Suryoday - ek navi sharuaat - 10 books and stories free download online pdf in Gujarati

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૧૦

ભાગ :- ૧૦

આપણે નવમા ભાગમાં જોયું કે સાર્થક પોતાના ભૂતકાળથી સૃષ્ટિને ભેટો કરાવે છે. આ તરફ સૃષ્ટિ પણ પોતાની જાતને સાર્થક આગળ ખુલી ચોપડીની જેમ ધરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

એકમેક સાથે સૃષ્ટિ અને સાર્થક લાગણીની ભાષામાં વાત કરતા હોય છે ત્યાંજ એક પેટ્રોલીંગ પોલિસ વાન એમની ગાડી આગળ આવી ઉભી રહે છે અને એક્દમ એમની આ તન્દ્રા તૂટી જાય છે.

પોલિસ એ બંનેને અલગ અલગ લઈ જઈ પૂછપરછ કરે છે. સૃષ્ટિ અણધાર્યા આવેલા આ વળાંકથી એક્દમ ડરી જાય છે અને પૂછપરછમાં એ સાર્થકની પત્ની હોવાનું નિવેદન આપે છે. ફોન નંબર અને પોતાનું સરનામું આપ્યા પછી મનમાં એક ડર વ્યાપી જાય છે કે નિરવને જો આ વાતની ખબર પડશે તો જીવનમાં એક અણધાર્યું તોફાન આવીને ઊભું રહી જશે અને કદાચ એ એની આખી જિંદગીનું સર્વસ્વ લૂંટી જશે. પોલિસની સતત ઉલટ તપાસમાં એનો ડર જોઈને પોલિસ પણ સમજી ગઈ હોય છે કે આ ખોટું બોલી રહી છે.

બીજી તરફ સાર્થકને પણ આવાજ સવાલો પૂછાઈ રહ્યાં હતાં. સાર્થક પોલિસને પૂરતો સહકાર આપી રહ્યો હતો અને એણે સૃષ્ટિ એની સાથે નોકરી કરતી મિત્ર છે એવો જવાબ આપ્યો. પોતાનું સાચું નામ, સરનામું અને નોકરી કરે છે ત્યાંની વિગત પણ આપીને એ પોલીસને સતત સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હતો કે એ અને સૃષ્ટિ મિત્રો છે ને એમણે કોઈપણ ગુનો આચર્યો નથી.

પોલીસને બંને એ આપેલી ડીટેલ સરખાવતા આભાસ થયો કે સૃષ્ટિ ખોટું બોલી રહી છે. આખરે સૃષ્ટિએ કહ્યું કે, એ પોતાના પતિની જાણ બહાર આ મિત્રને મળવા આવી છે અને એ જ ડરના કારણે એ ખોટું બોલી કે ક્યાંક આ એક વખતનું મળવાનું એની જિંદગીનું આખરી ના થઈ જાય. એ સાર્થક સામે મનમાં આવેલા આ ભાવો સાથે જોવે છે. સાર્થક એનો ડર સમજી જાય છે અને પોલિસને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે.

આખરે પોલિસ એમની આ પર્સનલ ડીટેલ લઈને બંનને આ રીતે એકલામાં ઉભા ના રહેવા ચેતવણી આપે છે અને આ એમની રૂટીન કાર્યવાહી છે એવું કહી રવાના થઈ જાય છે.

આ તરફ સૃષ્ટિ એક્દમ ઊંડા વિચારોમાં ગરક થઈ જાય છે અને ખુબજ ગભરાઈ જાય છે. સાર્થક સૃષ્ટિને પાણી પીવડાવે છે અને સાંત્વના આપે છે, સાથેજ આ બદલાયેલા ઘટનાક્રમ સાથે સૃષ્ટિને સ્થિર કરવા પ્રયત્ન કરે છે. સૃષ્ટિના મનમાં એક સવાલ ઉભો થાય છે કે આ લોકો ઘરે તો નહીં જાય ને..!? સાર્થક એને હાથ પકડીને કહે છે કે, "નહીં આવે, મારી ઉપર વિશ્વાસ કર." આ પકડેલા હાથની સાંત્વના સૃષ્ટિને થોડી સ્થિર કરે છે.

આ ઘટનાક્રમ ઘટયા બાદ સૃષ્ટિ ઘરે જવાનું કહે છે અને સાર્થકને પણ આ જ યોગ્ય લાગે છે. સૃષ્ટિ ઘરે જઈને ફ્રેશ થાય છે અને પોતાની દીકરી મનસ્વી સાથે ટાઇમ સ્પેન્ડ કરી મન હળવું કરે છે. મનસ્વી પણ સૃષ્ટિ વિહ્વળ છે એ નોંધે છે અને એની સાથે એક પુખ્ત વ્યક્તિ જેવું વર્તે છે. ખરેખર તો મનસ્વી સૃષ્ટિ અને સાર્થકની વચ્ચે બંધાઈ રહેલા આ સંબંધની પહેલી અને એકમાત્ર સાક્ષી હતી. જ્યારે પણ પપ્પા નિરવ ઘરે ના હોય ત્યારે સૃષ્ટિ અને સાર્થક રાત્રે મોડા સુધી ચેટ કરતા હોય છે એ વાત પણ એ જાણતી હોય છે. એટલે એનામાં એની મમ્મીની ખુશી ક્યાં, શું છે એ સમજવા જેટલી પુખ્તતા આવી ગઈ હોય છે.

સૃષ્ટિને એના ઘરે મૂકીને સાર્થક સીધો જ પોલિસ સ્ટેશન જાય છે. એ પોલિસ પેટ્રોલીંગ વાન જે પોલિસ સ્ટેશનની હતી ત્યાંજ સાર્થકનો એક સ્કૂલ મિત્ર નોકરી કરતો હોય છે, અને આ લિંક મેળવી સાર્થક એ મિત્રને મળવા ત્યાં પહોંચી જાય છે. આ બનેલી ઘટના વિશે એને અવગત કરાવે છે અને બદલામાં એના મિત્ર તરફથી આ ઘટનામાં આગળ કોઈ કાર્યવાહી થશે નહીં એવી બાંહેધરી લે છે. અને છેલ્લે બંને મિત્રો ચા સાથે જૂની યાદો તાજી કરીને છૂટા પડે છે.

પોલિસ સ્ટેશનથી બહાર નીકળી એ સીધો સૃષ્ટિને ફોન કરે છે. અને આ વાત અહીંજ પતી ગઈ છે એવું કહે છે. પોતે પોલિસ સ્ટેશન જઈ કઈ રીતે વાત સંભાળી એ વાત પણ કરે છે. આ સાંભળી સૃષ્ટિના મનમાં રાહત થાય છે અને આ વાત સાથેજ એ ફોન મૂકે છે.

રાત્રે જમીને સૃષ્ટિ પલંગમાં આડી પડે છે અને આજે ઘટેલો આખો ઘટનાક્રમ આંખો આગળ લાવી એ પળોને ફરી જીવંત કરે છે. સાર્થકના હાથમાં પરોવાયેલો એનો હાથ એ હજુ પણ મહેસુસ કરી રહી હતી. ક્યારેય કોઈની સાથે આમ ના ગયેલી સૃષ્ટિને કોઈ પરપુરૂષના હાથમાં આમ હાથ પરોવી બેસી એ જ એક રોમાંચક ક્ષણ લાગી હતી. સૃષ્ટિ યાદ કરી જોવે છે કે ક્યારેય નિરવ એની સાથે આમ બેઠો છે..?? વર્ષો ખૂંદી અને એ પાછી ફરે છે પણ આટલા વર્ષના લગ્નજીવનમાં ક્યારેય એને આવી પળ જોવાજ નહોતી મળી જેમાં શબ્દો વિના ફક્ત લાગણીઓએ વાત કરી હોય. ખબર નહી કેમ પણ આજે સૃષ્ટિને એવું લાગે છે કે એ એક રેશમી દોરથી સાર્થક સાથે બંધાઈ રહી છે.

"બંધાઈ રહ્યો છે સંબંધ રેશમની નાજુક દોરથી,
લાગણી અને વિશ્વાસના તાણાવાણાની સુંદર ગૂંથણીથી.!"

આ તરફ સાર્થક પણ આજના વિચારોમાં લીન થઈ જાય છે. એને રહી રહીને એ વાત ખુબજ યાદ આવે છે કે સૃષ્ટિએ પોતાને એની પત્ની કહી, ભલે પોલીસના ડરથી પણ એને પોતાનો પતિ કહ્યો. આ વાત રોમાંચ સાથે એક દમ સાર્થકના મનમાં ઘર કરી જાય છે. થોડી ક્ષણો એ આંખો બંધ કરી સૃષ્ટિને પોતાની પત્ની બનેલી જોવા ઈચ્છે છે. એટલામાં જ અચાનક સાર્થકના મનમાં સૃષ્ટિના મિત્ર રાકેશ ને અનુજના વિચારો આવી જાય છે અને એના મનમાં ફરી સવાલો ઉભા થઈ જાય છે. "શું અનુજ અને સૃષ્ટિ એમના સંબંધમાં આગળ વધ્યા હશે..!?" આવા વિચારો ફરી એને ઘેરી વળે છે, અને એને જાણે સૃષ્ટિનો સાથ છૂટી જશે એવો આભાસ થાય છે. પણ કહેવાય છે ને કે અમુક સવાલોના જવાબ સમય પાસે જ હોય છે એમ વિચારીને એ તરત આવા નકારાત્મક વિચારોને ખંખેરી નાખે છે.

"સમયથી વધારે કોણ આપી શકે છે દરેક પ્રશ્નોના જવાબ.!?
તો શા કાજ દુઃખી થવું નાહકના પ્રશ્નો વિચારીને આજ.!?"

આમને આમ સમય વીતતો જાય છે અને સમય સાથે સાર્થક અને સૃષ્ટિ એકબીજાની વધુ નજીક આવતા જાય છે. સૃષ્ટિ, સાર્થકનો વિશ્વાસ કેળવવા અનુજ સાથે વાતો કરવાનું લગભગ ટાળે છે. અને જો ક્યારેક વાત થાય તો સાર્થકને તરત જ શું વાત થઈ એની જણ કરી દે છે અથવા ચેટના સ્ક્રીન શોટ મોકલી દે છે. સાર્થક ઘણી વાર સૃષ્ટિને આ બાબતે ટોકે છે પણ સૃષ્ટિ એના અને સાર્થકના સબંધને લઈને કોઈ પણ જોખમ લેવા નથી માંગતી. સમય સાથે હવે સાર્થકને સૃષ્ટિના ભૂતકાળ અને વર્તમાન વિષે બધા જવાબ મળી જાય છે ને એ હવે સૃષ્ટિના જીવનમાં પોતાના સ્થાન વિષે નિશ્ચિંત થઈ જાય છે.

"મળી ગયા છે જવાબ કે મળી ગયું છે મને મારું અદેકરું સ્થાન.!?
આવી ગયો છે સમય, હવે કરવું જોઈએ સહચર્ય તરફ પ્રસ્થાન.!"

સાર્થક હમેશાં કોઈ પણ બાબતમાં સૃષ્ટિને સાથ આપવા તત્પર રહે છે અને એમનો આ સંબંધ બધાની જાણ બહાર આગળ વધતો જાય છે. સાર્થકના મનમાં હવે માત્ર એકજ વાત આવે છે કે સૃષ્ટિને પ્રેમિકા નહીં પત્ની તરીકે જીવનમાં જોઈએ છે. એને જ આ દરજ્જો આપવો છે નહીં તો કોઈને નથી આપવો. સૃષ્ટિ વગર એક પળ પણ જીવવું સાર્થક માટે હવે મુશ્કેલ થઈ રહ્યું હતું.

આ તરફ સૃષ્ટિ આગળ વધી રહી હતી પણ મનમાં ક્યાંકને ક્યાંક એવું હતું કે, "આ સંબંધને શું નામ આપવું..!? શું આ કોઈ દુઃસ્વપ્ન સાબિત નહીં થાય ને..!? આજે નહીં તો કાલે સાર્થક કોઈની સાથે તો લગ્ન કરશે જ અને એ વખતે એ મને એકલી છોડી મારી લાગણીઓને વેરવિખેર તો નહીં કરી નાખે ને..!?" એટલે એ એક્દમ સ્વસ્થતાથી આ સંબંધમાં બધુંજ ક્લિયર કરી આગળ વધી રહી હતી.

હવે તો સાર્થક પણ સૃષ્ટિને પોતાના મનની વાત કરે છે અને જીવનમાં પ્રેમિકા નહીં પણ પત્નીનું સ્થાન આપવું છે એવું કહે છે. પણ સૃષ્ટિ સ્થિતિ પૂર્ણરુપે સમજી શકતી હતી અને શક્ય અશક્ય વચ્ચેની ભેદરેખા પણ.!! એટલે એ સાર્થકને તરત હા કે ના પાડવાની જગ્યાએ આ સબંધને શું નામ આપવું એ થોડો સમય નામ ના આપી સમય પર છોડવાનું કહે છે.

સતત એકબીજા સાથે રહીને એ લોકો એકબીજા ઉપર એકાધિકારપણું કરે છે એ છતાં પોતાની લિમિટ સમજીને આગળ વધે છે. હવે સમય સમયાંતરે એકલા મળતા પણ રહે છે. આ તરફ અનુરાધા, રાકેશ, પાયલ, અનુજ પણ પોતાની જીંદગીમાં વ્યસ્ત હોય છે.

આજે રવિવારનો દિવસ છે. એટલે સાર્થક મોડે સુધી સૂઈ રહેવાના મૂડમાં ૧૦ વાગ્યા હોવા છતાં સૂઈ રહ્યો છે અને અચાનક જ એના મોબાઇલમાં રીંગ વાગે છે અને જુવે છે તો સૃષ્ટિનો ફોન. આ પળ બે પળમાં કેટલાએ વિચારો સાર્થકના મનમાં દોડી જાય છે. અને ફોન ઉપાડતા જ એના કાને ડરેલી, ગભરાયેલી સૃષ્ટિના શબ્દો પડે છે, "સાર્થક..."

"કેવી ઘડી આવી હશે બળવાન સમયની આજ.!?
શું એના ગર્તમાં ધકેલાશે એક પ્રણય કહાની આજ.!?


*****

સૃષ્ટિના આમ અચાનક ફોન કરવાનું રહસ્ય શું છે?
સૃષ્ટિ અને સાર્થક કયા સંબંધના તાંતણે બંધાશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ