Suryoday - ek navi sharuaat - 8 books and stories free download online pdf in Gujarati

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૮ 

ભાગ :- ૮

આપણે સાતમા ભાગમાં જોયું કે સૃષ્ટિના નવા અંદાજથી સાર્થક મોહિત થઈ રહ્યો હતો. સાર્થક અને સૃષ્ટિ બંનેના મનમાં કાંઈ અલગજ અવઢવ ચાલી રહી હતી. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

"અજીબ બેચેની ઘેરી વળી છે આજે આ દિલને,
લાગે છે જાણે અસ્વીકારનો ડર લાગે છે એને.!"

સાર્થક હવે સૃષ્ટિએ અચાનક નેટ બંધ કરતા બેચેન થઈ ઉઠયો હતો. એને આજે ફરી ફરીને પોતાના ભૂતકાળની યાદ આવી રહી હતી. "શું સૃષ્ટિનો સાથ પણ છૂટી જશે.!?" એવું વિચારતા જ એ બેબાકળો થઈ ઉઠયો અને નિશ્ચય કર્યો કે આજે સૃષ્ટિને પોતાના ભૂતકાળથી અવગત કરાવવી. અને ફોન લઈને મેસેજ ટાઇપ કરવા બેઠો.

"ભાર હળવો કરવો છે સઘળું કહીને આજે આ હૃદયનો,
જોઈએ કયા રસ્તે વાળે છે જિંદગીને રસ્તો આ મનનો.!"

સૃષ્ટિ.. "હું આ બધું પહેલા કહેવા માગતો હતો, પણ કહી ના શક્યો. હવે મને લાગે છે કે આ યોગ્ય સમય છે, હું કહી શકીશ. મારા લગ્ન સૌમ્યા નામની એક છોકરી સાથે થયા હતા. એ પણ એક નવોઢા જેવા સપનાઓ જોઈને મારા ઘરે આવી હતી અને અમારા પરિવારે એને સહર્ષ સ્વીકારી લીધી હતી. આ કોઈ પ્રેમ લગ્ન નહોતા પણ પરિવારો વચ્ચે થયેલી સમજૂતી અને અમારી ઇચ્છાથી થયેલા અરેંજ મેરેજ હતા. અમારી સગાઈના ગોલ્ડન સમયને અમે ખૂબ માણ્યો. એકપણ એવા મોલ, મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરેંટ, ગાર્ડન, મંદિર અમે આ અરસામાં કાંઈજ બાકી મૂક્યું નહોતું. આ છ મહિનામાં અમે એટલા નજીક આવી ગયા હતા જાણે એકમેક માટે બન્યા હોઈએ અને ભવ ભવના સાથી હોઈએ એવું લાગી રહ્યું હતું.

કહ્યા વગર અમે એકબીજાની વાતને સમજી શકતા હતા અને લાગી રહ્યું હતું કે, આ પ્રેમ અમને ક્યારેય જુદા નહીં પડવા દે. જેમ કોઈપણ ઊંચાઈનો એક ઢોળાવ હોય છે એવું જ અમારામાં પણ બન્યું અને એ ઢોળાવનું નિશાન અમારું લગ્ન બન્યું. અમે જેટલા એકમેક સાથે બહાર ફરતા ત્યારે સહજ રહી શકતા એથી કેટલાએ વધુ એકમેકની સાથે એક ઘરમાં રહી ઘૂંટાંવા લાગ્યા.

હું એના માટે ઘણું કરી રહ્યો હતો પણ હવે એને એ પૂરતું નહોતું લાગી રહ્યું અને મહિનાઓનો પ્રેમ જાણે દિવસોમાં ઓગળી રહ્યો હતો. હું હજુ પણ વિચારું છું કે, શું આ જ પ્રેમ હોય.!? આવોજ પ્રેમ હોય.!? હદ તો ત્યારે થઈ જ્યારે એણે મારી સામે શરત મૂકી દીધી કે મને અહીં આ ઘરમાં મારી જોઈતી સ્વતંત્રતા નથી મળતી, મારે પોતાનું અલગ ઘર જોઈએ. હું પણ માનું છું કે દરેક વ્યક્તિને એક સ્વતંત્રતા જોઈએ પણ શું આ સ્વતંત્રતા હતી કે કોઈ સ્વછંદતા.!

મારા મમ્મી પપ્પાનો હું એકનો એક દિકરો, એમાં પણ મારે એમનાથી અલગ રહેવાનું એ યોગ્ય ના લાગ્યું. જો સ્વીકારું તોય હજુ તો મારી કારકિર્દીની શરૂઆતમાં હું પોતાનું ઘર ક્યાંથી લઈ શકું.!? હું સતત આ બધા વિચારોથી ઘેરાયેલો રહેતો. હવે મને ઘરે આવવાનું મન પણ નહોતું થતું. એવુંજ લાગતું કે હમણાં કોઈ ઝગડો થશે અને હું કોનો પક્ષ લઈશ માતા પિતાનો કે પછી પત્નીનો. આમને આમ હું ડિપ્રેશનમાં જતો રહ્યો અને સૌમ્યા પણ મને છોડીને જતી રહી.

આખરે અમારી સહમતી અને સમાજના આગેવાનોની હાજરીમાં અમારા છૂટાછેડા કરવામાં આવ્યા. આ છૂટાછેડા માત્ર એક સંબંધનો વિચ્છેદ નહોતો પણ એમાં મને મારી નબળાઈ દેખાતી હતી. સતત મને એક જ વિચાર આવતા કે મારો પ્રેમ ક્યાં ઓછો પડ્યો.!? મારાથી ક્યાં ચૂક થઈ ગઈ.!? હા... હું નિષ્ફળ નીવડ્યો હતો સંબંધ સાચવવામાં.!! ને આજ વિચારોએ મને નિરાશાના ગર્તમાં ધકેલી દીધો. એક વર્ષ સુધી કોઈજ નોકરી કર્યા વગર હું ઘરે જ બેસી રહ્યો. જાણે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એમ.!

થોડા ઘણા અંશે હું સ્વાર્થી થઈ ગયો હતો. મને ખાલી મારું જ દુઃખ દેખાતું હતું. મારા માતા પિતા જેમણે મને જન્મ આપ્યો, લાયક બનાવ્યો એમના દુઃખને હું એકદમ જ વિસરી ગયો હતો. અને આ વાતનો મને ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે એક દિવસ અચાનક કામ કરતા મમ્મી બેભાન થઈ ગઈ. ખૂબ જ ગભરાઈ ગયા હતા હું ને પપ્પા એ દિવસે.! મમ્મીને બ્લડ પ્રેશર ખૂબ જ વધી ગયું હતું, ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી એને. અને મને મારી ભૂલ સમજાઈ, ઘણા દિવસ પછી મેં મારા મમ્મી પપ્પાને ધ્યાનથી જોયા.! એક વર્ષમાં જ એમની ઉંમર અચાનક પાંચ વર્ષ વધી ગઈ હોય એવું લાગ્યું. એ દિવસે મને મારી ઉપર અફસોસ થયો અને આ બધામાંથી બહાર આવવાનો નિર્ણય કર્યો.

આખરે મેં મારા નવા જીવનની શરૂઆત કરી. પ્રકૃતિ સાથે સંબંધ કેળવ્યો એની સાથે વાતો કરવા લાગ્યો અને મારા માટે જીવવા લાગ્યો. બહુ સમય લાગ્યો મને આ સ્થિરતા કેળવતા અને એ સમયમાં મને લાગ્યું કે, હા.. મારે જીવવું છે.! મારા માટે જીવવું છે.! મારા માતા પિતા અને મારા મિત્રો માટે જીવવું છે.!

જ્યારે આ ઓફિસનો પહેલો દિવસ હતો ત્યારે એ જ દિવસે શ્રાવણના ઝરમર વરસાદે મારામાં એક ઈંધણ આંજવાનું કામ કર્યું હતું અને મને લાગ્યું હતું કે હું કોઈ યોગ્ય જગ્યાએ છું. આ ઝરમર ભીંજવી રહેલા ફોરા મને કહી રહ્યાં હતાં કે સાર્થક હવે પાછું વળીને ના જો બસ ભીંજાઈ જા.! તમને ઓફિસમાં જોયા ને મને જાણે એ સપનું સાચું પડતું લાગ્યું. એક લાગણી એમને એમ બંધાઈ ગઈ ના કોઈ વાત ના કોઈ ચિત જાણે પરભવનું કોઈ રૂણ. ખબર નથી તમે મારા માટે શું છો.!? પણ એટલું ચોક્કસ કહીશ કે તમે મને ગમો છો. હું ક્યારેય તમારા સપનાઓ, તમારા અરમાનો વચ્ચેનો પત્થર નહીં બનું એ ચોક્કસ છે. મારે આ વાત તમને જણાવવી જરૂરી હતી એટલે કહી. હવે હું નિરાંતે સૂઈ શકીશ."

સાર્થકના મનમાં એક્દમ હાશ થઈ. જાણે આજે એક જીવનનો મોટો ભાર દૂર થઈ ગયો એવી લાગણી થઈ અને ફરી સૃષ્ટિના આજના ફોટા જોઈ એને મનમાં માણી એક અદમ્ય એવી મીઠી નિંદ્રામાં એ પોઢી ગયો.

સૃષ્ટિએ સવારમાં ઊઠીને તરત પોતાની ટેવ મુજબ મોબાઇલ હાથમાં લીધો અને નેટ ચાલુ કર્યું. જેવું નેટ ચાલુ થયું વોટ્સઅપમાં મેસેજોની વણઝાર લાગી ગઈ. એક એક કરતાં એ બધાજ મેસેજ વાંચતી ગઈ અને મનમાં સાર્થક વિશે એક ધારણા બાંધતી ગઈ. એનો સ્વભાવ, એની લાગણીઓ, એની જીવનશૈલી બધુંજ જાણે એક એક કરી મનમાં સ્પષ્ટ થતું જતું હતું. અને એનો સાર્થક ઉપરનો વિશ્વાસ વધતો ગયો.

આ બધાજ મેસેજ વાંચી અને ઘરનું કામ પતાવી એ ઓફિસ જવા નીકળી. આજે ઓફિસમાં એક્દમ શાંત વાતાવરણ હતું. ગઇકાલનો કોલાહલ આજે શૂન્યવત થઈ ગયો હતો સાથે ઘણા વણ માગ્યા સવાલોનો જવાબ પણ મળી ગયો હતો. પાયલ પણ જોઈ રહી હતી કે આજે બહું દિવસે સૃષ્ટિ એક્દમ શાંત હતી. સાર્થક પણ અલપ નજરે ક્યારેક સૃષ્ટિને નિહાળતો હતો અને પોતાના કામમાં પરોવાઈ જતો હતો.

આમને આમ એક અવઢવમાં દિવસ પસાર થઈ ગયો.. ના કોઈ સરખી વાત ના કોઈ યાદ રહે એવી મુલાકાત. રાત પડતાં જ ખબર નહીં કેમ પણ સૃષ્ટિ સાર્થકનો મેસેજ આવવાની રાહ જોવા લાગી.

"મન આજે કેમ આટલું અધિરીયું થઈ રહ્યું છે.!?
શું દિલમાં કોઈ આગંતુક દસ્તક દઈ રહ્યું છે.!?"

આખરે રાત્રે ૧૧ વાગે સૃષ્ટિની તાલાવેલીનો અંત થયો અને સાર્થકનો મેસેજ આવ્યો. "તમે મેં મોકલ્યું એ વાંચ્યું.!? કાંઈજ પ્રતિભાવ ના આવ્યો.... હું શું કહું હવે એ સમજાતું નથી..."

"હા, મેં વાંચ્યું. મને સારું લાગ્યું તમે મારી સાથે એક્દમ સ્પષ્ટ થયા. પણ મને કાયમ એવું લાગ્યું છે કે જીવનમાં સંબંધથી સતત હું છેતરાતી આવી છું. એટલે મને કોઈપણ સંબંધ, કેવો પણ સંબંધ બાંધતાં પહેલાં મનમાં એક ડર, એક વ્યગ્રતા રહે છે. આથી હું હજુ નક્કી નથી કરી શકી કે મારે તમારી સાથે કેવું વર્તવું, કેવા સંબંધથી રહેવું." મનમાં નિરવ અને અનુજ સાથેના કડવા અનુભવ યાદ કરતા સૃષ્ટિએ કહ્યું...

સાર્થકે કહ્યું..." હા... સાચી વાત છે. માણસ છેતરાયા પછી વધુ પડતો સભાન બની જાય છે. તમે જે કરી રહ્યા છો, કહી રહ્યા છો, વિચારી રહ્યા છો એમાં કાંઈજ ખોટું નથી. રહી વાત હું તમને સંબંધમાં છેતરીશ કે નહીં.!? તો એમાં એક વાત ચોક્કસ છે કે છેતરાયેલો માણસ શું કોઈને છેતરે.!! રહ્યો આપણો સંબધ.. એ જે હોય એ પણ હું એને હમેશાં વફાદાર રહીશ એટલું હું કહી શકું છું."

સૃષ્ટિના મનમાં આ સર્થકના વિચારો જાણતા જ એક પ્રકારની નિરવ શાંતિ થઈ. જોયું તો ૧૨ વાગી ગયા હતા અને ઊંગ પણ આવતી હતી આથી સાર્થકને સૂવાનું કહી નેટ બંધ કર્યું. આ તરફ સાર્થક પણ ફરી એકવાર ગઇકાલના ફોટા જોઈ એ જ વિચારોમાં મનમાં સૃષ્ટિની છબી જોઈ સૂઈ ગયો.

આ તરફ થોડીજ વારમાં સૃષ્ટિની ઊંગ ઉડી ગઈ એને મનમાં આવ્યું કે સાર્થક તો એના તરફથી બધું કહી ગયો પણ મારે કહેવાનું બાકી છે. મારી દીકરી મનસ્વી, પતિ નિરવ આ બધું કહેવાનું બાકી છે અને એણે મોબાઇલ હાથમાં લઈ પોતાના ભૂતકાળથી લઈ વર્તમાન સુધી બધુંજ કહ્યું. સાથે અનુરાધાને પણ ખાસ યાદ કરી અને એમની મિત્રતા પણ કહી, પછી ફરી એ શાંત મને સૂઈ ગઈ.

"આજે ફરી વિશ્વાસ મૂકવાનું મન થયું છે કોઈ ઉપર,
જોઈએ હવે શું પરિણામ આવે એનું મારી ઉપર.!!"


*****

સૃષ્ટિનો ભૂતકાળ જાણી સાર્થક શું વિચારશે?
આ એક અનોખો સંબંધ સમાજમાં શું જગ્યા લેશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ