Tran Vikalp - 8 in Gujarati Novel Episodes by Dr Hina Darji books and stories PDF | ત્રણ વિકલ્પ - 8

ત્રણ વિકલ્પ - 8

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૮

સુહાસિની: “બેટા, એ લોકોના જતાં પહેલાં મને ખબર પડી હોત તો મેં તને ચોક્કસ કહ્યું હોત... એ લોકો ક્યારે ગયા તે મને ખબર નહોતી... એ લોકો જઈને આવ્યા પછી મને ખબર પડી હતી... એ સમયે તારા પપ્પા બહુ ગુસ્સામાં રહેતા હતા... હું ઘરમાં શાંતિ ઇચ્છતી હતી... મને નિયતિ માટે પણ એ ડર લાગે છે... એને મારવા માટે તારા પપ્પા શંભુને મોકલશે... એટલે તને કહું છું, એ ફાઇલ સંતાડી દે.”

“સારું હું કંઈક કરુ છું.” કહીને માધવ ફોન કટ કરે છે.

માધવને સાચું નથી લાગતું કે પપ્પા આ રીતે કોઈ છોકરીને મારવા માટે માણસો મોકલે. એ પણ એવી છોકરી જે મહિનાઓથી સતત બળાત્કારનો ભોગ બની હોય. ત્રણ રાક્ષસ જેવા પુરૂષોએ મહિનાઓ માટે તેને રૂમમાં બંધક બનાવી હોય, અનેક અત્યાચાર આપ્યા હોય. એવી અર્ધમરેલી છોકરીને જાનથી મારવા માટે ગુંડાઓને મોકલે. એને એક વાર ફરી પપ્પા ઉપર ગુસ્સો આવે છે. ‘પપ્પા એવી તો શું તકલીફ છે તમને કે, સ્ત્રીઓને ઢોર પણ સમજતા નથી? માણસ તેના પાળેલા જાનવરની પણ દરકાર લેતા હોય છે.’ માધવને બીજી એ વાત પરેશાન કરતી હતી કે એ જાણતો પણ નથી કે રાજકોટ શું થયું હતું. નિમિતા આ દુનિયામાં હતી કે નહીં? શું નિયતિ એની બહેનના મોતનો બદલો લેવા આવી હતી?

માધવ એના ભાઈની ઓફિસમાં જઈને નિયતિની ફાઇલ કાઢે છે. સરનામું વાંચે છે. ચહેરા પર રહસ્યમય હાસ્ય પ્રસરે છે. નિયતિ સાથેની એક વાતચીત યાદ આવે છે.

“નિયતિ, હું કાલે મુંબઈ જવાનો છું... તારે તારા મમ્મી-પપ્પાને મળવું હોય તો ચાલ મારી સાથે.”

“નહીં સર હવે મારા પપ્પા રાજકોટ રહે છે... મોટાભાઇ અને દીદી કેનેડા રહે છે... હવે મુંબઈ કોઈ રહેતું નથી.”

“પણ તારો જન્મ મુંબઈમાં થયો છે ને? મેં તારા સર્ટિફિકેટ જોયા... તારો પૂરો અભ્યાસ મુંબઇનો છે.”

“હું જ્યારે SSCમાં આવી તે સમયે અમે મુંબઈ સિફ્ટ થયા હતા... તેના પહેલાં અમે રાજકોટ રહેતા હતા... મારા નાનાનો રાજકોટમાં રેડિમેડ કપડાનો શોરૂમ હતો... પપ્પા શોરૂમનું બધું કામ નાના પાસેથી શીખ્યા હતા... મૂંબઈમાં પણ પપ્પાએ એવો જ એક શોરૂમ કર્યો હતો... બે વર્ષ પહેલાં નાના દેવલોક થયા... ભાઈ અને બહેન ફોરેન જતાં રહ્યાં... પપ્પાએ મામાને મદદ થાય એટલે રાજકોટ પાછા આવવાનો નિર્ણય લીધો... મુંબઈનો ફ્લેટ અને શોરૂમ સારી કિંમત મળતા વેચી દીધો... મુંબઈ સાથે બે વર્ષ અગાઉ દાણાપાણી પુરા થયા."

માધવ ફાઇલ કેબિનેટમાં નિયતિની ફાઇલ પાછી મૂકીને મનમાં બોલે છે, 'પપ્પા આ સરનામા પર શંભુને મોકલો. તમને થોડા દિવસ શાંત રાખવા માટેનો રસ્તો તમે જ મને શોધી આપ્યો. શંભુ મુંબઈ જઈને ધોયેલાં મૂળા જેવો પાછો આવશે ત્યાં સુધી હું બીજો કોઈ માર્ગ શોધી લઇશ.'

***

માધવ જોડે વાત કર્યા પછી સંતોષ વિચારે છે કે બન્ને ભાઇઓમાં કેટલો વિરોધાભાસ છે. મોટો ભાઇ સ્ત્રીઓને તમામ પ્રકારની તકલીફ આપીને પણ ખુશ રહી શકતો નહોતો. પત્નીની કદર નહોતી. ફેક્ટરી અને ઓફિસનાં કામમાં કોઇ રસ નહોતો. કર્મચારીઓની સાથે વાત પણ કરતો નહોતો. આખો દિવસ નશામાં રહેતો અને પૈસા ઉડાવતો. અનેક પ્રકારના વ્યસન હતા. શેતાની મગજમાં માત્ર વાસના પૂરી કરવા માટે અતિશય ઘૃણાસ્પદ વિચારો રહેતા. જ્યારે નાનો ભાઇ સ્ત્રીઓની ઇજ્જત કરે છે. સ્ત્રીઓને કોઇ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખે છે. દરેક કર્મચારી સાથે મિલનસાર છે. બન્ને કંપનીની સફળતા માટે દિવસ-રાત મહેનત કરે છે. દિલ્લીમાં નવી ફેક્ટરી ચાલુ કરી. મુંબઇમાં વધુ એક ફેક્ટરી શરૂ કરવા માટે કામ કરે છે. પોતાના પ્રેમને મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. કોઈ પણ પ્રકારના નશાની આદત નથી.

ભગવાન તમે પણ કેવી મનુષ્યવૃત્તિ આ દુનિયામાં રહેતા મનુષ્યોને આપી છે. એક પરિવારના સભ્યોમાં વિચારસરણી અને વર્તન જુદાં જુદાં હોય તે સાંભળ્યું હતું એ જોઈ પણ લીધું. ઈશ્વરે એક દુનિયા બનાવી છે પણ માણસ નામનું પ્રાણી પોતાની અલગ દુનિયા વસાવા માટે કેટલા સારા અને ખરાબ કર્મો કરે છે. એ કર્મોના આધારે દરેકને ફળ મળે છે. અનુપને કર્મ પ્રમાણે કમોત મળ્યું. બસ મારે હવે મારી પ્રિયતમાને ખુશ રાખવી છે. એને હું સવિતા-વિલાસના નર્કમાંથી મારા સ્વર્ગ જેવા સંસારમાં લાવીને રહીશ.

વિચાર કરતા સંતોષની નજર થોડી થોડી વારે મોબાઈલની સ્ક્રિન ઉપર ફરતી રહે છે, એને સેજલના ફોનની આતુરતા છે. આ ચાર વર્ષમાં જે પોતે કરી શક્યો નહોતો તે કરવાનો મોકો માધવે આપ્યો હતો. સંતોષ અને સેજલ એકબીજાને પ્રેમ કરતાં હતાં. ચાર વર્ષથી સેજલ સાથે મન ભરીને વાત કરી નહોતી. અનુપના દેહાંત પછી એને સેજલની ચિંતા થતી હતી. અનુપ અને સેજલના લગ્ન સમયે હું માધવના સંપર્કમાં આવ્યો હોત, તો એ લગ્ન ચોક્કસ રોકી શકત. સેજલની સાથે પરણીને બન્ને સુખી થયા હોત.

સંતોષના પપ્પા હર્ષદરાયની ફેકટરીમાં કામ કરતા હતા. સંતોષે BBAનો અભ્યાસ પૂરો કર્યો પછી પપ્પાની ઇચ્છાથી ફેક્ટરીમાં નોકરી ચાલુ કરી હતી. નોકરીના પ્રથમ દિવસે સેજલ એને કામ કરતો જોવા ઓફિસ આવી હતી. એ જ દિવસે અનુપે સેજલને જોઈ હતી. સેજલે પોતાના પ્રેમનો ત્યાગ કરીને અનુપ સાથે લગ્ન કર્યા. સંતોષ અને સેજલનું લગ્ન કરવાનું સ્વપ્ન આ રીતે ખેદાન-મેદાન થશે એ બન્નેમાંથી કોઈને અણસાર નહોતો. સંતોષનું મન નોકરીમાં લાગતુ નહોતુ. એ મન મારીને નોકરી કરતો. માધવે દિલ્લીમાં ‘સવિતા કોસ્મેટિક્સની’ બીજી ફેક્ટરી ચાલુ કરી ત્યારે સંતોષને એની સાથે દિલ્લી આવવા માટે કહ્યુ. સંતોષને દૂર જવાનો મોકો મળ્યો. એ દિલ્લીની ફેક્ટરીની જવાબદારી લઈને ત્યાં જ રહેવા લાગ્યો હતો.

મોબાઇલમાં સેજલની રીંગ આવે છે.

"સેજુ, ક્યારનો તારા ફોનની રાહ જોવું છું?"

“હવે એકલી પડી તો ફોન કર્યો.”

"સેજુ, તું મજામાં છું?"

"શું બોલું! છેલ્લા ચાર વર્ષથી બહુ મજામાં છું! દિલ્લીથી ક્યારે આવ્યો?"

"કાલે... આવ્યો ને તરત માધવે નિયતિ ક્યાં જાય છે તે જોવા એની પાછળ જવાનું કહ્યું."

"દિલ્લી તને સદી ગયું એ જોઈને મને ખુશી થઈ... સવારે બરાબર વાત થઇ નહોતી... નિયતિ અને નિમિતા બહેનો છે એ સાચું છે?"

"હા નિયતિએ જ માધવને હકીકત જણાવી."

"શું લાગે છે? તને માધવે બધી બાબત જણાવી છે?"

"ના માધવ હજુ કંઇક છુપાવી રહ્યો છે... નિયતિ અહીંની બધી સ્થિતિ જાણ્યા વગર આવી હોય એવું મને લાગતું નથી."

"મને પણ એવું જ લાગે છે... અનુપ, અજય અને રાકેશના આકસ્મિક મૃત્યુ નિયતિના આવ્યા પછી થયા છે... નિયતિ એની બહેનનો બદલો લેવા આવી હતી એ સ્પષ્ટ લાગે છે મને, તારું મંતવ્ય શું છે?"

"બની શકે છે કે તું અને હું જે વિચારીએ છે તે સાચું હશે! અનુપના મૃત્યુ માટે નિયતિ જવાબદાર હોય તો તું શું કરીશ?"

"કંઇ નહીં... અનુપના અવસાનનું મને દુ:ખ છે... પરંતુ એણે જે પ્રકારે સ્ત્રીઓની જિંદગી બરબાદ કરી છે એ જોઇને હું નિયતિને કોઇ સજા નહીં કરું... નિમિતાની દશા જોઇને મને જ એક વાર થયું હતું કે અનુપનું ગળું દબાવીને મારી નાખું... એંજલ ના હોત તો એ કામ મેં બહું વહેલાં કર્યુ હોત... જો નિયતિએ કોઈ ગુનો કર્યો હશે તો પોલીસ અને કાયદો તેને સજા આપશે."

“નિયતિ તારી સામે આવશે તો શું કરીશ?”

“શું કરીશ! અત્યારે તો એનો આભાર માનું છું... તને ખબર છે! રોજ રાત્રે અનુપ મારા શરીર ઉપર પતિ તરીકેનો હક્ક કરતો… મારી મરજી છે કે નહીં તે પૂછવાની પણ જરૂર સમજતો નહોતો... બસ એક જ કામ સંભોગ... સંભોગ... સંભોગ... ત્યારે એના શરીરમાંથી નવી-નવી લેડિઝ-સેન્ટની સુગંધ આવતી... દિવસે જે છોકરીને મજબૂર કરીને મજા લીધી હોય તે છોકરીનું નામ એ નશામાં મારી સામે રાતે બોલતો... ઊંઘમાં કપડાં કાઢ, સિગારેટ પી, ડ્રગ્સ લે, દારૂ પી, મને ખુશ કર એવા શબ્દો બોલતો... એના એ શબ્દો મારા અંતરને રોજ અસંખ્ય જખમ આપતા... આ ઘરમાં દરેક દિવસ અને રાત ગૂંગળાઇને કાઢ્યા છે... હા એક વાત ખુલ્લા દિલથી તને કહીશ... છેલ્લા છ મહિનાથી ખુશ છું...”

આટલું બોલતા સેજલની આંખોમાં આંસુ આવ્યા તે સંતોષને ખબર પડી. એણે સેજલને ના રડીશ એમ પણ ના કહ્યું. એક વાર જીવ ભરીને રડી લીધા પછી અનેરી શાંતિનો અનુભવ થાય છે. સંતોષ પણ એવું વિચારે છે કે સેજલ ના દિલમાં જેટલી પણ વેદના છે તે બધી આજે ઠાલવી દે.

સેજલ: “હું પણ કેવી વાત લઈને બેઠી... મારી છોડ... તારું બોલ... તે લગ્ન કેમ નથી કર્યા?"

"તારા જેવી બીજી કોઇ મળી નહીં... તું કરીશ?"

સેજલ આ પ્રશ્નની રાહ જોતી હતી. એ ‘હા’ જવાબ આપવા માટે વ્યાકુળ થાય છે પણ હર્ષદરાયનો સ્વભાવ યાદ આવતા હોઠો પર મૌન આવે છે.

સંતોષ જવાબ જાણતો હતો શું હશે, સાથે સમજતો પણ હતો કે સેજલ એના પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં: “સેજુ, તેં મને જવાબ ના આપ્યો?"

"હર્ષદરાયના પરિવારની પુત્રવધુ પારકા પુરૂષ સાથે વાત કરવા પણ સ્વતંત્ર નથી... તું ભૂલી ગયો?"

"નથી ભૂલ્યો, તું ‘હા’ કે ‘ના’ તો કહી જ શકે છે!"

બન્ને એકબીજાના હ્રદયના ધબકારા ફોન ઉપર પણ સાંભળી શકે છે.

સેજલ: "અત્યારે હું કોઇ જવાબ આપી શકીશ નહીં!"

"હું, રાહ જોઇશ... મને તારા જવાબની આતુરતા રહેશે... રાજકોટ શહેર આવી ગયું છે... સિટીમાં ચાલુ ગાડીમાં.. વાત કરતા ટ્રાફિક પોલીસ.. જોશે તો મને.. દંડ.. કરશે... એટલા બધા રૂપિયા મારી પાસે નથી.. તો એ લોકો.. મને પોલીસ-સ્ટેશન લઈ જશે... તો જાણીને ફરી તું રડીશ... તો......."

સેજલ હસતા હસતા બોલે છે: “બસ સંતોષ, ગાંડો થયો છે કે શું! બસ બોલ્યા કરે છે.”

“સેજુ, બસ આ હાસ્ય હાવે તારા ચહેરા પરથી ગાયબ ના થવા દઇશ... મને તારો ફૂલગુલાબી અને તોફાની હાસ્ય કરતું મુખડું ગમે છે... કાલે શક્ય બને તો ફોન કરજે... કાલે જ શું કામ! તું જ્યારે ફોન કરી શકે ત્યારે કરજે... હું આખી જિંદગી રાહ જોઈશ... આજીવન વાત કરવા તૈયાર છું... જવાબ આપવામાં બહુ સમય ના લઇશ, પ્લીઝ.”

ફોન મુકાઇ ગયા પછી સંતોષનું હ્રદય શાંત થાય છે. મનમાં બોલે છે: ‘સેજુ તારા દુ:ખનાં દિવસો પૂરા થયા, તારા જીવનમાં ખુશીઓના હિલોળા કોઇ અટકાવી શકશે નહીં.’ સેજલની આંખોમાં અશ્રુઓની ધારા વહે છે. ચાર વર્ષથી જીવનમાં એકાંત હોવાછતાં રડી શકી નહોતી, આજે ધૈર્ય ખૂટી ગયું હતું. થોડીવાર પછી એ અરિસા સામે આવે છે. સ્વચ્છ થયેલી નિર્મલ આંખો કહે છે: ‘તારૂ સાચું અસ્તિત્વ હવે સ્પષ્ટ જોઇ શકીશ; બસ થોડો સમય છે, સહુ સારાવાના થવાનો સમય હવે નજીક છે.’

***

નિયતિ ગાડી રાધા-સદનનાં ગેટની અંદર લેવાનું કહે છે. સંતોષ પોતાની કાર રાધા-સદનનાં ગેટથી દૂર કોઈ જોઈ શકે નહીં એવી રીતે ઊભી રાખે છે. ગેટથી અંદર પાર્કિંગની જમણી બાજુ નાનો ગાર્ડન છે. ગાર્ડન જોઈને નિયતિની આંખમાં પાણી આવે છે. બાગમાં વચ્ચે નાનું લીમડાનું ઝાડ હતું. એ ઝાડની નીચે વેકેશનમાં બન્ને બહેનો નાનાની સાથે ગમ્મત અને દુનિયાભરની વાતો કરતા. સાથે રાજેશમામાનો દીકરો મયુર પણ મસ્તી કરતો. વિવિધ પ્રકારના ફૂલોની વચ્ચે એ દિવસોમાં બાગમાં એક નવી ઉર્જાનો અનુભવ થતો. આજે એ બાગ નિયતિને નિસ્તેજ લાગે છે.

ગાડીનો અવાજ સાંભળીને કાન્તા અધીરા જીવ સાથે બહાર આવે છે: “આરૂ, બેટા આવી ગઈ!” નિયતિ નાનીને પગે લાગવા જાય છે ત્યાં તો કાન્તા ગેટની બહાર દોડે છે. ઘરની બહાર આજુ-બાજુ દૂર દૂર નજર દોડાવે છે. દોડતી પાછી આવે છે: “આરૂ, જલ્દી અંદર ઘરમાં ચાલ!” નિયતિનો જે સામાન હાથમાં આવે છે તે ઉપાડીને અંદર જવા દોડે છે: ”અરે કાશી, આરૂનો બધો સામાન જલ્દી ઘરમાં લઈને આવ અને ગાડી બહાર જાય એટલે ઝાંપો બંધ કર.”

નિયતિ બોખલયેલી કાન્તાને એકાએક ભેટી પડે છે: “નાની શું કરો છો? શાંત થાઓ... કાશી, કોઈ ઉતાવળ નથી... તું શાંતિથી સામાન લઈને અંદર આવ.”

કાન્તા હજી પણ અધીરા જીવે બોલે છે: “આરૂ, બેટા તારી પાછળ કોઈ આવ્યું તો! બેટા... તને ડર નથી લાગતો?”

“નાની મારી પાછળ કોઈ નથી આવ્યું... તમે ચિંતા નાં કરો... મને માધવ ઉપર પૂરો વિશ્વાસ છે... એ આપણને કોઈ નુકસાન થાય તેવું એના પપ્પાને કરવા દેશે નહીં... ચાલો અંદર મને ખબર છે, મારી રાહ જોઈને ઘરમાં કોઈ જમ્યા નથી... મને પણ બહુ ભૂખ લાગી છે.”

નિયતિ અને કાન્તા ઘરમાં જાય છે. પણ નિયતિના દિલમાં એક પ્રશ્ન ઉત્તપન્ન થાય છે ‘શું હર્ષદરાય સત્ય જાણીને આ વખતે પણ ગુંડાઓને મોકલાશે?’

ક્રમશ:

Rate & Review

Bhakti Makwana

Bhakti Makwana 11 months ago

Harsh Parmar

Harsh Parmar Matrubharti Verified 1 year ago

Lalo

Lalo 1 year ago

Krishna

Krishna 1 year ago

Kandarp

Kandarp 1 year ago