DAYS OF COLLEGE AND LOVE - 10 books and stories free download online pdf in Gujarati

કોલેજના દિવસો અને પ્રેમ - ૧૦

પરંતુ લગ્નની તીથી આવવાને હજુ ઘણી વાર લાગવાની હતી. બધું જ સમુસુતરૂં પાર પડી જાય તો કોઈ ભગવાન પાસે કઈંજ માંગે જ નહીને. ઘણા પ્રયાસો કર્યા છતા હજું સરકારી નોકરી આડે ગ્રહણ જ હતું જે દુર થતું જ નહોતું. છેવટે એવા પણ દિવસો આવવા લાગ્યા જ્યારે અમારી બંન્ને ની વચ્ચે અઅ બાબતને લઈને ઝઘડાઓ થવા લાગ્યા. હું ઘણી મહેનત કરતો હતો પણ નસીબ આડેનું પાંદડુ ખસતું જ નહોતું. ક્યારેક તો ભગવાન અને નસીબ ઉપરથી ભરોસો જ ઉઠી જતો હતો. ઘણી મહેનત કરૂં, પરિક્ષામાં ગુણ પણ સારા મળે પણ નોકરી માટે તક મળતી નહોતી. શું કરૂં? ક્યાં જાઉં? કોને કહું? કંઈ જ સમજ પડતી નહોતી. ઉપરાંત મારી મહેનતને પ્રોસ્તાહન આપવાને બદલે ડફણા મળતા હતા. હું એ સમયે ખુબ જ નિરાશ થઈ ગયો હતો. આવી ઘટનાઓ તો હવે વારંવાર થવા લાગી.

એવામાં થયું એવું કે મારા બદલે મારી પ્રેયસી મારી વાગ્દતાને સરકારી નોકરી મળી ગઈ જ્યારે હું એ જ પરીક્ષામાં નાપાસ જાહેર થયો. હવે મારી નિરાશા હદ વટાવી ગઈ હતી. હવે હું સરકારી નોકરી માટે મરણીયા પ્રયાસો કરવા લાગ્યો હતો. મે સરકારી નોકરી માટે અન્ય રસ્તાઓ પણ અજમાવી જોયા હતા. પરંતુ તેમાં પણ મને નિષ્ફળતા જ મળી. મારી કોઈ કારી ફાવતીજ નહોતી. એ સમયે હું નોરાશાઓના ઢગલા નીચે દબાઈ ગયો હતો. ઘણી વાર રડવું પણ આવી જતું પણ એ બધી જ નિરાશા ખંખેરી હું ફરી એકવાર પરીક્ષાની તૈયારી માટે મચી પડ્યો. આ વખતે હું જરાપણ ઢીલ નહોતો રાખવા માંગતો. માટે ભગવાને પણ મારી સામે જોયું અને પ્રથમ પરીક્ષામાં હું પાસ થઈ ગયો. હવે બીજી પરીક્ષા માટે હું કોમ્પ્યુટરના વર્ગો ભરવા લાગ્યો. અને ખુબ જ મહેનત કરવા લાગ્યો. આશરે ૬ મહિના પછી બીજી પરીક્ષા પણ આવી. તે પણ ખુબ જ આત્મવિશ્વાસથી આપી. પરંતુ જ્યારે બંન્ને પરીક્ષાના ગુણો મળી પરીણામ જાહેર થયું ત્યારે તેમાં મારૂં નામ નહોતું. હું ફરીવાર ખુબ જ દુ:ખી થયો. તેવામાં હું જે શાળામાં નોકરી કરતો હતો તે શાળાના આચાર્યએ આવી મને કહ્યું તું દુ:ખી નહિં થા. સાથે જાહેર થયેલી પ્રતિક્ષાયાદી તો જોઈલે. જાહેર થયેલી પ્રતિક્ષાયાદીમાં હું ત્રીજો આવ્યોહતો. હવે ક્યાંક આશાનું કિરણ દેખાતું હતું.

સરકારી નોકરી માટે ભરતીની જાહેરાત થઈ. બધા જ પાસ થયેલાઓના ગુણપત્રકોની ચકાસણી થઈ રહી હતી. તેવામાં એક દિવસ ગાંધીનગરથી મારા પર ફોન આવ્યો.

“હેલો. શું હું અથર્વ સાથે વાત કરી રહ્યો છુ?”

“હા. પરંતુ આપ કોણ?”

“હું ગાંધીનગર સચિવાલયમાંથી બોલી રહ્યો છું.”

“બોલો સાહેબ?”

“તમે પ્રતિક્ષાયાદીમાં જ હતા. પણ મુળયાદીમાંના કેટલાક લોકો ગુણપત્રક ચકાસણી માટે ન આવતા પ્રતીક્ષા યાદીમાંના વ્યક્તિઓને બોલાવવાનું પરીક્ષા મંડળે નક્કી કર્યું છે. જે મુજબ આપનો મેરીટ ક્રમાંક ૧૩૫૭-A છે. તો તમારે તમારા બધા જ ગુણ પત્રકો સાથે આવતા સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે સચિવાલય, ગાંધીનગર ખાતે હાજર રહેવાનું છે.”

“શા માટે મજાક કરો છો ભાઈ. હજું પ્રતિક્ષાયાદીના લોકોને ગુણપત્રક ચકાસણી આટલી વહેલી ના આવે.”

“હું મજાક નથી કરતો. છતા પણ તમે સરકારી ઓનલાઈન વેબસાઈટ પર ચકાસણી કરી શકો છો.”

મેં તે મુજબ વેબસાઈટ પર જોયું તો તેમની વાત સાચી હતી. આજે મારા બધાજ સપનાઓ પુરા થતા હોય તેવું લાગ્યું. સૌપ્રથમ હું મારા આચાર્યને મળ્યો. તેમને બધી વાત જણાવી હું મારા માતા-પિતાને મળવા નિકળ્યો. હજું મને ઘરે પહોંચવામાં આશરે ૩ કલાક લાગાઅના હતા. મારી માતાના મને ઘણા ફોન આવ્યા પણ મેં તેમની સાથે વાત ના કરી. હું ઘરે પહોંચ્યો. તરત જ મારી માતા મને વઢવા માટે બહાર આવી કે તરત જ હું તેને ભેંટી પડ્યો. તે પણ સમજી ગઈ કે કંઈક નવી વાત છે. તેની આંખમાં આંસુ આવી ગયા. મે તેમને જણાવ્યું કે હું આવતા સોમવારે સરકારી નોકરી માટે ગુણપત્રક ચકાસણી માટે જવાનો છું. તે રડવા લાગી અને તેણે જ મારા પિતાને આ વાત જણાવી તે પણ આ વાત જાણી મને ભેટી પડ્યા.

બધું જ સમુંસુતરૂં પાર પડ્યું અને હું પણ સરકારી નોકરીમાં લાગી ગયો.

બધા કુટુંબીજનો ખુબ જ ખુશ થયા અને બધા જ અભિનંદનની વર્ષા થવા લાગી. હવે બધાની માંગણી મારા માતા-પિતા પાસે મારા ઘડીયા લગ્નની હતી. જે મુજબ મારા કંકોત્રી લખાણી અને ઘડીયા લગ્ન લેવાયા.

ચિ. અથર્વ

ના શુભ લગ્ન

ચિ. વૈશાલી

અને હવે એ સમય આવવાનો હતો જ્યારે અમે બંન્ને એક થવાના હતા.

મંડપ વચ્ચે ગોર બોલ્યા કન્યા પધરાવો સાવધાન અને મારા હૃદયના ધબકારા વધી ગયા. તે આવી અને ક્યારે હું મટી ને અમે બન્યા તે ખ્યાલ જ ના રહ્યો. હવે મારા બધા જ સ્વપ્નો પુર્ણ થઈ ગયા હતા. અને અમે અમારૂં જીવન ખુબ જ પ્રેમથી પસાર કરીએ છીએ.

(અહિં આ વાર્તા પુર્ણ થાય છે. પણ જીવન તો આમ જ પસાર થાય છે. અને એક આડવાત હું હજુય રોજેરોજ તેના પ્રેમમાં પડતો રહું છું.)