ત્રણ વિકલ્પ - 6 in Gujarati Novel Episodes by Dr Hina Darji books and stories Free | ત્રણ વિકલ્પ - 6

ત્રણ વિકલ્પ - 6

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૬

 

હર્ષદરાય સમજતા હતા કે માધવ કોઇપણ છોકરી સાથે બળજબરી કરશે નહીં.  એ નિર્ણય કરે છે કે, 'નિયતિની બુધ્ધિ ઠેકાણે લાવવાનું કામ ઘરમાં કોઇને ખબર ના પડે તે પ્રમાણે પોતે કરશે.'

માધવ પપ્પાની ચુપકીદીથી મનમાં બોલે છે, ‘તમારો દીકરો છું! તમે શું કરશો તે ખબર નથી, પણ મારે તમારા ઉપર બાજનજર રાખવી પડશે.’ 

સુહાસિનીને ચિંતા થાય છે કે, ‘હર્ષદરાયનો સ્ત્રીઓ પ્રત્યેનો અણગમો અને પુરૂષ હોવાનું ગુમાન; હવે તેમને શું કરાવશે ખબર નથી!’ 

સેજલ વિચારે છે કે; ‘પપ્પા, આ અનુપ નથી, માધવ છે.  આ વખતે તમારી હાર નક્કી છે!’ 

ઘરના દરેક સભ્ય મનમાં વિચારો કરતાં એકબીજાના મગજમાં ઊંડા ઉતરવાની કોશિષ કરવામાં મગ્ન હતા.  એંજલ મોટાઓની વાતમાં રસ ના હોવાથી રિમોટવાળો બંદર રમતી હતી.  રમકડાનો વાંદરો નાના-મોટા કૂદકા અને છલાંગ લગાવતો રૂમમાં વારાફરતી બધી જ વસ્તુઓ ઉપર ફરતો ફરતો હર્ષદરાયના ખોળામાં આવે છે.  દાદાના ખોળામાં રમકડું પડતાં એ માસુમ રડવા લાગે છે.  માધવ પપ્પાને ગુસ્સો આવે તે પહેલાં રમકડું પાછું એંજલને આપે છે.  સવિતા-વિલાસમાં વાતાવરણને હળવું બનાવવા માધવ એંજલને ઉંચકીને ગલગલિયાં કરે છે.  તે સાથે બંગલામાં એંજલનું ખિલખિલાટ હાસ્ય પ્રસરી જાય છે. 

***

નિયતિના હોસ્ટેલથી ગયા પછી હેમા તેની ઓફિસમાં જાય છે.  એને નિયતિના છેલ્લા શબ્દો વારંવાર યાદ આવે છે.  એની નજર દ્રૌપદી વસ્ત્ર-હરણના ફોટા પર પડે છે.  જાણે તે ફોટો કહે છે કે, ‘નિયતિ સાચું બોલે છે, તેં ઘણી છોકરીઓનું જીવન બરબાદ કર્યું છે.’  હેમા ફોટાને વધારે સમય જોઈ શક્તી નથી.  મનને વાળવાની કોશીશ કરે છે કે ‘ના, એ વાત સાચી નથી.’  પણ કહે છે ને કે, મન ચંચળ છે.  જે કરવાની ના કહો તે કામ વહેલું કરે છે.  હેમાનું દિલ આજે કહ્યામાં નહોતું. 

જીવનમાં પહેલી વાર હેમાને વિચાર આવે છે કે, ‘શું મેં બહુ મોટું પાપ કર્યું છે?  હું ઘણી છોકરીઓનું જીવન સુધારી શકવા માટે સમર્થ હતી?  મેં બધી છોકરીઓને નર્ક જેવું જીવન જીવવા માટે મજબૂર કરી હતી?  મને ખરેખર નર્કમાં પણ જગ્યા નહીં મળે?  શું નિયતિના કહેવા પ્રમાણે હું કોઈ છોકરીનું જીવન સુધારીશ તો મારાં પાપ ઓછાં થશે?’  એ પોતાની જાતને સવાલો પર સવાલો પૂછે છે, પણ જવાબો મળતા નથી.  કેટલીય વાર સુધી હવે શું કરવું તે વિચારે છે, પણ રસ્તો મળતો નથી.  વિચારોના દરિયામાં મોજાઓની વચ્ચે પોતે ફસાઈ હતી,  શું વિચારે છે તેનું એને ધ્યાન રહ્યું નહોતું. 

એને યાદ આવે છે મોટા સરે ધમકી આપી હતી કે, જો એ નિયતિને લઈને તેમના બંગલા ઉપર હાજર નહીં થાય તો, એને નોકરીમાંથી છૂટી કરવામાં આવશે.  નિયતિ તો જતી રહી છે, જો સરને ખબર પડશે તો પોતાના માટે મુશ્કેલી ઉભી થશે, છતાં પણ જાણે સરનો ગુસ્સો સહન કરવા તૈયાર હોય તેમ એ હર્ષદરાયને ફોન કરે છે.  એ સમયે નિયતિના ત્રણ વિકલ્પની વાત માધવ કરતો હતો.  હર્ષદરાય કોનો ફોન છે તે પણ જોયા વગર કટ કરે છે.  હેમાને થોડીક ધરપત થાય છે, કે હમણાં પોતે બિલકુલ સહીસલામત છે. 

જ્યારે મોટા સર ફોન કરશે ત્યારે શું થશે તે વિચારે છે, ‘નોકરી છૂટી તો હોસ્ટેલ પણ છોડવી પડશે.  ક્યાં રહેવા જઈશ?  જ્યારથી ફેક્ટરીમાં નોકરી ચાલુ કરી ત્યારથી ઘરના કોઈ સભ્ય સાથે વાત કરી નથી. પોતાના ઘરે પાછા જવાના બધા રસ્તા વર્ષો પહેલાં બંધ થયા હતા.’  વિચારોમાં ખોવાયેલી હેમાને પચ્ચીસ વર્ષ પહેલાંનો એ દિવસ યાદ આવે છે જ્યારે પ્રથમ વખત પોતે હર્ષદરાયના ત્રાસનો ભોગ બની હતી.  

એ દિવસે એક સીધી-સાદી, વાતે વાતે શરમાતી હેમાનું મૃત્યુ થયું હતું અને એક નિષ્ઠુર હેમાનો જન્મ થયો હતો.  એ દિવસ યાદ આવતાં પણ હેમાને કંપારી છૂટે છે.  લમણા ઉપર તેના બન્ને હાથ મૂકીને ગોઝારી ઘટના ભૂલવા કોશિશ કરે છે.  જીવનની કષ્ટદાયક યાદો ભૂલવી શક્ય હોતી નથી.  એનું અંતર બંડ પોકારી બોલે છે ‘એ સમયે તેં પણ નિયતિની જેમ થોડી હિંમત કરીને સામનો કર્યો હોત તો આજે આટલી અસહાય ના હોત.’  પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને એને થોડી હિંમત આવે છે.  અનાયાસે એના મુખમાંથી શબ્દો નીકળે છે “હવે જે થશે તેનો સામનો નીડરતાથી કરીશ.”  દિલમાં થોડી શાંતિનો અહેસાસ થાય છે.  ફરી મોટા સરને ફોન કરે છે.  એ સમયે રૂમમાં સુહાસિની અને હર્ષદરાય હોય છે.

“હેમા, શું થયું, નિયતિને લઈને આવી નહીં?”

“સર, મેં તમને એ જ કહેવા ફોન કર્યો છે કે, નિયતિ હોસ્ટેલ છોડીને જતી રહી છે.”

“શું? તેં જવા કેમ દીધી?  તારે એને રોકવાની હતી.”

“મેં કોશિશ કરી હતી.  એણે કહ્યું કે માધવ સર બધુ જાણે છે.  સોરી સર, હું માધવ સર જે જાણતા હોય તેમાં કશું કરી શકી નહીં.”  આ બોલીને હેમાને પોતાની જાતને શાબાશી આપવાનું મન થાય છે.  એ ભૂલી ગઈ હતી કે માધવની બીકથી સર તેને કશું કહેશે નહીં.  એની વાત સાચી પડી.

“સારું, હવે જે કરવાનું છે તે હું જોઈ લઇશ.”

હેમા વિચારે છે કે ‘પુરૂષને આટલી આસાનીથી કાબુમાં કરી શકાય છે?  દરેક વ્યકિતની કોઈ તાકાત અને કમજોરી બન્ને હોય છે.  સરની કમજોરી બે છે.  માણેકરાય તથા માધવ.  આજ સુધી આ વાત મારી સમજમાં કેમ ના આવી?  સર જાણતા હતા કે, પોતે સ્ત્રીઓ સાથે જે વર્તન કરે છે તેવું વર્તન તેમના પિતા કદી ના કરે.  મૃત્યુ પામેલા માણેકરાયનો આત્મા અવગતિએ જશે, એ વાત સરના દિલમાં બીક પેદા કરી શકતી હતી.  આ ડરનો સહારો લઈને હું પોતાનું જીવન બરબાદ થતાં અટકાવી શકી હોત.  આ સમજણ પચ્ચીસ વર્ષ પહેલાં આવી ગઈ હોત તો હર્ષદરાયની ગુલામ ના થઈ હોત.’

હેમા મનોમન નિયતિનો આભાર માને છે અને પોતાના જીવનની બરબાદી માટે અફસોસ કરે છે.

***

સુહાસિનીને ખ્યાલ આવે છે કે હર્ષદરાયની વાત હેમા સાથે થઈ છે.  એને હતું કે હર્ષદરાય હવે હેમાને ખરીખોટી કહેશે.  પણ એને આશ્ચર્ય થાય છે કે હર્ષદરાય એકાએક શાંત કેમ થઈ ગયા.  એ પતિના હાવભાવ સમજવાની કોશિશ કરે છે.

હર્ષદરાય ફોન મૂકીને રોજની આદત પ્રમાણે એમના પિતાના ફોટા પાસે જઈને પ્રણામ કરે છે.  એ કોઈ દિવસ માણેકરાયના ફોટા સામે પોતાના પિતાનો જીવ દુભાય તેવું કામ કરતા નહોતા.  ફોટાને નમન કરતા કરતા હર્ષદરાય પિતાની યાદમાં ખોવાય છે.

માણેકરાયે અમદાવાદમાં લેધરની વસ્તુઓ બનાવવા માટે ફેક્ટરીની સ્થાપના કરી હતી.  એક દિવસ માણેકરાય આવીને સવિતાને કહે છે: “સવિતા, કંસારનું આંધણ મૂકો...  હું હર્ષદ માટે છોકરી પસંદ કરીને આવ્યો છું...  આવતી વસંતપંચમીના દિવસે જાન લઈને જવાનું છે.”

“તમે એકલા વહુ પસંદ કરીને આવ્યા?  મને કહો તો ખરા કોની હારે પાકું કરી આવ્યા.”

“અરે સવિતા, તું એને પસંદ કરું છું...  તું ઓળખું છું…  સમજી!”

“સુહાસિની?”

“હા…  મારા ભેરુની છોકરી...  તને ગમે છે એ મને ખબર પડી ગઈ હતી.”

માતા-પિતાની ચર્ચા સાંભળીને હર્ષદરાય બોલે છે: “પણ હું બીજી છોકરીને પસંદ કરું છું!”

માણેકરાય અને સવિતા એકનો એક પુત્ર જીવનભર ખુશ રહે તેવું ઇચ્છતા હતા.  માતા-પિતા હર્ષદરાય જે છોકરીને પ્રેમ કરતા હતા તેની સાથે લગ્ન કરાવવા તૈયાર થાય છે.  હર્ષદરાયને આસમાન આંબવા જેટલી ખુશી થઈ હતી.  એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાની પ્રેમિકાને મળવા દોટ મૂકે છે.  એ જાણતા હતા કે કામિની એ સમયે તેના ભત્રીજાને લેવા સ્કૂલે ગઈ હશે.  એમની ધારણાં પ્રમાણે કામિની સ્કૂલની બહાર ઊભી હતી.  એ કામિનીને ભેટીને આ ખુશખબર આપવા માંગતા હતા, પણ મર્યાદા જરૂરી હતી.  હર્ષદરાયને જોઈને કામિનીને નવાઈ લાગે છે. 

“હર્ષદ, અત્યારે અહીં?  સારું થયું અત્યારે મળી ગયો...  હું સાંજે તને મળવા કેવી રીતે નીકળીશ તે જ વિચારતી હતી.”

“કેમ?”

“મારે તને એક વાત કરવાની છે...  આજ પછી મને મળવા આવતો નહીં...  બસ છેલ્લી આ વાત કરવાની હતી...  પણ...”

“અરે ગાંડી... હવે આ રીતે મળવાનું નહીં થાય... મારા પપ્પા તારાં અને મારાં લગ્ન કરવા માટે રાજી થઈ ગયા છે...  બોલ એમને તારા બાપુને મળવા ક્યારે મોકલું?”

“કાલે મારું વેવિશાળ છે!  મેં તને કહ્યું હતું…  મારા લગ્ન માટે બાપુએ છોકરો શોધવાનું શરૂ કર્યુ છે... મારી પાસે સમય ઓછો છે...  હવે મોડું થઈ ગયું છે...  મને ભૂલી જજે.”

“કામિની, તું તારા બાપુને વાત તો કર...  મારા પપ્પા તૈયાર છે...  મારા પપ્પાને કરિયાવર પણ નથી જોઈતો...  એક વાર તારા બાપુને કહીને તો જો.”

“તું સમજવાની કોશિશ કર હર્ષદ…  કાલે મારી સગાઈ છે...  આવતા અઠવાડિયે લગ્ન નક્કી થયાં છે...  મારા બાપુની ઈજ્જતનો સવાલ છે...  છોડી દે બધી આશા...  હું મારા પરિવારના ધજાગરા નહીં કરું.”

“કામિની, તું મને પ્રેમ કરે છે કે નહીં?”

“કરું છું, પણ કુટુંબની આબરૂ કરતાં વધારે નહીં...  ભૂલી જા આપણી વચ્ચે કોઈ સંબંધ હતો.”

એ દિવસે કામિનીએ જતી વખતે છેલ્લી વાર પાછળ ફરીને હર્ષદરાયને જોયા પણ નહીં.  તે દિવસથી હર્ષદરાયના દિલમાં સ્ત્રીઓ પ્રત્યે નફરત શરૂ થઈ.   આટલું બધું અભિમાન હોય છે છોકરીઓને!  પ્રેમમાં છોકરાઓને પાગલ કરીને જતી રહે અને છેલ્લી વાર પાછળ ફરીને પણ ના જુએ!  માતા-પિતાની મરજી પ્રમાણે એ સુહાસિની સાથે લગ્ન કરે છે.  પણ સુંદર સ્ત્રીઓને પાઠ ભણાવશે એવી મનમાં ગાંઠ વાળે છે. 

હર્ષદરાય કોઈ દિવસ સુહાસિની સાથે દંપતિનો પ્રેમભર્યો સંબંધ શરૂ કરી શક્યા નહીં.  માતા-પિતા એ વાતથી અજાણ હતાં.  સુહાસિની પતિની અર્ધાંગિની બનવા માટે બધા પ્રયત્ન કરતી રહી.  પરંતુ પ્રેમમાં ઘાયલ હર્ષદરાયે દિલના દરવાજા સજ્જડ બંધ કરી દીધા હતા.  દિલમાં સુંદર સ્ત્રીઓ માટે નફરતનું સિંચન થતું રહ્યું. 

લગ્નને બે વર્ષ થયા એટલે એક દિવસ સવિતાએ કહ્યું: “બેટા હર્ષદ, તું પપ્પાને મદદ કરે છે એ બહુ સારી વાત છે,  પણ હવે એકાદ બાળક આવે તો હું દાદી બનવાનું સુખ મેળવું.”  એ દિવસે હર્ષદરાયને વિચાર આવ્યો કે, ‘એક દિકરાનો જન્મ જરૂરી છે.’  એમણે લગ્નના બે વર્ષ પછી પત્ની સાથે સંભોગ કર્યો.  એ રાતે સુહાસિનીને લાગ્યું કે હવે બધુ ઠીક થશે.  સુહાસિની મા બનવાની છે તે ખબર પડી એટલે, ફરી હર્ષદરાય તેમની નફરતની દુનિયામાં ખોવાઈ ગયા.  અનુપનો જન્મ થયો ઘરમાં બાળકની કિલકારીઓ ગુંજી ઉઠી.

અનુપ ચાર વર્ષનો થયો.  માણેકરાયે પૌત્રીની ઇચ્છા દર્શાવી.  પૌત્રીની ઇચ્છાપૂર્તિ તો ના થઈ, માધવનો જન્મ થયો.  હર્ષદરાય ખુશ હતા કારણ કે, તેમને છોકરી જોઈતી જ નહોતી.  માધવ વર્ષનો થવા આવ્યો હતો.  એક દિવસ સવિતાના કાને પુત્ર અને પુત્રવધૂનો સંવાદ સંભળાયો.  એ દિવસે સવિતાને ખબર પડી કે દિકરો પત્નીને સ્વીકારી શક્યો નથી.  હર્ષદરાયને ખબર પડી કે મમ્મી રૂમની બહાર બધી વાત જાણી ચૂકી છે. એ માતાની સાથે કોઈ વાત કરવી ના પડે એટલે ઘરની બહાર નીકળી જાય છે.  સુહાસિની એ દિવસે પ્રથમ વાર પોતાના સાસુને અસહાય જુએ છે.  

એ દિવસે સવિતા એના પતિને કોઈ વાત કહી શકી નહીં.  બીજા દિવસે દીકરા અને વહુ વચ્ચે મેળ કરાવવા માટે શું કરવું જોઈએ, એ વિચારોમાં ખોવાયેલી સવિતા દાદરનું પગથિયું ભૂલી અને ઉપરથી નીચે ગબડી.  આ બનાવથી બ્રેઇન-હેમરેજ થયું અને મૃત્યુ પામી.  માતાના મૃત્યુ માટે હર્ષદરાયે સુહાસિનીને જવાબદાર ગણી.  માણેકરાય બધી વાતથી અજાણ હતા.  એ તો પત્નીના દુ:ખદ અવસાનથી પૂરા ભાંગી ગયા હતા.  એ પણ પત્નીના મૃત્યુના ગણ્યાગાંઠયા મહિનાઓ પછી હાર્ટએટેકથી આ દુનિયા છોડીને ગયા.  સુહાસિનીના બધા પ્રયત્નો પતિને એની નજીક ના લાવી શક્યા.  હર્ષદરાયે એમના મન અને મગજ બન્નેની આસપાસ કિલ્લો બનાવી દીધો હતો એની અંદર સ્ત્રીઓ પ્રત્યે અપાર ઘૃણા સિવાય બીજાના માટે પ્રવેશની મનાઈ હતી.

હર્ષદરાયે પિતાના અવસાન પછી ફેક્ટરીનું કામ પૂર્ણ રીતે સંભાળ્યું.  શરૂઆતના સમયે જે લોકોને પિતાએ નોકરી ઉપર રાખ્યા હતા, એ બધા કર્મચારીઓ તથા તેમના સંતાનોને હર્ષદરાયે પણ નોકરીમાં ચાલુ રાખ્યા હતા.  માણેકરાયે પોતાના પુત્રને જ્ઞાન આપ્યું હતું કે, બધા કર્મચારીઓના સાથ-સહકાર વગર ફેક્ટરી ચલાવવી કઠિન હતી.  ફેક્ટરીની સફળતા માટે બધા સભ્યોની ભાગીદારી સમાન છે.  જે વ્યક્તિઓના કામથી આપણે સમાજમાં ઈજ્જતદાર બન્યા છીએ તેમનો હાથ કોઈ સંજોગોમાં છોડીશ નહીં.  પિતાની આ એક સલાહને હર્ષદરાયે જીવનમાં અપનાવી હતી.  એમણે કોઈ કર્મચારીને નોકરીમાંથી છૂટા કર્યા નહોતા, ઉપરાંત જે કર્મચારીનાં સંતાનો ફેક્ટરીમાં કામ કરવા માટે રાજી હોય તેમને પણ નોકરીમાં રાખ્યાં હતા.

એમણે ચામડાની દરેક વસ્તુઓ બનાવવાનાં મશીનો દુનિયાનાં જુદાં જુદાં દેશોમાંથી મંગાવ્યા.  નવા આધુનિક મશીનો દ્વારા જાતજાતની વસ્તુઓનું ઉત્પાદન ચાલુ થયુ.  એ વસ્તુઓના વેચાણ માટે જાહેરાત કરવાની શરૂઆત કરી.  જાહેરાત માટે સ્ત્રીઓને નોકરી આપવાની શરૂ કરી.  સુંદર સ્ત્રીઓને કંપની દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ પહેરાવી ફોટા પાડવામાં આવતાં.  એ ફોટા મેગેઝીન, ન્યૂઝ પેપર તથા ટીવી ઉપર મૂકવામાં આવતાં.  એક રીતે જાહેરાતનાં બહાના હેઠળ દરેક સુંદર સ્ત્રીને કામિની છે તેમ માની બદલો લેવાની શરૂઆત થઈ હતી.  એમનો પહેલો શિકાર હેમા હતી.  ગરીબીથી હારી ગયેલી હેમાની મરજી વિરુધ્ધ એને માત્ર નામ પૂરતું એક વસ્ત્ર પહેરાવીને હાથમાં લેડિઝ લેધર પર્સ પકડીને ફોટા પાડવામાં આવ્યાં.  એ કરવામાં તેમને કામિની સાથે બદલો લીધો હોય તેવી અનુભૂતિ થવા લાગી. એ દિવસે હર્ષદરાય સારી રીતે સમજી ગયા કે ગરીબી સ્ત્રીઓને કોઇ પણ કામ કરવા માટે મજબૂર કરે છે.  હજુ તો બીજી ગરીબ કન્યાઓનાં જીવનની બરબાદી બાકી હતી.

 

 

ક્રમશ:

Rate & Review

Bhakti Makwana

Bhakti Makwana 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 5 months ago

Bhakti Bhargav

Bhakti Bhargav 7 months ago

Harsh Parmar

Harsh Parmar 10 months ago

sonal

sonal 10 months ago