Suryoday - ek navi sharuaat - 18 books and stories free download online pdf in Gujarati

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૮ 

ભાગ :- ૧૮

આપણે સત્તરમાં ભાગમાં જોયું કે સાર્થક પોતાના CA મિત્ર અભય સાથે પાર્ટનરશીપ પુરી કરે છે અને નોકરીની શોધમાં લાગે છે. સૃષ્ટિ અને સાર્થક બંનેની ફાઇનાન્સિયલ હાલત દિવસે દિવસે બગડી રહી છે અને સૃષ્ટિના મિત્ર રાકેશના પૈસા અને વ્યાજનું ટેન્શન પણ વધી રહ્યું છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

સાર્થકને આખરે એકાદ મહિનાના બ્રેક પછી એક નોકરી મળી ગઈ હતી. પગાર ભલે પહેલા કરતા ઓછો હતો પણ અત્યારે નવરા બેઠા કરતા સમય સ્થિતિને અનુરૂપ બની આગળ વધવું એને યોગ્ય લાગ્યું હતું. સૃષ્ટિએ પણ એને આ વાત માટે સમજાવ્યો હતો. અને વારે વારે એ સાર્થક સાથે વાત કરી સધિયારો આપતી રહેતી હતી. રાકેશ તરફથી પણ એ નિશ્ચિત હતી કે એની કોઈ તકલીફ નથી એટલે એ માત્ર પોતાનું ધ્યાન સાર્થકને સાથ આપવામાં અને દીકરી મનસ્વીના અભ્યાસમાં આપી રહી હતી.

નિરવ સાથે હવે સૃષ્ટિ કામ પૂરતી જ વાતો કરતી હતી. સમય સાથે નિરવ પણ સમજી ચૂક્યો હતો કે સૃષ્ટિના જીવનમાં હવે એનું સ્થાન શું છે. એને એ એક એક રાતો અને વાતો યાદ આવતી હતી જેના લીધે સૃષ્ટિ એનાથી ધીમે ધીમે કરી દૂર સરકી હતી. ક્યારેક પોતાના મનની વાત નિરવ અનુરાધા સાથે શેર કરતો. પહેલા તો એ હમેશાં અનુરાધાને સૃષ્ટિની ફરિયાદ કરતો પણ હમણાંથી એ માત્ર નોર્મલ વાતો કરી અનુરાધા સાથે સૃષ્ટિનો ક્યાસ મેળવવા પ્રયત્ન કરતો પણ અનુરાધા માત્ર જે કહેવું હોય એ કહી વાતો ટાળી નાખતી હતી.

સૃષ્ટિ અને સાર્થક વચ્ચે હવે વાતો ઓછી થઈ ગઈ હતી અને સાથે મુલાકાતો પણ, આથી હમેશાં સૃષ્ટિ ફરિયાદ કરતી રહેતી હતી કે તું બદલાઈ ગયો છે. સાર્થક પોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યો હતો. એના જૂના એક મિત્રએ એને એક મ્યુઝિકલ ગ્રુપમાં કામ અપાવ્યું હતું ને ત્યાં એની મુલાકાત એની જૂની ગાયિકા મિત્ર સુનિધિ સાથે થઈ. બહુ વર્ષો પછીની મુલાકાતથી બંનેની યાદો તાજી થઈ હતી. બહુ સમય પછી આજે સાર્થકને એક્દમ સ્ટ્રેસ ઓછો લાગી રહ્યો હતો. આમને આમ એની નોકરી અને પ્રાઇવેટ કામ ચાલી રહ્યું હતું.

આખરે દીવાળીની રજાઓની શરૂઆત થઈ ગઈ હતી. સાર્થકનું કામ પણ સારું ચાલી રહ્યું હતું પણ સૃષ્ટિના મનમાં કાંઈક અલગજ ચાલતું હતું. દીવાળી પહેલા આખરે એક દિવસ ફોનમાં સૃષ્ટિએ સાર્થકને પોતાના મનની વાત કરી કે સાર્થકના CA મિત્ર અભયે સાર્થકને જે પણ રીતે નિકાળ્યો એ એને સહેજ પણ ગમ્યું નહોતું. આથી સૃષ્ટિએ કોઈની પણ મદદ વગર સાર્થક પોતાની ઓફિસ ખોલે અને પોતે પણ એમાં મદદ કરશે એવું કહ્યું. સૃષ્ટિ સાર્થકને નિષ્ફળ જોવા નહતી ઇચ્છતી આથી એની સફળતા માટે એ પોતે બધુંજ કરી છૂટશે એ વાત પણ કરી. સાર્થક તો આ બધું ભૂલી ગયો હતો પણ સૃષ્ટિના મનમાં આ બધું ચાલી રહ્યું હતું. આખરે સાર્થકે પણ કહ્યું કે આપણે દીવાળી વેકેશન પતે પછી એ દિશામાં આગળ વધીએ. અને આ વખતે કોઈ ઉતાવળ કરવી નથી, એક્દમ પુરી તૈયારીઓ સાથે આ કામ કરવું છે.

"તારી સફળતામાં જ મારી સફળતા છે,
બાકી મારે મન એ મારી જ નિષ્ફળતા છે."

આ તરફ સૃષ્ટિના મનમાં બે વાતો ચાલી રહી હતી એક તો પોતાનો સાર્થક ક્યારેય નિષ્ફળ થઈજ ના શકે અને બીજું સાર્થક એનાથી દૂર થઈ રહ્યો છે એ પણ એના ધ્યાનમાં આવી રહ્યું હતું. કદાચ આ રીતે સૃષ્ટિ સાર્થકની નજીક પણ રહેવા માગતી હતી અને બતાવવા પણ માંગતી હતી કે એ પોતે સાર્થકને એટલો અઢળક પ્રેમ કરે છે. આ કોઈ સ્વાર્થ કે કોઈ બીજો ભાવ નહોતો પણ અવિરત પ્રેમ કરવાની એક અનોખી રીત હતી. જ્યારથી સાર્થકના નવા મ્યુઝિકલ ગ્રુપ અને એની મિત્ર સુનિધિની વાત સાંભળી ત્યારથી એ બેબાકળી થઈ રહી હતી. ઘણીવાર સાર્થકનો ફોન વ્યસ્ત આવતો અને એ જ્યારે પણ મ્યુઝિકલ ગ્રુપ સાથે હોય ત્યારે એની સાથે વાત કરવાનું ટાળી રહ્યો હતો. એવું નહોતું કે સાર્થક ઉપર વિશ્વાસ નહોતો પણ એક સ્ત્રી સહજ ભાવ એના શબ્દોમાં ક્યારેક ઉપસી આવતા અને એ સાર્થક સાથે નાનો અમથો ઝગડો પણ કરી લેતી.

સાર્થકને સુનિધિ સાથે ફાવવા લાગ્યું હતું. દીવાળીના લીધે ઘણી બધી જગ્યાએ એમણે સાથે પ્રોગ્રામ કર્યા અને દીવાળી પછીની તૈયારીઓ માટે પણ બધા ભેગા થતાં હતાં. આથી સાર્થક અને સુનિધિ વચ્ચે બહુ બધી વાતો થતી હતી. સૃષ્ટિ પણ આ વાત નોંધી રહી હતી કારણ કે એ સાર્થકની પળે પળની ખબર રાખતી હતી કે એ ક્યાં, કોની સાથે, શું કરી રહ્યો છે. સાર્થકને એની આટલી સંભાળ રાખવું જે પહેલા બહુજ ગમતું હતું એ અત્યારે ગૂંગળાવી રહ્યું હતું. એ સૃષ્ટિને ડાયરેક્ટ કાંઈજ કહી નહોતો શકતો પણ મનમાં આ બધું ભરાઈ રહ્યું હતું. આથી જ કદાચ એ સૃષ્ટિ તરફથી થોડો દૂર અને સુનિધિની થોડો નજીક આવી રહ્યો હતો.

દીવાળી પુરી થતાંજ પાયલ અને સૃષ્ટિ નોકરી જવા માટે તૈયારીઓ કરવા લાગ્યા ને ફોન ઉપર બધું પ્લાનિંગ પણ કરી લીધું. આ વખતની દીવાળી સૃષ્ટિ માટે થોડી અવઢવમાં ગઈ હતી. સાર્થકની નિષ્ફળતા પચી નહોતી અને એમાં વળી સાર્થકનું સુનિધિ તરફનું ઢળવું સૃષ્ટિને પરેશાન કરી રહ્યું હતું. એટલે એ આ જ દિવસની રાહ જોતી હતી કે નોકરી ચાલુ થાય અને એની સાર્થક સાથે મુલાકાત થાય. સૃષ્ટિને ખબર હતી કે આજ નહીં તો કાલે સાર્થક કોઈ બીજા સાથે લગ્ન જીવનમાં બંધાશે જે પહેલા સહજ સ્વીકાર્ય હતું પણ અત્યારે એ પોતે આ બધું સ્વીકારી શકતી નહોતી.

આવતીકાલે સાર્થકને મળશે એમ વાત એણે સાર્થકને પહેલાથીજ કરી રાખી હતી. સાંજે લગભગ સાડા ચાર વાગ્યે સૃષ્ટિના ફોન ઉપર પોતાના બોસ અભયનો મેસેજ આવ્યો. એ મેસેજ જોઈને સૃષ્ટિના હોશ ઉડી ગયા અને ગુસ્સામાં લાલચોળ થઈ ઉઠી. એણે તરતજ અભયને ફોન જોડ્યો અને બોલી ઊઠી... "તમે આ રીતે અચાનક અમને નોકરી ઉપર આવવાની ના કઈ રીતે કહી શકો.!?"

"હું તમારી દીવાળી બગાડવા નહોતો માંગતો એટલે મેં દીવાળી પહેલા ના કહ્યું પણ મને તમારો પગાર પોસાતો નહોતો આથી મારે આ નિર્ણય લેવો પડયો.." એવું અભય બોલી ઊઠ્યો. સૃષ્ટિ પાસે કોઈજ બીજો વિકલ્પ નહોતો આથી એ પણ હવે બળાપો ઠાલવ્યો પછી ચૂપ થઈ ગઈ.

સૃષ્ટિએ આ વાત પાયલ સાથે કરી અને પાયલે પણ કહ્યું કે મારે પણ આવોજ મેસેજ આવ્યો હતો. આખરે દીવાળી પછી એક નવી જ મુસીબત આવીને ઊભી રહી હતી. સાર્થક સાથે પણ સૃષ્ટિએ આ વાત કરી અને રડી ઉઠી. એક તરફ સાર્થકને પણ નોકરી બહુ સારી નહોતી, નિરવ પાસે એને હાથ લાંબો કરવો નહોતો અને મનસ્વીની ફાઇનલ પરીક્ષાઓ પણ પાસે આવી રહી હતી. આખરે એ રાત્રે એ મનસ્વીના ખોળામાં સૂઈ રડતી રહી અને મનસ્વી પણ જાણે પોતાની મા થી મોટી હોય એમ એને પંપાળી સાથ આપી રહી હતી.

દીવાળી પછી લગ્ન સીઝન ચાલુ થઈ ગઈ હતી. સૃષ્ટિ તો હમણાં ઘરે જ હતી અને નોકરી શોધી રહી હતી. પણ સાર્થકને મ્યૂઝિકલ પ્રોગ્રામના ઓર્ડર ચાલુ થઈ ગયા હતા. આથી સાર્થક એની તૈયારીઓ સાથે ચાલી રહેલ નોકરીમાં હમણાં સૃષ્ટિને સમય ફાળવી શકતો નહોતો. સૃષ્ટિને એવું લાગી રહ્યું હતું કે આવા સમયમાં સાર્થકે સમય આપવો જોઈએ એટલે જ એને આ સમયમાં સાર્થકનું બીજે વ્યસ્ત રહેવું અને પોતાને સમય ના આપવું ગમ્યું નહોતું. આના જ કારણે સૃષ્ટિ સતત વ્યગ્ર રહેતી હતી.

"પળપળ બદલાતા આ ઘટનાચક્રની કેવી નિયતિ છે.?
લાગે જાણે આજીવન પરિક્ષા જ મારી નિયતિ છે.!
પછી એ જીવનની હોય કે પ્રેમની પરિક્ષા,
લાગે જાણે એમાંથી પસાર થવું જ મારી નિયતિ છે.!"

*****

સૃષ્ટિની મનોસ્થિતિ સાર્થક સમજી શકશે?
સુનિધિ અને સાર્થક વચ્ચે શું ચાલી રહ્યું છે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
પરિક્ષા આ જીવનની છે કે પ્રેમની છે.?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ