુધી હું પણ તને બોલાવીશ નહીં. યાદ રાખજે એક દિવસ તું જ દોડતી આવીશ મારી પાસે."

અનિરુદ્ધે ગાડી ઊભી રાખી, જમવાનો સમય થયો હતો, એ નીચે ઊતર્યો, આર્યા બેઠી હતી એ દરવાજો ખોલ્યો, આર્યા એમ જ બેસી રહી, અનિરુદ્ધ ત્યાંથી જતો રહ્યો. રાજસ્થાનની શરૂઆતનો એ વિસ્તાર હતો, ડુંગર અને વનરાજીથી ભરપૂર. નહિવત માણસોવાળા એ વિસ્તારમાં મોટી હોટેલ મળવી મુશ્કેલ હતી.

સામે જ એક નાનકડી ઝૂંપડી અને બહાર એવી જ નાનકડી હોટલ હતી. અનિરુદ્ધે બોલાવી નહીં એટલે એની જાતે જઈને બેસી ગઈ. ભૂખ કોઈને છોડે ખરી?

"શું લેશો સાહેબ?"

"કેપ્રેસે સેલડ વિદ પેસ્ટો સોસ... એન્ડ મશરૂમ રીસોટો"

જવાબમાં એ સતરેક વરસનો છોકરો માથું ખંજવાળવા લાગ્યો. અનિરૂદ્ધ શું બોલ્યો એ સમજી શક્યો નહીં. એને જોઈને અનિરુદ્ધથી હસી પડાયું.

"મારા ભાઈ.... જે હોય તે લઈ આવ ને!"

"સારું સાહેબ!! મેડમ પણ જમશે ને!!"

"મારા ખ્યાલથી તો એ ફક્ત લોહી જ પીએ છે."

અનિરુદ્ધે મોં ગંભીર રાખીને કહ્યું અને પેલો છોકરો કંઈક શંકાસ્પદ નજરે આર્યા સામે જોતો જતો રહ્યો.

જમવાનું લઈને આવેલા એ છોકરાને અનિરુદ્ધ એ કહ્યું,
"ડરીશ નહીં, આ મોર્ડન ભૂત છે. અને એ માત્ર મને જ પજવવા માટે મારી પાછળ પડ્યું છે, તને એ કશું નુકસાન નહીં કરે."

"તું જરા પણ ડરીશ નહીં ભાઈ, હું કોઈ ભૂત નથી. જો હું આ જમું પણ છું, ભૂત કોઈ ખાતા હોતા નથી."

"ઈશ્કને ઈતના નિકમ્મા બના દીયા,
રુહ હૈ કિ ઈન્સાન જતાના પડ ગયા."

અનિરુદ્ધ એ કહ્યું અને આર્યા અકળાઈ.

***

બંને આખરે રાજસ્થાન પહોંચી ગયા. એ વિસ્તારને જોતા લાગતું ન હતું કે અહીં કોઈ વખત રણ પણ હતું, જંગલ ને શરમાવે એટલી હરિયાળી. આર્યા જાણે કોઈ નવી જ દુનિયામાં આવી પહોંચી હતી.

એક મોટો મહેલ આવ્યો, એનું પ્રાંગણ ફુવારા અને ફુલછોડ થી સુશોભિત હતું. બહારથી જ એ જેટલો ભવ્ય દેખાતો હતો તો પછી અંદરથી કેટલો ભવ્ય હશે એ કલ્પના કરવી પણ આર્યાને મુશ્કેલ લાગી.

બહાર આશરે પચ્ચીસેક માણસો અલગ અલગ કામ કરી રહ્યા હતા પરંતુ એ બધાના કપડાં એકસરખા હતા. એમાંના બેએ આવીને આર્યા અને અનિરુદ્ધ ના દરવાજા ખોલ્યા.

હજુ તો એ બન્ને નીચે ઉતર્યા જ હતા ત્યાં, રજવાડી કપડાઓથી શોભતો એક આખો પરિવાર આવી પણ પહોંચ્યો.

એ બધામાંથી આર્યા એકમાત્ર પપ્પાજીને ઓળખી. એ છેક આર્યા પાસે આવ્યા.

"આજે તું તારા સાચા ઘેર પહોંચી છે બેટા. આ આપણું ઘર છે. હું સમજી શકું છું કે તને નવાઇ લાગતી હશે. પણ આ તારા સસરાના પપ્પાના પપ્પા અહીંના રાજવી હતા. રજવાડું તો ગયું પરંતુ અમે આ મહેલ સાચવી રાખ્યો છે. પ્રભુ એટલું દ‌ઈ રહે છે કે આ મહેલમાં આપણે રાજાની જેમ જ જીવી શકીએ છીએ. વળી, અંહીની વસ્તીનો પ્રેમ પણ એટલો છે કે આ મહેલ છોડી ને મોટા શહેરોમાં રહેવા જતાં જીવ ચાલતો નથી."

"પણ પપ્પાજી, તમે તો કોઈ દિવસ કહ્યું જ નહીં."

"એવું બધું અગાઉ કહેવું યોગ્ય લાગ્યું નહીં. હવે ચાલ બધાને તારો પરિચય કરાવું."

અનિરુદ્ધ ગાડીમાંથી ઉતરીને સીધો જ પોતાના રૂમમાં પહોચી ગયો. પરિવારમાં ઘણા સભ્યો હતા, દાદીજી અને દાદાજી, અનિરુદ્ધના પિતાના બે નાના ભાઈ અને એમની પત્નીઓ, એમના સંતાનો. પરંતુ એ બધામાં સહુથી અલગ તરી આવતા હતા આર્યાના સાસુજી.

બીજી ઘરેણાથી લદાયેલી સ્ત્રીઓથી એ એકદમ અલગ હતા, એવા જ હતા દાદીજી. એ બંનેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ આર્યાને આકર્ષી રહ્યું. પણ દાદીજીનું મોં એમના અણગમાની ચાડી ખાતું હતું.

મમ્મીજીના મોં ઉપર આર્યાને જોઈને કંઈક અજબ સંતોષની લાગણી દેખાતી હતી,

"હં... બળવંત(અનિરુદ્ધ ના પિતા) બેટા, તો આ બન્નેએ લગ્ન કર્યા જ નથી એમ ને!"

"ના જી પિતાજી, એવું નથી, એ બંનેના કોર્ટ મેરેજ થયા છે. મે જ કરાવ્યા છે."

"એટલે ત્યારે કહે ને, તું એવડો મોટો ઓફિસર હતો પરંતુ સામાજિક કાર્યમાં તને કશી ગતાગમ પડે નહીં. એ કાંઈ લગ્ન કહેવાય? પણ કોઈ વાંધો નહીં... બધા તૈયારીઓ કરવા લાગો, આ પરિવારના સૌથી મોટા સંતાનનાં લગ્ન થશે, વિધિવત્. અનિરુદ્ધ સિંહ બળવંતસિંહ જશપાલસિંહના લગ્ન. આખું રાજસ્થાન જોશે... હા...હા...હા.."

દાદાજીના શબ્દો એટલે છેલ્લો નિર્ણય. તે મુજબ એક કલાકમાં તો તૈયારીઓ શરૂ થઈ ગઈ. આર્યાને અનિરુદ્ધની પિતરાઈ બહેન રીવાના રૂમમાં લગ્ન ન થાય ત્યાં સુધી રહેવા કહેવાયું.

બધા તૈયારીઓ કરવા માટે આમથી તેમ દોડી રહ્યા હતા, ઘરની સ્ત્રીઓ એમનું કામ સંભાળી રહી. ક્યાંય કશો કલેશ આર્યાને દેખાતો ન હતો. ઘરના પુરુષો સૌના કામે બહાર ગયા.

"બેટા, કશી ચિંતા કરતી નહીં. આ તારું જ ઘર છે. કશી તકલીફ હોય તો અમને કોઈને પણ કહેજે." મમ્મીજી ના શબ્દો આર્યાને ઠંડક આપી રહ્યા હતા.

"ભાભી, સાચું કહેજો, ભાઈને શોધો છો ને!"
જવાબમાં આર્યા પકડાઈ ગઈ હોય એમ છોભીલું હસી.

"તમારા લગ્ન થાય ત્યાં સુધી દાદી તમને બંનેને મળવા નહીં દે. પરંતુ જો તમે કશી લાંચ આપવા તૈયાર થતા હોવ તો હું પ્રયત્ન કરી શકું છું."

"લાંચમાં શું લેશો નણંદબા? મારે તમારા ભાઈ ને મળવાની તાલાવેલી નથી પરંતુ લાંચ તો હું અમસ્તાં પણ આપીશ."

"વાઉ ભાભી, તમે કેટલા સારા છો! લાંચમાં તમારે કશું આપવાનું નથી માત્ર સાંભળવાનું જ છે. એ પણ મારી કવિતા, જે કોઈ સાંભળતું નથી.

ખબર છે કે તું અંહી નથી,
પરંતુ તારા હોવાનો અહેસાસ આસપાસ છે.
તારું રિસાવું અને મારું મનાવવું,
તારું હસવું અને મારું તને નિહાળવું,
આપણા વચ્ચે શું છે?
ખબર નથી, પરંતુ
મને બધુ જ ગમે છે તારું,
તારું અસ્તિત્વ, તારું સ્મિત,
ને તું પણ.
શું આ પ્રેમ છે?
પ્રેમ છે?
પ્રેમ છે?"

"ના બેટા, વહેમ છે, વહેમ છે, વહેમ છે." પાછળથી આવીને અનિરૂદ્ધ બોલ્યો.

આર્યાએ એની સામે જોયું પણ એણે જોયું નહીં, યાદ આવ્યું કે એણે કહ્યું હતું કે હવે એ નહીં બોલાવે. એ જતો રહ્યો.

"વાહ, રીવાબા, તમારી કવિતા તો બહુ સુંદર છે ને કંઈ!"

"વાહ ભાભી, હવે મને સાચા શ્રોતા મળ્યા, અત્યાર સુધી કોઈને સાહિત્યમાં રસ જ નહોતો ને! તમને ખબર છે એકવાર અનિરુદ્ધભાઈએ કેવું કરેલું? મે ચાર કવિતાઓ સંભળાવી પછી મારી સામે જોઈને પૂછયું કે તે અત્યારે કશું કહ્યું? બોલો."

આર્યા પોતાની ભોળી નણંદ સામે વહાલથી જોઈ રહી.


ક્રમશઃ