Emporer of the world - 9 books and stories free download online pdf in Gujarati

Emporer of the world (જગતનો સમ્રાટ) - 9

જગતનો સમ્રાટ (ભાગ-9)

આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષ અને દિશાની સ્કુલમાં બધા વિદ્યાર્થીઓને સેમિનાર હોલમાં ભેગા કરવામાં આવે છે, જ્યાં સ્કુલના આચાર્ય નવા સંગીત અને નૃત્યના શિક્ષક આનંદ સર અને મીતાબેનનો પરિચય કરાવે છે. સાથે સાથે શહેરના અનુભવી અને પ્રખ્યાત ટ્રેનર રાજેશભાઈનો પરિચય પણ કરાવે છે જેઓ સ્કુલમાં સ્પોર્ટ્સ અને એથલેટિક્સની ટ્રેનિંગ કરાવશે. બધા વિદ્યાર્થીઓ આનંદ સર, મીતાબેન તથા રાજેશભાઈનું ખૂબ ઉત્સાહથી સ્વાગત કરે છે. સ્પોર્ટ્સ પસંદ કરેલ વિદ્યાર્થીઓ રાજેશભાઈ સાથે સ્કુલના મેદાનમાં જાય છે, જ્યારે સંગીત અને નૃત્યના વિદ્યાર્થીઓને મળવા માટે આનંદ સર સ્ટેજ પર બોલાવે છે. જૈનીષ અને આનંદ સરની પ્રથમ મુલાકાત બાદ આનંદ સરને કઈક અલગ અનુભૂતિ થાય છે જે તેઓ તેમની પત્ની મીતાબેનને કહે છે. હવે આગળ,


###### ######

ઘરે આવીને જૈનીષ તરત મમ્મીને ગળે લાગી જાય છે અને કહે છે કે "આજે હું અમારા સંગીતના શિક્ષક આનંદ સરને મળ્યો અને એમને પૂછ્યું કે તમે મને મ્યુઝિક શીખવશો ? તો એમણે મને માથા પર હાથ મૂકી ને કીધું કે હા હું જરૂર શીખવીશ." " અને મમ્મા હું એમને પગે પણ લાગ્યો.."

પોતાના લાડકવાયા જૈનીષની વાતો સાંભળી રમીલાબેન ખૂબ હરખાય છે અને તેના પર વહાલ વરસાવતા વરસાવતા ગાલે અને કપાળે ચુંબન કરે છે. પછી તેને પોતાના ખોળામાં બેસાડીને પ્રેમથી જમાડે છે. સવારની ઘટના યાદ આવતા રમીલાબેનની આંખો ખુશીથી ભીની થઈ જાય છે.

જમ્યા બાદ જૈનીષ ફટાફટ સ્કુલનું હોમવર્ક પૂરું કરવા માટે પોતાનું બેગ લઈને બેસતો જ હોય છે ત્યાં જ દિશા હાથમાં એક પ્લેટ લઈને આવે છે. દિશા આવીને જૈનીષને હોમવર્ક કરવા બેઠેલ જોઈને થોડું મોઢું બગાડે છે અને પછી એની સામે જોતા જોતા જ રમીલાબેનને કહે છે, "આંટી, મમ્મીએ સીંગપાક બનાવીને મોકલ્યો છે તમારા અને અંકલ માટે."

સીંગપાકનું નામ સાંભળી જૈનીષ તરત દિશા પાસે દોડે છે પણ દિશા તેને સીંગપાક અડવા પણ દેતી નથી. એટલામાં રમીલાબેન પણ રસોડામાંથી બહાર આવીને દિશાને પૂછે છે, "તું હંમેશા સીધી રસોડામાં દોડીને આવતી, આજે શું થયું તને, કે તું આમ બારણે ઊભી રહી ગઈ ?" દિશા કહે છે, "તમારા લાડકવાયા માટે જ મોકલી હતી મમ્મી એ, પણ એ તો મને એકલી મૂકીને હોમવર્ક કરવા બેસી ગયો. એટલે થયું કે તમને બહાર બોલાવીને જ આપી દવ."

દિશાના જૈનીષ પ્રત્યેના આવા તેવર જોઈને રમીલાબેન તો પોતાનું હસવાનું રોકી જ નથી શકતા. તેઓ દિશા પાસે જઈને તેને કહે છે કે, "તારી વાત સાચી જ છે દિશા. પોતાની ફ્રેન્ડને એકલી મૂકીને હોમવર્ક કરવા બેસી ગયો એટલે સજા તો મળવી જોઈએ."


બંનેની વાતો સાંભળીને બિચારો જૈનીષ તો હવે શું થશે તે જ વિચારતો વારાફરતી દિશા અને રમીલાબેન તરફ જોઈ રહ્યો હોય છે. થોડી વાર જૈનીષ સામે જોઈને દિશા કહે છે, "જવા દો કાકી તમારા લાડકવાયા ને, આ વખતે માફ કરી દવ છું. બીજીવાર હું વાત નહી કરું એની સાથે જો આવું કંઈ કર્યું છે તો."

આ સાંભળી જૈનીષ થોડો ઉદાસ થઈ જાય છે અને દિશાની સામે જોઇને કહે છે, "કાલથી સંગીત અને એમાંય મારી પ્રિય વાંસળી શીખવા મળશે. એટલી ખુશી થાય છે વિચારીને કે કાલની જ રાહ જોઈ રહ્યો છું. બસ એમાં જ યાદના રહ્યું કે આપણે હોમ વર્ક અને વાંચવાનું સાથે જ કરીએ છીએ."

જૈનીષની વાત સાંભળીને દિશાને લાગે છે કે હું થોડું વધારે જ બોલી ગઈ. દિશા કહે છે, "હું પણ આપણી મનપસંદ એક્ટિવિટી શીખવા મળશે એની ખુશીમાં જ તને તારી મનગમતી મીઠાઈ ખવડાવવા આવી હતી. તું હોમ વર્ક કરતો હતો તો થયું કે થોડોક મજાક કરું તારી સાથે."


"બાકી તું પણ જાણે જ છે કે તારી અને મારી જોડી અલગ થઈ શકે જ નહીં. આપણે તો આ બધાય ના રાધાકૃષ્ણ છીએ, યાદ છે ને ?" એમ કહીને જૈનીષને સીંગપાકનો એક ટુકડો ખવરાવે છે. "પછી મારા ઘરે આવ હોમ વર્ક કરવા", એમ કહી જતી રહે છે. રમીલાબેન જૈનીષને દિશાના ઘરે જવાનું કહીને દિશા તથા દિનેશભાઈ અને શાલિનીબેન માટે તેમણે બનાવેલી ખીર લઈ જવાનું કહે છે.

ખીર લઈને જૈનીષ દિશાના ઘરે જાય છે અને શાલિનીબેનને ખીર આપે છે ને કહે છે, "તમે મારા માટે સીંગપાક મોકલ્યો એટલે મમ્મી એ દિશા માટે ખીર મોકલી છે." જવાબમાં શાલિનીબેન કહે છે કે, "તો તારી ફ્રેંડને તું જ ખવડાવી દે.." અને હસવા લાગે છે. જૈનીષ ખીર લઈને દિશા પાસે જાય છે અને તેને કહે છે, "મમ્મીએ તારા માટે ખીર આપી છે." ખીરનું નામ સાંભળી દિશા દોડીને જૈનીષ પાસેથી વાટકો લઈને ખીર ખાવા લાગે છે.

પછી બંને સાથે બેસીને સ્કુલનું હોમ વર્ક પૂરું કરે છે, અને બીજા દિવસની તૈયારી માટે થોડું વાંચન કરે છે. વાંચન કર્યા બાદ દિશા તેની મમ્મીને પૂછીને બહાર ગાર્ડનમાં રમવા જાય છે. જૈનીષ અને દિશા થોડી વાર સાથે રમે છે અને સાંજ પડતાં પાછા પોતપોતાના ઘરે આવી જાય છે. રાત્રે જમ્યા બાદ સ્કુલમાં બનેલ ઘટનાઓની ચર્ચા કરીને સુઈ જાય છે.


###### ######

બીજા દિવસે જૈનીષ અને દિશા સવારમાં તૈયાર થઈ સાથે સ્કુલ જવા નીકળી ગયા. આજે બંને ખુશ હોય છે કે એમને પોતાની મનપસંદ પ્રવૃત્તિ શીખવા મળશે. દિવસના બધા પીરીયડ પુરા થવાની તાલાવેલી જૈનીષના ચેહરા પર જોતા જ દેખાઈ રહેલી હોય છે, બીજી બાજુ દિશા પણ તેના નૃત્યના ક્લાસને લઈને એટલી જ ઉત્સાહિત હોય છે.

આખરે છેલ્લો પીરીયડ પૂરો થવાનો બેલ વાગે છે અને બધા વિદ્યાર્થીઓ પોતપોતાની પસંદગી મુજબ સેમિનાર હોલ અને સ્કુલના મેદાન તરફ આગળ વધી જાય છે. જૈનીષ અને દિશા તેમના બીજા મિત્રો સાથે સેમિનાર હોલમાં પહોંચે છે, જ્યાં આનંદ સર અને મીતાબેન એ બધી તૈયારીઓ કરી લીધી હતી. વિદ્યાર્થીઓના આવતાની સાથે જ આનંદ સર અને મીતાબેન સંગીત અને નૃત્યના વિદ્યાર્થીઓના અલગ અલગ ગ્રુપ બનાવે છે.

સંગીતની તાલીમ માટે આનંદ સર સૌ પ્રથમ બધા વિદ્યાર્થીઓને સંગીતની દેવી માતા સરસ્વતીની વંદના કેવી રીતે કરવાની તે શીખવાડે છે, બીજી તરફ મીતાબેન નૃત્યના આરાધ્ય દેવ ભગવાન શિવની નૃત્યના સ્ટેપ દ્વારા વંદના કેમ કરાય અને સ્ટેજને કઈ રીતે પ્રણામ કરાય તે શીખવાડે છે. નૃત્ય શીખવા માટે આવેલ વિદ્યાર્થીઓને મીતાબેન અમુક કસરત કરાવે છે જેથી તેમના સ્નાયુઓ લચીલા બને.

આનંદ સર ભારતીય સંગીત અકાદમીના એક ઉમદા સભ્ય હોય છે, જેથી એમની લગભગ દરેક પ્રકારના સંગીતના સાધનો વગાડવામાં મહારત હોય છે. માં સરસ્વતીની વંદના બાદ આનંદ સર દરેક વિદ્યાર્થીને પોતાના પસંદના સાધન જણાવા કહે છે. જૈનીષ આનંદ સરને કહે છે, "હું વાંસળી શીખવા માંગુ છું." આનંદ સર જૈનીષને માથું હલાવીને મુક સંમતિ આપે છે.


વધુ આવતા અંકે


###### ######

સૌ પ્રથમ તો તમામ વાંચક મિત્રોનો આભાર. મારી પ્રથમ વાર્તાને આટલો સરસ પ્રતિસાદ આપવા માટે અને મને વધારે સારું લખવા માટે પ્રોત્સાહિત કરવા અને મારી ભૂલો બતાવવા માટે પણ...

આ ભાગ મોડો મૂકવા માટે પણ દિલગીર છું, અને હવે હું પૂરી ટ્રાય કરીશ કે હવેનાં ભાગ રેગ્યુલર આવે.....