krodh manasno mitra ke shtru books and stories free download online pdf in Gujarati

ક્રોધ ! માણસનો મિત્ર કે શત્રુ ???

"ધીરા સો બહાવરા ઉતાવળા સો ગંભીર" આ કહેવત બાળપણ માં ક્યાંક ને ક્યાંક બધાએ સાંભળેલી જ હશે. આપણે જેમ નવો મોબાઈલ ખરીદીએ ત્યારે એમાં અમુક એપ્લિકેશન install કરેલી જ આવે છે જેને તમે ડિલીટ પણ ના કરી શકો અને કરો તો મોબાઈલ સરખો કામ ન કરી શકે. એ જ રીતે પૃથ્વી પર જન્મ લેતા દરેક મનુષ્ય ની અંદર અમુક પ્રોગ્રામ ફીટ થયેલા જ આવે છે જેમ કે ભય, પ્રેમ, કરુણા, સંવેદના અને ક્રોધ ! આ બધી વસ્તુ આપણી અંદર જન્મ લેતાં ની સાથે જ ફીટ થયેલી આવે છે. ઉંમર વધતાં ની સાથે તમે આ બધી વસ્તુઓ પર ઈચ્છો તો કાબૂ કરી શકો છો (કાબૂ કરી શકો છો રોકી તો ના શકો) ! ઘણી વાર આપણે ઈચ્છતા ના હોઈએ તો પણ આપણે ક્રોધ આવી જ જાય છે એની પાછળ ઘણા બધા કારણ હોય શકે છે. પણ મુખ્ય કારણ છે માણસનો "અહમ" હું કહું એ જ થવું જોઈએ ! અને જો સામેના વ્યક્તિઓ એવું ના કરે તો તરત એના પર જ્વાળામુખી ની જેમ તૂટી પડવાનું. આવું બધી જ જગ્યાએ જોવા મળતું જ હોય છે આમાં નવાઈ ની કોઈ વાત નથી. પણ એક સારા અને સમજુ માણસ તરીકે આપણે વિચારવું જોઈએ કે શું ખરેખર ક્રોધ કરવાથી કોઈ ફાયદો છે?? ફાયદો કદાચ ક્ષણિક હોય શકે પણ દૂર નું વિચારશો તો નુકશાન જ મળશે. બુદ્ધ ભગવાન એ ક્રોધ વિશે એવું કહેલું છે કે ક્રોધ એ સામે વાળા પર ફેંકવા માટે હાથ માં પકડેલા સળગતા કોલસા સમાન છે, જે સામે વાળાને તો પછી બાળશે પણ સૌથી પહેલા તમને જ દાજડશે ! "જે લોકો તમારી હાજરી માં ચૂપ થઇ જતાં હોય ( તમારા ક્રોધના લીધે ) એ જ લોકો તમારી ગેર હાજરી માં તમારા વિશે વધુ બોલતા હશે" જ્યાં તમે નથી હોતા ત્યાં તમારા ગુણ કે અવગુણ તમારું પ્રતિનિધિત્વ કરતા હોય છે ! એટલે દરેક માણસે પોતાની છબી વિશે સજાગ રહેવું જોઈએ. ક્રોધ કરવાથી જો પરિણામ સારું આવવાનું હોય તો ક્રોધ કરી પણ લેવો જોઈએ પણ પરિણામ સારું આવવાનું હોય તો જ ! કોઈ પણ વ્યક્તિને ક્રોધ આવે એટલે સામે વાળા ને ખ્યાલ આવી જ જાય કે આ ભાઈ કે બહેન ને હવે ગુસ્સો આવવાનો છે ( ભાગી જાવ જલ્દી ) જેવો ગુસ્સો આવવાનો હોય ત્યારે માણસ નો ચહેરો તંગ થવા લાગે આંખ માં લોહી ઘસી આવે અને હાથ ની મુઠ્ઠીઓ કડક થવા લાગે એટલે સમજી જવાનું હવે આ સજ્જન(!) કોપાયમાન થવાના લાગે છે ! ક્રોધ પણ એક પ્રકારની લાગણી જ છે પણ આપણે ઇચ્છીએ તો એના પર પણ કાબૂ કરી શકીએ. પણ કાબૂ કરવા નું વિચારીએ એ પહેલા ક્રોધ અમલમાં મુકાય પણ ગયો હોય છે. ક્રોધ કરનાર ને સજા આપવાની કોઈ જરૂર જ નથી પડતી... કારણ કે ક્રોધ કરીને એ પોતાની જાતને જ સજા આપી દે છે જેથી આપણે સજા આપવી જ ના પડે. ઘરે સારું જમવાનું ના મળે તો માતા કે પત્ની પર ક્રોધ, પરિક્ષામાં સારા માર્ક ના મળે તો પરીક્ષક પર ક્રોધ, મોબાઈલ માં નેટવર્ક ના આવે તો સીમ કાર્ડ ની કંપની પર ક્રોધ ( લીસ્ટ લાંબુ બનશે આટલું બસ રાખીએ ) ખરેખર માણસે ક્રોધ કરવાના એટલા બધા રસ્તાઓ શોધી લીધા છે કે એનો ક્રોધ કાબૂ માં લાવવો થોડુ અઘરું કાર્ય છે. પણ સમય બધું શીખવાડી દે છે જેમ નાના બાળકને સમય જતાં બોલતા આવડી જાય એમ સમય જતા માણસ ને પણ " ચૂપ " રહેતા આવડી જ જાય ! સમય થી મોટો શિક્ષક કોઈ નથી ! આટલું બધું વાંચવામાં સમય કાઢ્યો અને મજા ના આવે તો મારા પર પણ ક્રોધ ! વાંધો નહિ મજા ના આવે તો મોબાઈલ નો ઘા કરી દેજો ( મારો નહિ તમારો ) ઇતિ સિદ્ધમ !