Tran Vikalp - 7 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 7

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૭

થોડાં વર્ષો પછી હર્ષદરાયે લેધરની ફેક્ટરીની સાથે સાથે ‘સવિતા કોસ્મેટિક્સ’ ફેક્ટરીની સ્થાપના કરી. હર્ષદરાય સમજી ચૂકયા હતા કે, ગરીબ સ્ત્રીઓ રૂપિયા મેળવવા માટે કોઇપણ કામ કરશે. એમણે માત્ર ગરીબ હોય તેવી કન્યાઓને નોકરીમાં રાખવી એમ નક્કી કર્યુ. એમની બન્ને કંપનીની વસ્તુઓના વેચાણ માટે ખૂબસૂરત ગરીબ કન્યાઓને મોડલિંગના નામે લાલચ આપવામાં આવતી. એ છોકરીઓને રહેવા માટે એમણે વર્કિંગ વુમન્સ હોસ્ટેલ બનાવી. બધી સ્ત્રીઓ અને કન્યાઓને ફરજિયાત હોસ્ટેલમાં રહેવા માટે નિયમ બનાવ્યો.

હર્ષદરાય અર્ધનગ્ન મહિલાના દેહના ગમે તે ભાગ ઉપર એમની કંપનીની વસ્તુઓ મૂકી અથવા હાથથી પકડાવી ફોટા પડાવવા માટે મજબૂર કરતા. દરેક સ્ત્રીનો રડતો ચહેરો જોઈને કામિની સાથે બદલો લીધો છે એવું અભિમાન કરતા. જો કોઇ કન્યા ના પાડે અથવા નોકરી છોડવાની વાત કરે તો છોકરીની સામે રૂપિયા મૂકે, એ જોઈને ગરીબી બોલી ઊઠે કે દેહપ્રદર્શન કરવાથી ઘરમાં બે ટંક અનાજ મળે છે તો ખોટું નથી. જાહેરાતમાં નવા ચહેરા આવે તો વેચાણ વધારે થાય. તે સમજ આવતા છોકરીઓને થોડા વર્ષ થાય એટલે થોડી રકમ આપીને છૂટી કરવામાં આવતી. પરંતુ હર્ષદરાયે તેમના પ્રથમ શિકારને કાયમ માટે નોકરીમાં રાખવાનો નિર્ણય લીધો.

હેમાને હોસ્ટેલની વોર્ડન બનાવી અને દરેક સ્ત્રીઓને દાબમાં રાખવાનું કામ સોંપવામાં આવ્યુ. હેમાને સમજાવ્યું કે દુનિયામાં પ્રેમનું કોઈ અસ્તિત્વ નથી. સખત વલણ રાખવાથી છોકરીઓ તારા કહ્યામાં રહેશે. હેમાના પરિવારે એની સાથે બધા સંબંધનો અંત કર્યો હતો એટલે ઘરે પાછા જવાનું શક્ય નહોતુ. હેમાએ કામ કરવા માટે તૈયારી બતાવી. એના દિલમાં નફરતે સામ્રાજ્ય બનાવ્યું. હેત અને ઘૃણાને આમંત્રણ આપવાનું નથી હોતું. પ્રેમના આકર્ષણથી વ્યક્તિ પ્રેમાળ બને છે અને નફરતના આકર્ષણથી વ્યક્તિ નિષ્ઠુર બને છે. હર્ષદરાયના સંપર્કમાં રહેવાથી હેમા પણ નિષ્ઠુર થવા લાગી.

વર્ષો પસાર થયાં. અનુપ બી.કોમ. કરીને પપ્પા સાથે ધંધામાં જોડાયો. હર્ષદરાયની સ્ત્રીઓના ફોટા પાડવાની રીત એને ગમી ગઈ. કહેવત છે કે દીકરાઓ બાપના નકશેકદમ પર ચાલતા શીખે છે. એ જ પ્રમાણે અનુપ દ્વારા સ્ત્રીઓનું શોષણ શરૂ થયું. હર્ષદરાયે મહિલાઓના ફોટા પડાવ્યા હતા પણ કોઈ સ્ત્રીને હાથ લગાડ્યો નહોતો. અનુપે એ બધું કર્યું હતું જે અતિશય નાલેશીભર્યુ કૃત્ય હતું. કન્યાઓના જીવન સાથે ગંદી રમતની શરૂઆત થઈ હતી.

અનુપે પપ્પાને શુટિંગ કરેલી જાહેરાત વધારે લાભ આપશે તે સમજાવ્યું. શૂટિંગ અને એડવરટાઇઝ માટે અનુપે એની સાથે તેના બે મિત્રો અજય રાઠોડ તથા રાકેશ અમીનને ભાગીદાર બનાવ્યા. ઓફિસ અને બન્ને ફેક્ટરી એક મોટી જમીન ઉપર બંધાવેલ હતી. હોસ્ટેલ ઓફિસથી થોડે દૂર હતી. ચાર માળની ઓફિસની ઉપર બીજા બે માળનું બાંધકામ કરાવ્યુ. પાંચમા માળે ત્રણ મિત્રોની અલગ-અલગ ઓફિસ અને સ્ટુડિયો બનાવ્યો તથા શૂટિંગ ચાલુ કર્યુ. છઠ્ઠા માળમાં ત્રણ રૂમ હતા જેમાં મોટા રૂમમાં ડબલબેડ, સોફા, ટીવી, ફ્રિજ જેવી વસ્તુઓ મૂકવામાં આવી. ફ્રિજમાં દરેક પ્રકારની દારૂ અને કોલ્ડડ્રિંકની બોટલો મૂકવામાં આવી. રોજ જુદી જુદી છોકરીઓને મજબૂર કરીને હવસ સંતોષવાની રમત શરૂ થઇ. જે છોકરી સીધી રીતે હાથમાં ના આવે તેને કોલ્ડડ્રિંકમાં નશો આપવામાં આવતો. નશામાં ચકચૂર કરીને સંપૂર્ણ નગ્ન અવસ્થામાં છોકરીઓનાં ફોટા અને શૂટિંગ કરતા. શિકાર બનેલી છોકરીઓ સમાજના ડરે અનુપ, અજય અને રાકેશ જે કહે તે પ્રમાણે શરીર સાથે રમત રમવા દેતી. એ ઓછું હોય તેમ ત્રણેય મિત્રોએ ડ્રગ્સ લેવાની અને છોકરીઓને આપવાની પણ શરૂઆત કરી. અનુપે તેના આ ઘૃણાસ્પદ કાર્યમાં હેમાને પણ સામેલ કરી. અનુપે નશીલી દવા, ડ્રગ્સ, દારૂ વગેરેનો વધારાનો જથ્થો હોસ્ટેલમાં સંતાડવાનું શરૂ કર્યુ. સમય જેમ પસાર થયો તેમ ત્રણેય મિત્રોની હિંમત પણ વધતી ગઇ. દારૂ સાથે સિગારેટ પણ સ્ત્રીઓને પીવા માટે મજબૂર કરી. સ્ટુડિયો એ લોકોના વ્યભિચારનો અડ્ડો બની ગયો હતો.

હર્ષદરાય આ વાતથી અજાણ હતા કે ત્રણેય મિત્રો શું કરી રહ્યા છે. જ્યારે તેમને ખબર પડી ત્યારે એમણે અનુપને રોકવાની કોશિશ કરી. અનુપે જવાબ આપ્યો 'શું પપ્પા તમે પણ! તમે તો કહેતા હતા કે સ્ત્રીઓને પગ નીચે રાખવાની... આનાથી વધારે કયો સારો રસ્તો હોય?' હર્ષદરાય મનમાં ખુશ થયા કે દીકરો સાચુ કહે છે. સાથે એ વિચાર પણ કાર્યો કે, શું ખરેખર દીકરો યોગ્ય કરી રહ્યો છે?

અનુપ લગ્ન થયા પછી થોડો સમય સેજલના સૌંદર્યમાં ખોવાયો હતો. જે હર્ષદરાય સહન કરી શકયા નહીં. સ્ત્રીઓ વફાદાર બની શકે નહીં એ ગ્રંથી અનુપના વિચારોમાં ઠસાવી. અનુપના બન્ને મિત્રોની મજા ઓછી થવા લાગી હતી. સેજલના મોહમાંથી અનુપને બહાર કાઢવા માટે મિત્રોએ છોકરીઓનો સહારો લીધો. રોજ અનુપને મોડા સુધી સ્ટુડિયોમાં રાખવા માટે દારૂ અને ડ્રગ્સની માત્રા વધારી. નશામાં અનુપની સામે છોકરીને ઊભી કરે એટલે ઘરે જવાનું દિવસે દિવસે મોડું થવા લાગ્યું. સેજલ મા બનવાની હતી એટલે અનુપ પણ મિત્રો અને પિતાની ઊભી કરેલી રમત સમજી શક્યો નહીં અને એ લોકોના ખેલમાં જોડયો. અનુપ અજાણ હતો કે આ રમત એના મોતના દરવાજા ખોલી રહી છે.

હર્ષદરાયની નજર અનુપના ફોટા પર પડી. માણેકરાયના ફોટાની જોડે સવિતાનો ફોટો અને બાજુમાં અનુપનો ફોટો એ દીવાલ પર મૂકેલો હતો. અનુપને જોતા હર્ષદરાયના મુખારવિંદ પર ઉદાસીની રેખા અંકિત થાય છે. સુહાસિનીની નજરમાં તરત આવે છે. એ જાણતી હતી કે એક બાપનો જીવ જુવાન દિકરાના મોતને કેટલી મુશ્કેલી પછી પણ સ્વીકારી શકતું નથી.

સુહાસિની: “અનુપના દેવલોકને આવતા અઠવાડિયે ચાર મહિના થશે.”

હર્ષદરાયને નિયતિ માટે શું પગલાં ભરવા તે વિચારવા માટે એકાંત જોઈતુ હતુ. પત્નીની વાત સાંભળી ના હોય તેમ ઉપર તેમના રૂમમાં જતા બોલે છે: “સુહાસિની, હું રૂમમાં જાઉં છું... હું ના કહું ત્યાં સુધી તું પણ ઓરડામાં આવીશ નહીં... જ્યાં સુધી નીચે પાછો ના આવું ત્યાં સુધી મને કોઈ પરેશાની ના થાય તે ધ્યાન રાખજે.”

સુહાસિની સમજી ગઈ હતી કે તેના પતિ શું કામ એકલા રહેવા માંગે છે. એણે પણ મનમાં વિચાર્યુ હતું કે, આ વખતે નિયતિની જિંદગી બરબાદ થવા દેશે નહીં. એ પણ ચોર પગલે રૂમના દરવાજા પાછળ હર્ષદરાય જુએ નહીં તે રીતે ઊભી રહે છે.

***

માધવ ઓફિસ આવીને તરત સંતોષને ફોન કરે છે.

“હલો સંતોષ, નિયતિ ક્યાં જાય છે? કોઈ અંદાજ આવ્યો તને?”

“અત્યારે તો ચોટીલા આવશે… હું એવું માનું છું કે રાજકોટ જાય છે... તને યાદ તો હશે કે નિમિતાને તેના નાના અને મામા રાજકોટથી લેવા આવ્યા હતા?”

“હા, યાદ છે. તારા પર શંકા તો નથી થઈ ને?”

“ના, નથી થઈ... ઘરે બધું ઓકે છે?”

“ખબર નથી... પપ્પા કશુંક તો કરશે મને ખબર છે... પણ શું, તે ખબર નથી... મારે તેમના ઉપર નજર રાખવી પડશે... મને ધ્યાનમાં આવે છે ત્યાં સુધી તું અને નિયતિ કોઈ દિવસ સામસામે મળ્યા નથી, બરાબરને?”

“હા, તારું અનુમાન સાચું છે... તેં આગળ શું કરીશ એ વિચાર્યુ?”

“ના, એ વિચારવા માટે અત્યારે સમય પણ નથી... મારે પપ્પા શું કરી શકે એ વિચારવું છે અને તેના માટે મારે પપ્પાની આદત પ્રમાણે વિચારવું પડશે... તું કશું પણ અજુગતું લાગે તો મને અપડેટ કરજે.”

“ઓકે”

***

હર્ષદરાય પોતાના રૂમમાં આરામ ખુરશી પર બેઠા હતા. રૂમમાં દરવાજો દીવાલની બરાબર મધ્યમાં હતો. દરવાજાની જમણી બાજુ થોડી જગ્યા છોડીને ટીવી મૂકેલું હતુ. ટીવીની સામે આરામ ખુરશી હતી. દરવાજાની ડાબી બાજુ પર રીડિંગ ટેબલ અને ખુરશી હતા. ટેબલ પૂરું થાય ત્યાં એક કબાટ હતુ જેમાં પુસ્તકો અને જરૂરી ફાઈલો હતી. કબાટ પૂરું થાય પછી થોડી જગ્યા બાદ બે દીવાલના ખૂણામાં પંચધાતુની મોટી નર્તકીની મૂર્તિ હતી. ખૂણાની બાજુની દીવાલ પર મૂર્તિ પછી થોડી જગ્યા છોડીને એક કાચનું નાનું ટેબલ હતુ. જેના ઉપર હર્ષદરાયની મોબાઈલ, ઘડિયાળ જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ દેખાતી હતી. તેની બાજુમાં મોટો ડબલબેડ હતો. બેડ પછી સાત ફૂટના અંતરે બાજુની દીવાલ પર દસ ફૂટનું વોર્ડરોબ હતુ. વોર્ડરોબ પૂરું થાય પછી થોડા અંતરે બાથરૂમનો દરવાજો હતો. દરવાજા પછી એ દીવાલ ઉપર જ મોટું ડ્રેસિંગ ટેબલ હતુ. આરામ ખુરશી અને ડ્રેસિંગ ટેબલ બન્ને સામસામે દેખાતા હતા. બન્નેની વચ્ચે મોટી જગ્યામાં સોફા મૂકેલા હતા. રૂમની ચોથી દીવાલ પર બરાબર વચ્ચે મોટા ત્રણ કાચના સ્લાઇડિંગ દરવાજા હતા, દરવાજા પછી લોખંડની મોટી જાળી હતી. તે દરવાજામાંથી બહાર મોટી બાલ્કનીમાં જવાતું હતું. રૂમની બધી દીવાલો ઉપર જુદા જુદા પેઇન્ટિંગ હતા. પણ તેમાં ટીવીની બાજુમાં દીવાલ ઉપર પોતાના હાથથી મોઢું સંતાડતી સ્ત્રીનું પેઇન્ટિંગ હતું. હર્ષદરાય આરામ ખુરશી કે સોફા પર બેઠા હોય ત્યારે તે ચિત્રને જોયા કરતા અને મનમાં ખુશ થતા. તે ખુશી એમની સ્ત્રીઓ પ્રત્યેની નફરતની સાક્ષી પૂરતું હતું. બીજી અનેક નાની-મોટી વસ્તુઓ રૂમની સુંદરતામાં વધારો કરતી હતી.

રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો. હર્ષદરાય આરામ ખુરશી પર બેઠા બેઠા નિયતિને કેવી રીતે સંકજામાં લેવી જોઈએ તે વિચાર કરતા હતા. સામે પેઇન્ટિંગ જોઈને વિચારે છે કે આ સ્ત્રી રડે છે તેવો રડવાનો મોકો પણ તને નહીં મળે. રડવાનું પણ ભૂલાવી દઈશ હું તને. મોત માટે ભીખ માંગીશ મારી પાસે, પણ મોતથી વધારે બદતર જીવન જીવવા માટે મજબૂર કરીશ તને. કોઈ વિચાર કરીને મોબાઈલ પર એક નંબર ડાયલ કરે છે.

“શંભુ, ક્યાં છે તું?”

“સર, હું ફેક્ટરીમાં છું.”

“તારે અનુપની ઓફિસમાં જવાનું છે અને માધવને ખબર ના પડે તે રીતે એક કામ કરવાનું છે.”

“સર, મને માધવભાઈએ ઓફિસમાં પગ નહીં મૂકવાનું કહ્યું છે. આપ પણ જાણો છો .”

“હા હવે બધી ખબર છે, પણ તારા સિવાય બીજા કોઈ પાસે એ કામ કરાવવું મુશ્કેલ છે.”

“એવું શું કામ આવ્યું છે સર?”

“જો શંભુ, ઓફિસમાં કામ કરતી બધી છોકરીઓની માહિતી અનુપની રૂમમાં હોય છે એ તો ખબર છે ને તને?”

“હા સર, કયા કબાટમાં બધી ફાઇલ હોય છે તે પણ ખબર છે.”

“બસ તો કામ આસાન છે, તારે એ કબાટમાંથી નિયતિ મહેતાની બધી માહિતીની ઝેરોક્ષ કાઢવાની છે... ઉપરાંત આ કામ કોઈને ઓફિસમાં ખબર ના પડે તેનું પણ ધ્યાન રાખવાનું છે.”

“સર, મને સિક્યોરિટીવાળા ઓફિસમાં અંદર જવા દેતા નથી... બધા માધવભાઈને વફાદાર છે... જો એ લોકો મને રોકે નહીં તો કામ થાય.”

“નવી સિક્યોરિટી એજન્સી માધવે જ બેસાડી છે... કોઈ ગાર્ડને પણ ફોડી શકાય તેમ નથી... ફેક્ટરી અને ઓફિસ બન્નેની વચ્ચે જે પાંચ ફૂટની દિવાલ છે તે તારે કૂદીને જવું પડશે.”

“સર, તો પછી મારે બધા ગાર્ડની નજરમાં ના આવું એ પણ જોવું પડશે.”

“હા આકાશ-પાતાળ એક કરીને પણ તારે આ કામ કરવાનું છે... થઈ જાય એટલે સીધો બંગલે આવી જજે... ના... ના... ઘરે આવતો નહીં... મને ફોન કરજે... સમજ પડી કે નહીં?”

“હા... હા... સર, ખબર પડી મને... મારે તમને ફોન કરીને વાત કરવાની છે... ઘરે આવવાનું નથી... કામ થશે એટલે ફોન કરીશ.”

આ બધી વાતચીત દરવાજા બહાર સુહાસિની સાંભળે છે. તે વાતની હર્ષદરાયને ખબર નથી. સુહાસિની તરત નીચે આવીને માધવને ફોન કરે છે.

“હા મમ્મી, બોલ પપ્પાએ શું કર્યુ?”

“બેટા, તને કેવી રીતે ખબર પડી પપ્પાની વાત કરવા માટે ફોન કર્યો છે?”

“મારી ભોળી મમ્મી, હું તને અને પપ્પાને સારી રીતે ઓળખું છું... કોણ આવ્યું હતું પપ્પાને મળવા?”

“કોઈ ઘરે નથી આવ્યું બેટા… એમણે પેલા શંભુ સાથે વાત કરી... ફોન પર... અનુપની ઓફિસમાંથી નિયતિની ફાઇલની નકલ કરવા માટે કહ્યું.”

“તું ચિંતા ના કર મમ્મી… ફાઇલમાંથી સરનામું મળશે... એ લઈને શું કરશે?”

“બેટા, બે વર્ષ પહેલાં મેં તારાથી એક વાત છુપાવી છે... તારા પપ્પા અને ભાઈની મરજી વિરુધ્ધ તેં નિમિતાને એના નાના સાથે અહીંથી જવા દીધી હતી... એ પછી પપ્પાએ શંભુ અને બીજા ચાર લોકોને રાજકોટ નિમિતાના નાનાનાં ઘરે એને મારવા માટે મોકલ્યા હતાં.”

“મમ્મી! શું બોલે છે તું! તેં મને આજ સુધી કહ્યું કેમ નહીં?”

ક્રમશ: