Tran Vikalp - 1 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 1

ડો. હિના દરજી

પ્રકરણ : ૧

નિયતિ તેનો સામાન પેક કરવામાં વ્યસ્ત હતી, પરંતુ તેના મસ્તિષ્કમાં ગઈ કાલે સવારમાં માધવ સાથે થયેલી વાતચીત અક્ષરશ: પસાર થઈ રહી હતી. વીતી ગયેલી ક્ષણો એક પળ માટે પણ તેના મન અને મગજને જંપ લેવા દેવા ના માંગતા હોય તેમ પ્રતિત થઈ રહ્યું હતું. એક એક ક્ષણ તેને માધવનો છેલ્લી મુલાકાતનો ચહેરો દેખાતો હતો. માધવની આંખોમાં તેને પ્રેમ, ગુસ્સો અને વિવશતા એક સાથે દેખાઇ રહી હતી. માધવની આ હાલત માટે પોતે જવાબદાર હતી તે નિયતિ ખૂબ સારી રીતે જાણતી હતી છતાં, માધવની આ સ્થિતિ માટે તેની પાસે દુ:ખી થવા માટેનું કોઇ કારણ નહોતુ. છેલ્લાં બે વર્ષમાં તેની અને તેના પરિવારના દરેક દુ:ખ, પીડા, અપમાન, લાચારી અને પતનનું કારણ માધવના પિતા હર્ષદરાય વ્યાસ તથા તેના મોટા ભાઇ અનુપ વ્યાસ હતા. 

નિયતિ કામ તો સામાન પેક કરવાનું કરી રહી હતી, પણ મન માધવ પાસે જઇને આલિંગન આપવા માટે વ્યાકુળ થઇ રહ્યું હતું. તેને માધવનું માથું ખોળામાં લઇને એની બધી તકલીફોમાંથી મુક્ત કરવાની ઇચ્છા વારંવાર થતી હતી. તેનાંથી પણ વીસેષ માધવને આપેલી તકલીફ માટે માફી માંગીને, તેના આપેલા ત્રણ વિકલ્પમાંથી માધવ પોતાની સાથે લગ્નના વિકલ્પની પસંદગી કરે તે કહેવાની ઇચ્છા હતી.

દરવાજા ઉપર ‘ટક ટક’ અવાજ સાંભળીને નિયતિને ખ્યાલ આવ્યો કે તે હર્ષદરાય વ્યાસના વુમન્સ સ્ટાફ હોસ્ટેલના પોતાના ૧૨ બાય ૧૨ના રૂમમાં છે. આ રૂમમાં એક ખૂણામાં બેડ અને બીજા ખૂણામાં એક ટેબલ, ખુરશી હતાં. સામેની દીવાલમાં એક ખૂણામાં નાનકડી બાથરૂમ હતી. એક દીવાલમાં નાની બારી હતી, જેમાંથી સ્વચ્છ હવા બસ નામની આવતી હતી. આ રૂમમાં તેણે છેલ્લા ૬ મહિનાથી દરેક મિનિટે શ્વાસ રુંધાતો હોવા છતાં વિતાવી હતી. એ દરવાજો ખોલે છે તો ત્યાં હોસ્ટેલમાં કામ કરતી લીલાને જુએ છે. લીલાને જોઈને તેને કોઈ આશ્ચર્ય ના થયું; કેમ કે તેને અંદાજ હતો કે લીલા કેમ આવી હતી.

નિયતિએ બનાવટી સ્મિત સાથે કહ્યું “બોલ લીલા!”

“હેમાબેન તમને બોલાવે છે.”

“સારૂ, એમને કહે હું થોડી વારમાં આવું છું...”

નિયતિ સારી રીતે જાણતી હતી કે આ જવાબથી હેમાબેન ખુબજ ગુસ્સે થશે... નિયતિએ હાથમાં પહેરેલી ઘડિયાળમાં સમય જોયો અને બાકી રહેલો સામાન પેક કરવા લાગી. તેની પાસે હવે બહુ ઓછો સમય હતો. શક્ય એટલી ઝડપથી બાકી રહેલો સામાન સમેટી તેણે મોબાઇલથી ઓલા કાર બુક કરાવી. ત્યાં સુધીમાં લીલા ફરીવાર આવી અને કહે કે “મેડમ તમને હમણાં જ બોલાવે છે.”

નિયતિ જાણતી જ હતી કે હેમાબેન તેને જલદી આવવા માટે મજબૂર કરશે. તેણે લીલાના હાથમાં એક મોટી સૂટકેસનુ હેન્ડલ પકડાવીને કહ્યું “આને નીચે લઈ જા, હું બાકી સામાન લઈને તરત આવું છું."

લીલા આશ્ચર્યભરી નજરે નિયતિ સામે જોવા લાગી, જાણે કહેવા માગે છે કે 'તમે હોસ્ટેલ છોડીને જવાનો વિચાર ના કરો. અહીં જે આવે છે તે પોતાની મરજીથી પાછું જઇ શકતું નથી.' 

નિયતિ જાણે લીલાના મનની વાત સમજી ગઈ હોય એમ, તેના ખભા ઉપર હાથ મૂકીને બોલી "લીલા, તું સામાન લઈને જા; હું સારી રીતે જાણું છું કે હું શું કરું છું."

"પણ નિયતિબેન....?"

"લીલા, હું જ્યારથી અહીં રહેવા આવી છું, ત્યારથી તેં મને ખૂબ મદદ કરી છે. તું નીચે જા, નહીંતર તારી મેડમ હમણાં ઉપર આવી જશે..."

"બેન, મેડમ બહુ ગુસ્સામાં છે, તે તમને જવા દેશે?"

"લીલા, આજે તારી મેડમ તો શું, તારી મેડમના મોટા સર હર્ષદરાય વ્યાસ પણ મને જતાં રોકી નહીં શકે..."

"બેન, આ એક નર્ક છે, જ્યાં કેટલીય કન્યાઓનાં માત્ર સપનાં જ તેમની જિંદગીઓ પણ બરબાદ થઈ ગઈ છે... અને તમે આ જહન્નમમાંથી કેવી રીતે બહાર નીકળશો?"

નિયતિ હોઠો પર ધીમું હાસ્ય લાવતાં, પર્સ ખભા ઉપર લટકાવતાં બોલી, “લીલા, આ જ્ગ્યા એક દોઝક છે, એ જાણ્યા પછી જ હું અહીં આવી હતી...”

નિયતિના એ ધીમા હાસ્યમાં એક રહસ્ય છુપાયેલું હતું, જે લીલાની સમજશક્તિ બહારનું હતું.

***

હેમાબેન તેમની ઓફિસમાં નિયતિની રાહ જોઈ રહ્યાં હતાં. તેમને નિયતિ ઉપર અતિશય ગુસ્સો આવ્યો હતો. એકવાર બોલાવ્યા પછી તરત જ હાજર ના થઈ એ તેમના માટે અપમાન હતું. એ ખુરશીમાંથી ઊભા થઈને રૂમમાં આંટા મારે છે. તેમની ઓફિસ બહુ મોટી ન હતી, પણ તેમણે આખી ઓફિસ ખૂબ સરસ રીતે ગ્રે અને બ્લેક કલરથી સુશોભિત કરી હતી. મોટા ટેબલ ઉપર ગ્રે કલરનું ટેબલ-ક્લોથ હતું, તેના ઉપર કાચ મૂકેલો હતો. બાજુમાં નાનું સાઈડ ટેબલ હતું. ઉપર એક ફ્લાવરવાઝ હતો. તેમાં પણ બ્લેક અને ગ્રે પ્લાસ્ટિકનાં ફૂલો હતાં. બે દીવાલો પર બારી હતી. બારીના પડદા પણ ગ્રે રંગના હતા. તેમની ખુરશી કાળા રેકઝિનની હતી. બીજી છ ખુરશીઓ હતી, જેનો રંગ ગ્રે હતો. રૂમમાં માત્ર દીવાલ નો રંગ આઇવરી હતો, બીજી બધી વસ્તુઓનો રંગ ઘાટો ગ્રે તથા બ્લેક રંગને મળતો આવતો હતો. તેમના ટેબલ ઉપર પેન તથા લેટરપેડ પણ ગ્રે રંગ હતા. એક દિવાલ ઉપર દ્રૌપદી વસ્ત્ર-હરણનો મોટો સ્કેચ કરેલો ફોટો લટક્તો હતો. બીજી દિવાલ ઉપર કાલિમાતાનો ફોટો હતો. આઇવરી કલરની દિવાલ ઉપર ગ્રે અને બ્લેક કલરના મિશ્રણ કરેલી તસવીરો ખૂબસુરત લાગતી હતી.

હેમાબેને આછા કથ્થઇ કલરની સાડી પહેરી હતી. પાંચ ફૂટની ઉંચાઇ, ઘઉંવર્ણી ત્વચા, પાતળા હોઠ, પ્રમાણસર મોટી આંખો, મોટું કપાળ, લંબગોળ ચહેરો, ઉપસી આવેલા ગાલ અને ગાલના આકારને શોભા આપે એવું નાક હેમાબેન જવાનીમાં સુંદર દેખાતા હશે તેની ચાડી ખાતું હતું.  

હેમાબેને બેલ મારીને બીજા બેનને બોલાવીને કહ્યું, “લીલા કેમ હજી ના આવી? જલ્દી બોલાવ એને અને નિયતિને.”

એ બેન બહાર જાય તે પહેલાં નિયતિની સૂટકેસ બહાર દરવાજા સુધી મૂકીને લીલા ઓફિસમાં હાજર થઈ. તેને જોઈને હેમાબેન ગુસ્સાથી બોલ્યાં “એકલી કેમ આવી? નિયતિ ક્યાં છે? એને મારી બીક નથી રહી?”

લીલા ડરતાં ડરતાં બોલી, “બેન, મેં તો તેમને તરત જ આવવાનું કહ્યું પણ... એ.....!”

હેમાબેન શું કરવું જોઈએ તે સમજી શકતા નહોતા. લગભગ અડધા ક્લાક પહેલાં હર્ષદરાય વ્યાસનો ફોન આવ્યો, ત્યારથી તે મુંઝાતાં હતાં. અગાઉ એવું કદી બન્યું નહોતું કે હોસ્ટેલમાં રહેતી કોઈપણ કન્યા કે સ્ત્રી એમની અવગણના કરે. આમ રાહ જોવડાવે. પોતાની ૪૫ વર્ષની ઉંમરમાં તથા ૨૫ વર્ષની નોકરીમાં આવું પ્રથમ વાર બન્યું હતું. ગુસ્સામાં તે લાલચોર થઈ રહ્યાં હતાં. 

છ મહિના પહેલાં નિયતિ હોસ્ટેલમાં રહેવા આવી, તે દિવસ આંખો સમક્ષ દેખાવા લાગ્યો. તે દિવસે નિયતિ એટલી શાંત અને ગંભીર રીતે વર્તી હતી, તે યાદ આવ્યું. પાંચ ફૂટ ચાર ઇંચની ઉંચાઇ, ઉજળો દૂધ જેવો વાન, ઘાટીલો ચહેરો, ધનુષ્યના આકાર જેવા ગુલાબી હોઠ, ઝીણી કાળી આંખો, મોટું કપાળ, નકશીદાર નાક, પાતળી ડોક, તેના ચહેરાને વધારે સુંદર બનાવતી હતી. ચુસ્ત ફીટીંગ વાળા ગુલાબી રંગના ડ્રેસમાં છાતી, કમર અને નિતંબનો આકાર આકર્ષક લાગતો હતો. તેની સાદગીસભર સુંદરતાની કોઇપણ સ્ત્રી કે છોકરીને અદેખાઇ થાય એવી તે દેખાઇ રહી હતી.

નિયતિ આવીને તરત તેમને પગે લાગી હતી અને કહ્યું હતું “તમે મારા મોટીબેન સમાન છો તમને ફરિયાદ કરવાની કોઈ તક નહીં આપું.” એ સમયે તેમને લાગ્યું હતું કે આ છોકરી હંમેશા કહ્યામાં રહેશે. આજે છ મહિના પછી પહેલી વાર તેઓ ખોટાં સાબિત થયાં હતાં. એમને સમજાતું નહોતું કે એકાએક શું થયું છે કે મોટા સર નિયતિ ઉપર આટલા બધા ગુસ્સે થયા છે? ઉપરાંત નિયતિ તેમની અવગણના કરી રહી હતી.

હેમાબેન કઇપણ સમજે તે પહેલાં નિયતિ બહારથી અંદર આવીને તેની સૂટકેસનું હેંડલ પકડીને પાછી બહાર જવા લાગી. આ જોઇને હેમાબેન તો સ્તબ્ધજ થઇ ગયાં. નિયતિની વર્તણૂંક ઉપર કેવો પ્રતિભાવ આપવો તે એક પળ માટે સમજી શકતાં નથી. તેમને યાદ આવે છે કે નિયતિને માધવ સર પાસે તાત્કાલિક મોકલવાની છે.

એટલે હેમાબેને નિયતિ પાછળ દોટ મૂકી. ત્યાં સુધીમાં તો નિયતિએ ઝડપથી પોતાનો સામાન ટેક્ષીમાં મૂકી દીધો હતો. એ જાણતી હતી કે હેમાબેન તેને હોસ્ટેલ છોડવા દેશે નહીં. તેથી ખૂબ જ પ્લાનિંગ સાથે થોડો સામાન લીલા સાથે તથા બીજો સામાન પોતે લઈને નીચે આવી ગઇ હતી. તે કોઇપણ પ્રકારનું જોખમ લેવું ના પડે તેથી પોતાના બધા સામાન સાથે, બને એટલી વહેલી નીકળી જવા માંગતી હતી. તેમાં એ સફળ પણ થઇ રહી હતી.

આ બધુ જોઇને હેમાબેન નિયતિને જોરથી બોલાવે છે.

"નિયતિ... ઉભી રહે, ક્યાં જાય છે? તારે હમણાં જ માધવ સર જોડે જવાનું છે... તેં શું કહ્યું છે તેમને? એ કાલના રૂમમાંથી બહાર આવ્યા નથી… જમવાનું પણ લીધું નથી... તું તારી જાતને સમજે છે શું? તું મોટા સરની વાતનો અનાદર નહીં કરી શકે... હમણાં જ તારો બધો સામાન રૂમમાં પાછો મૂક... નહિતર...”

હેમાબેન બસ એમની રીતે બોલતાં હતાં. નિયતિ શાંતિથી તેનું કામ કરતી હતી. તેનો સામાન કારમાં ગોઠવાઇ જાય છે. એ શાંતિનો એક શ્વાસ લે છે અને ધીરેથી હેમાબેનની પ્રતિક્રિયા જુએ છે. એને એક બાજુ તેમના ઉપર ગુસ્સો આવે છે, તો બીજી રીતે તેમની હાલત ઉપર દયા પણ આવે છે. એ જાણતી હતી કે, હેમાબેન હર્ષદરાય વ્યાસના હાથની કઠપૂતળી જ હતાં. નિયતિ ધીરી ચાલે, શાંત ચિત્તે હેમાબેન સામે જાય છે.

"હેમાબેન હું જે કરી રહી છું, તે માધવ ખૂબ જ સારી રીતે જાણે છે... મેં કાલે તેના રૂમમાં જ બધી વાત જણાવી છે... મેં તેને ત્રણ વિકલ્પ આપ્યા હતા... મેં ૧૦ વાગ્યા સુધી રાહ જોવાનું કહ્યું હતું... ઘડિયાળમાં સવારનાં ૧૦ વાગ્યાને ૧૦ મિનિટ થવા આવી છે... એ મારી જોડે આવી ગયો હોત, તો હું એની બધી વાત માનવા તૈયાર હતી... પણ માધવ આવ્યો નથી, તો હું જઇ રહી છું... કારણ કે, એણે ત્રણ વિકલ્પમાંથી મારી સાથે રહેવાનો વિકલ્પ પંસદ કર્યો નથી..."

નિયતિ જે બોલતી હતી હેમાબેન તે સમજવાની પરિસ્થિતિમાં નહોતા. નિયતિ આટલું બોલીને કારનો દરવાજો ખોલવા લાગી. હેમાબેન તેને રોકવા માટે નજીક ગયાં અને દરવાજા આગળ ઉંભા રહીં ગયાં. નિયતિ હેમાબેનને હાથ પકડીને હોસ્ટેલ તરફ લઇ જાય છે. એકદમ ધીરેથી કોઇને ના સંભળાય તેમ કહે છે:

"તમારી રૂમમાં જે બે ફોટા લટકે છે... તેમાં તમે જો કાલિમાતાની જેમ વર્ત્યાં હોત, તો ઘણી બધી સ્ત્રીઓનાં દ્રૌપદીની જેમ વસ્ત્ર-હરણ ના થયાં હોત... ઘણી બધી સ્ત્રીઓના તમને આશીર્વાદ મળ્યા હોત... પણ તમે તમારી સાથે જે થયું, તેનો બદલો મોટા સર જોડે લેવાને બદલે, બીજી લાચાર સ્ત્રીઓ અને કન્યાઓ જોડે લીધો... એ કામ કરવામાં જાણે તમને, તમારો બદલો મળી ગયો... તમારા રૂમમાં ગ્રે અને બ્લેક કલરને જે રીતે તમે રાખ્યો છે, તે રીતે તમે તમારા જીવનમાં પણ અંધકારને સ્થાન આપી દીધું છે..."

"નિયતિ, તું વાતો પછી કરજે... લીલા, ગાડીમાંથી સામાન બહાર કાઢ..." 

"હેમાબેન એક વાત જાણી લો, હું અહીં આવી ત્યારે આ હોસ્ટેલ, તમારા હર્ષદરાય વ્યાસ સર, તેમના બિઝનેસ ભાગીદારો, તમારા અનુપ સર અને તેમના મિત્રો, તમારા કામ વિષે બધી માહિતી લઇને આવી હતી... તમે તો શું, તમારા મોટા સર પણ મને રોકી નહીં શકે... બની શકે તો એક વાર કોઇ છોકરીની હાલત તમારા જેવી ના થાય, તેના માટે કાલિમાતા બની જોજો... તમારાં થોડાં પાપ ઓછાં થશે..."

હેમાબેન નિયતિની વાત સાંભળીને છોભીલાં થઇ ગયાં. આ રીતે કહેવાની હિંમત કોઇએ ક્યારેય નહોતી કરી. એ આગળ કંઇ પણ કહે કે કરે, તે પહેલા નિયતિ કારની પાછલી સીટ પર બેસી જાય છે. ટેક્ષીના ડ્રાયવર સાથે બધી ઔપચારિકતા પૂરી કર્યા બાદ કારને હોસ્ટેલની બહાર ખૂબ જલદી લેવા માટે કહે છે.

નિયતિની કારને હેમાબેન, લીલા તથા અન્ય કર્મચારી બહાર જતી જોઇ રહ્યાં. હોસ્ટેલના ઇતિહાસમાં એવું પ્રથમ વાર બન્યું, કોઇ પોતાની મરજીથી બહાર જઇ શક્યું હતું. નહીં તો અહીં આવનાર દરેક સ્ત્રી હર્ષદરાય વ્યાસ તથા તેમના ભાગીદારોના હાથની કઠપૂતળી બનીને જીવતી હતી. અથવા તો આપઘાત જેવું પગલું ભરતી હતી. પણ આજે ઇતિહાસ બદલાયો હતો. પ્રથમ વખત હેમાબેનને અહેસાસ થયો હતો કે ખરેખર નિયતિએ કહ્યું તેમ એમણે કર્યુ હોત, તો ઘણી સ્ત્રીઓ અને છોકરીઓની જિંદગી બરબાદ ના થઇ હોત.

નિયતિની કાર હોસ્ટેલની બહાર નીકળીને મુખ્ય માર્ગ તરફ આગળ વધે છે. તેની પાછળ એક બીજી બ્લૂ કલરની ટાટા ઇન્ડિકા કાર પણ આગળ વધે છે. કોઇ હતું જે નિયતિનો પીછો કરતું હતું.

ક્રમશ: