VAHUE VAGOVYA MOTA KHORDA - 4 books and stories free download online pdf in Gujarati

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૪








દેવલ ખેતરે ચાહટ્યો વાઢવા ગઈ હતી. સમશેરસિંઘ કોઢમાંથી બળદ કાઢી, ગાડું જોડી દેવલે વાઢેલ નિરણ લેવા માટે નીકળી ગયા હતા. કાશીબા અને સરસ્વતી ઘરનું આડું-અવળું કામ કરી રહ્યા હતા. કરણુંભા ડેલીમાં ખાટલા પર બેઠા બેઠા રૂપાથી મઢેલ હુક્કો ગગડાવી રહ્યા હતા. સવારના લગભગ નવેક વાગ્યા હશે. કહેવાય છે કે ઉગતી સવાર રોજ સારો અથવા ખરાબ એક નવો વિચાર લઈને આવે છે. આજે કરણુંભાના મગજમાં પણ એક વિચાર ઘુમવા લાગ્યો હતો. આજે એ જ વિચારથી એ ડાલામથો માણસ હુક્કાની ગળાકુ સાથે પીગળતો જતો હતો. હંમેશા કાવાદાવા રમનાર માણસની અંદર આજે ધીમે ધીમે રામ વસી રહ્યો હતો. એટલે જ કાશીબા અને સરસ્વતીને બોલાવ્યા હતા. "જો કાશી! દેવલ આપણા ઘરની વહુ છે. એટલે એને સાચવવી આપડી ફરજ છે. એને હું સવારથી જોવું છું , કેટલું સરસ કામ કરે છે, કામમાં કેટલી ચપળતા છે, એ કેટલી હોશિયાર છે, અને પાછું હમીરભા જેવા ખાનદાની માણસનું લોહી એનામાં સંસ્કાર બની વહી છે. આપણું ખોરડું તો ભાગ્યશાળી બની ગયું કે આપણ ને આવી વહુ મળી. આથી હવે જૂની વાતો ભૂલી જાવ અને દેવલને સરસ્વતીની જેમ સાચવતા શીખ, હવે એ દુશ્મનની દીકરી નહિ પણ આપડા ઘરની વહુ છે એનો ખ્યાલ રાખજો" કરણુભા વિલા મો સાથે કાશીબાને સમજાવતા હતા. પણ ત્યાં તો કાશીબાના મુખ પર કરચલીઓ પડવા લાગી, ચહેરો કાળઝાળ બની ગયો અને એકદમ આવેશમાં આવી બોલવા લાગ્યા "તો એ તમારું અપમાન જે એના બાપે કર્યું હતું એ તમે ભૂલી ગયા એમ ને!, દેવલ સોનાની હોયને તોય મારે તો કથીર જ છે, એના બાપે આપડા ઉપર માછલાં ધોવામાં બાકી નથી મુક્યા તો હવે આપડો વારો આવ્યો છે. હું પણ હવે એને ચોખ્ખા ચોડવામા બાકી નહિ મુકું" કાશીબા આટલું બોલ્યા ત્યાં તો સરસ્વતી વચ્ચે બોલી પડી "બા, તમારી વાત સાચી છે, હું પણ તમારી સાથે જ છું, ભાભીને પણ ખબર પડે કે ક્યાં આવી ગઈ, એમને એકવાર મરવાનો વિચાર આવેને તો મોત પણ ના મળે એવી હાલત કરવી છે" સરસ્વતી એકદમ લુચ્ચાઈભરી ભાષામાં બોલવા લાગી. તરત જ કરણુંભા સરસ્વતી પર ગરમ થઈ ગયા. "તું હજુ નાની એવડી છું અને આટલી મોટી જીભ ક્યાંથી આવી, તું શું બોલેશ એનું કાંઈ ભાન-બાન છે કે નહીં, કાલે સવારે તારા લગ્ન કરશુ અને સાસરે જતી રહીશ, અમે પણ થોડા વર્ષો પછી અમે અમારે રસ્તે જતા રહીશું, અહીં તારા પિયરમાં તારી મા બનીને તારી ભાભી ઉભી હશે, એટલે તારા મનમાં આવું પાપ ના હોવું જોઈએ, તારામાં આવા સંસ્કાર આવ્યા ક્યાંથી એ જ ખબર નથી પડતી?, પણ આમાં તારો કોઇ દોષ નથી, કડવી વેલને મીઠા ફળ ક્યાંથી આવે. તારી માની જેમ તું પણ...." કરણુંભાના મગજનો પારો ઉપર ચડી ગયો. કાશીબા પણ ગરમ થઇ ગયા અને બોલવા લાગ્યા " તો અમે કડવી વેલ અને ગઇકાલની આવેલી એ કુલટા તમારા માટે સંસ્કારની નદી એમ ....ને, કે પછી પેલા હમીરાની બીક લાગી ગઈ, અને જો એની બીકથી તમે આવું બોલતા હોય તો મારો ધણી આવો માયકાંગલો ના હોય". કરણુંભાએ તરત જ પ્રત્યુતર આપ્યો "કાશી, સવાલ હિંમતનો નથી પણ માણસાઈનો છે. એ માણસે આપડા ઉપર વિશ્વાસ મૂકી એની દીકરી આપડા ત્યાં આપી છે તો આપડી પણ ફરજ છે કે....." કરણુંભા જ્યાં આટલું બોલ્યા ત્યાં કાશીબાએ રોકી લીધા "બસ કરો હવે!, હું એકેય બાપ-દીકરીના કે માણસાઈના વખાણ સાંભળવા નથી બેઠી, ઘણાય કામ બાકી છે. તમારાથી થાય એ કરી લ્યો અને અમારાથી જે થાય એ અમે કરી લેશું, ચાલ સરસ્વતી" આટલું કહી માં-દીકરી ઉભા થઇ ઘરની અંદર જતા રહ્યા. કરણુંભા તો સાવ નિરાશ થઈ ગયા અને મનમાં જ વિચારવા લાગ્યા. સ્ત્રીહઠ, બાળહઠ, અને રાજહઠને પાછી વાળવી બહુ અઘરી છે.

બીજી બાજુ દેવલ ખેતરે દાજની મારી જાર વાઢવાનું ચાલુ કરે છે. પણ જ્યાં વાઢવા જાય ત્યાં તો દાતરડું જાર ઉપર ચાલતું નથી. પછી એને દાતરડું ઉપર કરીને જોયું ત્યારે ખબર પડી કે આ દાતરડું તો કકરાવ્યું જ નથી. મનમાં એક પછી એક એનેક વિચાર ઘર કરવા લાગ્યા. સરસ્વતીબેને ભૂલથી આવું દાતરડું આપ્યું હશે કે જાણી જોઈને?, મારી પરીક્ષા લેવા તો આવુ નહિ કર્યું હોયને?. મારા કાકીમાંનું ખેતર તો થોડું દૂર છે. અને કદાચ ત્યાં જઈશ તો પણ એ શું વિચારશે કે આ ગાંડીને આટલી પણ ખબર નહિ પડતી હોય. જો વાઢયા વગર જ જઈશ તો મારો ધણી ગાડું ભરવા આવશે તો એ શું કહેશે, મારી સાસુ મને શુ કહેશે. હાય...હાય... હવે મારે શું કરવું?. ઘરે તો પાછા જવાય એવું નથી. તો પછી અહીં બેસીને પણ શું કરવું. કાલ સાંજની મારા બાઇજીની દાઝ ઉતરી નથી. એ મારી ભૂલને ભૂલવવા માટે જ તો સાવરે ચાર વાગ્યાની જાગીને બધું કામ કરતી હતી. પણ આ અભાગ્યું દાતરડું મારા બધા કામ પર પાણી ફેરવી દેસે. કલ્પના તો કરો આ છોકરીની શુ મનોદશા હશે. એના હૈયામાંથી એક પછી એક નિસાસા નીકળવા લાગ્યા. પણ પછી એક નિર્ણય લઈ લીધો કે જે થવું હોય એ થાય બાકી એક ગાડું જાર તો વાઢીને જ રહીશ. દેવલ જાર પાસે સાડીનો કસોટોવાળી બેસી ગઈ. એ ધાર વગરનું દાતરડું ચલાવવા લાગી. આજે દેવલના વિચાર અને એ વહેતી આંખના આંસુએ ચાહટયાને પણ કાયર બનાવી દીધો હતો. એક પછી એક ચાહટયાના પાથરા પાડવા લાગી. બે દિવસની ભેગી થયેલી મનની દાઝ, કાશીબાના શબ્દો, અને જિંદગીમાં આવેલ બદલાવ, આ બધા વિચારોએ મળીને બુઠ્ઠા દાંતરડાને એક નવી જ ધાર કાઢી દીધી હતી. અને બીજું કે એ ગુમાનમાં ઉભેલા લીલા ચાહટયાની શુ મજાલ કે આવા સળગતા હૈયા સામે પોતાનું વર્ચસ્વ ટકાવી શકે. આજે કદાચ જેને દેવલના ભાગ્યનું નિર્માણ કર્યું હશે એ વિધાતા પણ થરથર ધ્રૂજતી હશે. એકદમ આવેશમાં આવેલી આ જગદંબા આજે જાણે આખું ખેતર વાઢી નાખશે એવું લાગી રહ્યું હતું. બસ, ખાલી એના કોમળ હાથ આ બધું સહન નોહતું કરી શકતા. નવી વહુની છેલ્લી નિશાની એ મહેંદીનો રંગ હાથની ચામડી સાથે નીકળતો જતો હતો. એ ચાહટયાના કાંડા જેવા રાડા એક પછી એક ધરાસાય થતા જતા હતા. બે ગાડા નિરણ વઢાય ગઈ પણ દેવલ તો પોતાના વિચારોમાં સૂઝબૂજ ખોય બેઠી હતી. એ તો વાઢયા કરતી હતી એટલા મા.........

જીભના કચકારા બોલાવતા હી.... હી..ના અવાજ સાથે સમશેરસિંઘ ખેતરે પહોંચી ગયા. આવીને બે વાર દેવલને સાદ કર્યો પણ દેવલ તો એના વિચારમાં હતી. એટલે વાઢવાના આવજની દિશામાં સમશેરસિંઘ દેવલ પાસે ગયા. દેવલ પાસે જઈને જોયું ત્યાં તો દેવલ લોહી નીતરતા હાથથી વાઢવામાં મશગુલ હતી. સમશેરસિંઘે બાવડું પકડી ઉભી કરી જોયું તો જાણે લાલઘુમ આંખોવાળી ચંડીકા જેવી લાગી, એ આંસુ ભરેલી આંખોથી ધીમા ધીમા હીબકાં ભરી રહી હતી.સમશેરસિંઘ ખૂબ જ દુઃખી થયા અને કહ્યું " અરે વાલી! આ શું કરે છે?, તારા હાથ તો જો લોહી નીકળે છે એમાંથી, અને આ શું આટલું બધું વાઢી નાખ્યું, તને તો એક ગાડું વાઢવાનું કહ્યું હતું, શુ થયું છે તને!, દેવલ ભાનમાં આવ" અચાનક જ દેવલ પોતાના વિચારોની દુનિયામાંથી સાચી દુનિયામાં આવી. ભરાયેલ હૃદયનો ભાર હળવો કરવાનો આસાન રસ્તો એક જ છે કે મન ખોલીને રડી લેવું. સામે સમશેરસિંઘનો ખભો પણ તૈયાર હતો. બસ પછી તો શું, દેવલ પોતાના સુખ દુઃખના સાથીને બથ ભરી મોટે મોટેથી રડવા લાગી. સમશેરસિંઘે પણ એને રડવા દીધી. બસ ખાલી એના માથે વહાલથી હાથ ફેરવતા રહ્યા. હૃદય તો એમનું પણ દ્રવી ઉઠ્યું હતું પણ પુરુષ કોઈ દિવસ પત્ની સામે દુઃખને બહાર લાવી શકતો નથી. આથી જ દેવલને આશ્વાસન દેતા હતા. દેવલ પણ છેલ્લે વિદાય સમયે હમીરભાના ખભે માથું મૂકી રડી હતી ત્યારબાદ આજે પહેલીવાર એ પોતાના હ્ર્દયનો ભાર કોઈની સામે હળવો કરતી હતી. થોડીવાર પછી સમશેરસિંઘે દેવલના ને ખભા પકડીને તેમના હૃદય પરથી ઉભી કરી પૂછ્યું. "શુ થયું એ તો કહે?, શુ તારું ઘર સાંભળે છે?," દેવલે હીબકાં ભરતા જવાબ દીધો "મારુ ઘર તો આ જ છે! એ શું કામ સાંભળે! એ તો આ દાતરડાએ રોવડાવી દીધી" આટલું કહી દાતરડું ઊંચું કર્યું. સમશેરસિંઘે જોયું તો દાંતરડાનો હાથો લોહીથી લાલ થઈ ગયો હતો. પછી નજર સરખી કરી જોયું તો "અરે ! દેવલ આ તો નવું દાતરડું છે, જે હું શહેરમાંથી લાવ્યો હતો, હજુ તો લુહાર પાસે એને કકરાવવાનું પણ બાકી છે, આ ક્યાંથી લઈને આવી, આ પાંચેય દાંતરડા તો મેં સંતાડીને મુક્યાં હતા અને કહ્યું પણ હતું કે આ બધાને ધાર કઢાવવાની બાકી છે એટલે કોઈ લેતા નહિ, તું ક્યાંથી લાવી." સમશેરસિંઘ દાતરડું હાથમાં લેતા આશ્ચર્યથી જોવા લાગ્યા. દેવલ તો તરત જ બધુ સમજી ગઈ. આંસુ લૂછી નાખ્યા. અને કહ્યું " એ તો મારા ભાગ્યએ ગોતી લીધું છે. હવે છોડોને બધી વાતો ને!" . " અરે દેવલ પણ આવા દાંતરડાથી આટલું બધું કઈ રીતે વાઢી શકાય?, અને જો તને ખબર હતી કે આને કકરાવવાનું બાકી છે તો શું કામ વાઢયું?, ગાડામાં બીજા બે દાંતરડા પડ્યા છે, હું આવેત પછી સાથે વાઢી નાખેત," સમશેરસિંઘની આંખોમાં મીઠો ગુસ્સો હતો. જે દેવલને ગમતો હતો. દેવલ હવે ધીમું ધીમું મો મલકાવવા લાગી હતી. "ચાલો હવે, ગાડું ભરી લઈએ નહિતર અહીં જ સાંજ પડશે." દેવલ હસતા હસતા બોલી. સમશેરસિંઘનો ગુસ્સો થોડો વધી ગયો " આટલું વગાડ્યું છે ને પાછું તારે ગાડું ભરવું છે, શાંતિથી પેલા લીંબડાના ઝાડ નીચે બેસ, હું ભરી લવ છું." દેવલ તો થોડું હસીને છાંયે જઈને બેસી ગઈ.

ગાડું ભરી પતિ-પત્ની ઘર તરફ રવાના થયા. રસ્તામા દામ્પત્યજીવનની મીઠી મજાક કરતા અને મર્યાદાનું પૂરું ધ્યાન રાખતા બંને ચાલ્યા જાય છે. ઘરે પહોંચ્યા ત્યાં તો કાશીબા અને સરસ્વતી દેવલનું અપમાન કરવા તૈયાર જ ઉભા હતા. પણ ગાડું પૂરું ભરેલું જોયું એટલે એમના ચહેરા કળાધબ થઈ ગયા. કાશીબાને તો મનમાં વિચાર આવી ગયો કે ધાર વગરના દાંતરડાથી આટલી બધી નિરણ કેમ વાઢી હશે? પણ દેવલના ચામડી નીકળી ગયેલા હાથ જોય થોડી શાંતિ થઈ. દેવલ તો હાથ ધોયને જમવાનું બનાવવાની તૈયારી કરવા લાગી. પણ સમશેરસિંઘે સરસ્વતીને કહ્યું કે " આજે તું બનાવી નાખ તારી ભાભીને હાથમાં વાગ્યું છે." ત્યાં તો કાશીબાએ કહ્યું " હા..... . તો રોટલા ના થાય બાકી તો બધુ કામ થાય." એટલે દેવલ બોલી " જી .. બાઇજી, ખાલી રોટલા એક બેન કરી નાખે બાકી બધું હું કરી નાખીશ." જમવાનું તૈયાર થઈ ગયું બધાએ જમી લીધું. અને છેલ્લે દેવલ એકલી જમવા બેઠી. પછી વાસણ ધોયને અનાજ દળવા બેસી ગઈ. ઘડિયાળના કાંટા ફરવા લાગ્યા. સમય આગળ વધવા લાગ્યો. સાંજ પડી ગઈ. અને ધીમે ધીમે રાત....
કામ બધું પતી ગયું હતું બધા સુવાની તૈયારી કરતા હતા. દીવાઓ ઓલવાઈ ગયા હતા. આજે રાતના અંધારામાં કરણુંભાનો ખાટલો વિચારમાં હતો. એ સવારની વાતને લઈને વિચારમાં હતા. અને વિચારોમાં એટલા ઊંડા ઉતરી ગયા હતા કે દસ વર્ષ પાછળ જતા રહ્યા હતા. જ્યારે દેવલ આઠ વર્ષની હતી ત્યારે બુઝાઈ ગયેલ વેરની આગને પાછી દીવાસળી ચંપાઈ ગઈ હતી. આ વિચાર કરણુંભાને પરેશાન કરતો હતો. મનમાં ને મનમાં એ ગુસ્સે થતા જતા હતા. અને શંકરાને મનથી ગાળો દેતા હતા. "હે .. ભગવાન! મને એ સમયે શુ કબુદ્ધિ સુજી કે નાલાયક શંકરાની વાતોમાં આવી ગયો. અને એનું પરિણામ બિચારી આ દેવલ ભોગવે છે. .......

............... ક્રમશ:
થોડા ટિપ્પણ
કોઢ- પાલતુ પશુઓને રાખવાનું સ્થળ,

ચાહટ્યો- લીલીજાર જે ખતરમાં ઉભી હોય છે. એક બીજો શબ્દ છે 'કડબ' એ વઢાય ગયેલી સૂકી જારને કહેવાય છે. ઢોર ને ખવડાવવામાં આવે છે.

નિરણ- એટલે પશુઓને નાખવામાં આવતો ઘાસચારો

ગળાકું- ભૂંગળી અથવા હુક્કામા ભરવામાં આવતી તમાકુ.

રાડાં- ઘાસચારાના કોઈપણ છોડ ને રાડાના નામથી ઓળખવામા આવે છે.

કકરાવવું- કોઈપણ દાતરડું નવું લેવામા આવે તો એને લુહાર પાસે કકરાવવું પડે છે. અત્યારે તો તૈયાર જ આવે છે. પણ પહેલાના સમયમાં ઘરે લાવી પછી લુહાર પાસે લઈ જવામાં આવતું. પાછી લુહાર એને કાકરે છે.


આગળનો ભાગમા
વેર થયાનું કારણ.


લેખક: અરવિંદ ગોહિલ