Tran Vikalp - 3 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - ૩

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૩

માધવ, સુહાસિની અને હર્ષદરાય ડાઈનિંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ કરતાં હતાં તે જ સમયે સેજલ તેની 3 વર્ષની ઢીંગલી એંજલને લઈને ડ્રોઈંગ રૂમ માં આવે છે.

“માધવ, તારી તબિયત કેવી છે ?”

“બસ, ભાભી મને ઠીક છે. ચાલો તમે પણ બ્રેકફાસ્ટ કરી લો.”

સેજલ અનુપની પત્ની અને હર્ષદરાયની પુત્રવધૂ હતી. એંજલ તે બન્નેની ખૂબ જ નાજૂક અને નમણી ઢીંગલી હતી. સેજલ ખૂબ સુંદર સ્ત્રી હતી, અને સુંદરતાનાં કારણેજ તેને અનુપ સાથે નામરજી છતાં, પ્રેમને ભૂલીને, લગ્ન કરવા પડ્યા હતાં. સેજલ લગ્ન પહેલા જ જાણતી હતી કે સ્ત્રીઓ બાબતે અનુપ અને હર્ષદરાયના વિચારો કેવા હતા.

હર્ષદરાય વ્યાસનો અમદાવાદમાં લેધરની દરેક પ્રકારની આઈટમ બનાવવાનો બિઝનેષ હતો. તેમની કંપની માણેક લેધર પ્રોડક્ટની ફેક્ટરી ગુજરાતની નંબર ૧ કંપની હતી. પિતા માણેકરાય વ્યાસે અમદાવાદમા લેધર પ્રોડક્ટની ફેક્ટરી સ્થાપી હતી. પિતાની મહેનતનુ ફળ હર્ષદરાયને વારસામાં મળ્યું હતું. પિતાની ફેક્ટરીને તેમણે નંબર ૧ ઉપર સ્થાન અપાવ્યું હતું.

સેજલના પિતા નવનીત ચૌહાણ હર્ષદરાયની ફેક્ટરીમાં નોકરી કરતા હતા. હર્ષદરાયને તેમના મોટા દીકરાના લગ્ન કોઈ મોટા બિઝનેષમેનની દીકરી સાથે કરવાની ઇચ્છા હતી. પણ એક બગડેલ છકી ગયેલા છોકરા સાથે કોઈ પણ મોટા ઘરનાં વડીલોએ તૈયારી બતાવી નહીં.

એક દિવસ અનુપ ફેક્ટરીમાં કામ કરતો હતો: તે સમયે સેજલ તેનાં પિતાને કોઈ કામથી મળવા આવી હતી. તે સમયે નવનીતભાઈ તેને ખૂબ લડ્યા હતા, “બેટા સેજલ તને કહ્યું છે ને તારે મારી ઓફિસમાં નહીં આવવાનું.... તું જલ્દી ચાલી જા...”

સેજલને તે સમયે ખબર ન હતી કે તેનાં પપ્પા ઓફિસમાં આવવાની ના કેમ પડે છે. પણ નવનીતભાઈ ખૂબ સારી રીતે જાણતા હતા કે જો અનુપની નજર સેજલ ઉપર પડશે તો અનર્થ થઈ જશે, અને તે દિવસે તેમનો ડર સાચો સાબિત થયો હતો. અનુપે સેજલને જોઈ હતી અને તેનાં રૂપમાં ખોવાઈ ગયો હતો. સોડાની બંધ બોટલને હલાવીને ખોલવામાં આવે તો એક પળમાં બધો ગેસ બહાર આવે તેવીજ રીતે, તેની અંદર રહેલા પુરુષની વાસનાએ પલક વારમા ઉછાળો માર્યો હતો. સેજલને બાહુપાસમાં જકડીને પીંખી નાંખવા માટે તલપાપડ થયો હતો.

સેજલે ડાર્ક બ્લૂ રંગનું પ્લેન ટોપ અને રેડ રંગનું લોંગ સ્કર્ટ પેહર્યુ હતું, જેમાં બ્લૂ રંગની ડિઝાઇનની પ્રિન્ટ હતી, અને સ્કર્ટનો ઘેરાવો ઉપરથી લઈને નીચે ત્રણ લેયરની ઝુલોના કારણે વધતો જતો હતો. તે કપડાં કોઈ બ્રાન્ડેડ કંપનીનાં ન હતા પણ તેમાં સેજલ ખૂબ જ આકર્ષક દેખાઈ રહી હતી. તેના વાળ આછા કાળા રંગના હતા, તેણે ઉંચી પોનીની હેરસ્ટાઇલ કરી હતી, જેમાં રેડ રંગનું મોટુ રબ્બર નાંખ્યું હતું. પગમાં તેમની કંપનીની રેડ રંગની મોજડી પેહરી હતી. ચહેરા ઉપર આછો મેક અપ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતો હતો. સેજલની મેચિંગ થાય એ રીતે તૈયાર થવાની કુશળતા કોઈને પણ એને જોવા માટે આકર્ષિત કરે એવી હતી.

અનુપે એના જીવનમાં આટલી સુંદર સ્ત્રી સાથે સહવાસ કર્યો ન હતો. તેણે અસંખ્ય છોકરીઓના પ્રેમના નામે શોષણ કર્યા હતાં. પરંતુ સેજલને જોઈને અનુપને આજીવન તેની સાથે રહેવાની ઇચ્છા થઈ હતી. પપ્પા તેના માટે એક સુંદર અને ઉંચા ઘરની કન્યા શોધી રહ્યા હતા પણ તેમના હાથમાં નિષ્ફળતા જ આવી રહી હતી. અનુપ એક સુંદર છોકરી સાથે આજીવન રહી શકે અને તેને પ્રેમ પણ કરી શકે તેની શોધમાં હતો, જે એને સેજલના સ્વરૂપમાં નજર આવી હતી.

નવનીતભાઈ અનુપની બધી જ આદત અને વર્તનથી માહિતગાર હતા, પણ નોકરીના કારણે એક શબ્દ બહાર ના બોલે. તેમણે ઘરમાં એક કડક સૂચના આપી હતી. ઘરની કોઈપણ સ્ત્રીએ કદી ઓફિસમાં અથવા કોઈ ફંક્શનમાં હાજરી આપવાની વાત વિચારવાની પણ નહીં. પણ તે દિવસે સેજલ અને નવનિતભાઈ બન્નેની કિસ્મતના દરવાજા ઉપર અનુપે દસ્તક આપી હતી. હર્ષદરાય આ લગ્નની વિરૂધ્ધ હતા, પણ અનુપની જીદ સામે તેમણે હથિયાર મૂકી દીધાં હતાં.

હર્ષદરાયે નવનીતભાઈને નોકરીમાંથી છૂટા કરવાની ધમકીથી દબાણ લાવીને લગ્ન કરવાની વાત કરી હતી. પણ નવનીતભાઈ દીકરીનું જીવન સુધારવા માગતા હતા: એટલે તેમણે નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો. સેજલને જ્યારે એ વાતની ખબર પડી, ત્યારે એને અહેસાસ થયો કે પપ્પા પોતાને દૂર કેમ રાખતા હતા. એના નાનાં ભાઈ-બહેન હજુ અભ્યાસ કરતાં હતાં. ઘરની બીજી કોઈ આવક ન હતી, ઉપરાંત એના પપ્પાની પ્રતિષ્ઠાનો સવાલ હતો. સેજલ જાણી ગઈ હતી કે, જો પપ્પા નોકરી છોડી દેશે તો પણ અનુપ તેને તથા તેના પરિવારને શાંતિથી જીવવા નહી દે. સેજલે જાતે જ નામરજી છતાં અનુપ સાથે લગ્નની હા પાડી અને તેનાં પપ્પાને પણ રાજી કર્યા. પરંતુ આ લગ્નથી હર્ષદરાય કોઈ દિવસ ખુશ ના થયા. પરંતુ દિકરા ની ખુશી માટે એ કાઇ પણ કરવા હંમેશાં તૈયાર રહેતા.

હર્ષદરાયે કોઈ દિવસ સુહાસિની અને પુત્રવધૂ સાથે પણ પ્રેમથી વાત કરી નહોતી. તેમાં પણ સેજલે એક દીકરીને જન્મ આપ્યો હતો, એમને પૌત્રની ઇચ્છા હતી જે પૂરી ના થઈ. એમણે કોઈ દિવસ એંજલને પણ પોતાનાં હાથમાં લેવાની તકલીફ કરી નહોતી. તેમના મન કોઈ પણ કન્યા હોય કે સ્ત્રી માત્ર ને માત્ર ભોગવવાની વસ્તુ હતી. તેમનો એ ગુણ અનુપમા પૂરો ૧૦૦% ઉતર્યો હતો.

સુહાસિની પણ પોતાના પતિના દરેક ખરાબ કામ જાણતી હતી, પણ તે પતિવ્રતા નારીની જેમ તેમના દરેક દુ:ખને માથા ઉપર ચડાવી લેતી. તેમણે તેમના દીકરાઓમાં પિતાના સંસ્કાર ના આવે તે માટે બનતા બધા જ પ્રયત્ન કર્યા હતા. પરંતુ અનુપની અંદર આવતા પિતાના અવગુણ રોકવામાં તેમને કોઈ સફળતા ના મળી. અનુપ ધંધો કરવામાં પણ કાચો હતો. જ્યારે હર્ષદરાયમાં ધંધાદારી કુશળતા તેમના પિતાના સંસ્કારમાંથી આવી હતી અને માધવ તો જુદી જ માટીનો થયો. તેનામાં તેના દાદા માણેકરાયના સંસ્કાર આવ્યા હતા, માણેકરાય પણ સ્ત્રીઓની ખૂબ ઇજ્જત કરતા હતા અને ધંધાદારી સમજ પણ સારી હતી.

સુહાસિની અને સેજલ બન્ને ખૂબ સારી રીતે જાણતા હતાં કે તેમના પતિની નજરમાં તેમની શું કિંમત છે. સેજલના આવવાથી સુહાસિનીને લાગ્યું હતું કે અનુપ તેની સાથે જીદથી લગ્ન કરીને લાવ્યો છે તો હવે તે કોઈપણ બીજી છોકરી સાથે જશે નહીં. સેજલને પણ એક આશા હતી કે તેના રૂપથી પોતાના પતિને બીજી છોકરીઓની પાછળ જતા રોકી શકશે. પરંતુ બન્નેની દરેક આશા મૃગજળ સમાન પુરવાર થઈ હતી.

“ચાલો ભાભી નાસ્તો કરી લો.” માધવે ફરીથી સેજલને બોલાવી એ તેના પપ્પાને ગમ્યું નહી. માધવ જાણતો હતો કે પપ્પા તેની મમ્મી અને ભાભી બન્નેમાંથી કોઈને પસંદ કરતા નથી. પણ હર્ષદરાયે કોઈ દિવસ માધવને તે બન્ને સાથે બોલતા રોક્યો ન હતો.

“નહીં મેં નાસ્તો થોડી વાર પહેલાં જ કર્યો અને એંજલને પણ કરાવ્યો છે.” સેજલ પણ એના સસરાની સાથે એક ટેબલ ઉપર બેસવા ના ઇચ્છતી હોય તેમ ના પાડી.

માધવ એ વાત સમજી ગયો કે પપ્પા છે, ત્યાં સુધી ભાભી નહીં જમે. તે ઝડપથી તેનો નાસ્તો પૂરો કરે છે અને હર્ષદરાય પણ પૂરો કરે છે.

“પપ્પા હું ઓફિસ જઈશ, મારે ઘણું કામ કરવાનું છે.” કહીને માધવ બહાર જવા લાગ્યો. તેને ખબર હતી કે પપ્પા વાત કરવા માંગે છે પણ, તે જવાની તૈયારી કરે છે.

“નાનકા ઊભો રહે.... હવે કહે પેલી મામૂલી છોકરી શું કહી ને ગઈ હતી કે કાલનો રૂમમાંથી બહાર નથી આવ્યો...?”

“પપ્પા, કોઈ વાત સિરિયસ છે જ નહીં, ડોન્ટ વરી...”

“તો પણ તને કહેવામા શું તકલીફ છે ?”

“પપ્પા, મેં કહ્યુને... રિલેક્ષ, ચાલો સાથે ઓફિસ એક જ કારમાં ઘણા દિવસો પછી જઈએ”.

સુહાસિની : “બેટા….”

“સુહાસિની, તારે શું બોલવાનું છે, તને મારા નાનકાની ચિંતા હોત તો કાલે પેલી મામૂલી છોકરી આવીને ગઈ, ત્યારે જ તે તેને રોકીને ચમાટ મારી હોત, હવે ચૂપ રહે, મને વાત કરવા દે”.

માધવને તેના પપ્પા, મમ્મી તથા ભાભી સાથે આટલું શરમજનક વર્તન કરે ક્યારેય પસંદ ન હતું, પણ તે તેના પપ્પાને કશું કહી શકતો ન હતો.

“પપ્પા, તમે શાંત થાવ... આવો આપણે બેસીને વાત કરીએ...”

તે ડ્રોઈંગ રૂમમાં આલીશાન સોફા ઉપર બેસી જાય છે. તેની કોઈ ઈચ્છા ન હતી કે તેના કારણે તેની મમ્મીનુ વધારે અપમાન થાય. તેને એકાએક વિચાર આવે છે કે સંતોષને જે પ્રમાણે ત્રણ વિકલ્પ કહ્યા હતા તેમાં તેણે થોડું સત્ય સંતાડયું હતું, અને તે પણ કહ્યું હતું કે નિયતિની અસલિયત તે કોઈને પણ કહેવા નથી માંગતો. બસ તે વાત જ થોડી વધારે પડતી છુપાવી અને ફેરવીને ઘરમાં દરેકને કહે તો એક પ્રકારે તેમની ચિંતામાં ઘટાડો થાય. આમ કરવાથી નિયતિની ઉપર કોઈ સંકટ નહીં આવે અને પોતાને પણ કોઈ અસુવિધા નહીં રહે. આ વિચાર આવતા જ તે નક્કી કરે છે કે પપ્પાને પણ વાત કહી દેવાથી તેમને શાંત રહેવા માટે પણ કહી શકશે.

“પપ્પા, આવો બેસો, મમ્મી તમે પણ મારી પાસે આવીને બેસો, ભાભી પ્લીઝ આવો તેથી બધાને એક સાથે જ વાત કરું.... તો.... મારે ફરી ફરી ટેપ વગાડવી ના પડે.... હા હા હા...”

માધવ પરિસ્થિતિને એક્દમ શાંત કરવા માંગે છે એટલે થોડુ હસવાનું નાટક કરે છે.

તેની વાત સાંભળીને અને હસતાં જોઈને દરેકને થોડી રાહત થાય છે અને તેની પાસે બધા ગોઠવાય છે.

“હા બેટા બોલ, જલ્દી બોલ...” હર્ષદરાયને તે વાત જાણવાની ખૂબ જ ઇંતેજારી હોય છે. કાલથી અસંખ્ય વખત તેઓ વાત જાણવા માટે તરસ્યા હતા. તે માધવની સામે એકીટસે જોઈ રહ્યા છે કે ક્યારે નાનકો બોલે અને તેને દુ:ખમાંથી ઉગારે.

“પપ્પા, હું નિયતિને ખૂબ પ્રેમ કરું છું... તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા હતી મારી.”

“નાનકા.....” હર્ષદરાયને તે વાત જરા પણ પસંદ ના આવી. એમને માધવના લગ્ન કોઈ મોટા બિઝનેસમેનની દીકરી સાથે કરવાની ઇચ્છા હતી, એટલું જ નહીં એમણે એક છોકરી પસંદ પણ કરી હતી.

“પપ્પા, મને ખબર છે મારા લગ્નને લઈને તમારી શું ઇચ્છા છે.... પણ પપ્પા હું નિયતિના વગરનું જીવન વિચારી પણ શકતો નથી.”.

આ વાત સાંભળીને સુહાસિની ખુશ થાય છે “બેટા, તે સારી છોકરી છે.”

“સુહાસિની, તું ફરી વચ્ચે બોલી...”

“પપ્પા, મમ્મીને પણ પોતાની પુત્રવધૂ માટેના કોઈ સપના હશે.... પપ્પા, મમ્મીને પણ બોલવા દો.”

હર્ષદરાય તે સાંભળીને ચૂપ રહે છે, એ માધવની કોઈ વાત ટાળી શકતા નથી. પુત્રપ્રેમ તેમનો વીક પોઈન્ટ હતો. “હા, તો શું થયું કાલે ?”

“પપ્પા, તેણે લગ્ન કરવા કે ના કરવા તેના માટે ત્રણ વિકલ્પ મને કહ્યા છે !”

આ વાક્ય સાંભળીને ત્રણેય ને એક ઝટકો લાગે છે તે બધા માધવની સામે આશ્ચર્યજનક રીતે જોઈ રહ્યા છે કે કેવા વિકલ્પ હોઇ શકે.

“હા પપ્પા, મમ્મી ૧) તેના પરિવાર વિષે કોઈ દિવસ જાણવાની કોશિશ કરવી નહીં અને લગ્ન કરવું. ૨) જો તેના પરિવારની માહિતી આપણે જાણવી હોય અને પછી પપ્પા લગ્ન કરવાની ના પડે તો તેને કોઈ પણ જાતનું નુકશાન ના થાય તે રીતે ઓફિસમાંથી મુક્તિ આપવી, અને જ્યાં જવા માંગતી હોય ત્યાં વિના રોકટોક જવા દેવી. ૩) મારે તમને એટલે કે, મારા પપ્પાને કોઈ ટેન્શન ના આપવું હોય તો કોઈપણ સવાલ પૂછ્યા વગર તેને હંમેશાને માટે ભૂલી જવી અને તે જ્યાં જવા માંગતી હોય ત્યાં જવા દેવી.”

માધવની વાત સાંભળ્યા પછી સવિતા વિલાસના વિશાળ ડ્રોઈંગ રૂમમાં એક સન્નાટાએ આગમન કર્યું હતું.

***

નિયતિની ઓલા કાર અમદાવાદનાં ઘોંઘાટ અને ભરચક ટ્રાફીકમાંથી બહાર આવીને રાજકોટ જવાના હાઈવે ઉપર એકધારી સ્પીડથી પસાર થઈ રહી છે. તેની કારની પાછળ ૨ કાર પછી સંતોષ એટલી જ સ્પીડથી કાર ડ્રાઈવ કરી રહ્યો છે. સંતોષે વિચાર્યું કે હાઇવે ઉપર નિયતિની અને પોતાની કાર વચ્ચે જો ૨ ગાડી હશે તો નિયતિને ખ્યાલ નહીં આવે કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. તેમજ હાઇવે ઉપર પીછો કરવો એટલો બધો સહેલો થઈ રહેશે છે કે કોઈને અંદાજ ના આવે.

નિયતિના મગજમાંથી માધવ એક ક્ષણ માટે પણ જવાનું નામ લેતો નહતો. તેને વારંવાર માધવની સાથે વાત કરવાનું અને પૂછવાનું મન થાય છે કે, તે ત્રિજો વિકલ્પ પંસદ કર્યો તો કોઈ વાંધો નહીં પણ, એક વખત વાત કરીને જણાવવાનું પણ યોગ્ય ના લાગ્યું. નિયતિએ તેની આંખો સામેથી માધવને દૂર કરવા માટે બીજા વિચારને મનમાં લાવવાની કોશિશ શરૂ કરી.

નિયતિ કારની સીટ ઉપર માથું મૂકીને તેના ભૂતકાળમાં જવાની કોશિશ કરવા લાગે છે. જ્યારે તે ૯મા ધોરણમાં હતી તે સમયે તે તેના પપ્પા, મમ્મી, દીદી અને દાદી સાથે રાજકોટમાં રહેતી હતી. એ તેના જીવનનાં બધા સપના પૂરાં થતાં હતાં એવા દિવસો હતા. ખૂબ જ મસ્તીથી ભરપૂર અને ખિલખિલાટ હાસ્યથી ભરપૂર.

નિયતિ એક દિવસ સ્કૂલેથી પાછી આવે છે, તે દિવસે ઘરમાં કશુક તૂટ્યું હતું, કશુક જિંદગીમાંથી વિખેરાઈને ટુકડે ટુકડા થઈને તેનાથી સેંકડો યોજનો દૂર ફેંકાયું હતું. કંઈક એવું બન્યું હતું કે તેને ઘરમાં આવતાંની સાથે જ અનુભવ થયો કે; તેનું બાળપણ હવે તેનાથી દૂર થયું છે.

ક્રમશ: